સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પસંદગી કરવાની છૂટને કીમતી ગણો

પસંદગી કરવાની છૂટને કીમતી ગણો

“જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.”—૨ કોરીં. ૩:૧૭.

ગીતો: ૩૧, ૩૨

૧, ૨. (ક) પસંદગી કરવાની છૂટ વિશે લોકોના કેવા અલગ અલગ મંતવ્યો છે? (ખ) એ વિશે બાઇબલ શું જણાવે છે? આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

આપણા સર્જનહારે આપણને એક અમૂલ્ય ભેટ આપી છે. એ છે, પસંદગી કરવાની છૂટ. એક સ્ત્રીએ નિર્ણય લેતી વખતે પોતાના દોસ્તને કહ્યું: ‘મને વિચારવા માટે ના કહીશ; મારે શું કરવું જોઈએ એ કહી દે. એ વધારે સહેલું રહેશે.’ એ સ્ત્રી સર્જનહાર તરફથી મળેલી ભેટનો ઉપયોગ કરવાને બદલે બીજાને પોતાના વતી નિર્ણય લેવાનું કહી રહી હતી. તમારા વિશે શું? શું તમે તમારા નિર્ણયો જાતે લો છો કે પછી બીજાઓને તમારા વતી નિર્ણય લેવાનું કહો છો? પસંદગી કરવાની છૂટ વિશે તમને કેવું લાગે છે?

પસંદગી કરવાની છૂટ વિશે લોકોના અલગ અલગ મંતવ્યો છે. અમુક કહે છે કે, ઈશ્વરે પહેલેથી જ આપણું નસીબ લખી દીધું છે, એટલે આપણને પસંદગી કરવાની આઝાદી જ નથી. બીજાઓ કહે છે કે, પસંદગી કરવાની છૂટ એને જ કહેવાય, જ્યારે પસંદગી કરવાની પૂરેપૂરી આઝાદી મળે. જોકે, બાઇબલ જણાવે છે કે આપણને સારા નિર્ણયો લેવાની ક્ષમતા અને આઝાદી સાથે બનાવવામાં આવ્યા છે. (યહોશુઆ ૨૪:૧૫ વાંચો.) બાઇબલ આપણને આવા સવાલોના પણ જવાબ આપે છે: શું પસંદગી કરવાની છૂટનો એવો અર્થ થાય કે આપણા પર કોઈ મર્યાદા નથી? નિર્ણયો લેતી વખતે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ? યહોવા પરનો ગાઢ પ્રેમ કઈ રીતે આપણા નિર્ણયો પરથી દેખાઈ આવે છે? આપણે કઈ રીતે બતાવી શકીએ કે, બીજાઓના પસંદગી કરવાના હકને આપણે માન આપીએ છીએ?

યહોવા અને ઈસુ પાસેથી શું શીખી શકીએ?

૩. યહોવા કઈ રીતે પોતાની આઝાદીનો ઉપયોગ કરે છે?

યહોવા પાસે પૂરેપૂરી આઝાદી છે. તે જે રીતે આઝાદીનો ઉપયોગ કરે છે, એમાંથી આપણે ઘણું શીખી શકીએ. દાખલા તરીકે, યહોવાએ ઇઝરાયેલ રાષ્ટ્રને પોતાની “ખાસ પ્રજા” બનવા પસંદ કર્યું. (પુન. ૭:૬-૮) એ પસંદગી કરવા માટે તેમની પાસે યોગ્ય કારણ હતું. તે પોતાના મિત્ર ઈબ્રાહીમને આપેલું વચન પૂરું કરવા ચાહતા હતા. (ઉત. ૨૨:૧૫-૧૮) વધુમાં, યહોવા પોતાની આઝાદીનો ઉપયોગ કોઈ પણ ભેદભાવ વગર અને પ્રેમાળ રીતે કરે છે. ઇઝરાયેલીઓએ તેમની આજ્ઞા ન માની ત્યારે તેઓને જે રીતે શિસ્ત આપી, એમાં એ ગુણો દેખાઈ આવે છે. ઇઝરાયેલીઓ પોતાની ભૂલ માટે દિલથી પસ્તાવો કરતા ત્યારે, યહોવા તેઓને પ્રેમ અને દયા બતાવતાં. તેમણે કહ્યું: “હું મારા લોકોની બેવફાઈનો ઇલાજ કરીશ, હું તેમના ઉપર પૂરા દિલથી પ્રેમ કરીશ.” (હોશી. ૧૪:૫, સંપૂર્ણ) પોતાની આઝાદી વાપરીને બીજાઓને મદદ કરવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે.

૪, ૫. (ક) ઈશ્વરે સૌથી પહેલા કોને પસંદગી કરવાની આઝાદી આપી હતી? તેમણે કઈ રીતે એનો ઉપયોગ કર્યો? (ખ) આપણે કેવા સવાલ પર વિચાર કરવો જોઈએ?

યહોવાએ નક્કી કર્યું કે, તે દૂતો અને માણસોને પસંદગી કરવાની છૂટ સાથે બનાવશે. તેમણે સૌથી પહેલા ઈસુને બનાવ્યા. તેમને ઈશ્વર જેવા ગુણો અને પસંદગી કરવાની આઝાદી સાથે બનાવવામાં આવ્યા હતા. (કોલો. ૧:૧૫) ઈસુએ એ આઝાદીનો કેવો ઉપયોગ કર્યો? પૃથ્વી પર આવ્યા એ પહેલાં ઈસુએ યહોવાના પક્ષે રહેવાનું પસંદ કર્યું, શેતાન અને તેના બંડખોર દૂતોના નહિ. પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે શેતાનની લાલચોમાં ફસાવાનો નકાર કરી દીધો. (માથ. ૪:૧૦) પછીથી, તેમના મરણની આગલી રાતે તેમણે જણાવ્યું કે તે યહોવા પિતાની ઇચ્છા પૂરી કરવા માંગે છે. તેમણે કહ્યું: “પિતા, જો તમે ચાહતા હો તો આ પ્યાલો મારાથી દૂર કરો. તેમ છતાં, મારી ઇચ્છા નહિ પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” (લુક ૨૨:૪૨) ઈસુએ પોતાની પસંદગી કરવાની છૂટનો ઉપયોગ કરીને યહોવાને મહિમા આપ્યો અને તેમની ઇચ્છા પૂરી કરી. શું આપણા માટે એવું કરવું ખરેખર શક્ય છે?

હા, આપણે પણ ઈસુનું અનુકરણ કરી શકીએ છીએ. કારણ કે, આપણને પણ ઈશ્વરની પ્રતિમા પ્રમાણે, એટલે કે તેમના જેવા ગુણો સાથે બનાવવામાં આવ્યા છે. (ઉત. ૧:૨૬) જોકે, આપણી પાસે યહોવા જેવી પૂરેપૂરી આઝાદી નથી. બાઇબલ બતાવે છે કે, યહોવાએ આપણી આઝાદી પર થોડી મર્યાદા મૂકી છે અને તે ચાહે છે કે આપણે એ મર્યાદામાં રહીએ. દાખલા તરીકે, પત્નીએ પતિને તેમજ બાળકોએ માતા-પિતાને આધીન રહેવું જોઈએ. (એફે. ૫:૨૨; ૬:૧) કદાચ આપણા મનમાં સવાલ થાય કે, આવી મર્યાદા બાંધવાથી પસંદગી કરવાની આપણી છૂટ પર કેવી અસર થાય છે. એ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે, કારણ કે એના પર આપણું કાયમી જીવન નિર્ભર છે.

પસંદગી કરવાની છૂટનો ઉપયોગ અને દુરુપયોગ

૬. ઉદાહરણ આપીને સમજાવો કે આઝાદીમાં મર્યાદા હોવી કેમ મહત્ત્વનું છે.

આઝાદીમાં મર્યાદા હોય તો, શું એને ખરી આઝાદી કહી શકાય? હા, કહી શકાય. શા માટે? કારણ કે, મર્યાદામાં રહેવાથી આપણને રક્ષણ મળે છે. દાખલા તરીકે, કદાચ તમે બીજા શહેર જવા કારમાં મુસાફરી કરવાનું નક્કી કરો છો. પણ જરા વિચારો, ત્યાં ટ્રાફિકના કોઈ નિયમો નથી; દરેક વ્યક્તિ પોતે નક્કી કરે છે કે કેટલી ઝડપે ગાડી ચલાવશે અને રોડની કઈ બાજુએ ચલાવશે. શું એ રસ્તા પર કાર ચલાવવી તમને સુરક્ષિત લાગશે? જરાય નહિ લાગે. ટ્રાફિકના નિયમોની જેમ જ અમુક મર્યાદા બાંધવાથી, દરેક વ્યક્તિ સાચી આઝાદીથી મળતા ફાયદાનો આનંદ માણી શકે છે. ચાલો, બાઇબલના અમુક દાખલા તપાસીએ, જે બતાવે છે કે યહોવાએ ઠરાવેલી મર્યાદામાં રહેવાથી કઈ રીતે ફાયદો થાય છે.

૭. (ક) આદમ અને પ્રાણીઓમાં કયો ફરક હતો? (ખ) આદમે શરૂઆતમાં કઈ રીતે પસંદગી કરવાની છૂટનો સારો ઉપયોગ કર્યો?

યહોવાએ આદમને પસંદગી કરવાની છૂટ સાથે બનાવ્યો હતો. એ જ ભેટ, જે તેમણે દૂતોને આપી હતી. જોકે, એ ભેટ તેમણે પ્રાણીઓને આપી ન હતી. આદમે કઈ રીતે એ ભેટનો સારો ઉપયોગ કર્યો? આદમને પ્રાણીઓનાં નામ પાડવાનો લહાવો મળ્યો હતો. બાઇબલ જણાવે છે કે, ‘તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જોવાને ઈશ્વર એ પ્રાણીઓને તેની પાસે લાવ્યા.’ દરેક પ્રાણીનું નિરીક્ષણ કર્યા પછી, આદમે દરેકને એક અર્થપૂર્ણ નામ આપ્યું. યહોવાએ આદમના નિર્ણયને માન આપ્યું. કારણ કે, બાઇબલ જણાવે છે, “તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું.”—ઉત. ૨:૧૯.

૮. આદમે કઈ રીતે પસંદગી કરવાની છૂટનો દુરુપયોગ કર્યો અને એનું શું પરિણામ આવ્યું?

યહોવાએ આદમને પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવાની જવાબદારી આપી હતી. તેમણે કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત. ૧:૨૮) પણ, આદમે મના કરેલું ફળ ખાધું અને યહોવાએ ઠરાવેલી મર્યાદામાં રહેવાનો નકાર કર્યો. આમ, તેણે પસંદગી કરવાની છૂટનો દુરુપયોગ કર્યો અને એના લીધે હજારો વર્ષોથી માણસજાત પર દુઃખોનાં વાદળ છવાઈ ગયાં છે. (રોમ. ૫:૧૨) આદમના નિર્ણયને લીધે આવેલા ખરાબ પરિણામને ક્યારેય ન ભૂલીએ. એનાથી આપણને આઝાદીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને યહોવાએ ઠરાવેલી મર્યાદામાં રહેવા ઉત્તેજન મળશે.

૯. યહોવાએ ઇઝરાયેલીઓને કઈ પસંદગી આપી અને તેઓએ યહોવાને કયું વચન આપ્યું?

આદમ અને હવા પાસેથી મનુષ્યોને વારસામાં પાપ અને મરણ મળ્યું છે. તોપણ, આપણા બધા પાસે પસંદગી કરવાનો હક છે. એમ શાના પરથી કહી શકાય? યહોવા ઇઝરાયેલ રાષ્ટ્ર સાથે જે રીતે વર્ત્યા એના પરથી એ સાફ દેખાઈ આવે છે. યહોવાએ તેઓને પોતાનું ખાસ ધન બનવાની પસંદગી આપી હતી. (નિર્ગ. ૧૯:૩-૬) એ રાષ્ટ્રએ યહોવાનું ખાસ ધન બનવાનું અને તેમણે ઠરાવેલી મર્યાદામાં રહેવાનું પસંદ કર્યું. તેઓએ કહ્યું: “યહોવાએ જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” (નિર્ગ. ૧૯:૮) દુઃખની વાત છે કે, એ પ્રજા પોતાનું વચન પાળવામાં નિષ્ફળ ગઈ. એ દાખલા પરથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ: પસંદગી કરવાની છૂટને હંમેશાં કીમતી ગણીએ; યહોવાને વળગી રહીએ અને તેમના નિયમોને આધીન રહીએ.—૧ કોરીં. ૧૦:૧૧.

૧૦. કયા દાખલા બતાવે છે કે, અપૂર્ણ માનવીઓ પસંદગી કરવાની છૂટનો ઉપયોગ કરીને ઈશ્વરને મહિમા આપી શકે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ હિબ્રૂઓના ૧૧મા અધ્યાયમાં એવાં ૧૬ વફાદાર સ્ત્રી-પુરુષો વિશે જણાવવામાં આવ્યું છે, જેઓએ યહોવાએ ઠરાવેલી મર્યાદામાં રહેવાનું પસંદ કર્યું હતું. પરિણામે, તેઓને ઘણા આશીર્વાદો મળ્યા અને ભાવિની અદ્ભુત આશા મળી. દાખલા તરીકે, નુહે અજોડ શ્રદ્ધા બતાવી. તેમણે યહોવાની આજ્ઞા પાળીને એક વહાણ બનાવ્યું. એના લીધે તેમનું કુટુંબ બચી ગયું અને માણસજાતનું અસ્તિત્વ ટકી રહ્યું. (હિબ્રૂ. ૧૧:૭) ઈબ્રાહીમ અને સારાહ રાજીખુશીથી યહોવાને વફાદાર રહ્યા અને વચન આપેલા દેશમાં રહેવા ગયા. પછીથી, તેઓને પોતાના દેશ ઉર “પાછા જવાની તક” હતી તોપણ, તેઓએ ભાવિ વિશેના ઈશ્વરના વચન પર પોતાનું ધ્યાન લગાડ્યું. બાઇબલ જણાવે છે કે, તેઓ “વધારે સારી જગ્યાની ઝંખના” રાખતા હતા. (હિબ્રૂ. ૧૧:૮, ૧૩, ૧૫, ૧૬) મુસાએ ઇજિપ્તની ધનસંપત્તિનો નકાર કર્યો અને “થોડા સમય માટે પાપનો આનંદ માણવાને બદલે, તેમણે ઈશ્વરના લોકો સાથે જુલમ સહન કરવાનું પસંદ કર્યું.” (હિબ્રૂ. ૧૧:૨૪-૨૬) ચાલો, એ વિશ્વાસુ સ્ત્રી-પુરુષોના દાખલાને અનુસરતા રહીએ અને પસંદગી કરવાની છૂટનો સારો ઉપયોગ કરીને ઈશ્વરને મહિમા આપતા રહીએ.

૧૧. (ક) પસંદગી કરવાની છૂટનો એક સૌથી મોટો આશીર્વાદ કયો છે? (ખ) પસંદગી કરવાની છૂટનો સારો ઉપયોગ કરવા તમને શાનાથી પ્રેરણા મળે છે?

૧૧ યહોવાએ આપેલી ભેટનો ઉપયોગ કરવાથી અનેક આશીર્વાદો મળે છે. પરંતુ, જો બીજાઓ આપણા માટે નિર્ણય લે, તો એ આશીર્વાદનો અનુભવ નહિ કરી શકીએ. એવો એક આશીર્વાદ કયો છે? એનો જવાબ પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦માં જોવા મળે છે. (વાંચો.) કલમ ૧૯ જણાવે છે કે, ઈશ્વરે ઇઝરાયેલીઓને એક પસંદગી આપી હતી. કલમ ૨૦ જણાવે છે કે, તેઓ યહોવાને કેટલો પ્રેમ કરે છે એ બતાવવાની યહોવાએ તેઓને એક તક આપી હતી. આપણે પણ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કરી શકીએ છીએ. તેમ જ, પસંદગી કરવાની છૂટનો ઉપયોગ કરીને આપણે યહોવાને મહિમા આપી શકીએ અને તેમના પ્રત્યેનો ગાઢ પ્રેમ જાહેર કરી શકીએ. કેટલો મોટો આશીર્વાદ!

પસંદગી કરવાની છૂટનો દુરુપયોગ ન કરો

૧૨. પસંદગી કરવાની છૂટનો કેવો ઉપયોગ ન કરવો જોઈએ?

૧૨ કલ્પના કરો કે, તમે તમારા મિત્રને ખૂબ કીમતી ભેટ આપી છે. જો તે એને કચરામાં ફેંકી દે અથવા બીજાને નુકસાન કરવા એનો ઉપયોગ કરે, તો તમને કેવું લાગશે? તમને ખૂબ દુઃખ થશે, ખરું ને? એવી જ રીતે, યહોવાએ દરેકને પસંદગી કરવાની છૂટની ભેટ આપી છે. હવે વિચારો, એ ભેટનો દુરુપયોગ કરીને લોકો ખરાબ નિર્ણયો લે અથવા બીજાઓને નુકસાન પહોંચાડે ત્યારે, યહોવાને કેટલું દુઃખ થતું હશે! બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે, “છેલ્લા દિવસોમાં . . . આભાર ન માનનારા” લોકો હશે. (૨ તિમો. ૩:૧, ૨) પણ, આપણે કઈ રીતે બતાવી શકીએ કે, એ કીમતી ભેટ માટે યહોવાના આભારી છીએ? આપણે કઈ રીતે એનો દુરુપયોગ કરવાનું ટાળી શકીએ?

૧૩. આઝાદીનો કેવો ઉપયોગ ટાળવો જોઈએ?

૧૩ આપણા બધા પાસે મિત્રો, પહેરવેશ, શણગાર અને મનોરંજનની પસંદગી કરવાની આઝાદી છે. જોકે, એ આઝાદીનો દુરુપયોગ કરીને આપણે કદાચ પોતાની ઇચ્છા સંતોષવા અને કઢંગી ફેશન અપનાવવા લાગીએ. (૧ પીતર ૨:૧૬ વાંચો.) એ આઝાદીનો ઉપયોગ ખોટું કામ કરવાને બદલે, “ઈશ્વરના મહિમા માટે” કરવો જોઈએ.—ગલા. ૫:૧૩; ૧ કોરીં. ૧૦:૩૧.

૧૪. પસંદગી કરવાની છૂટનો ઉપયોગ કરીએ ત્યારે શા માટે યહોવા પર ભરોસો રાખવો જોઈએ?

૧૪ યહોવાએ કહ્યું હતું: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશા. ૪૮:૧૭) આપણે યહોવામાં ભરોસો મૂકવાની અને તેમણે ઠરાવેલી મર્યાદાને સ્વીકારવાની જરૂર છે. એમ કરીશું તો, આપણે સારા નિર્ણયો લઈ શકીશું. આપણે નમ્રપણે એ પણ સ્વીકારવાની જરૂર છે કે, “મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મે. ૧૦:૨૩) આદમ અને બેવફા ઇઝરાયેલીઓએ યહોવાએ ઠરાવેલી મર્યાદામાં રહેવાનો નકાર કર્યો અને પોતાના પર ભરોસો રાખ્યો. તેઓનો ખરાબ દાખલો આપણને ઘણું શીખવી જાય છે. પોતાના પર ભરોસો રાખવાને બદલે આપણે “ખરા હૃદયથી યહોવા પર ભરોસો” રાખવો જોઈએ.—નીતિ. ૩:૫.

બીજાઓના પસંદગી કરવાના હકને માન આપીએ

૧૫. ગલાતીઓ ૬:૫માં જણાવેલા સિદ્ધાંતથી આપણે શું શીખી શકીએ?

૧૫ દરેકને પોતાના જીવનને લગતા નિર્ણયો લેવાનો હક છે. તેથી, તેઓની એ આઝાદી કે હકને આપણે માન આપવું જોઈએ. શા માટે? કારણ કે, બધા પાસે પસંદગી કરવાની છૂટ હોવાથી, ક્યારેય બે સેવકોના નિર્ણયો એકદમ સરખા નહિ હોય. એમાં વાણી-વર્તન અને ઉપાસના વિશેના નિર્ણયોનો પણ સમાવેશ થાય છે. ગલાતીઓ ૬:૫માં જણાવેલો સિદ્ધાંત હંમેશાં યાદ રાખીએ. (વાંચો.) જ્યારે આપણે સ્વીકારીશું કે દરેક સેવક પોતાના નિર્ણય માટે જવાબદાર છે, ત્યારે પસંદગી કરવાના તેમના હકને આપણે માન આપી શકીશું.

આપણો નિર્ણય બીજાઓ પર ન થોપીએ (ફકરો ૧૫ જુઓ)

૧૬, ૧૭. (ક) પસંદગી કરવાની છૂટ કઈ રીતે કોરીંથ મંડળમાં એક સમસ્યા બની હતી? (ખ) એ ભાઈ-બહેનોને પાઊલે કઈ રીતે મદદ કરી? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ ચાલો બાઇબલનો એક દાખલો તપાસીએ, જે બતાવે છે કે બીજાના પસંદગી કરવાના હકને માન આપવું શા માટે મહત્ત્વનું છે. કોરીંથ મંડળનાં ભાઈ-બહેનો માંસ ખાવાને લઈને અંદરોઅંદર દલીલો કરતા હતાં. કદાચ એ માંસ પહેલા મૂર્તિને ધરવામાં આવતું અને પછી બજારમાં વેચવામાં આવતું. અમુક ભાઈ-બહેનોનાં અંતઃકરણ તેઓને એ ખાવાની પરવાનગી આપતાં, કારણ કે તેઓ જાણતા હતા કે મૂર્તિઓ કંઈ જ નથી. જોકે, જેઓ અગાઉ મૂર્તિપૂજા કરતા હતા, તેઓને લાગતું કે એવું માંસ ખાવું મૂર્તિપૂજા બરાબર છે. (૧ કોરીં. ૮:૪,) એ ગંભીર સમસ્યા મંડળમાં ભાગલા પાડી શકતી હતી. એ સમસ્યાને થાળે પાડવા પાઊલે કઈ રીતે એ ભાઈ-બહેનોને મદદ કરી?

૧૭ સૌ પ્રથમ, પાઊલે એ ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે, ખોરાકથી આપણને ઈશ્વરની નજીક આવી શકતા નથી. (૧ કોરીં. ૮:૮) પછી, પાઊલે તેઓને ચેતવણી આપી: “પસંદગી કરવાનો તમારો હક કદાચ એવા લોકો માટે ઠોકર ખવડાવનાર પથ્થર ન બને, જેઓ કમજોર છે.” (૧ કોરીં. ૮:૯) ત્યાર બાદ, જેઓનું અંતઃકરણ કમજોર છે તેઓને પાઊલે કહ્યું કે, એવા લોકોનો ન્યાય ન કરો, જેઓ એવું માંસ ખાવાનો નિર્ણય લે છે. (૧ કોરીં. ૧૦:૨૫, ૨૯, ૩૦) આમ, જોવા મળે છે કે દરેક ઈશ્વરભક્તે ઉપાસનાને લગતા મહત્ત્વના નિર્ણયો પોતે લેવા જોઈએ. શું આપણે ભાઈ-બહેનોની નિર્ણય લેવાની આઝાદીને માન ન આપવું જોઈએ, પછી ભલેને એ નાની બાબત હોય?—૧ કોરીં. ૧૦:૩૨, ૩૩.

૧૮. તમે કઈ રીતે બતાવી આપશો કે, યહોવાએ આપેલી ભેટની તમે કદર કરો છો?

૧૮ યહોવાએ આપણને પસંદગી કરવાની છૂટ આપી છે, જે આપણને સાચી આઝાદી આપે છે. (૨ કોરીં. ૩:૧૭) એ ભેટની આપણે ખૂબ જ કદર કરીએ છીએ. કારણ કે, એનાથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને યહોવા પરનો આપણો ઊંડો પ્રેમ જાહેર કરી શકીએ છીએ. તેથી, ચાલો યહોવાને મહિમા આપે એવા નિર્ણયો લેતા રહીએ. તેમ જ, બીજાઓ આ ભેટનો ઉપયોગ કરે ત્યારે તેઓના નિર્ણયોને માન આપીએ.