“યહોવા પર ભરોસો રાખ અને ભલું કર”
“યહોવા પર ભરોસો રાખ અને ભલું કર . . . અને વિશ્વાસુપણાની પાછળ લાગ.”—ગીત. ૩૭:૩.
ગીતો: ૪૯, ૧૮
૧. યહોવાએ મનુષ્યોને કઈ અજોડ ક્ષમતા આપી છે?
યહોવાએ મનુષ્યોને અજોડ ક્ષમતા સાથે બનાવ્યા છે. તેમણે આપણને વિચારવાની શક્તિ આપી છે, જે મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને ભાવિ માટેની યોજના બનાવવા મદદ કરે છે. (નીતિ. ૨:૧૧) તેમણે આપણને શારીરિક બળ આપ્યું છે, જેથી આપણે પોતાની યોજના મુજબ કામ કરી શકીએ અને ધ્યેયો હાંસલ કરી શકીએ. (ફિલિ. ૨:૧૩) તેમણે આપણને અંતઃકરણ આપ્યું છે, જે ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખવા મદદ કરે છે. એનાથી આપણને પાપથી દૂર રહેવા અને ભૂલો સુધારવા મદદ મળે છે.—રોમ. ૨:૧૫.
૨. આપણી ક્ષમતાના ઉપયોગ વિશે યહોવા શું ચાહે છે?
૨ યહોવા ચાહે છે કે આપણે પોતાની ક્ષમતાનો સારાં કામોમાં ઉપયોગ કરીએ. શા માટે? કારણ કે, યહોવા આપણને પ્રેમ કરે છે અને તે જાણે છે કે તેમણે આપેલી ભેટનો સારો ઉપયોગ કરીશું, તો ખુશ રહીશું. દાખલા તરીકે, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જણાવ્યું છે: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે” અને “જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર.” (નીતિ. ૨૧:૫; સભા. ૯:૧૦) ગ્રીક શાસ્ત્રવચનોમાં જણાવ્યું છે: “આપણી પાસે તક છે ત્યાં સુધી, ચાલો સર્વનું . . . ભલું કરીએ.” ઉપરાંત, ઈશ્વરે “દરેકને જુદી જુદી ભેટ આપી છે. એ માટે . . . એકબીજાની સેવા કરવા એ ભેટનો ઉપયોગ” કરીએ. (ગલા. ૬:૧૦; ૧ પીત. ૪:૧૦) સ્પષ્ટ છે કે, આપણને અને બીજાઓને ફાયદો થાય એવી યહોવાની ઇચ્છા છે.
૩. મનુષ્યોમાં કઈ નબળાઈઓ છે?
૩ ખરું કે, યહોવા ચાહે છે કે આપણે ક્ષમતાનો ઉપયોગ કરીએ, પરંતુ તે એ પણ જાણે છે કે આપણામાં નબળાઈઓ છે. જેમ કે, આપણે અપૂર્ણતા, પાપ અને મરણને દૂર કરી શકતા નથી. (૧ રાજા. ૮:૪૬) વધુમાં, આપણે બીજા લોકો પર કાબૂ રાખી શકતા નથી. કારણ કે, દરેકને પોતાની મરજી પ્રમાણે પસંદગી કરવાની છૂટ છે. ભલે આપણી પાસે ગમે તેટલું જ્ઞાન કે અનુભવ હોય, એ ક્યારેય યહોવાની તોલે આવી શકતો નથી.—યશા. ૫૫:૯.
૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ માર્ગદર્શન માટે આપણે હંમેશાં યહોવા પર આધાર રાખવો જોઈએ. તેમ જ, એ ભરોસો રાખવો જોઈએ કે તે આપણને સહાય કરશે અને જે સંજોગો આપણા હાથ બહાર છે, એને તે હાથ ધરશે. જોકે, યહોવા ઇચ્છે છે કે મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને બીજાઓને મદદ કરવા આપણે પ્રયત્ન કરીએ. (ગીતશાસ્ત્ર ૩૭:૩ વાંચો.) આપણે ‘યહોવા પર ભરોસો રાખવો જોઈએ અને ભલું કરવું જોઈએ.’ સાથે સાથે, ‘વિશ્વાસુપણાની પાછળ લાગવું,’ જોઈએ એટલે કે વિશ્વાસથી કામ કરતા રહેવું જોઈએ. એમ કઈ રીતે કરી શકીએ? ચાલો નુહ, દાઊદ અને બીજા ઈશ્વરભક્તોના દાખલા જોઈએ, જેઓએ યહોવા પર ભરોસો બતાવ્યો હતો. આપણે જોઈશું કે, તેઓએ પોતાનું ધ્યાન જે કરી શકતા ન હતા એના પર નહિ, પણ જે કરી શકતા હતા એના પર લગાડ્યું.
દુષ્ટતાથી ઘેરાયેલા હોઈએ ત્યારે
૫. નુહે કેવા સંજોગોનો સામનો કર્યો?
૫ નુહના દિવસોમાં પૃથ્વી અનૈતિકતા અને “જુલમથી ભરપૂર હતી.” (ઉત. ૬:૪, ૯-૧૩) નુહ જાણતા હતા કે સમય જતાં યહોવા એ દુષ્ટ દુનિયાનો નાશ કરશે. છતાં, લોકોના દુષ્ટ કામો જોઈને તેમને ચોક્કસ દુઃખ થયું હશે. નુહ પારખી શક્યા હતા કે, એ સંજોગોમાં તે અમુક બાબતો કરી શકતા ન હતા. પણ, તેમણે પોતાનું ધ્યાન જે કરી શકતા હતા એના પર લગાડ્યું.
૬, ૭. (ક) નુહ શું કરી શકતા ન હતા? (ખ) કઈ રીતે આપણી પરિસ્થિતિ નુહ જેવી છે?
૬ નુહ શું કરી શકતા ન હતા: નુહે વફાદારીથી ઉત. ૬:૧૭.
યહોવાએ આપેલી ચેતવણીનો પ્રચાર કર્યો. પરંતુ, લોકો એને માને એ માટે તે બળજબરી કરી શકતા ન હતા. જળપ્રલય જલદી આવે એ માટે પણ તે કંઈ કરી શકતા ન હતા. તેમણે તો યહોવા પર ભરોસો રાખવાનો હતો કે, યોગ્ય સમયે યહોવા પોતાના વચન મુજબ દુષ્ટ દુનિયાનો વિનાશ કરશે.—૭ આપણે પણ દુષ્ટતાથી ભરેલી દુનિયામાં રહીએ છીએ, જેનો વિનાશ કરવાનું યહોવાએ વચન આપ્યું છે. (૧ યોહા. ૨:૧૭) એ દરમિયાન આપણે લોકોને ‘રાજ્યની ખુશખબર’ સ્વીકારવા દબાણ કરી શકતા નથી. તેમ જ, “મહાન વિપત્તિ” જલદી આવે એ માટે પણ કંઈ કરી શકતા નથી. (માથ. ૨૪:૧૪, ૨૧) નુહની જેમ આપણે યહોવા પર અડગ શ્રદ્ધા બતાવવાની જરૂર છે કે, જલદી જ તે આ દુષ્ટ દુનિયાને ખતમ કરી નાખશે. (ગીત. ૩૭:૧૦, ૧૧) આપણને પૂરી ખાતરી છે કે યહોવા આ દુષ્ટ દુનિયાને નક્કી કરેલા સમય કરતાં એક દિવસ પણ વધારે ચાલવા દેશે નહિ.—હબા. ૨:૩.
૮. નુહે શાના પર ધ્યાન આપ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૮ નુહ શું કરી શકતા હતા: જે સંજોગો હાથ બહાર હતા એના લીધે નુહ નિરાશ ન થયા. એના બદલે, જે કરી શકતા હતા એના પર તેમણે ધ્યાન આપ્યું. તેમણે વફાદારીથી યહોવાએ આપેલી ચેતવણી જાહેર કરી. (૨ પીત. ૨:૫) એ કામને લીધે તેમને પોતાની શ્રદ્ધા અડગ રાખવામાં ચોક્કસ મદદ મળી હશે. પ્રચારકામ ઉપરાંત તેમણે યહોવાની આજ્ઞા મુજબ વહાણ બાંધ્યું.—હિબ્રૂઓ ૧૧:૭ વાંચો.
૯. આપણે કઈ રીતે નુહના દાખલાને અનુસરી શકીએ?
૯ નુહની જેમ આપણે પણ “પ્રભુની સેવામાં” વ્યસ્ત રહેવાનું છે. (૧ કોરીં. ૧૫:૫૮) દાખલા તરીકે, આપણે કદાચ રાજ્યગૃહ બાંધકામ કે સમારકામમાં મદદ કરી શકીએ; સંમેલનોમાં રાજીખુશીથી બનતી સહાય કરી શકીએ; અથવા શાખા કચેરી કે ભાષાંતર કેન્દ્રોમાં સેવા આપી શકીએ. સૌથી મહત્ત્વનું તો, આપણે પ્રચારકામમાં લાગુ રહેવાનું છે, જે ભાવિની આપણી આશાને મજબૂત કરે છે. એ વિશે એક વફાદાર બહેને આમ જણાવ્યું: ‘જ્યારે તમે રાજ્યથી મળનાર આશીર્વાદો વિશે બીજાઓને જણાવો છો, ત્યારે તમે જોઈ શકો છો કે લોકો પાસે ભાવિની કોઈ આશા નથી. તેઓને લાગે છે કે તેઓની મુશ્કેલીઓ કાયમી છે.’ સાચે જ, આપણી પાસે ભાવિની આશા છે અને બીજાઓને એ વિશે જણાવીએ છીએ ત્યારે, એ આશા મજબૂત બને છે. જીવનની દોડમાં દોડતા રહેવા એ આશા આપણી હિંમત વધારે છે.—૧ કોરીં. ૯:૨૪.
પાપ કરી બેસીએ ત્યારે
૧૦. દાઊદના સંજોગોનું વર્ણન કરો.
૧૦ રાજા દાઊદ વફાદાર ઈશ્વરભક્ત હતા અને યહોવા તેમને ખૂબ ચાહતા હતા. (પ્રે.કા. ૧૩:૨૨) તોપણ, બાથશેબા સાથે વ્યભિચાર કરીને દાઊદ ગંભીર પાપ કરી બેઠા. એનાથી પણ બદતર, પોતાનું પાપ છુપાવવા તેમણે બાથશેબાના પતિ ઊરિયાને લડાઈમાં મારી નંખાવ્યો. અરે, ઊરિયાને મારી નાંખવાનો આદેશ આપતો પત્ર તેમણે ઊરિયા સાથે જ મોકલ્યો! (૨ શમૂ. ૧૧:૧-૨૧) સમય જતાં, દાઊદનું પાપ ખુલ્લું પડ્યું. (માર્ક ૪:૨૨) એમ બન્યું ત્યારે, દાઊદે કેવું વલણ બતાવ્યું?
૧૧, ૧૨. (ક) પાપ કર્યા પછી દાઊદ શું કરી શકતા ન હતા? (ખ) જો આપણે પસ્તાવો કરીશું, તો યહોવા શું કરશે?
૧૧ દાઊદ શું કરી શકતા ન હતા: સમયને પાછો વાળીને દાઊદ પોતાના પાપને ભૂંસી શકતા ન હતા. હકીકતમાં, આખું જીવન તેમણે એ પાપનાં પરિણામો ભોગવવાં પડ્યાં. (૨ શમૂ. ૧૨:૧૦-૧૨, ૧૪) એવા સંજોગોમાં તેમને શ્રદ્ધાની જરૂર હતી. તેમણે ભરોસો રાખવાનો હતો કે, જો તે દિલથી પસ્તાવો કરશે, તો યહોવા તેમને માફી આપશે અને પાપનાં પરિણામો સહન કરવા મદદ કરશે.
૧૨ અપૂર્ણ હોવાને લીધે આપણે બધા ભૂલને પાત્ર છીએ. પણ અમુક ભૂલો વધુ ગંભીર હોય છે. આપણે સમયને પાછો વાળીને એ ભૂલોને ભૂંસી શકતા નથી. દાઊદની જેમ આપણે કદાચ એ ભૂલનાં પરિણામો ભોગવવા પડે. (ગલા. ૬:૭) અમુક કિસ્સામાં આપણે પોતે જ પગ પર કુહાડો માર્યો હશે. તોપણ, આપણે ભરોસો રાખવાની જરૂર છે કે જો પસ્તાવો કરીશું, તો દરેક મુશ્કેલીમાં યહોવા સહાય કરશે.—યશાયા ૧:૧૮, ૧૯; પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯ વાંચો.
૧૩. યહોવા સાથેના સંબંધમાં આવેલી તિરાડને પૂરવા દાઊદે શું કર્યું?
૧૩ દાઊદ શું કરી શકતા હતા: યહોવા સાથેના સંબંધમાં આવેલી તિરાડને દાઊદ પૂરવા માંગતા હતા. એ માટે તેમણે શું કર્યું? યહોવાએ મદદ આપી ત્યારે તેમણે નમ્રતા બતાવી. દાખલા તરીકે, નાથાન પ્રબોધક દ્વારા યહોવાએ આપેલા માર્ગદર્શનનો તેમણે સ્વીકાર કર્યો. (૨ શમૂ. ૧૨:૧૩) તેમણે યહોવાને પ્રાર્થના કરી અને પોતાનું પાપ કબૂલ કર્યું; તે સાચે જ યહોવાની કૃપા મેળવવા ચાહતા હતા. (ગીત. ૫૧:૧-૧૭) પાપના દુઃખમાં ગરક થઈ જવાને બદલે, તે પોતાની ભૂલોમાંથી શીખ્યા. તેમણે ફરીથી ક્યારેય એ ભૂલો ન કરી. વર્ષો પછી, તે વફાદાર ભક્ત તરીકે મરણ પામ્યા અને યહોવા તેમને એ જ રીતે યાદ રાખે છે.—હિબ્રૂ. ૧૧:૩૨-૩૪.
૧૪. દાઊદના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૪ દાઊદના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? જો આપણાથી કોઈ ગંભીર પાપ થઈ જાય, તો દિલથી પસ્તાવો કરવો, યહોવા આગળ પાપની કબૂલાત કરવી અને માફી માટે અરજ કરવી ખૂબ જરૂરી છે. (૧ યોહા. ૧:૯) આપણે વડીલો સાથે વાત કરવાની જરૂર છે, કારણ કે યહોવા સાથેના સંબંધને સુધારવા તેઓ મદદ કરી શકે છે. (યાકૂબ ૫:૧૪-૧૬ વાંચો.) યહોવાની મદદ સ્વીકારીને આપણે બતાવીએ છીએ કે માફી આપવાના તેમના વચન પર આપણને પૂરો ભરોસો છે. ખરું કે યહોવા આપણા ઘા રુઝાવશે. પરંતુ, આપણે પોતાની ભૂલો પરથી શીખવાની અને પૂરા મનથી તેમની સેવામાં લાગુ રહેવાની જરૂર છે.—હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩.
બીજા સંજોગોમાં
૧૫. હાન્નાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૫ એવા અનેક ઈશ્વરભક્તો છે, જેઓએ યહોવા પર ભરોસો બતાવ્યો હતો. મુશ્કેલ સંજોગો આવ્યા ત્યારે તેઓ જે કરી શકતા હતા, એ કરતા રહ્યા. ઈશ્વરભક્ત હાન્નાનો વિચાર કરો. તેમના પેટે કોઈ બાળક થતું ન હતું. તે એ પરિસ્થિતિને બદલી શકતાં ન હતાં. પરંતુ, તેમને ભરોસો હતો કે યહોવા તેમને દિલાસો આપશે. તે મુલાકાત મંડપમાં યહોવાની સેવામાં લાગુ રહ્યાં. તે પ્રાર્થનામાં પોતાની લાગણીઓ યહોવા આગળ ઠાલવતાં રહ્યાં. (૧ શમૂ. ૧:૯-૧૧) કેવો જોરદાર દાખલો! આપણા વિશે શું? આપણે તબિયતને લગતી અમુક સમસ્યાઓ કે બીજી મુશ્કેલીઓને બદલી શકતા નથી. એવા સમયે, પોતાનો બોજો યહોવા પર નાંખીએ અને ભરોસો રાખીએ કે તે આપણી કાળજી લેશે. (૧ પીત. ૫:૬, ૭) તેમ જ, સભાઓમાંથી અને સંગઠનની બીજી જોગવાઈઓમાંથી લાભ લેવા, જે કંઈ કરી શકતા હોઈએ એ કરતા રહીએ.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.
૧૬. શમૂએલના દાખલામાંથી માતા-પિતા શું શીખી શકે?
૧૬ એ વફાદાર માતા-પિતા વિશે શું, જેઓનાં બાળકોએ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું છે? પ્રબોધક શમૂએલનો દાખલો લો. તે પોતાના યુવાન દીકરાઓને વફાદારી જાળવવા દબાણ કરી શકતા ન હતા. (૧ શમૂ. ૮:૧-૩) એ બાબત તેમણે યહોવાના હાથમાં છોડી દેવાની હતી. જોકે, યહોવાને વફાદાર રહેવા અને તેમને ખુશ કરવા, તે પોતે જે કંઈ કરી શકતા હતા એ કરતા રહ્યા. (નીતિ. ૨૭:૧૧) આજે, ઘણાં માતા-પિતાના સંજોગો શમૂએલ જેવા છે. તેઓને પૂરી ખાતરી છે કે, ઉડાઉ દીકરાના દૃષ્ટાંતમાં જણાવેલા પિતાની જેમ યહોવા એવી વ્યક્તિને આવકારવા તૈયાર છે, જે પસ્તાવો કરીને પાછી આવે છે. (લુક ૧૫:૨૦) એ દરમિયાન, માતા-પિતા પોતાનું પૂરું ધ્યાન યહોવાને વફાદાર રહેવામાં લગાવી શકે. શું ખબર તેઓનો સારો દાખલો જોઈને બાળકો કદાચ યહોવાના માર્ગે પાછા ફરે!
૧૭. ગરીબ વિધવાનો દાખલો શા માટે ઉત્તેજન આપનારો છે?
૧૭ ઈસુના સમયની એક ગરીબ વિધવાએ પણ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. (લુક ૨૧:૧-૪ વાંચો.) મંદિરમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે તે કશું કરી શકતી ન હતી. પોતે ગરીબ છે એ હકીકતને પણ તે બદલી શકતી ન હતી. (માથ. ૨૧:૧૨, ૧૩) પણ, યહોવા પર અડગ શ્રદ્ધા હોવાને લીધે તે સાચી ભક્તિને ટેકો આપવા પ્રેરાઈ. તે ઉદાર હતી અને તેણે દાન-પેટીમાં “બે નાના સિક્કા” નાંખ્યા, જે તેનું સર્વસ્વ હતું. એ વફાદાર સ્ત્રીએ યહોવામાં પૂરો ભરોસો બતાવ્યો. તે જાણતી હતી કે, જો તે યહોવાની સેવાને પ્રથમ સ્થાન આપશે, તો યહોવા તેની જરૂરિયાતો પૂરી પાડશે. એવી જ રીતે, આપણને પણ ભરોસો છે કે જો રાજ્યને પ્રથમ સ્થાને રાખીશું, તો યહોવા આપણી જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે.—માથ. ૬:૩૩.
૧૮. એક ભાઈએ કેવું વલણ બતાવ્યું?
૧૮ આજે આપણાં ઘણાં ભાઈ-બહેનોએ પોતાનું ધ્યાન જે કરી શકતા નથી એના પર નહિ, પણ જે કરી શકે છે એના પર લગાડ્યું છે. આમ, તેઓ પણ યહોવા પર ભરોસો બતાવે છે. મેલકમ નામના ભાઈનો વિચાર કરો. ૨૦૧૫માં તેમનું મરણ થયું ત્યાં સુધી તે યહોવાને વફાદાર રહ્યા. યહોવાની સેવામાં તેમણે અને તેમની પત્નીએ વિતાવેલાં દાયકાઓ દરમિયાન તેઓએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. તેમણે જણાવ્યું હતું: ‘કેટલીક વાર જીવનમાં એવા અણધાર્યા સંજોગો આવી પડે કે જીવવું મુશ્કેલ થઈ જાય. છતાં, જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓને આશીર્વાદ મળે છે.’ ભાઈ મેલકમે કઈ સલાહ આપી? તેમણે કહ્યું હતું: ‘યહોવાની સેવામાં વધુ કરતા રહેવા પ્રાર્થના કરીએ. આપણે જે કરી શકતા નથી એના પર નહિ, પણ જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ.’ *
૧૯. (ક) ૨૦૧૭નું વાર્ષિક વચન શા માટે એકદમ યોગ્ય છે? (ખ) ૨૦૧૭ના વાર્ષિક વચનને તમે કઈ રીતે તમારા જીવનમાં લાગુ પાડશો?
૧૯ આ દુષ્ટ દુનિયા “વધારે ને વધારે ખરાબ” થતી જાય છે તેમ, આપણા પર એક પછી બીજી તકલીફો આવતી રહેશે. (૨ તિમો. ૩:૧, ૧૩) તેથી, હમણાં એ ખૂબ જરૂરી છે કે મુશ્કેલીઓને આપણા પર હાવી થવા ન દઈએ. એને બદલે, યહોવા પર અડગ શ્રદ્ધા રાખીએ અને જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ. એટલે જ, વર્ષ ૨૦૧૭નું વાર્ષિક વચન એકદમ યોગ્ય છે: “યહોવા પર ભરોસો રાખ અને ભલું કર.”—ગીત. ૩૭:૩.
૨૦૧૭નું આપણું વાર્ષિક વચન: “યહોવા પર ભરોસો રાખ અને ભલું કર.”—ગીતશાસ્ત્ર ૩૭:૩