યોહાનનો પહેલો પત્ર ૧:૧-૧૦
૧ અમે તમને એમના વિશે લખીએ છીએ, જેમણે જીવન આપનાર સંદેશો આપ્યો. તે પહેલેથી હતા, અમે તેમને સાંભળ્યા, તેમને પોતાની આંખોથી જોયા, તેમના પર ધ્યાન આપ્યું અને તેમને પોતાના હાથથી અડક્યા.+
૨ (હા, હંમેશ માટેનું જીવન અમને પ્રગટ થયું, જે અમે જોયું અને જેની અમે સાક્ષી આપી+ અને એ અમે તમને જણાવીએ છીએ. એ હંમેશ માટેનું જીવન+ પિતા પાસેથી છે અને એ અમને પ્રગટ કરવામાં આવ્યું છે.)
૩ અમે જેમને જોયા અને જેમનું સાંભળ્યું, તેમના વિશે તમને જણાવ્યું છે,+ જેથી તમે અમારી સાથે એકતામાં આવી શકો,* જેમ આપણે પિતા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત* સાથે એકતામાં* છીએ.+
૪ અમે આ બધું લખીએ છીએ, જેથી આપણને બધાને ખુશી મળે.
૫ જે સંદેશો અમે ઈસુ પાસેથી સાંભળ્યો અને તમને પણ જણાવીએ છીએ, એ આ છે: ઈશ્વર પ્રકાશ છે+ અને તેમનામાં જરાય અંધકાર નથી.
૬ જો આપણે કહીએ કે, “આપણે તેમની સાથે એકતામાં* છીએ” અને છતાં અંધકારમાં ચાલતા રહીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્ય પ્રમાણે જીવતા નથી.+
૭ ઈશ્વર પ્રકાશમાં રહે છે, એટલે જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજા સાથે એકતામાં* છીએ અને ઈશ્વરના દીકરા ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.+
૮ જો આપણે કહીએ કે, “આપણામાં પાપ નથી,” તો આપણે પોતાને છેતરીએ છીએ+ અને આપણામાં સત્ય નથી.
૯ ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે, એટલે જો આપણે પોતાનાં પાપ કબૂલ કરીએ, તો તે આપણાં પાપ માફ કરશે અને બધી દુષ્ટતાથી આપણને શુદ્ધ કરશે.+
૧૦ જો આપણે કહીએ કે, “આપણે પાપ કર્યું નથી,” તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને તેમના શબ્દો આપણા દિલમાં ઊતર્યા નથી.
ફૂટનોટ
^ અથવા, “ભાગીદાર થઈ શકો; સંગતમાં રહી શકો.”
^ અથવા, “ભાગીદાર; સંગતમાં.”
^ અથવા, “ભાગીદાર; સંગતમાં.”
^ અથવા, “ભાગીદાર; સંગતમાં.”