અયૂબ ૩૯:૧-૩૦

  • પ્રાણીઓનું સર્જન જાહેર કરે છે કે માણસ કેટલું ઓછું જાણે છે (૧-૩૦)

૩૯  “શું તું જાણે છે, પહાડી બકરી ક્યારે બચ્ચાને જન્મ આપે છે?+ શું તેં ક્યારેય હરણીને બચ્ચું જણતા જોઈ છે?+  ૨  તું ગણી શકતો હોય તો કહે, તેઓ બચ્ચાને કેટલા મહિના ગર્ભમાં રાખે છે? તેઓ કયા સમયે બચ્ચું પેદા કરે છે, એ શું તું જાણે છે?  ૩  તેઓ નીચે નમીને બચ્ચાને જન્મ આપે છે,પછી તેઓની પ્રસવપીડાનો અંત આવે છે.  ૪  તેઓનાં બચ્ચાં ખુલ્લા મેદાનમાં ઉછરે છે અને તાજાં-માજાં થાય છે,પછી એ બચ્ચાં જતાં રહે છે અને પાછાં ફરતાં નથી.  ૫  જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે?+ એનાં બંધનો કોણે છોડી નાખ્યાં છે?  ૬  મેં રણપ્રદેશને એનું ઘરઅને ખારાપ્રદેશને એનું રહેઠાણ બનાવ્યું છે.  ૭  શહેરમાં થતા કોલાહલને એ ધિક્કારે છેઅને હાંકનારનો અવાજ એ સાંભળતો નથી.  ૮  ઘાસની શોધમાં એ ટેકરીઓ ખૂંદી વળે છે,અને દરેક લીલા છોડની શોધમાં ભટકે છે.  ૯  શું જંગલી સાંઢ કદી તારી સેવા કરશે?+ શું એ તારા તબેલામાં* રાત વિતાવશે? ૧૦  શું તું એને દોરડાંથી બાંધીને ખેતરમાં ચાસ પડાવી શકે? શું ખીણ ખેડવા* એ તારી પાછળ પાછળ આવશે? ૧૧  શું તું એની પ્રચંડ તાકાત પર આધાર રાખીશ? શું તારું ભારે કામ એને કરવા દઈશ? ૧૨  તારી ફસલ* ઘરે લાવવા શું તું એના પર ભરોસો રાખીશ? શું એ તારું અનાજ ખળીએ* લઈ જશે? ૧૩  શાહમૃગ આનંદથી પોતાની પાંખો ફફડાવે છે,પણ બગલાની સરખામણીમાં એનાં પીછાં અને પાંખની શી વિસાત?+ ૧૪  શાહમૃગ પોતાનાં ઈંડાં જમીન પર મૂકે છે,અને માટીમાં એને સેવે છે. ૧૫  એ ભૂલી જાય છે કે કોઈના પગ નીચે એ કચડાઈ જશે,અથવા કોઈ જંગલી જાનવર એને ખૂંદી નાખશે. ૧૬  પોતાનાં બચ્ચાં પારકાં હોય એમ એ કઠોરતાથી વર્તે છે;+તેઓનો ઉછેર નકામો જશે એવી એને કંઈ પડી નથી, ૧૭  કેમ કે ઈશ્વરે એને બુદ્ધિ આપી નથી,*અને સમજણ એનાથી દૂર રાખી છે. ૧૮  પણ જ્યારે એ પોતાની પાંખો ફફડાવીને દોડે છે,ત્યારે એ ઘોડા અને એના સવાર પર હસે છે. ૧૯  શું તું ઘોડાને બળ આપે છે?+ શું તું એની ગરદનને ફરફરતી કેશવાળીથી ઢાંકે છે? ૨૦  શું તેં એને તીડની જેમ કૂદકો મારવાનું શીખવ્યું છે? એના નાકના સુસવાટાનો અવાજ તો ભયંકર છે.+ ૨૧  એ ખીણમાં પગ પછાડે છે અને જોશભેર કૂદે છે;+એ રણભૂમિમાં* ધસી જાય છે.+ ૨૨  એ ડરની સામે હસે છે અને કશાથી બીતો નથી.+ એ તલવાર જોઈને પીછેહઠ કરતો નથી. ૨૩  એની એક બાજુએ બાણથી ભરેલો ભાથો ખખડે છે,ભાલો અને બરછી ચમકે છે. ૨૪  અધીરો બનીને જુસ્સામાં એ પૂરઝડપે અંતર કાપે છે,*રણશિંગડું વાગે ત્યારે એને રોકવો મુશ્કેલ બને છે.* ૨૫  રણશિંગડું ફૂંકાય ત્યારે એ કહે છે, ‘વાહ!’ દૂરથી જ એને લડાઈની ખૂશબૂ આવે છે,યુદ્ધનો લલકાર અને સેનાપતિઓની બૂમો સંભળાય છે.+ ૨૬  શું બાજ પક્ષી તારી સમજણથી ઊંચે ઊડે છેઅને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે? ૨૭  શું ગરુડ તારા હુકમથી આકાશમાં ઊંચે ઊડે છે+અને પોતાનો માળો ઊંચાઈ પર બાંધે છે?+ ૨૮  શું એ તારી આજ્ઞાથી ઊંચી ભેખડો પર રાત વિતાવે છેઅને પહાડોની ટોચને પોતાનો ગઢ બનાવે છે? ૨૯  ત્યાંથી એ પોતાનો ખોરાક શોધે છે;+એની નજર દૂર દૂર સુધી પહોંચે છે. ૩૦  એનાં બચ્ચાં લોહી ચૂસે છે;જ્યાં મડદાં હોય, ત્યાં તેઓ પહોંચી જાય છે.”+

ફૂટનોટ

અથવા, “ગભાણમાં.”
અથવા, “ખીણની જમીન તૈયાર કરવા.”
મૂળ, “દાણા.”
મૂળ, “બુદ્ધિ ભુલાવી દીધી છે.”
મૂળ, “હથિયારને મળવા.”
મૂળ, “જમીનને ગળી જાય છે.”
અથવા કદાચ, “એને માનવામાં આવતું નથી.”