બીજો રાજાઓ ૨૩:૧-૩૭
૨૩ એટલે યોશિયા રાજાએ સંદેશો મોકલીને યહૂદા અને યરૂશાલેમના બધા વડીલોને બોલાવ્યા.+
૨ યોશિયા રાજા પોતાની સાથે યહૂદાના બધા લોકો, યરૂશાલેમના બધા રહેવાસીઓ, યાજકો અને પ્રબોધકો, નાના-મોટા બધાને લઈને યહોવાના મંદિરમાં ગયો. યહોવાના મંદિરમાંથી+ મળેલા કરારના+ પુસ્તકમાંથી તેણે લોકોને બધું વાંચી સંભળાવ્યું.+
૩ પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. તેણે યહોવા આગળ કરાર* કર્યો+ કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે પોતે કરશે અને યહોવાના માર્ગમાં ચાલશે. તેમની આજ્ઞાઓ, તેમનાં સૂચનો અને કાયદા-કાનૂન પૂરા દિલથી અને પૂરા જીવથી પાળશે. બધા લોકો એ કરાર સાથે સહમત થયા.+
૪ રાજાએ પ્રમુખ યાજક હિલ્કિયાને,+ બીજા યાજકોને અને દરવાનોને હુકમ કર્યો: યહોવાના મંદિરમાંથી એ બધી વસ્તુઓ બહાર કાઢી લાવો, જે બઆલની અને ભક્તિ-થાંભલાની+ પૂજા કરવા તેમજ આકાશમાં જે કંઈ છે એ બધાની* પૂજા કરવા વપરાય છે. તેણે એ બધી વસ્તુઓ યરૂશાલેમ બહાર કિદ્રોનના ઢોળાવો પર બાળી નાખી અને એની રાખ બેથેલ લઈ ગયો.+
૫ યોશિયાએ બીજા દેવોની પૂજા કરતા યાજકોને કાઢી મૂક્યા, જેઓને યહૂદાના રાજાઓએ રાખ્યા હતા. એ યાજકો યહૂદા અને યરૂશાલેમની આસપાસનાં શહેરોમાં ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા હતા. તેણે એવા લોકોને પણ કાઢી મૂક્યા, જેઓ બઆલને, સૂર્ય-ચંદ્રને, રાશિનાં નક્ષત્રોને અને આકાશમાં જે કંઈ છે એ બધાને આગમાં બલિદાનો ચઢાવતા હતા.+
૬ તે યહોવાના મંદિરમાંથી ભક્તિ-થાંભલો+ બહાર કાઢી લાવ્યો. તે એને યરૂશાલેમની બહાર આવેલી કિદ્રોન ખીણ પાસે લઈ ગયો અને એમાં બાળી નાખ્યો.+ તેણે એનો ભૂકો કર્યો અને મામૂલી લોકોની કબરો પર નાખ્યો.+
૭ યહોવાના મંદિરમાં એવા પુરુષોનાં ઘરો હતાં, જેઓને બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવા રાખ્યા હતા.+ એ ઘરો રાજાએ તોડી પાડ્યાં. અગાઉ એમાં સ્ત્રીઓ ભક્તિ-થાંભલા માટે તંબુઓ બનાવતી હતી.
૮ પછી રાજા બધા યાજકોને યહૂદાનાં શહેરોમાંથી બહાર લઈ આવ્યો. તેણે ગેબાથી+ બેર-શેબા+ સુધીનાં બધાં ભક્તિ-સ્થળો અશુદ્ધ કર્યાં,* જ્યાં યાજકો આગમાં બલિદાનો ચઢાવતા હતા. તેણે એ ભક્તિ-સ્થળો પણ તોડી પાડ્યાં, જે શહેરના મુખી યહોશુઆના દરવાજા પાસે હતાં. શહેરના દરવાજાથી અંદર આવતા ડાબી તરફ એ ભક્તિ-સ્થળો હતાં.
૯ ભક્તિ-સ્થળોના યાજકો યરૂશાલેમમાં યહોવાની વેદીએ સેવા આપતા ન હતા.+ પણ તેઓ બીજા યાજકો* સાથે ખમીર* વિનાની રોટલી ખાતા હતા.
૧૦ હિન્નોમની ખીણમાં*+ આવેલા તોફેથને*+ તેણે ઉપાસના માટે અશુદ્ધ કર્યું.* એ માટે કે મોલેખ* આગળ કોઈ પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ન ચઢાવે.+
૧૧ યહૂદાના રાજાઓએ સૂર્ય-પૂજા માટે ઘોડાઓ રાખ્યા* હતા. થાંભલાવાળી પરસાળમાં અધિકારી નાથાન-મેલેખનો ઓરડો* હતો. એની પાસેથી ઘોડાઓ યહોવાના મંદિરમાં આવજા કરતા. રાજાએ એ બંધ કરાવ્યું. તેણે સૂર્ય-પૂજા માટેના રથો બાળી નાખ્યા.+
૧૨ યહૂદાના રાજાઓએ આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર વેદીઓ બાંધી હતી.+ મનાશ્શાએ યહોવાના મંદિરનાં બે આંગણાંમાં વેદીઓ બાંધી હતી.+ યોશિયા રાજાએ એ બધી વેદીઓ તોડી નાખી. તેણે એનો ભાંગીને ભૂકો કરી નાખ્યો અને કિદ્રોન ખીણમાં ફેંકી દીધો.
૧૩ રાજાએ યરૂશાલેમ આગળ આવેલાં ભક્તિ-સ્થળોને અશુદ્ધ કર્યાં, જેથી એમાં ઉપાસના ન થાય. વિનાશના પર્વતની* દક્ષિણે* એ આવેલાં હતાં. ઇઝરાયેલના રાજા સુલેમાને એ ભક્તિ-સ્થળો સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તોરેથ માટે, મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ+ મિલ્કોમ+ માટે બાંધ્યાં હતાં.
૧૪ તેણે ભક્તિ-સ્તંભોના ટુકડે-ટુકડા કરી નાખ્યા અને ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા.+ તેઓની જગ્યાઓ મનુષ્યોનાં હાડકાંથી ભરી દીધી.
૧૫ રાજાએ બેથેલમાંનાં ભક્તિ-સ્થળ અને વેદી તોડી પાડ્યાં. એ નબાટના દીકરા યરોબઆમે બનાવ્યાં હતાં. એનાથી યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે પાપ કરાવ્યાં હતાં.+ વેદી અને ભક્તિ-સ્થળ તોડી પાડ્યાં પછી, રાજાએ ભક્તિ-સ્થળ બાળી નાખ્યું અને એનો ભૂકો કરી નાખ્યો. તેણે ભક્તિ-થાંભલો પણ બાળી નાખ્યો.+
૧૬ યોશિયાએ પાછા ફરીને જોયું તો તેને પહાડ પર કબરો દેખાઈ. તેણે કબરોમાંથી હાડકાં કઢાવ્યાં અને વેદી પર બાળ્યાં. આ રીતે વેદીને ઉપાસના માટે અશુદ્ધ કરી. યહોવાના શબ્દો પ્રમાણે આ બધું થયું. તેમના ઈશ્વરભક્તે ભવિષ્યવાણી કરી હતી કે એ બનાવો બનશે.+
૧૭ પછી તેણે પૂછ્યું: “મને કબર પરનો પેલો પથ્થર દેખાય છે, એ કોની કબર છે?” શહેરના માણસોએ તેને કહ્યું: “એ તો યહૂદાના ઈશ્વરભક્તની કબર છે.+ તમે બેથેલની વેદીના જે હાલ કર્યા છે, એ વિશે તેમણે જ ભવિષ્યવાણી કરી હતી.”
૧૮ રાજાએ કહ્યું: “કોઈ તેમનાં હાડકાંને અડકે નહિ, એને રહેવા દો.” એટલે તેઓએ ઈશ્વરભક્તનાં હાડકાં એમનાં એમ રહેવાં દીધાં. સમરૂનથી જે પ્રબોધક આવ્યો હતો, તેનાં હાડકાં પણ તેઓએ રહેવાં દીધાં.+
૧૯ ઇઝરાયેલના રાજાઓએ સમરૂનનાં શહેરોમાં આવેલાં ભક્તિ-સ્થળોએ મંદિરો બાંધ્યાં હતાં.+ એમ કરીને તેઓએ ઈશ્વરને ભારે રોષ ચઢાવ્યો હતો. યોશિયાએ એ બધાંનો નાશ કર્યો અને એના એવા હાલ કર્યા, જેવા તેણે બેથેલનાં ભક્તિ-સ્થળોના કર્યા હતા.+
૨૦ ભક્તિ-સ્થળોએ જે યાજકો હતા, એ બધાનું તેણે ત્યાંની વેદીઓ પર બલિદાન ચઢાવી દીધું. તેણે વેદીઓ પર મનુષ્યોનાં હાડકાં બાળ્યાં.+ ત્યાર બાદ તે યરૂશાલેમ પાછો આવ્યો.
૨૧ રાજાએ બધા લોકોને હુકમ આપ્યો: “કરારના પુસ્તકમાં લખ્યું છે તેમ,+ તમારા ઈશ્વર યહોવા માટે પાસ્ખાનો* તહેવાર ઊજવો.”+
૨૨ ઇઝરાયેલમાં ન્યાયાધીશો ન્યાય કરતા હતા ત્યાર પછી આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું. અરે, ઇઝરાયેલના અને યહૂદાના રાજાઓના રાજમાં પણ આવું પાસ્ખા ઊજવવામાં આવ્યું ન હતું.+
૨૩ પણ યોશિયા રાજાના શાસનના ૧૮મા વર્ષે યરૂશાલેમમાં યહોવા માટે પાસ્ખા ઊજવવામાં આવ્યું.
૨૪ હિલ્કિયા યાજકને યહોવાના મંદિરમાંથી જે પુસ્તક મળ્યું હતું,+ એમાં લખેલા નિયમો પ્રમાણે+ જ યોશિયાએ કર્યું. મરેલા સાથે વાત કરનાર ભૂવાઓને અને ભવિષ્ય ભાખનારાઓને+ તેણે દેશમાંથી કાઢી મૂક્યા. કુળદેવતાઓની મૂર્તિઓ*+ અને ધિક્કારપાત્ર મૂર્તિઓ* પણ કાઢી નાખી. તેણે યહૂદા અને યરૂશાલેમમાંથી એ બધી ચીજવસ્તુઓ કાઢી નાખી જે ધિક્કારપાત્ર હતી.
૨૫ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે યોશિયાએ પૂરા દિલથી અને પૂરા જીવથી+ અને પૂરી શક્તિથી યહોવાની ભક્તિ કરી. તેના જેવો કોઈ રાજા થયો ન હતો અને તેના પછી પણ કોઈ થયો નહિ.
૨૬ તોપણ યહૂદા પર ભભૂકી ઊઠેલો યહોવાનો કોપ શાંત પડ્યો નહિ, કેમ કે મનાશ્શાએ ઘણાં દુષ્ટ કામો કરીને તેમને રોષ ચઢાવ્યો હતો.+
૨૭ યહોવાએ કહ્યું: “મેં ઇઝરાયેલના લોકોને જેમ મારી નજર આગળથી દૂર કર્યા છે,+ તેમ યહૂદાના લોકોને પણ કરીશ.+ મારા પસંદ કરેલા યરૂશાલેમ શહેરનો હું ત્યાગ કરીશ. એ મંદિરનો પણ ત્યાગ કરીશ, જેના વિશે મેં કહ્યું હતું કે ‘મારું નામ ત્યાં કાયમ રહેશે.’”+
૨૮ યોશિયાનો બાકીનો ઇતિહાસ અને તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું છે.
૨૯ તેના દિવસોમાં ઇજિપ્તનો રાજા ફારુન* નકોહ યુફ્રેટિસ* નદી પાસે આશ્શૂરના રાજાને મળવા આવ્યો. રાજા યોશિયા નકોહની સામે લડવા ગયો. પણ નકોહે તેને જોયો અને મગિદ્દોમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો.+
૩૦ યોશિયાના સેવકો તેની લાશ રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લઈ આવ્યા. તેઓએ તેની કબરમાં તેને દફનાવ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહોઆહાઝનો અભિષેક કર્યો અને તેના પિતાની જગ્યાએ તેને રાજા બનાવ્યો.+
૩૧ યહોઆહાઝ+ રાજા બન્યો ત્યારે ૨૩ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું.+ તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી.
૩૨ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોઆહાઝ કરવા લાગ્યો. તેણે પોતાના બાપદાદાઓની જેમ જ કર્યું.+
૩૩ તેને યરૂશાલેમ પર રાજ કરતો અટકાવવા, ઇજિપ્તના રાજા* નકોહે+ તેને હમાથ દેશના રિબ્લાહમાં કેદ કર્યો.+ નકોહે યહૂદા દેશને ૧૦૦ તાલંત* ચાંદી અને એક તાલંત સોનાનો દંડ કર્યો.+
૩૪ ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+
૩૫ યહોયાકીમે ઇજિપ્તના રાજાને સોના-ચાંદી આપ્યાં. પણ તેણે દેશ પર કરવેરો નાખવો પડ્યો, જેથી ઇજિપ્તના રાજાએ કરેલી ચાંદીની માંગને પહોંચી વળે. તેણે દેશના દરેક પાસેથી નક્કી કરેલાં સોના-ચાંદી ઉઘરાવ્યાં અને ઇજિપ્તના રાજા નકોહને આપ્યાં.
૩૬ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ ઝબીદાહ હતું. તે પદાયાની દીકરી હતી, જે રૂમાહનો વતની હતો.
૩૭ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ યહોયાકીમ કરતો રહ્યો.+ તેણે પોતાના બાપદાદાઓની જેમ જ કર્યું.+
ફૂટનોટ
^ અથવા, “ફરીથી કરાર.”
^ મૂળ, “આકાશના આખા સૈન્યની.”
^ કદાચ તેણે ત્યાં હાડકાં નાખ્યાં અને ઉકરડો બનાવ્યો.
^ મૂળ, “પોતાના ભાઈઓ.”
^ મૂળ, “હિન્નોમના દીકરાઓની ખીણમાં.” શબ્દસૂચિમાં “ગેહેન્ના” જુઓ.
^ યરૂશાલેમ બહારની એક જગ્યા, જ્યાં ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓ બાળકનું બલિદાન ચઢાવતા.
^ કદાચ તેણે ત્યાં હાડકાં નાખ્યાં અને ઉકરડો બનાવ્યો.
^ અથવા, “અર્પણ કર્યા.”
^ અથવા, “ભોજનખંડ.”
^ એટલે કે, જૈતૂન પર્વત, ખાસ કરીને દૂર દક્ષિણનો ભાગ ગુનાનો પર્વત પણ કહેવાતો.
^ મૂળ, “જમણે.” એટલે કે, પૂર્વ તરફ મોં કરીને ઊભા રહો તો દક્ષિણે આવે.
^ આના માટેનો હિબ્રૂ શબ્દ કદાચ “મળ” કે “છાણ” માટેના શબ્દ સાથે સંકળાયેલો છે, જે તિરસ્કાર બતાવવા વપરાય છે.
^ ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.
^ અથવા, “ફ્રાત.”
^ એક તાલંત એટલે ૩૪.૨ કિ.ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.