હિબ્રૂઓને પત્ર ૧૦:૧-૩૯
૧૦ નિયમશાસ્ત્ર આવનારા આશીર્વાદોનું અસલી રૂપ નહિ, ફક્ત પડછાયો છે.+ એટલે દર વર્ષે એકનાં એક બલિદાનો ચઢાવવા જેઓ ઈશ્વર પાસે આવે છે, તેઓને નિયમશાસ્ત્ર* કદી સંપૂર્ણ કરી શકતું નથી.+
૨ નહિતર શું બલિદાન ચઢાવવાનું બંધ થયું ન હોત? કેમ કે પવિત્ર સેવા કરનારા એક વાર શુદ્ધ થયા પછી, પોતે પાપી હોવાની લાગણી અનુભવતા ન હોત.
૩ એના બદલે, આ બલિદાનો તો દર વર્ષે તેઓનાં પાપની યાદ અપાવતાં હતાં.+
૪ કેમ કે આખલાનું અને બકરાનું લોહી પાપ દૂર કરે, એ શક્ય જ નથી.
૫ એટલે ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું: “‘તમને બલિદાન અને અર્પણ જોઈતાં નથી, પણ તમે મારા માટે એક શરીર તૈયાર કર્યું છે.
૬ તમને અગ્નિ-અર્પણો* અને પાપ-અર્પણોથી* ખુશી મળતી નથી.’+
૭ પછી મેં* કહ્યું: ‘હે ઈશ્વર, જુઓ! તમારી ઇચ્છા પૂરી કરવા હું આવ્યો છું (જેમ વીંટામાં* મારા વિશે લખવામાં આવ્યું છે).’”+
૮ પહેલા તે કહે છે: “તમને બલિદાનો, અર્પણો, અગ્નિ-અર્પણો અને પાપ-અર્પણો જોઈતાં નથી કે એનાથી તમને ખુશી મળતી નથી.” એ બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરવામાં આવતાં હતાં.
૯ પછી તે કહે છે: “જુઓ! તમારી ઇચ્છા પૂરી કરવા હું આવ્યો છું.”+ તે બીજી ગોઠવણને અમલમાં મૂકવા પહેલીને રદ કરે છે.
૧૦ આ “ઇચ્છા”+ દ્વારા ઈસુ ખ્રિસ્તના એક જ વાર અને હંમેશ માટે અર્પણ થયેલા શરીરથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.+
૧૧ દરેક યાજક પોતાની જગ્યાએ ઊભો રહીને રોજ પવિત્ર સેવા* કરે છે+ અને વારંવાર એક જેવાં જ બલિદાનો ચઢાવે છે,+ જે ક્યારેય પાપને પૂરેપૂરું દૂર કરી શકતાં નથી.+
૧૨ પણ પાપ દૂર કરવા ખ્રિસ્તે હંમેશ માટે એક બલિદાન આપ્યું અને ઈશ્વરના જમણા હાથે બેઠા.+
૧૩ ત્યારથી તે પોતાના દુશ્મનોને પગનું આસન કરવામાં આવે, એ સમયની રાહ જોઈ રહ્યા છે.+
૧૪ અર્પણ કરવામાં આવેલા એક બલિદાનથી જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે, તેઓને તેમણે હંમેશ માટે સંપૂર્ણ કર્યા છે.+
૧૫ પવિત્ર શક્તિ પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે પહેલા એ કહે છે:
૧૬ “યહોવા* કહે છે, ‘એ દિવસો પછી હું ઇઝરાયેલના લોકો સાથે આ કરાર કરીશ. હું મારા નિયમો તેઓનાં દિલમાં મૂકીશ અને તેઓનાં મન પર એ લખીશ.’”+
૧૭ પછી એ કહે છે: “હું તેઓનાં પાપ અને તેઓનાં દુષ્ટ કામો ક્યારેય યાદ નહિ કરું.”+
૧૮ હવે જો એ બધા માટે માફી મળી હોય, તો પાપ માટે અર્પણની કોઈ જરૂર રહેતી નથી.
૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.*
૨૦ તેમણે આપણા માટે પડદાની પાર જઈને+ નવો માર્ગ ખોલ્યો છે,* જે જીવન તરફ લઈ જાય છે અને એ પડદો તેમનું શરીર છે.
૨૧ આપણી પાસે ઈશ્વરના ઘરના કારભારી તરીકે મહાન યાજક હોવાથી,+
૨૨ આપણે ખરા હૃદયથી અને પૂરી શ્રદ્ધાથી ઈશ્વર પાસે જઈએ. કેમ કે આપણું હૃદય અને આપણું દુષ્ટ અંતઃકરણ શુદ્ધ થયેલાં* છે+ અને આપણાં શરીરો ચોખ્ખા પાણીથી શુદ્ધ કરાયેલાં છે.+
૨૩ ચાલો, આપણે ડગ્યા વગર આપણી આશાને જાહેર કરતા રહીએ,+ કેમ કે જેમણે વચન આપ્યું છે તે ભરોસાપાત્ર છે.
૨૪ પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે* એ માટે ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ.*+
૨૫ જેમ તમારામાંના કેટલાક કરે છે, તેમ ભેગા મળવાનું છોડી ન દઈએ.+ પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ+ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.+
૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+
૨૭ પણ ભયાનક સજા અને ક્રોધની જ્વાળાઓ બાકી રહી જાય છે, જે વિરોધીઓને ભસ્મ કરી દે છે.+
૨૮ જે કોઈ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતો નથી, તેને બે કે ત્રણ સાક્ષીઓને આધારે દયા બતાવ્યા વગર મરણની સજા કરવામાં આવે છે.+
૨૯ તો જરા વિચારો, જે માણસ ઈશ્વરના દીકરાને પગ નીચે કચડે છે, કરારના લોહીને+ મામૂલી ગણે છે જેનાથી તે પવિત્ર થયો હતો અને અપાર કૃપા આપનારી ઈશ્વરની શક્તિનું ઘોર અપમાન કરે છે, તેને કેટલી ભારે સજા મળશે!+
૩૦ આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કહ્યું હતું: “વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.” એમ પણ લખેલું છે: “યહોવા* તેમના લોકોનો ન્યાય કરશે.”+
૩૧ જીવંત ઈશ્વરના હાથે સજા થાય એ કેટલું ભયંકર છે!
૩૨ અગાઉના એ દિવસો યાદ કરો, જ્યારે તમને પ્રકાશ મળ્યો હતો+ અને પછી તમે મુશ્કેલીઓ સહીને સખત લડત આપી હતી.
૩૩ અમુક વાર તમારી મજાક ઉડાવવા અને જુલમ ગુજારવા તમને તમાશારૂપ* બનાવવામાં આવ્યા હતા. અમુક વાર તમે આ બધું સહન કરનારાઓની પડખે ઊભા રહ્યા હતા.*
૩૪ જેઓ કેદમાં હતા, તેઓના દુઃખમાં તમે ભાગીદાર બન્યા અને તમે હસતે મોઢે તમારી મિલકત લુટાવા દીધી,+ કેમ કે તમે જાણતા હતા કે તમારી પાસે વધારે સારી અને હંમેશાં ટકનારી મિલકત છે.+
૩૫ તમે હિંમત હારશો નહિ.* એનું તમને મોટું ઇનામ મળશે.+
૩૬ તમારે ધીરજ રાખવાની જરૂર છે,+ જેથી ઈશ્વરે જે વચન આપ્યું છે એ પૂરું થતાં જોઈ શકો. પણ પહેલા તમારે તેમની ઇચ્છા પૂરી કરવાની છે.
૩૭ કેમ કે હવે “થોડો જ સમય” બાકી છે+ અને “જે આવવાના છે તે આવશે અને મોડું કરશે નહિ.”+
૩૮ “પણ ન્યાયી* માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે”+ અને “જો તે પીછેહઠ કરે, તો હું તેનાથી ખુશ થતો નથી.”+
૩૯ આપણે પીછેહઠ કરીને નાશ થનારા લોકોમાંથી નથી.+ આપણે તો શ્રદ્ધા રાખનારા લોકોમાંથી છીએ, જેથી પોતાનું જીવન બચાવી શકીએ.
ફૂટનોટ
^ અથવા કદાચ, “માણસો.”
^ અથવા, “ખ્રિસ્તે.”
^ અથવા, “જનસેવા.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ અથવા, “ભરોસો છે; હિંમત છે.”
^ મૂળ, “શરૂ કર્યો છે.”
^ અથવા, “છાંટીને શુદ્ધ થયેલાં.” એટલે કે, ઈસુના લોહીથી.
^ અથવા, “પ્રેરણા મળે; હોંશ વધે.”
^ અથવા, “ચિંતા કરીએ; ધ્યાન રાખીએ.”
^ વધારે માહિતી ક-૫ જુઓ.
^ મૂળ, “જાણે નાટ્યગૃહમાં તમાશારૂપ.”
^ અથવા, “ભાગીદાર થયા હતા.”
^ મૂળ, “હિંમતથી બોલો.”