શું તમે જાણો છો?
જૂના જમાનામાં વહાણની મુસાફરી કેવી હતી?
પાઊલના સમયમાં મુસાફરી કરનારા લોકો માટે વહાણની કોઈ વ્યવસ્થા ન હતી. મુસાફરી કરવા લોકોએ માલસામાનના વહાણ વિશે પૂછપરછ કરવી પડતી. જેમ કે, એ વહાણ ક્યાં જઈ રહ્યું છે? શું એ વહાણમાં મુસાફરોને લઈ જવામાં આવશે? (પ્રે.કા. ૨૧:૨, ૩) ભલે મુસાફરને જ્યાં જવું હોય ત્યાં એ વહાણ જતું ન હોય. તોપણ મુસાફર એમાં જતો. જ્યારે વહાણ અમુક જગ્યાએ રોકાય, ત્યારે મુસાફર ત્યાં ઊતરી જતો અને ત્યાંથી બીજા વહાણમાં બેસીને આગળ જતો. આમ તે પોતાની મંજિલે પહોંચી શકતો.—પ્રે.કા. ૨૭:૧-૬.
દરિયાઈ મુસાફરી વર્ષના અમુક જ સમયે થઈ શકતી. વહાણ ક્યારે ઉપડશે અને ક્યારે રોકાશે, એનું કંઈ ઠેકાણું ન હતું. અમુક વાર હવામાન ખરાબ હોવાને લીધે નાવિકો મોડું કરતા. અમુક નાવિકો અંધશ્રદ્ધા રાખતા હતા. જેમ કે, વહાણના તાર પર બેસીને કાગડો બોલે કે પછી કિનારા પર તૂટેલું વહાણ દેખાય. એને અપશુકન ગણીને તેઓ વહાણ ઉપાડવામાં મોડું કરતા. સારો પવન હોય ત્યારે, નાવિકો વહાણ હંકારતા. જ્યારે મુસાફરને પોતાની મંજિલ તરફ જતા વહાણ વિશે ખબર મળતી, ત્યારે તે પોતાનો સામાન લઈને બંદરે પહોંચી જતો. વહાણ ઉપડવાની જાહેરાત થાય ત્યાં સુધી તે રાહ જોતો.
લિયોનલ કેસોન એક ઇતિહાસકાર છે. તે જણાવે છે: ‘રોમ શહેરમાં મુસાફરો માટે સારી વ્યવસ્થા હતી. એટલે વહાણ શોધવામાં તકલીફ પડતી નહિ. ટિબર નદી જ્યાંથી શરૂ થતી, ત્યાં રોમનું બંદર હતું. ઓસ્ટીયા નામની જગ્યાએ ઘણી બધી કચેરી હતી. એ કચેરીઓમાં અલગ અલગ બંદરના પ્રતિનિધિઓ બેસતા. જેમ કે, નારબોર્ન (હાલનું ફ્રાંસ), કાર્થેજ (હાલનું ટ્યુનિશિયા) અને બીજાં શહેરો. મુસાફરોએ એ કચેરીમાં જઈને પૂછપરછ કરવાની હતી.’
વહાણમાં મુસાફરી કરવાથી સમય બચતો, પણ એ મુસાફરી જોખમી હતી. પાઊલની મિશનરી મુસાફરીઓ દરમિયાન કેટલીય વાર વહાણ ભાંગી પડ્યાં હતાં.—૨ કોરીં. ૧૧:૨૫.