સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો

“બધા પ્રકારના લોકો” માટે કરુણા બતાવો

ઈસુએ શિષ્યોને ખુશખબર ફેલાવવાનું શીખવ્યું ત્યારે, તેઓને ચેતવણી પણ આપી હતી કે, બધાને ખુશખબર સાંભળવાનું ગમશે નહિ. (લુક ૧૦:૩, ૫, ૬) આપણા સેવાકાર્યમાં પણ એવું જ બને છે. અમુક લોકોને આપણે મળીએ ત્યારે, તેઓ કદાચ કઠોર કે હિંસક રીતે વર્તે છે. ખરું કે, એવું બને ત્યારે તેઓ માટે દયા બતાવવી અને તેઓને સંદેશો જણાવવો આપણા માટે અઘરું બની શકે છે.

એક દયાળુ વ્યક્તિ બીજાઓની જરૂરિયાતો અને તકલીફો સમજે છે. તેઓ માટે તે પોતે પણ દુઃખી થાય છે અને તેઓને મદદ કરવા માંગે છે. સેવાકાર્યમાં મળનાર લોકો માટે આપણી દયા મરી પરવારે તો શું થાય? આપણો ઉત્સાહ ઠંડો પડી જશે એટલે કે, તેઓને ખુશખબર જણાવવાની અને મદદ કરવાની આપણને ઇચ્છા થશે નહિ. આપણા ઉત્સાહને આગ સાથે સરખાવી શકીએ. આગને સળગતી રાખવા ઓક્સિજનની જરૂર પડે છે. એવી જ રીતે, આપણો ઉત્સાહ વધારવા દયા રાખવાની જરૂર પડશે!—૧ થેસ્સા. ૫:૧૯.

આપણે કઈ રીતે કરુણા બતાવી શકીએ, પછી ભલેને એ બતાવવી આપણા માટે અઘરું કેમ ન હોય? ચાલો, ત્રણ દાખલાની ચર્ચા કરીએ, જેને આપણે અનુસરવા જોઈએ: યહોવા, ઈસુ અને પ્રેરિત પાઊલ.

યહોવાની જેમ કરુણા બતાવીએ

યહોવા વિશે લોકો હજારો વર્ષોથી હળહળતું જૂઠાણું ફેલાવી રહ્યા છે. પણ, “તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.” (લુક ૬:૩૫) યહોવા કઈ રીતે દયા બતાવે છે? તે બધા સાથે ધીરજથી વર્તે છે. યહોવા ચાહે છે કે “બધા પ્રકારના લોકો” બચી જાય. (૧ તિમો. ૨:૩, ૪) ખરું કે, યહોવા દુષ્ટતાને ધિક્કારે છે પણ લોકોને તે અનમોલ ગણે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે, એવું તે ક્યારેય ચાહતા નથી.—૨ પીત. ૩:૯.

યહોવા જાણે છે કે શેતાનને લોકોના ગળે જૂઠાણું ઉતારતા સારી રીતે આવડે છે. (૨ કોરીં. ૪:૩, ૪) અમુકને નાનપણથી જ ખોટી માન્યતાઓ અને ખોટું વલણ રાખવાનું શીખવવામાં આવ્યું છે. એટલે, તેઓ માટે સત્ય સ્વીકારવું એક પડકાર બની શકે. પરંતુ, યહોવા તેઓને મદદ કરવા આતુર છે. આપણે એ કઈ રીતે જાણી શકીએ?

જરા વિચારો, નીનવેહ શહેરના લોકો વિશે યહોવાને કેવું લાગ્યું હતું. તેઓ હિંસક હતા તેમ છતાં, યહોવાએ યૂનાને કહ્યું: ‘આ મોટું શહેર નીનવેહ કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, તેના પર મને દયા ન આવે?’ (યૂના ૪:૧૧) એ લોકો યહોવા વિશેનું સત્ય જાણતા ન હતા, એટલે યહોવાને તેઓ પર દયા આવી. એ માટે લોકોને ચેતવણી આપવા યહોવાએ યૂનાને ત્યાં મોકલ્યા.

યહોવાની જેમ, આપણે પણ લોકોને કીમતી ગણીએ છીએ. ભલેને આપણને લાગતું હોય કે લોકો સત્ય નહિ સ્વીકારે, તોપણ આપણે તેઓને યહોવા વિશે શીખવવા આતુર છીએ. એમ કરીને આપણે યહોવાને અનુસરીએ છીએ.

ઈસુની જેમ કરુણા બતાવીએ

ઈસુને પણ તેમના પિતાની જેમ લોકો પર દયા આવી, “કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ સતાવાયેલા અને નિરાધાર હતા.” (માથ. ૯:૩૬) ઈસુ તેઓના સંજોગો સારી રીતે જાણતા હતા. કારણ કે ધાર્મિક આગેવાનો તેઓ સાથે ખરાબ વ્યવહાર કરતા હતા અને તેઓને ખોટું શિક્ષણ આપતા હતા. ઈસુને ખબર હતી કે, તેમની પાસે આવનાર બધા લોકો અમુક નડતરોને લીધે તેમના શિષ્ય બની શકશે નહિ. તેમ છતાં, ઈસુએ તેઓને ઘણી બાબતો શીખવી હતી.—માર્ક ૪:૧-૯.

કોઈ વ્યક્તિ પહેલી વાર ન સાંભળે તો નિરાશ ન થઈએ

સંજોગો બદલાય ત્યારે સત્ય તરફ લોકોની દૃષ્ટિ બદલાય શકે છે

આપણે સંદેશો જણાવીએ ત્યારે, લોકો ખરાબ રીતે વર્તે છે. એ વખતે આપણે તેઓના સંજોગો સમજવાની જરૂર છે. બની શકે કે, લોકોના મનમાં બાઇબલ વિશે ગેરસમજ હોય. ખ્રિસ્તી હોવાનો દાવો કરનાર વ્યક્તિને ખરાબ બાબતો કરતી જોઈને કદાચ લોકોના મનમાં તેઓ વિશે ખોટી છાપ પડી ગઈ હોય. અમુકને આપણી માન્યતાઓ વિશે ખોટી માહિતી મળી હોય. કેટલાક લોકો સગાં કે સમાજના ડરને લીધે આપણી સાથે વાત કરતા અચકાય છે. તેઓને લાગે છે કે જો તેઓ આપણી સાથે વાત કરશે, તો લોકો તેઓની મજાક ઉડાવશે.

પ્રચારમાં આપણને એવા લોકો મળે છે, જેઓને કડવા અનુભવ થયા હોય અને એની તેઓના દિલ પર ઊંડી અસર પડી હોય. એક મિશનરી બહેન કીમ જણાવે છે કે તેમના વિસ્તારના ઘણા લોકોએ યુદ્ધમાં પોતાનું બધું જ ગુમાવી દીધું છે. તેઓ પાસે ભાવિની કોઈ આશા નથી. એટલે તેઓ ઘણી વાર ચિડાઈ જાય છે અને કોઈના પર ભરોસો મૂકતા નથી. એ વિસ્તારના લોકોએ ઘણી વાર સાક્ષીઓના પ્રચારકાર્યને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. બહેન કીમ પ્રચારમાં હતાં ત્યારે, એક વાર તેમનાં પર હુમલો પણ થયો હતો.

લોકોએ કીમ સાથે ખરાબ વ્યવહાર કર્યો, તોપણ તે કઈ રીતે તેઓ માટે કરુણા બતાવી શક્યાં? તે હંમેશાં નીતિવચનો ૧૯:૧૧ના આ શબ્દો યાદ રાખે છે: “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે.” તે પોતાના વિસ્તારના લોકો સાથે બનેલા ખરાબ અનુભવોનો વિચાર કરે છે ત્યારે, તેમનું હૈયું હચમચી ઊઠે છે. એ વિસ્તારમાં તેમને અમુક મળતાવડા લોકો પણ મળે છે. તેમને કેટલીક ફરી મુલાકાતો પણ મળી છે.

આપણે પોતાને પૂછી શકીએ: “જો હું સત્ય જાણતો ન હોત અને સાક્ષીઓ મારા ઘરે સંદેશો જણાવવા આવ્યા હોત, તો હું કઈ રીતે વર્ત્યો હોત?” વિચાર કરો, સાક્ષીઓ વિશે આપણને ખોટી માહિતી મળી હોત તો, શું કર્યું હોત? બની શકે કે, આપણે પણ ખરાબ રીતે વર્ત્યા હોત અને તેઓ આપણા પર કરુણા બતાવે એવી જરૂર ઊભી થઈ હોત. ઈસુએ કહ્યું હતું કે, લોકો આપણી સાથે સારી રીતે વર્તે એવી અપેક્ષા રાખતા હોઈએ, તો આપણે પણ તેઓ સાથે એ જ રીતે વર્તવું જોઈએ. એટલે આપણે પણ એ સમજવું જોઈએ કે તેઓ કેવું અનુભવે છે અને ધીરજ રાખવી જોઈએ, પછી ભલે એમ કરવું આપણા માટે અઘરું કેમ ન હોય.—માથ. ૭:૧૨.

પાઊલની જેમ કરુણા બતાવીએ

પ્રેરિત પાઊલે એવા લોકોને પણ કરુણા બતાવી, જેઓ તેમની સાથે હિંસક રીતે વર્ત્યા હતા. શા માટે? કારણ કે અગાઉ પોતે કેવા હતા, એ તેમને યાદ હતું. તેમણે કહ્યું: “અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને અભિમાની માણસ હતો. તોપણ, મારા પર દયા બતાવવામાં આવી, કારણ કે મેં અજાણતા અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું.” (૧ તિમો. ૧:૧૩) પાઊલ જાણતા હતા કે યહોવા અને ઈસુએ તેમના પર ખૂબ દયા બતાવી હતી. તેમનું પ્રચારકાર્ય અટકાવવાનો પ્રયત્ન કરનાર લોકોની લાગણીઓ તે સમજી શકતા હતા. કારણ કે એક સમયે તે પણ એવું જ અનુભવતા હતા.

ઘણી વાર પાઊલને એવા લોકો મળ્યા, જેઓ જૂઠા શિક્ષણમાં માનતા હતા. એનાથી તેમને કેવું લાગ્યું? પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૬માં જણાવવામાં આવ્યું છે કે પાઊલ એથેન્સમાં હતા ત્યારે, ‘શહેરમાં ચારે બાજુ મૂર્તિઓ જોઈને તે અકળાઈ ગયા.’ જોકે, પાઊલે જેના લીધે અકળાયા હતા, એ જ બાબતનો વાતચીતમાં ઉપયોગ કરીને લોકોને શીખવ્યું. (પ્રે.કા. ૧૭:૨૨, ૨૩) તેમણે પ્રચાર કરવાની પોતાની રીતમાં ફેરફાર કર્યો. તેમણે જુદા જુદા સમાજમાંથી આવતા લોકો સાથે અલગ અલગ રીતે વાત કરી, જેથી તે ‘શક્ય હોય એવી બધી જ રીતે અમુકને બચાવી શકે.’—૧ કોરીં. ૯:૨૦-૨૩.

આપણે પ્રચારમાં એવા લોકોને મળીએ, જેઓ ખરાબ રીતે વર્તે કે ખોટી માન્યતા ધરાવે તો પાઊલે જે કર્યું એ આપણે પણ કરી શકીએ. આપણે તેઓ વિશે જે જાણતા હોઈએ, એનો ઉપયોગ કરીને તેઓને “કલ્યાણની વધામણી” એટલે કે ખુશખબર શીખવા મદદ કરી શકીએ. (યશા. ૫૨:૭) બહેન ડૉરેથી જણાવે છે: ‘અમારા વિસ્તારમાં ઘણા લોકોને એવું શીખવવામાં આવ્યું છે કે ઈશ્વર કઠોર છે અને તે ઉતાવળે નિર્ણયો લે છે. તેઓ સાથે કરતી વખતે હું તેઓની પ્રશંસા કરું છું, કારણ કે તેઓ ઈશ્વરમાં માને છે. પછી, હું તેઓનું ધ્યાન બાઇબલ તરફ દોરું છું. એમાં યહોવાના પ્રેમાળ સ્વભાવ વિશે અને ભાવિ માટેના તેમના વચનો વિશે લખવામાં આવ્યું છે.’

“સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો”

આપણે ‘છેલ્લા દિવસોની’ નજીક જઈએ, તેમ સ્વાભાવિક છે કે, લોકો “વધારે ને વધારે ખરાબ થતા જશે.” (૨ તિમો. ૩:૧, ૧૩) પણ લોકો જે રીતે વર્તે, એનાથી આપણે કરુણા બતાવવાનું છોડવું ન જોઈએ અને આપણો આનંદ ગુમાવવો ન જોઈએ. યહોવા આપણને ‘સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહેવા’ બળ પૂરું પાડશે. (રોમ. ૧૨:૨૧) જેસિકા નામના પાયોનિયર બહેન જણાવે છે કે તે ઘણી વાર એવા લોકોને મળે છે, જેઓ ઘમંડી હોય છે. તેઓ સાક્ષીઓની અને તેઓના સંદેશાની મજાક ઉડાવે છે. તે આગળ જણાવે છે: ‘એનાથી કદાચ ચિડાઈ જવાય. હું હંમેશાં ધ્યાન રાખું છું કે વાતચીત શરૂ કરતા પહેલાં યહોવાને પ્રાર્થના કરું. હું તેમની પાસે મદદ માંગું છું, જેથી લોકોને તેમની નજરે જોઈ શકું.’ એનાથી જેસિકાને પોતાની લાગણીઓને બદલે લોકોને સહાય કરવા પર ધ્યાન આપવા મદદ મળી છે.

જેઓ સત્યને શોધે છે, તેઓને આપણે શોધતા રહીએ

સમય જતાં, લોકો આપણી મદદ સ્વીકારશે અને સત્ય શીખશે

ભાઈ-બહેનો સાથે પ્રચારમાં હોઈએ ત્યારે આપણે તેઓને ઉત્તેજન આપવું જોઈએ. જેસિકા કહે છે કે પ્રચારમાં જાય ત્યારે ખરાબ અનુભવ થાય તો, તે એના પર ધ્યાન આપતાં નથી. એને બદલે, તે સાથી ભાઈ-બહેન જોડે સારી બાબતો વિશે વાત કરે છે. જેમ કે, ભલે લોકો ખરાબ રીતે વર્તે, પણ પ્રચાર કરવાથી સારાં પરિણામો આવે છે.

યહોવા સારી રીતે જાણે છે કે, પ્રચાર કરવો આપણા માટે હંમેશાં સહેલું હોતું નથી. પણ આપણે તેમની જેમ દયા બતાવીએ છીએ ત્યારે, તેમનું દિલ ખુશીથી ઊભરાઈ જાય છે. (લુક ૬:૩૬) એ તો સ્પષ્ટ છે કે, યહોવા આ દુનિયાના લોકો માટે હંમેશાં કરુણા અને ધીરજ બતાવશે નહિ. આપણે પાકી ખાતરી રાખી શકીએ, યહોવા બરાબર જાણે છે કે અંત ક્યારે લાવવો. અંત આવે ત્યાં સુધી આપણે પ્રચારકાર્યને તાકીદનું ગણવું જોઈએ. (૨ તિમો. ૪:૨) તેથી, ચાલો આપણે પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવતા રહીએ અને “બધા પ્રકારના લોકો” માટે ખરા દિલથી કરુણા બતાવતા રહીએ.