ઉત્પત્તિ ૨૯:૧-૩૫
૨૯ પછી યાકૂબે પોતાની મુસાફરી આગળ વધારી અને તે પૂર્વના દેશમાં આવી પહોંચ્યો.
૨ ત્યાં તેણે મેદાનમાં એક કૂવો જોયો. મોટા ભાગે ભરવાડો એ કૂવામાંથી ટોળાંને પાણી પાતા હતા. એ કૂવાના મોં પર મોટો પથ્થર મૂકેલો હતો અને ત્યાં ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં.
૩ બધાં ટોળાં ભેગાં થતાં ત્યારે, ભરવાડો કૂવાના મોં પરથી પથ્થર હટાવતા, ટોળાંને પાણી પાતા અને કૂવાને પથ્થરથી ફરી ઢાંકી દેતા.
૪ યાકૂબે ભરવાડોને પૂછ્યું: “ભાઈઓ, તમે ક્યાંના છો?” તેઓએ જવાબ આપ્યો: “અમે હારાન શહેરના છીએ.”+
૫ તેણે તેઓને પૂછ્યું: “શું તમે નાહોરના પૌત્ર+ લાબાનને ઓળખો છો?”+ તેઓએ કહ્યું: “હા, ઓળખીએ છીએ.”
૬ યાકૂબે પૂછ્યું: “શું તે ઠીક છે?” તેઓએ કહ્યું: “હા, તે ઠીક છે. જો! તેની દીકરી રાહેલ+ ઘેટાં લઈને આવી રહી છે.”
૭ તેણે કહ્યું: “તમે ટોળાંને આટલા જલદી કેમ વાડામાં લઈ જાઓ છો? હજી તો બપોર જ થઈ છે. તેઓને પાણી પિવડાવો અને થોડી વાર ચરાવવા લઈ જાઓ.”
૮ તેઓએ કહ્યું: “જ્યાં સુધી બધાં ટોળાં ભેગાં ન થાય, ત્યાં સુધી કૂવાના મોં પરથી પથ્થર હટાવવાની અમને મનાઈ છે. બધાં ટોળાં ભેગાં થાય પછી જ પથ્થર હટાવીને અમે ઘેટાંને પાણી પાઈ શકીએ છીએ.”
૯ યાકૂબ તેઓ સાથે વાત કરતો હતો, એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને ત્યાં આવી પહોંચી. તે એક ઘેટાંપાળક હતી.
૧૦ યાકૂબે પોતાના મામા લાબાનની દીકરી રાહેલને અને તેનાં ઘેટાંને જોયાં. તે ઉતાવળે કૂવા પાસે ગયો. તેણે કૂવાના મોં પરથી પથ્થર હટાવીને લાબાનનાં ઘેટાંને પાણી પાયું.
૧૧ પછી યાકૂબે રાહેલને ચુંબન કર્યું* અને તે પોક મૂકીને રડ્યો.
૧૨ તેણે રાહેલને જણાવ્યું કે, તે લાબાનનો સગો* અને રિબકાનો દીકરો છે. પછી રાહેલ પોતાના પિતા પાસે દોડી ગઈ અને તેને બધું જણાવ્યું.
૧૩ લાબાને+ પોતાના ભાણિયા યાકૂબ વિશે સાંભળ્યું ત્યારે, તે તેને મળવા દોડી ગયો. લાબાને તેને ભેટીને ચુંબન કર્યું અને તેને ઘરે લઈ આવ્યો. યાકૂબે પોતાની સાથે જે બધું બન્યું હતું એ લાબાનને જણાવ્યું.
૧૪ લાબાને તેને કહ્યું: “તું સાચે જ મારો સગો છે.”* પછી તે લાબાન સાથે આખો મહિનો રહ્યો.
૧૫ પછી લાબાને યાકૂબને કહ્યું: “તું મારો સગો* છે,+ પણ એનો અર્થ એ નથી કે તું મફતમાં મારી ચાકરી કરે. બોલ, તું કેટલી મજૂરી લઈશ?”+
૧૬ હવે લાબાનને બે દીકરીઓ હતી. મોટીનું નામ લેઆહ અને નાનીનું નામ રાહેલ.+
૧૭ લેઆહની આંખોમાં કોઈ જ ચમક ન હતી,* જ્યારે કે રાહેલ ખૂબ જ સુંદર અને દેખાવડી હતી.
૧૮ યાકૂબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે લાબાનને કહ્યું: “તમારી નાની દીકરી રાહેલ માટે હું સાત વર્ષ તમારી ચાકરી કરવા તૈયાર છું.”+
૧૯ લાબાને કહ્યું: “મારી દીકરી બીજા કોઈ માણસને આપવા કરતાં તને આપવી વધારે સારું છે. તું મારી સાથે જ રહેજે.”
૨૦ યાકૂબે રાહેલ માટે સાત વર્ષ ચાકરી કરી.+ રાહેલના પ્રેમમાં હોવાથી તેને એ વર્ષો થોડા દિવસો જેવાં જ લાગ્યાં.
૨૧ યાકૂબે લાબાનને કહ્યું: “નક્કી કરેલો સમય પૂરો થયો છે. મને તમારી દીકરી આપો, જેથી તે મારી પત્ની બને.”*
૨૨ એટલે લાબાને ત્યાંના બધા માણસોને ભેગા કર્યા અને એક મોટી મિજબાની આપી.
૨૩ સાંજના સમયે તે પોતાની દીકરી લેઆહને યાકૂબ પાસે લાવ્યો, જેથી યાકૂબ તેની સાથે જાતીય સંબંધ બાંધે.
૨૪ લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.+
૨૫ યાકૂબે સવારે જોયું તો, તે લેઆહ હતી! એટલે તેણે લાબાનને કહ્યું: “તમે મારી સાથે આવું કેમ કર્યું? શું મેં રાહેલ માટે ચાકરી કરી ન હતી? તમે મને કેમ છેતર્યો?”+
૨૬ લાબાને કહ્યું: “અહીંયા મોટી દીકરી પહેલાં નાનીને પરણાવવાનો રિવાજ નથી.
૨૭ લેઆહ સાથે આખું અઠવાડિયું વિતાવ. પછી બીજાં સાત વર્ષની ચાકરીના બદલામાં હું તને રાહેલ પણ આપીશ.”+
૨૮ યાકૂબે એમ જ કર્યું અને લેઆહ સાથે અઠવાડિયું વિતાવ્યું. પછી લાબાને તેને રાહેલ સાથે પણ પરણાવ્યો.
૨૯ લાબાને પોતાની દાસી બિલ્હાહ+ રાહેલને દાસી તરીકે આપી.+
૩૦ પછી યાકૂબે રાહેલ સાથે પણ જાતીય સંબંધ બાંધ્યો. યાકૂબ લેઆહ કરતાં રાહેલને વધારે પ્રેમ કરતો હતો. તેણે રાહેલ માટે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી.+
૩૧ યહોવાએ જોયું કે યાકૂબ લેઆહને પ્રેમ નથી કરતો* ત્યારે તેમણે લેઆહનું ગર્ભસ્થાન ઉઘાડ્યું,+ પણ રાહેલ વાંઝણી રહી.+
૩૨ લેઆહ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ રૂબેન* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મારું દુઃખ જોયું છે+ અને હવે મારો પતિ મને જરૂર પ્રેમ કરશે.”
૩૩ તે ફરી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “મારો પતિ મને પ્રેમ કરતો નથી. યહોવાએ મારી એ ફરિયાદ સાંભળીને મને આ દીકરો આપ્યો છે.” એટલે તેણે તેનું નામ શિમયોન* પાડ્યું.+
૩૪ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું: “હવે મારો પતિ મને વળગી રહેશે, કેમ કે મેં તેને ત્રણ દીકરા આપ્યા છે.” એટલે તેણે તેનું નામ લેવી* પાડ્યું.+
૩૫ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” એટલે તેણે તેનું નામ યહૂદા* પાડ્યું.+ પછી તેને બાળકો થવાનું બંધ થયું.
ફૂટનોટ
^ કોઈને ચુંબન કરવું એ અભિવાદન કરવાની એક રીત હતી, જેમ કે ગાલ પર.
^ મૂળ, “ભાઈ.”
^ મૂળ, “મારું હાડ-માંસ છે.”
^ મૂળ, “ભાઈ.”
^ મૂળ, “લેઆહની આંખો નબળી હતી.”
^ મૂળ, “હું તેની સાથે સંબંધ બાંધું.”
^ મૂળ, “નફરત કરે છે.”
^ અર્થ, “જુઓ, દીકરો!”
^ અર્થ, “સાંભળવું.”
^ અર્થ, “સ્તુતિ; સ્તુતિને પાત્ર.”