જીવન સફર
અગાઉના નન હવે ખરા અર્થમાં બહેનો બન્યા
મારી નાની બહેન અરાસેલીએ બૂમ પાડી કે, “મારી સાથે વાત ન કરીશ. મને તારા ધર્મ વિશે એક પણ શબ્દ સાંભળવો નથી. મને એનાથી કંટાળો આવે છે. હું તને ધિક્કારું છું.” અત્યારે ૯૧ વર્ષની વયે પણ મને હજુ એ શબ્દો યાદ છે. મને એનાથી ઘણી પીડા થઈ હતી. પણ જેમ સભાશિક્ષક ૭:૮ કહે છે, “કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે,” તેમ અમારા કિસ્સામાં પણ એ સાચું પડ્યું હતું.—ફેલેસા.
ફેલેસા: હું એક ચુસ્ત ધાર્મિક કુટુંબમાંથી આવું છું. અમારા ૧૩ સગાંઓ પાદરી કે કૅથલિક ચર્ચમાં અલગ અલગ પદવી ધરાવે છે. મારી મમ્મીના પિતરાઈ ભાઈ પાદરી હતા અને કૅથલિક શાળામાં પણ ભણાવતા હતા. મામાના મરણ પછી પોપ જોન પોલ બીજાએ તેમને એક સંત તરીકે જાહેર કરવા ભલામણ કરી. અમારું કુટુંબ ગરીબ હતું. મારા પપ્પા લુહાર હતા અને મમ્મી ખેતરોમાં કામ કરતા હતાં. આઠ ભાઈ-બહેનોમાં હું સૌથી મોટી હતી.
હું ૧૨ વર્ષની હતી ત્યારે સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. એ પછી, મારા પિતાને કેદમાં નાંખવામાં આવ્યા, કેમ કે તેમના મુક્ત વિચારો સરમુખત્યાર સરકારને પસંદ આવ્યા નહિ. કુટુંબનું ભરણપોષણ કરવા મમ્મીને ઘણો સંઘર્ષ કરવો પડતો. મારી ત્રણ નાની બહેનો અરાસેલી, લોરી અને રેમોનીને ભૂખ્યા રહેવું ન પડે માટે મમ્મીની બહેનપણીએ એક સલાહ આપી. તેણે જણાવ્યું કે તેઓને બિલ્બાઓ, સ્પેનમાં આવેલી કૉન્વેન્ટમાં (મઠ) મૂકવામાં આવે.
અરાસેલી: એ સમયે અમારી ઉંમર ફક્ત ૧૪, ૧૨ અને ૧૦ વર્ષની હતી. કુટુંબથી દૂર થવું સહેલું ન હતું. બિલ્બાઓમાં અમે સાફસફાઈનું કામ કરતા. બે વર્ષ પછી, કેટલીક નને અમને ઝેરાગોઝામાં આવેલી મોટી કૉન્વેન્ટમાં મોકલી દીધા, જ્યાં વૃદ્ધોની સંભાળ રાખવામાં આવતી હતી. અમે નાની છોકરીઓ રસોડામાં સાફસફાઈ કરીને થાકીને લોથપોથ થઈ જતી.
ફેલેસા: મારી બહેનો ઝેરાગોઝા ગઈ. પછી મમ્મી અને મારા મામા જે પાદરી હતા, તેઓએ નક્કી કર્યું કે મારે પણ એ જ કૉન્વેન્ટમાં જઈને કામ કરવું જોઈએ. તેઓને લાગતું કે
એમ કરવાથી તેઓ મને એ છોકરાથી દૂર રાખી શકશે, જે મારામાં ખૂબ રસ બતાવતો હતો. હું ઘણી ધાર્મિક હોવાથી, થોડો સમય કૉન્વેન્ટમાં રહેવાનો વિચાર મને સારો લાગ્યો. હું દરરોજ મીસમાં જતી. મારા પિતરાઈની જેમ મિશનરી બનવાની મારી પણ ઇચ્છા હતી. તે આફ્રિકાના દેવળમાં કામ કરતા હતા.બીજા દેશોમાં જઈને ઈશ્વરની ભક્તિ કરવાની મારી ઘણી ઇચ્છા હતી, પણ એ માટે નને મને જરાય ઉત્તેજન આપ્યું નહિ. તેથી એક વર્ષ પછી, ઘરે પાછા આવીને મામાની સેવા કરવાનું મેં નક્કી કર્યું. હું ઘરનું કામ કરતી તેમજ દરરોજ સાંજે તેમની સાથે માળા જપતી. મને દેવળમાં ફૂલો ગોઠવવાનું, કુમારિકા અને “સંતોની” મૂર્તિઓને સજાવવાનું કામ ઘણું ગમતું.
અરાસેલી: એ દરમિયાન, કૉન્વેન્ટમાં અમારું જીવન બદલાઈ ગયું. શરૂઆતના શપથ લીધા પછી, અમને બહેનોને અલગ કરવાનું નને નક્કી કર્યું. રેમોનીને ઝેરાગોઝામાં જ રાખવામાં આવી. લોરી વાલેન્સીયામાં ગઈ અને મને મૅડ્રિડ મોકલવામાં આવી, જ્યાં મેં બીજા શપથ લીધા. મૅડ્રિડની કૉન્વેન્ટમાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને બીજા મુલાકાતીઓ માટે રહેવાની ગોઠવણ હતી. તેથી, ત્યાં પુષ્કળ કામ કરવું પડતું. હું કૉન્વેન્ટના દવાખાનામાં કામ કરતી.
ખરું કહું તો, મને એવી અપેક્ષા હતી કે નન તરીકે મને ઘણું શીખવા મળશે. મને હતું કે હું બાઇબલ વાંચી શકીશ અને સમજી શકીશ. પણ ઈશ્વર વિશે કે ઈસુ વિશે ત્યાં કોઈ વાત કરતું નહિ. અને અમે ક્યારેય બાઇબલ વાપરતા ન હતા. હું થોડુંક લૅટિન શીખી, “સંતો”ના જીવનનો અભ્યાસ કર્યો અને મરિયમની ભક્તિ કરી. એ સિવાય મારે સખત મજૂરી જ કરવી પડતી.
હું નિરાશામાં ડૂબવા લાગી અને મેં ઉપરી નન (મધર સુપિરિયર) સાથે વાત કરી. મેં તેમને કહ્યું કે, ‘મને એ યોગ્ય નથી લાગતું કે હું અહીં સખત મહેનત કરું ને એનાથી બીજાઓ પોતાના ખિસ્સા ભરે, જ્યારે કે મારું કુટુંબ ગરીબીમાં સબડે.’ તેમણે મને ઓરડીમાં પૂરી દીધી. તેમને લાગ્યું કે એનાથી મારી સાન ઠેકાણે આવશે અને કૉન્વેન્ટ છોડવાનો વિચાર હું માંડી વાળીશ.
આવું ત્રણ વાર મારી સાથે બન્યું. દર વખતે નન એ જોવા જ મને ઓરડીમાંથી બહાર કાઢતા કે હું હજી કૉન્વેન્ટ છોડવા માગું છું કે કેમ. પરંતુ, મારો અડગ નિર્ણય જોઈને તેઓએ મને આમ લખવાનું કહ્યું: “મારે ઈશ્વરની નહિ પણ શેતાનની સેવા કરવી છે, એટલે અહીંથી જવા માગું છું.” એ સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો. ભલે હું કૉન્વેન્ટ છોડવા આતુર હતી, પણ હું એવા શબ્દો ક્યારેય લખી ન શકું. છેવટે મેં પાપ કબૂલ કરાવનાર પાદરીની મદદ લીધી. મારી સાથે જે બન્યું હતું, એ મેં તેમને જણાવ્યું. તેમણે ગોઠવણ કરી કે હું પાછી ઝેરાગોઝાના કૉન્વેન્ટમાં જઉં. ત્યાં અમુક મહિના રહ્યા પછી, મને પાછા ઘરે જવાની પરવાનગી મળી. થોડા સમય પછી, લોરી અને રેમોનીએ પણ કૉન્વેન્ટ છોડી દીધું.
‘મના કરેલા’ પુસ્તકે અમારામાં ભાગલા પાડ્યા
ફેલેસા: સમય જતાં, મેં લગ્ન કર્યા અને હું કેન્ટાબ્રિયા ગઈ. હું મીસમાં નિયમિત જતી. એક રવિવારે મેં મંચ પરથી એવી જાહેરાત સાંભળી જેનાથી મને ઘણો આઘાત લાગ્યો. પાદરી ગુસ્સામાં બોલ્યા, “જુઓ, આ પુસ્તક!” અને સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક બતાવીને કહ્યું: “જો કોઈએ આ પુસ્તક તમને આપ્યું હોય તો મને આપી દો અથવા ફેંકી દો!”
મારી પાસે એ પુસ્તક ન હતું, પણ હવે મારે એ જોઈતું હતું. થોડા દિવસો પછી બે સાક્ષીઓ મારા ઘરે આવ્યા અને ‘મના કરેલું’ પુસ્તક આપ્યું. એ જ રાતે મેં એ વાંચી નાખ્યું. જ્યારે એ બહેનો પાછી આવી, ત્યારે મેં તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાની હા પાડી.
એ સત્ય તરત જ મારા હૃદયને સ્પર્શી ગયું. મારામાં ભક્તિ માટેની આસ્થા પહેલેથી જ હતી, એ કારણે હું યહોવા માટે ઊંડો પ્રેમ બતાવી શકી અને ઉત્સાહથી સેવાકાર્યમાં ભાગ લઈ શકી. ૧૯૭૩માં મેં બાપ્તિસ્મા લીધું. મારા પરિવારને સત્ય જણાવવાની મને ઘણી ઓછી તક મળતી, તોપણ મારાથી બનતું બધું હું કરતી. શરૂઆતમાં જણાવ્યું તેમ, તેઓએ મારી માન્યતાઓનો સખત વિરોધ કર્યો, એમાં પણ ખાસ કરીને મારી બહેન અરાસેલીએ.
અરાસેલી: કૉન્વેન્ટમાં થયેલા ખરાબ અનુભવથી મારા મનમાં કડવાશ ભરાઈ ગઈ હતી. જોકે, દર રવિવારે હું મીસમાં જતી અને રોજ માળા જપતી. બાઇબલ સમજવાની મને તીવ્ર ઇચ્છા હતી, એ માટે ઈશ્વર પાસે હું મદદ માંગતી. પરંતુ, જ્યારે મારી બહેન ફેલેસાએ તેની માન્યતાઓ વિશે જણાવ્યું, ત્યારે તેનો ઉત્સાહ જોઈને મને લાગ્યું કે તે આંધળો વિશ્વાસ કરી રહી છે. મેં તેનો સખત વિરોધ કર્યો.
અમુક વર્ષો પછી, હું મૅડ્રિડ પાછી આવી અને મેં લગ્ન કર્યા. એ સમય દરમિયાન ધર્મ પ્રત્યે હું ઘણી શંકાશીલ બની ગઈ હતી. મેં જોયું હતું કે જે લોકો દરરોજ મીસમાં જતા હતા, તેઓ પોતાના જીવનમાં સુવાર્તાનું શિક્ષણ લાગુ પાડતા ન હતા. તેથી મેં દેવળમાં જવાનું બંધ કરી દીધું. “સંતો” અને નર્કમાં માનવાનું મેં બંધ કરી દીધું અને હું પાપ કબૂલ કરવા પણ ન જતી. બધી મૂર્તિઓ પણ મેં કાઢી નાંખી હતી. હું જાણતી ન હતી કે એ ખરું છે કે નહિ. હું નિરાશ થઈ ગઈ હતી, છતાં ઈશ્વરને પ્રાર્થના કરતી: “હું તમને ઓળખવા માંગું છું. મને મદદ કરો!” મને યાદ છે કે યહોવાના સાક્ષીઓ ઘણી
વાર મારા ઘરે આવ્યા હતા પણ મેં ક્યારેય દરવાજો ખોલ્યો ન હતો. ધર્મ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો હતો.૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં, મારી બહેન લોરી ફ્રાંસમાં રહેતી હતી અને રેમોની સ્પેનમાં રહેતી હતી. તેઓએ સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મને લાગતું કે ફેલેસાની જેમ તેઓ પણ ગેરમાર્ગે જઈ રહી છે. થોડાક સમય પછી, પડોશમાં રહેતી એન્જેલીનીસને હું મળી. સમય જતાં, એ મારી ખાસ બહેનપણી બની ગઈ. તે પણ એક યહોવાની સાક્ષી હતી. એન્જેલીનીસ અને તેના પતિ મને ઘણી વાર બાઇબલનો અભ્યાસ કરવાનું જણાવતા. તેઓને લાગતું કે ભલે હું શંકાશીલ સ્વભાવની દેખાતી હોઉં, પણ હકીકતમાં તો મને બાઇબલના જ્ઞાનની તરસ છે. છેવટે, મેં તેઓને જણાવ્યું: “ભલે! હું તમારી સાથે અભ્યાસ કરીશ, પણ હું મારું જ બાઇબલ વાપરીશ!” એ બાઇબલ નાકાર-કોલુન્ગા ભાષાંતર હતું.
બાઇબલે અમને ભેગા કર્યા
ફેલેસા: ૧૯૭૩માં મેં બાપ્તિસ્મા લીધું ત્યારે સેન્તેન્ડર શહેરમાં આશરે ૭૦ સાક્ષીઓ હતા. એ શહેર સ્પેનના કૅન્ટાબ્રિઆ પ્રાંતની રાજધાની છે. અમારો પ્રચાર વિસ્તાર ઘણો મોટો હોવાથી, અમે પ્રાંતના ખૂણે ખૂણે પ્રચાર કરવા બસ અને કારથી જતા હતા. અમે ગામે ગામ ફરી વળ્યા. આમ, એ વિસ્તારનાં સેંકડો ગામડાંઓની અમે મુલાકાત લીધી હતી.
હમણાં સુધી, ઘણા બાઇબલ અભ્યાસ ચલાવવાનો મને મોકો મળ્યો છે અને મારા ૧૧ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું છે. તેઓમાંના મોટાભાગના કૅથલિક હતા. હું પણ એક સમયે એવી જ ચુસ્ત ધાર્મિક હતી. તેથી, મને ખબર હતી કે મારે ધીરજ રાખવી પડશે અને તેઓને સમજવા પડશે. હું જાણતી હતી કે ઊંડે સુધી ઘર કરી ગયેલી માન્યતાઓને દૂર કરવા તેઓને સમય જોઈશે. ઉપરાંત, બાઇબલ અને યહોવાની પવિત્ર શક્તિ, સત્ય ઓળખવા તેઓને મદદ કરે એ માટે પણ સમય લાગશે. (હિબ્રૂ ૪:૧૨) ૧૯૭૯માં મારા પતિ બેનવેનીડોએ બાપ્તિસ્મા લીધું, તે અગાઉ પોલીસ હતા. મારી મમ્મીએ પણ મરણ પામ્યા પહેલાં બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો હતો.
અરાસેલી: સાક્ષીઓ સાથે અભ્યાસ શરૂ કર્યો ત્યારે, હું ઘણી શંકાશીલ હતી. પરંતુ અઠવાડિયા વીતતા ગયા તેમ, મને જોવા મળ્યું કે કડવાશની લાગણી મારામાંથી દૂર થઈ ગઈ છે. હું એ વાતથી પ્રભાવિત થઈ કે સાક્ષીઓ જે શિક્ષણ શીખવતા, એ પ્રમાણે પોતે ચાલતા પણ હતા. શંકાનું સ્થાન હવે શ્રદ્ધાએ લઈ લીધું હતું, એટલે હું ઘણી ખુશ હતી. અરે, મારા પડોશીઓ પણ કહેતા: “અરાસેલી, તેં જે રસ્તો પસંદ કર્યો છે, એના પર ચાલતી રહેજે!”
હું હંમેશાં પ્રાર્થના કરતી: “બાઇબલનું સાચું જ્ઞાન શોધવાની ઘણી તકો આપવા માટે અને મને એકલી છોડી ન દેવા માટે, યહોવા તમારો ખૂબ આભાર.” મારી વાતોથી મારી બહેન ફેલેસાને મેં દુઃખ પહોંચાડ્યું હતું, એ માટે મેં તેની માફી માંગી. હવે દલીલોને બદલે અમે બાઇબલની ચર્ચા કરીએ છીએ. ૧૯૮૯માં ૬૧ વર્ષની ઉંમરે મેં બાપ્તિસ્મા લીધું.
ફેલેસા: મારા પતિ ગુજરી ગયા છે. મારી ઉંમર ૯૧ વર્ષ છે અને પહેલાં જેવી તાકાત મારામાં રહી નથી. પરંતુ, હું રોજ બાઇબલ વાંચું છું, મારી તબિયત સારી હોય ત્યારે સભાઓમાં જઉં છું અને બની શકે એટલો પ્રચારમાં પણ ભાગ લઉં છું.
અરાસેલી: હું પહેલાં નન હતી, એટલે કદાચ પ્રચારમાં મળતા દરેક પાદરીઓ અને નન સાથે ખુશખબર વિશે વાત કરવી મને ગમે છે. તેઓને મેં ઘણું સાહિત્ય આપ્યું છે અને અમુક સાથે વાતચીત કરવાની મજા આવી છે. એક પાદરીની ઘણી મુલાકાત લીધા પછી તેમણે જણાવ્યું: “અરાસેલી, તું જે કહે છે એની સાથે સહમત છું, પણ આ ઉંમરે હું ક્યા જાઉં? મારા દેવળના સભ્યો અને કુટુંબના સભ્યો શું કહેશે?” મેં તેમને કહ્યું: “અને ઈશ્વર શું કહેશે?” તેમણે દુઃખી થઈને માથું ઝુકાવી દીધું, કારણ કે એ સમયે સત્ય શોધવાની તેમનામાં હિંમત ન હતી.
એક વાર મારા પતિએ મને જણાવ્યું કે તે મારી સાથે સભામાં આવવા માંગે છે. એ મારા જીવનની સૌથી યાદગાર પળ હતી. એ સમયે તેમની ઉંમર ૮૦ વર્ષથી વધારે હતી. ત્યારથી લઈને તે એકેય સભા ચૂક્યા નથી. તેમણે બાઇબલ અભ્યાસ કર્યો અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બન્યા. અમે સાથે પ્રચારમાં જતા, એ હજુય હું ભૂલી નથી. તે બાપ્તિસ્મા લેવાના હતા એના બે મહિના પહેલાં ગુજરી ગયા.
ફેલેસા: મારા જીવનની સૌથી સંતોષકારક વાત એ છે કે મારી જે ત્રણ બહેનો પહેલાં મારો વિરોધ કરતી, હવે તેઓ ખરા અર્થમાં મારી બહેનો બની છે. આપણા પ્રેમાળ ઈશ્વર યહોવા અને તેમના શબ્દ બાઇબલ વિશે ભેગા મળીને વાત કરવાનો અમે ઘણો આનંદ ઉઠાવ્યો છે. હવે, મારી બહેનો અને હું ખરા અર્થમાં એક થયા છીએ. *
^ ફકરો. 29 અરાસેલી, ફેલેસા અને રેમોની અત્યારે ૮૭, ૯૧ અને ૮૩ વર્ષના છે અને હજુ પણ યહોવાની સેવા ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે. લોરી ૧૯૯૦માં ગુજરી ગયાં અને મરણપર્યંત યહોવાને વફાદાર રહ્યાં હતાં.