નિર્ગમન ૧૯:૧-૨૫
૧૯ ઇજિપ્તમાંથી નીકળ્યા એના ત્રીજા મહિને ઇઝરાયેલીઓ સિનાઈના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા.
૨ તેઓ રફીદીમથી નીકળ્યા+ એ જ દિવસે સિનાઈના વેરાન પ્રદેશમાં આવ્યા. ત્યાં તેઓએ પર્વત આગળ છાવણી નાખી.+
૩ પછી મૂસા પર્વત પર સાચા ઈશ્વર પાસે ગયો. યહોવાએ પર્વત પરથી+ તેની સાથે વાત કરી: “તું યાકૂબના વંશજોને અને ઇઝરાયેલીઓને કહેજે,
૪ ‘તમે નજરોનજર જોયું છે કે ઇજિપ્તના લોકોના મેં કેવા હાલ કર્યા છે.+ જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે, તેમ હું તમને ઉપાડીને મારી પાસે લઈ આવ્યો છું.+
૫ આખી પૃથ્વી મારી છે.+ જો તમે મારું સાંભળશો અને મારો કરાર* પૂરી રીતે પાળશો, તો બધી પ્રજાઓમાંથી તમે મારી ખાસ સંપત્તિ* બનશો.+
૬ તમે મારા માટે યાજકોનું રાજ્ય અને પવિત્ર પ્રજા બનશો.’+ તું એ શબ્દો ઇઝરાયેલીઓને કહેજે.”
૭ મૂસાએ નીચે જઈને લોકોના વડીલોને ભેગા કર્યા. પછી યહોવાએ તેને જે જણાવ્યું હતું એ બધું તેણે તેઓને કહ્યું.+
૮ એ સાંભળીને એ લોકો એકમતે બોલી ઊઠ્યા: “યહોવાએ જે કંઈ કહ્યું છે, એ બધું અમે રાજીખુશીથી કરીશું.”+ લોકોની એ વાત મૂસાએ યહોવાને જણાવી.
૯ યહોવાએ તેને કહ્યું: “જો! હું કાળા વાદળમાં તારી પાસે આવીશ, જેથી હું તારી સાથે વાત કરું ત્યારે લોકો એ સાંભળે અને તારામાં પણ હંમેશાં ભરોસો મૂકે.” પછી મૂસાએ લોકોની વાત યહોવાને જણાવી.
૧૦ યહોવાએ મૂસાને કહ્યું: “લોકો પાસે જા. તેઓને આજે અને આવતી કાલે શુદ્ધ કર અને તેઓ પોતાનાં કપડાં ધૂએ.
૧૧ તેઓ ત્રીજા દિવસ માટે તૈયાર રહે, કેમ કે એ દિવસે યહોવા સર્વ લોકોના દેખતાં સિનાઈ પર્વત પર ઊતરી આવશે.
૧૨ તું પર્વતની ચારે બાજુ લોકો માટે હદ ઠરાવ અને તેઓને કહેજે, ‘ધ્યાન રાખજો, પર્વત પર ચઢતા નહિ કે એને અડતા પણ નહિ. જે કોઈ પર્વતને અડશે તે માર્યો જશે.
૧૩ એ ગુનો કરનારને કોઈએ અડવું નહિ, પણ તેને પથ્થરે અથવા વીંધીને* મારી નાખવો, પછી ભલે એ પ્રાણી હોય કે મનુષ્ય. એને જીવતો રાખવો નહિ.’+ પણ રણશિંગડાનો* અવાજ સંભળાય ત્યારે,+ લોકો પર્વત પાસે આવી શકશે.”
૧૪ પછી મૂસા પર્વત પરથી ઊતરીને લોકો પાસે ગયો અને તેઓને શુદ્ધ* કરવા લાગ્યો. લોકોએ પોતાનાં કપડાં ધોયાં.+
૧૫ તેણે લોકોને કહ્યું: “ત્રીજા દિવસ માટે તૈયાર થાઓ. જાતીય સંબંધ બાંધતા નહિ.”*
૧૬ ત્રીજા દિવસે સવારે ગર્જના અને વીજળીઓ થવા લાગી અને પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું.+ પછી રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. એનાથી સર્વ લોકો છાવણીમાં થરથર કાંપવા લાગ્યા.+
૧૭ લોકો સાચા ઈશ્વરને મળી શકે માટે મૂસા તેઓને છાવણીમાંથી બહાર લઈ આવ્યો. તેઓ બધા પર્વતની તળેટી પાસે ઊભા રહ્યા.
૧૮ યહોવા અગ્નિ દ્વારા સિનાઈ પર્વત પર ઊતર્યા,+ એટલે આખો પર્વત ધુમાડાથી ભરાઈ ગયો. એ ધુમાડો ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ ઉપર ચઢતો હતો અને આખો પર્વત ધ્રૂજતો હતો.+
૧૯ રણશિંગડાનો અવાજ વધતો ને વધતો ગયો તેમ, મૂસા બોલ્યો અને સાચા ઈશ્વરે મોટા અવાજે તેને જવાબ આપ્યો.
૨૦ આમ યહોવા સિનાઈ પર્વતની ટોચ પર ઊતર્યા. પછી યહોવાએ મૂસાને પર્વતની ટોચ પર બોલાવ્યો અને તે ત્યાં ગયો.+
૨૧ યહોવાએ મૂસાને કહ્યું: “નીચે જા અને લોકોને ચેતવણી આપ કે યહોવાને જોવા તેઓ નજીક ન આવે, નહિતર ઘણા લોકો માર્યા જશે.
૨૨ યહોવાની નિયમિત રીતે સેવા કરનારા યાજકોને* શુદ્ધ* થવા જણાવ, જેથી યહોવા તેઓને મારી ન નાખે.”+
૨૩ મૂસાએ યહોવાને કહ્યું: “લોકો સિનાઈ પર્વત પર નહિ આવે, કેમ કે તમે જ ચેતવણી આપતા કહ્યું હતું, ‘પર્વતની ચારે બાજુ હદ ઠરાવ અને એને પવિત્ર કર.’”+
૨૪ પણ યહોવાએ તેને કહ્યું: “નીચે જા અને હારુનને લઈને પાછો આવ. ધ્યાન રાખજે, યાજકો અને લોકો યહોવાને જોવા નજીક ન આવે, નહિતર હું તેઓને મારી નાખીશ.”+
૨૫ મૂસાએ નીચે જઈને લોકોને એ બધું જણાવ્યું.
ફૂટનોટ
^ અથવા, “ખાસ પ્રજા.”
^ કદાચ તીરથી વીંધવું.
^ મૂળ, “નર ઘેટાના શિંગનો.”
^ અથવા, “પવિત્ર.”
^ મૂળ, “સ્ત્રીની નજીક જતા નહિ.”
^ કદાચ એ કુટુંબના આગેવાનને રજૂ કરે છે.
^ અથવા, “પવિત્ર.”