તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઓશિઆનિયામાં
લગભગ ૩૫ વર્ષનાં બહેન રીનીનો ઉછેર ઑસ્ટ્રેલિયાના એક એવા સાક્ષી કુટુંબમાં થયો છે, જે પ્રચારકાર્યમાં ઘણું ઉત્સાહી હતું. તે કહે છે, ‘અમારું કુટુંબ ઘણી વાર એવા વિસ્તારોમાં સેવા આપવા જતું જ્યાં રાજ્ય પ્રચારકોની ખાસ જરૂર હતી. મારાં મમ્મી-પપ્પાએ અમારા માટે એ સેવાકાર્ય રસપ્રદ, રોમાંચક અને મજેદાર બનાવ્યું. જ્યારે મને બે બાળકો થયાં, ત્યારે હું ઇચ્છા રાખતી હતી કે તેઓ પણ એવાં જ જીવનનો આનંદ માણે.’
* એ ટાપુઓ દક્ષિણ-પશ્ચિમી પૅસિફિકમાં આવેલા છે. લેખથી પ્રેરાઈને અમે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આપણી શાખા કચેરીને પત્ર લખ્યો. અમે પત્ર દ્વારા પૂછ્યું કે રાજ્ય પ્રચારકોની વધારે જરૂર કયા વિસ્તારમાં છે. * એના જવાબમાં અમને ટોંગા જવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ એ જ જગ્યા હતી, જેના વિશે અમે લેખમાં વાંચ્યું હતું!’
રીનીના પતિ શૅન, જે આશરે ૩૮ વર્ષના છે, તેમનો પણ એવો જ ધ્યેય હતો. તે જણાવે છે: ‘અમારા બીજા બાળકના જન્મ પછી, અમે ચોકીબુરજના એક લેખમાં એક સાક્ષી કુટુંબ વિશે વાંચ્યું હતું. એ કુટુંબ પોતાની નાવમાં ટોંગાના ટાપુઓ પર પ્રચાર કરવા માટે ગયું હતું.શૅન, રીની અને તેઓનાં બે બાળકો જૅકબ અને સ્કી લગભગ એક વર્ષ સુધી ટોંગામાં રહ્યાં હતાં. ત્યાં એક પછી એક રાજકીય હુલ્લડ થવાં લાગ્યાં હોવાથી તેઓએ એક જ વર્ષમાં ઑસ્ટ્રેલિયા પાછાં ફરવું પડ્યું. પરંતુ, સેવાકાર્ય વધારવાનો ધ્યેય તેઓનાં મનમાંથી ગયો ન હતો. એટલે વર્ષ ૨૦૧૧માં તેઓ સેવા આપવા નોરફોક ટાપુ પર રહેવાં ગયાં. એ નાનકડો ટાપુ ઑસ્ટ્રેલિયાથી પૂર્વ દિશામાં આશરે ૧,૫૦૦ કિલોમીટરના અંતરે આવેલો છે. શું તેઓનું ત્યાં જવું સફળ રહ્યું? જૅકબ, જે હવે ૧૪ વર્ષનો છે, તે કહે છે: ‘યહોવાએ અમારી કાળજી તો લીધી જ, સાથે સાથે તેમણે અમારું પ્રચારકાર્ય પણ મજેદાર બનાવ્યું!’
કુટુંબ તરીકે સેવાકાર્ય વધારવું
વધુ જરૂર હોય ત્યાં સેવા આપવા શૅન, રીની, તેઓનાં બાળકો અને બીજા ઘણાં સાક્ષી કુટુંબોએ પોતાને ખુશીથી સોંપી દીધાં છે. એમ કરવા તેઓને શામાંથી ઉત્તેજન મળ્યું?
‘ઘણા લોકોને ખુશખબરમાં રસ હતો. એવા લોકોને અમે બાઇબલમાંથી નિયમિત રીતે શીખવાની તક આપવા ચાહતાં હતાં.’—બર્નેટ
બર્નેટ અને સીમોન લગભગ ૩૫ વર્ષનું યુગલ છે. તેઓને બે દીકરા છે, ૧૨ વર્ષનો ઇસ્ટોન અને ૯ વર્ષનો કૅલબ. એ કુટુંબ એક નાનકડા શહેર બર્કટાઉનમાં સેવા આપવા ગયું. એ શહેર ઑસ્ટ્રેલિયાના ક્વીન્ઝલૅન્ડમાં આવેલું છે. ભાઈ બર્નેટ કહે છે: ‘ત્યાં ત્રણ કે ચાર વર્ષમાં એકાદ વાર પ્રચાર થતો. ત્યાં ઘણા લોકોને ખુશખબરમાં રસ હતો. એવા લોકોને અમે બાઇબલમાંથી નિયમિત રીતે શીખવાની તક આપવા ચાહતાં હતાં.’
માર્ક અને કૅરન લગભગ પચાસેક વર્ષનું યુગલ છે. તેઓને જેસ્સિકા, જિમ અને જૅક નામનાં ત્રણ બાળકો છે. એ કુટુંબ નલનબોય નામની જગ્યામાં સેવા આપવા ગયું. એ જગ્યા ઑસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારમાં આવેલી છે અને ત્યાં ખાણિયાઓ વસે છે. એ કુટુંબ ત્યાં ગયું એ પહેલાં ઑસ્ટ્રેલિયાના સીડની શહેરની નજીકનાં અમુક મંડળોમાં સેવા આપતું હતું. ભાઈ માર્ક કહે છે: ‘લોકો માટે મને પ્રેમ છે એટલે હું એવી જગ્યાએ જવા માંગતો હતો, જ્યાં મંડળોમાં અને પ્રચાર વિસ્તારમાં કરવા માટે ઘણું કામ હોય.’ જોકે, એ નવી જગ્યાએ રહેવા જવા વિશે બહેન કૅરન થોડાં અચકાતાં હતાં. તે જણાવે છે, ‘મારા પતિએ અને મંડળનાં ભાઈ-બહેનોએ મને ઉત્તેજન આપ્યું, એટલે મેં વિચાર્યું કે એક વાર એમ કરીને જોવું જોઈએ. હવે, હું ખુશ છું કે મેં એ નિર્ણય લીધો.’
ઑસ્ટ્રેલિયાના બેન્જામિન અને કેરોલીનનો વિચાર કરો. વર્ષ ૨૦૧૧માં તેઓ પોતાની બે દીકરીઓ, ૪ વર્ષની જૅડ અને ૨ વર્ષની બ્રીયાને લઈને તિમોર-લેસ્તેમાં સેવા આપવાં ગયાં. એ દેશ તિમોર ટાપુ પર આવેલો છે, જે ઇન્ડોનેશિયાનો ભાગ છે. બેન્જામિન જણાવે છે, ‘મારી પત્ની કેરોલીન અને હું પહેલાં તિમોર-લેસ્તેમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપતાં હતાં. ત્યાં પ્રચારકાર્ય બહુ જોરદાર રહ્યું હતું. ત્યાંનાં ભાઈ-બહેનો અમને ઘણો સહકાર આપતાં. એ જગ્યા છોડતી વખતે અમને ખૂબ જ દુઃખ થયું. જોકે, અમે ત્યાં પાછાં જવાં વિશે મક્કમ હતાં. અમારી દીકરીઓ જન્મી ત્યારે અમારે પોતાનો ધ્યેય થોડા સમય માટે મુલતવી રાખવો પડ્યો. પરંતુ અમે એ ધ્યેય ક્યારેય બદલ્યો નહિ.’ કેરોલીન જણાવે છે: ‘અમે ચાહતાં હતાં કે મિશનરીઓ, બેથેલ સેવકો અને ખાસ પાયોનિયરોથી અમારાં બાળકો ઘેરાયેલાં રહે. તેમ જ, તેઓ યહોવાની સેવામાં આનંદ માણે.’
જરૂર વધુ હોય ત્યાં રહેવા જતાં પહેલાંની તૈયારીઓ
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખર્ચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?” (લુક ૧૪:૨૮) એવી જ રીતે, જ્યારે કોઈ કુટુંબ જરૂર વધુ હોય ત્યાં સેવા આપવા માટે જવાનું વિચારે, ત્યારે સારું આયોજન કરવું જરૂરી થઈ પડે છે. કઈ જરૂરિયાતોનો વિચાર કરવો જોઈએ?
ભક્તિને લગતી: ભાઈ બેન્જામિન જણાવે છે: ‘ત્યાં જઈએ એ પહેલાં અમે ખાતરી કરી કે શ્રદ્ધામાં મજબૂત બનીએ, જેથી બીજાઓ પર બોજ નહિ પણ બીજાઓને મદદ કરનાર બની શકીએ. ઉપરાંત, અમે પ્રચાર અને મંડળની પ્રવૃત્તિઓમાં વધુ ભાગ લેવા લાગ્યાં.’
જૅકબ વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે આમ કહે છે: ‘નોરફોક ટાપુ પર જતાં પહેલાં અમે ચોકીબુરજ અને સજાગ બનો!માંથી એવાં ઘણાં કુટુંબોના જીવન અનુભવો વાંચ્યા, જેઓએ વધુ જરૂરવાળી જગ્યાઓએ સેવા આપી હતી. અમે તેઓની સામે આવેલા પડકારો અને યહોવાએ રાખેલી તેઓની સંભાળ વિશે ચર્ચા કરી હતી.’ તેની
૧૧ વર્ષની બહેન સ્કી કહે છે: ‘મેં જાતે તેમજ મમ્મી-પપ્પા સાથે ઘણી પ્રાર્થનાઓ કરી હતી!’લાગણીઓને લગતી: રીની જણાવે છે: ‘અમે પહેલાં જ્યાં રહેતાં એ જગ્યા અમારાં કુટુંબીજનો અને મિત્રોથી નજીક હતી અને મને એ જગ્યા બહુ ગમતી. એટલે ત્યાં જ રહેવું અમારા માટે સહેલું હતું. પરંતુ, હું શું ગુમાવી રહી છું એના પર વિચાર્યા કરતાં, મેં મારા કુટુંબને મળનાર ફાયદા વિશે વિચાર્યું.’
સંસ્કૃતિને લગતી: ઘણાં કુટુંબો નવા માહોલમાં ભળી જવાની તૈયારી માટે એ વિસ્તાર વિશે અમુક સંશોધન કરી રાખે છે. માર્ક જણાવે છે: ‘નલનબોય વિશે અમે શક્ય હોય એટલી માહિતી વાંચી. ત્યાં રહેતાં ભાઈ-બહેનો અમને ત્યાંના સ્થાનિક છાપાની પ્રતો મોકલી આપતાં. એનાથી અમે ત્યાંનાં લોકો અને સંસ્કૃતિની વધુ સમજ મેળવી શક્યાં.’
શૅન, જે નોરફોક ટાપુ પર રહેવા ગયા, તે જણાવે છે: ‘સૌથી અગત્યનું તો, મેં ખ્રિસ્તી ગુણો બતાવવા પર ધ્યાન આપ્યું. હું જાણતો હતો કે જો હું નિષ્ઠાવાન, નમ્ર, ઈમાનદાર અને મહેનતુ હોઈશ, તો મને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેવાનું ફાવી જશે.’
પડકારોનો સામનો
જ્યાં વધુ જરૂર છે ત્યાં જઈને સફળતાથી સેવા આપનારાં ભાઈ-બહેનો અમુક મહત્ત્વના ગુણો વિશે જણાવે છે. જેમ કે, સંજોગો અનુસાર પોતાને ઢાળવું અને સારું વલણ જાળવી રાખવું, જેથી અચાનક આવતા પડકારોનો સામનો કરી શકાય. ચાલો, કેટલાક અનુભવો જોઈએ.
રીની જણાવે છે: ‘હું બાબતોને જુદી જુદી રીતે કરવાનું શીખી. દાખલા તરીકે, નોરફોક ટાપુઓની આસપાસનો સમુદ્ર તોફાને ચઢે ત્યારે, માલવાહક જહાજો બંદરે પહોંચી શકતાં નહિ. તેથી, કોઈ વાર અછતને લીધે કરિયાણાંનો ભાવ આસમાને પહોંચી જતો. એટલે, હું એ રીતે જમવાનું બનાવતાં શીખી, જેથી કશાંનો બગાડ ન થાય.’ તેમના પતિ, શૅન કહે છે: ‘અઠવાડિયા માટે નક્કી કરેલો ખર્ચો અમે વટાવીએ નહિ એનું ધ્યાન રાખીને ખરીદી કરતાં.’
તેમનો દીકરો જૅકબ બીજા એક પડકાર વિશે કહે છે: ‘અમારા નવા મંડળમાં ફક્ત સાત ભાઈ-બહેનો હતાં અને એ પણ મારાથી મોટી ઉંમરનાં. તેથી, મારી ઉંમરનો મારો કોઈ દોસ્ત ન હતો. જોકે, એ ભાઈ-બહેનો સાથે પ્રચારમાં કામ કર્યાં પછી થોડા જ સમયમાં અમે સારા મિત્રો બની ગયાં.’
જિમ હવે ૨૧ વર્ષનો છે અને તેને પણ એવા સંજોગોનો સામનો કરવો પડ્યો. તે જણાવે છે: ‘નલનબોયથી સૌથી નજીકનું મંડળ પણ ૭૨૫ કિલોમીટર કરતાં વધારે દૂર હતું. એટલે, બધાં સંમેલનોનો અમે બનતો લાભ ઉઠાવતાં. અમે ત્યાં વહેલાં પહોંચી જતાં, જેથી ભાઈ-બહેનોની સંગતનો વધારે આનંદ માણી શકીએ. એ સંમેલનો અમારાં માટે વર્ષના સૌથી યાદગાર પ્રસંગો બની જતાં!’
‘સારું થયું કે અમે અહીં આવ્યાં’
બાઇબલ જણાવે છે: “યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે.” (નીતિ. ૧૦:૨૨) એ ઈશ્વરપ્રેરિત શબ્દોનો અનુભવ દુનિયા ફરતે એવાં અસંખ્ય ભાઈ-બહેનોએ કર્યો છે, જેઓએ વધુ જરૂર હોય ત્યાં જઈને સેવા આપી છે.
માર્ક જણાવે છે: ‘વધુ જરૂર હોય ત્યાં સેવા આપવા જવાનો સૌથી મોટો આશીર્વાદ એ રહ્યો કે અમારાં બાળકો પર એની સારી અસર પડી. અમારાં બે મોટાં બાળકોને પાક્કી ખાતરી છે કે રાજ્યને જીવનમાં પ્રથમ રાખનાર લોકોની યહોવા ચોક્કસ સંભાળ રાખે છે. એવો ભરોસો ખરીદી શકાતો નથી.’
શૅન જણાવે છે: ‘હું મારી પત્નીની અને બાળકોની ખૂબ નજીક આવી શક્યો છું. યહોવાએ તેઓ માટે કરેલી બાબતો વિશે તેઓનાં મોઢે સાંભળવું મને ખરેખર સંતોષ આપે છે!’ તેમની સાથે સહમત થતા તેમનો દીકરો જૅકબ કહે છે: ‘અહીંયા મેં ઘણો મજેદાર સમય વિતાવ્યો છે. સારું થયું કે અમે અહીં આવ્યાં. ખરેખર, હું ખૂબ ખુશ છું!’
^ ફકરો. 3 ડિસેમ્બર ૧૫, ૨૦૦૪ના ચોકીબુરજમાં પાન ૮-૧૧ પર આ લેખ જુઓ: “ટોંગા ટાપુ પર લોકો પરમેશ્વરના સેવકો બને છે”
^ ફકરો. 3 વર્ષ ૨૦૧૨માં, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ શાખા કચેરીઓને જોડીને, ઑસ્ટ્રેલેશિયા શાખા બનાવવામાં આવી.