રોમનોને પત્ર ૧૪:૧-૨૩

  • એકબીજાનો ન્યાય ન કરો (૧-૧૨)

  • બીજાઓને ઠોકર ન ખવડાવો (૧૩-૧૮)

  • શાંતિ અને એકતા માટે મહેનત કરો (૧૯-૨૩)

૧૪  જેની શ્રદ્ધા નબળી છે, એવા માણસનો સ્વીકાર* કરો.+ તેના વિચારો તમારાથી અલગ છે, એ માટે તેને દોષિત ન ઠરાવો. ૨  કોઈ માણસ મક્કમ શ્રદ્ધાને લીધે બધું જ ખાય છે, પણ કોઈ માણસ નબળી શ્રદ્ધાને લીધે ફક્ત શાકભાજી ખાય છે. ૩  જે માણસ દરેક પ્રકારનો ખોરાક ખાય છે, તે નહિ ખાનારને તુચ્છ ન ગણે. જે માણસ દરેક પ્રકારનો ખોરાક ખાતો નથી, તે ખાનારનો ન્યાય ન કરે,+ કેમ કે ઈશ્વરે તેનો સ્વીકાર* કર્યો છે. ૪  બીજાના ચાકરનો ન્યાય કરનાર તું કોણ?+ તે તારો નહિ, પણ ઈશ્વરનો ચાકર છે. ઈશ્વર તેના માલિક છે. ઈશ્વર નક્કી કરશે કે તે ખરો છે કે ખોટો.*+ ઈશ્વર યહોવાની* મદદથી તે તેમની આગળ ઊભો રહી શકશે. ૫  કોઈ માણસ એક દિવસને બીજા દિવસો કરતાં મહત્ત્વનો ગણે છે.+ બીજો માણસ બધા દિવસોને એકસરખા ગણે છે.+ દરેક માણસને પાકી ખાતરી હોવી જોઈએ કે તે જે માને છે એ ખરું છે. ૬  જે માણસ કોઈ દિવસને મહત્ત્વનો ગણે છે, તે યહોવાને* મહિમા આપવા એવું કરે છે. જે માણસ દરેક પ્રકારનો ખોરાક ખાય છે, તે યહોવાને* મહિમા આપવા ખાય છે, કેમ કે તે ખોરાક માટે ઈશ્વરનો આભાર માને છે.+ જે માણસ એવો ખોરાક નથી ખાતો, તે પણ યહોવાને* મહિમા આપે છે અને તેમનો આભાર માને છે.+ ૭  આપણામાંથી કોઈ પોતાના માટે જીવતો નથી+ અને કોઈ પોતાના માટે મરતો નથી. ૮  કેમ કે જો આપણે જીવીએ, તો યહોવા* માટે જીવીએ+ અને મરીએ તો યહોવા* માટે મરીએ. આપણે જીવીએ કે મરીએ આપણે યહોવાના* છીએ.+ ૯  એ માટે ખ્રિસ્ત મરણ પામ્યા અને ફરી જીવતા થયા, જેથી તે મરેલા અને જીવતા બંને પર અધિકાર મેળવી શકે.+ ૧૦  પણ તું કેમ તારા ભાઈનો ન્યાય કરે છે?+ તું કેમ તારા ભાઈને તુચ્છ ગણે છે? આપણે બધાએ ઈશ્વર* આગળ ઊભા રહેવાનું છે અને તે આપણો ન્યાય કરશે.+ ૧૧  શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા* કહે છે, ‘હું મારા સમ* ખાઈને કહું છું+ કે મારી આગળ દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ જાહેરમાં કબૂલ કરશે કે હું ઈશ્વર છું.’”+ ૧૨  તો આપણે દરેકે ઈશ્વરને હિસાબ આપવો પડશે.+ ૧૩  તેથી એકબીજાનો ન્યાય ન કરીએ.+ મનમાં ગાંઠ વાળીએ કે એવું કંઈ ન કરીએ, જેનાથી આપણા ભાઈની શ્રદ્ધા નબળી પડે કે તે ઠોકર ખાઈને પડી જાય.*+ ૧૪  આપણા માલિક ઈસુના શિષ્ય તરીકે હું જાણું છું અને મને પૂરી ખાતરી છે કે કોઈ ખોરાક અશુદ્ધ નથી.+ પણ જ્યારે માણસ કોઈ ખોરાકને અશુદ્ધ સમજે છે, ત્યારે એ તેના માટે અશુદ્ધ બને છે. ૧૫  પણ જો તારો ભાઈ ખોરાકને લીધે ઠોકર ખાય, તો તું પ્રેમ બતાવી રહ્યો નથી.+ ખ્રિસ્તે તેના માટે પોતાનો જીવ આપ્યો છે. તો હવે તારા ખોરાકને લીધે તેની શ્રદ્ધા તોડી ન પાડ.+ ૧૬  તારાં સારાં કામો વિશે ખરાબ બોલવાનું કોઈને કારણ ન આપ. ૧૭  ઈશ્વરના રાજ્યમાં જવા ખાવું-પીવું મહત્ત્વનું નથી,+ પણ નેકી, શાંતિ અને પવિત્ર શક્તિથી મળતો આનંદ હોય એ વધારે મહત્ત્વનું છે. ૧૮  જે કોઈ એ ગુણો બતાવે છે અને ખ્રિસ્તનો દાસ બને છે, તેનાથી ઈશ્વર ખુશ થાય છે અને માણસો તેનો આદર કરે છે. ૧૯  ચાલો, શાંતિ જાળવવા+ અને એકબીજાને દૃઢ કરવા બનતું બધું કરીએ.+ ૨૦  ખોરાકને લીધે ઈશ્વરના કામને તોડી પાડવાનું બંધ કરો.+ ખરું કે બધો ખોરાક શુદ્ધ છે, પણ જ્યારે એનાથી કોઈને ઠોકર લાગે છે,* ત્યારે એ ખાવું ખોટું* છે.+ ૨૧  માંસ ખાવાથી કે દ્રાક્ષદારૂ પીવાથી કે બીજું કંઈ કરવાથી જો તારો ભાઈ ઠોકર ખાતો હોય, તો સારું કહેવાશે કે તું એમ ન કરે.+ ૨૨  તું જે માને છે એ તારી અને ઈશ્વરની વચ્ચે છે. જો તને લાગતું હોય કે તું ખરું કરે છે અને એમાં તારું દિલ ડંખતું નથી, તો તું ખુશ રહીશ. ૨૩  પણ જો શંકા હોવા છતાં કોઈ માણસ એ ખોરાક ખાય, તો તે દોષિત ઠરે છે. કેમ કે તે શ્રદ્ધા પ્રમાણે ચાલતો નથી. શ્રદ્ધા વગર જે કંઈ કરીએ, એ પાપ છે.

ફૂટનોટ

અથવા, “આવકાર.”
અથવા, “આવકાર.”
મૂળ, “તે ઊભો રહે કે પડે.”
મૂળ, “ઈશ્વરના ન્યાયાસન.”
મૂળ, “મારા જીવના સમ.”
મૂળ, “આપણા ભાઈ આગળ ઠોકર ખવડાવનાર પથ્થર કે નડતર ન મૂકીએ.”
અથવા, “કોઈની શ્રદ્ધા નબળી પડે છે.”
અથવા, “નુકસાનકારક.”