સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દયાનું નાનું કામ લાવ્યું મોટું પરિણામ

દયાનું નાનું કામ લાવ્યું મોટું પરિણામ

ભારતના ગુજરાત રાજ્યમાં એક નાનકડા શહેરમાં જોન નામનો છોકરો રહેતો હતો. આશરે ૧૯૫૮માં તેના પપ્પા યહોવાના સાક્ષી બન્યા હતા. પણ જોન, તેનાં પાંચ ભાઈ-બહેનો અને મમ્મી કૅથલિક હતાં અને ઘણા ધાર્મિક હતાં. એ કારણે, તેઓ પપ્પાની માન્યતાને જરાય ટેકો આપતાં ન હતાં.

એક દિવસે, જોનના પપ્પાએ તેને એક કવર આપ્યું અને મંડળના તેમના એક મિત્રને ત્યાં પહોંચાડવા જણાવ્યું. એ જ સવારે, પીપડું ખોલતા જોનની આંગળીએ કાપો વાગ્યો હતો ને એ લોહીલોહાણ થઈ ગઈ હતી. તોપણ તે પપ્પાએ સોંપેલું કામ પૂરું કરવા ચાહતો હતો. એટલે, તેણે આંગળી પર ચીથરું બાંધ્યું અને કવર આપવા ઘરેથી નીકળ્યો.

જોન જણાવેલા સરનામે પહોંચ્યો ત્યારે, તેને ખબર પડી કે પપ્પાના મિત્ર ઘરે નથી. પણ એ મિત્રના પત્ની ઘરે હતાં. તે યહોવાના સાક્ષી હતાં. કવર લેતી વખતે તેમનું ધ્યાન જોનની આંગળીના ઘા તરફ ગયું. તેમનું દિલ દયાથી ઊભરાઈ ગયું. તે દવાનો ડબ્બો લઈ આવ્યાં અને મલમપટ્ટી કરી આપી. પછી, તેમણે જોનને ગરમાગરમ ચા આપી. બહેન ઘણાં મળતાવડાં સ્વભાવના હતાં, તેમણે જોન સાથે બાઇબલમાંથી ઘણી વાત કરી.

બહેનની દયાને કારણે, સાક્ષીઓ પ્રત્યે જોનનું વલણ બદલાયું. તેણે યહોવાના સાક્ષીઓની માન્યતા વિશે એવા બે સવાલો પૂછ્યા, જે કૅથલિક ચર્ચની માન્યતાથી સાવ અલગ હતા. તેણે પૂછ્યું: ‘શું ઈસુ ઈશ્વર નથી?’ અને ‘શું માતા મરિયમને પ્રાર્થના ન કરવી જોઈએ?’ જોનની માતૃભાષા ગુજરાતી હતી, એટલે બહેને ગુજરાતીમાં બાઇબલમાંથી જવાબ આપ્યા. પછી, જોનને “રાજ્યના આ સુસમાચાર” નાની પુસ્તિકા આપી.

પછીથી, જોને એ પુસ્તિકા વાંચી. તે જોઈ શક્યો કે તે જે વાંચી રહ્યો છે, એ જ સત્ય છે. તે તેના ચર્ચના પાદરી પાસે ગયો અને એ જ બે સવાલો પૂછ્યા. એ સવાલો સાંભળીને પાદરી લાલ-પીળો થઈ ગયો. તેણે જોન પર બાઇબલ ફેક્યું અને જોરજોરથી બોલવા લાગ્યો: ‘તું શેતાન બની ગયો છે! મને બતાવ, બાઇબલમાં ક્યાં કહ્યું છે કે ઈસુ ઈશ્વર નથી. ક્યાં લખ્યું છે કે માતા મરિયમને પ્રાર્થના ન કરવી જોઈએ. બતાવ! મને બતાવ!’ પાદરીનું એવું વર્તન જોઈને જોનને ખૂબ આઘાત લાગ્યો. તેણે પાદરીને કહ્યું: ‘હું ફરી ક્યારેય કૅથલિક ચર્ચમાં પગ નહિ મૂકું.’ અને તેણે જે કહ્યું એ કરી બતાવ્યું!

જોને યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેણે સત્ય સ્વીકાર્યું અને યહોવાનો સેવક બન્યો. તેના કુટુંબનાં બીજાં સભ્યો પણ સત્યમાં આવ્યાં. આજે, ૬૦ વર્ષ પછી પણ જોનની આંગળી પર જખમનું નિશાન છે. એ નિશાન ઇજાની નહિ પણ બહેને બતાવેલી દયાની યાદ અપાવે છે. બહેનની દયાને લીધે જોનને જીવનભર યહોવાની સેવા કરવાની પ્રેરણા મળી છે.—૨ કોરીં. ૬:૪,.