સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

બાઇબલ સિવાય બીજે ક્યાંથી પુરાવો મળે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા?

બાઇબલમાં જણાવ્યું છે કે મિદ્યાનીઓ યુસફને ઇજિપ્ત લઈ ગયા એ પછી તેમના પિતા યાકૂબ અને તેમનું કુટુંબ કનાનથી ઇજિપ્તમાં રહેવા આવ્યા હતા. તેઓ ઇજિપ્તના ગોશેન વિસ્તારમાં રહેવા લાગ્યા, જ્યાં નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રમાં મળી જાય છે. (ઉત. ૪૭:૧, ૬) ઇઝરાયેલીઓની સંખ્યા ‘ઘણી જ વધી’ એટલે ઇજિપ્તના લોકો તેઓથી ડરવા લાગ્યા અને તેઓને ગુલામ બનાવી દીધા.—નિર્ગ. ૧:૭-૧૪.

બાઇબલના અમુક ટીકાકારોએ એ અહેવાલને એક વાર્તા કહીને એની મજાક ઉડાવી હતી. પણ એવા પુરાવા મળ્યા છે કે પ્રાચીન ઇજિપ્તમાં શેમના વંશજો * ગુલામ તરીકે રહેતા હતા.

ઉત્તર ઇજિપ્તમાંથી એક પુરાવો મળ્યો છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓને એ વિસ્તારમાં ખોદકામ કરવાથી કેટલીક જાતિઓનાં રહેઠાણોનાં ખંડેરો મળી આવ્યાં. ડોક્ટર જોન બીમસન જણાવે છે કે ઉત્તર ઇજિપ્તના એ વિસ્તારમાં શેમના વંશજોમાંથી વીસેક જાતિઓનાં રહેઠાણોનાં ખંડેરો મળી આવ્યાં છે. વધુમાં, ઇજિપ્તનાં ખંડેરો પર અભ્યાસ કરનાર જેમ્સ કે. હોફમાયર જણાવે છે: ‘આશરે ઇ.સ. ૧૮૦૦થી ૧૫૪૦ના સમયગાળામાં ઇજિપ્ત સુંદર જગ્યા હતી. એટલે એશિયાના પશ્ચિમ ભાગોના શેમના વંશજો ઇજિપ્તમાં આવીને વસ્યા હતા. આ એ જ સમયગાળો છે, જેમાં ઈબ્રાહીમ અને તેમના વંશજો થઈ ગયા અને ઉત્પત્તિના પુસ્તકમાં જણાવેલા બનાવો બની ગયા.’

દક્ષિણ ઇજિપ્તમાંથી પણ અમુક પુરાવા મળી આવ્યા છે. આશરે ઇ.સ. પૂર્વે ૨૦૦૦થી ૧૬૦૦ના સમયગાળાનું એક પપાઈરસ (હસ્તપ્રત) મળી આવ્યું છે. એમાં અમુક ગુલામોના નામ લખેલાં હતાં, જેઓ દક્ષિણ ઇજિપ્તમાં એક ઘરમાં કામ કરતા હતા. એમાંના ૪૦થી વધારે ગુલામોના નામથી ખબર પડે છે કે તેઓ શેમના વંશજો હતા. તેઓ ખાવાનું બનાવતા, કપડાં વણતા અને મજૂરી કરતા. હોફમાયર જણાવે છે: ‘થીબેદ શહેરના [દક્ષિણ ઇજિપ્તના] એક ઘરમાં ૪૦થી વધારે શેમના વંશજો કામ કરતા હતા. એનાથી જોવા મળે છે કે આખા ઇજિપ્તમાં, ખાસ તો જ્યાં નાઈલ નદી ભૂમધ્ય સમુદ્રમાં મળી જાય છે, એ વિસ્તારમાં તો શેમના ઘણા વંશજો હતા.’

પુરાતત્ત્વશાસ્ત્રી ડેવિડ રૉલે લખ્યું કે એમાંના અમુક ગુલામોનાં નામ ‘બાઇબલમાં આપેલાં નામો જેવાં જ છે.’ જેમ કે, ઉપર જે પપાઈરસ વિશે જણાવવામાં આવ્યું છે, એમાં ઇસ્સાખાર, આશેર અને શિફ્રાહને મળતાં આવે એવાં નામો હતાં. (નિર્ગ. ૧:૩, ૪, ૧૫) ડેવિડ રૉલ જણાવે છે: ‘એનાથી સાફ સાબિત થાય છે કે એ સમયે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં ગુલામ હતા.’

ડોક્ટર બીમસન જણાવે છે, ‘પુરાતત્ત્વશાસ્ત્રથી સચોટ પુરાવો મળે છે કે બાઇબલમાં ઇઝરાયેલીઓ વિશે જે લખેલું છે, એ એકદમ સાચું છે. એ પણ સાચું છે કે તેઓ ઇજિપ્તની ગુલામીમાં હતા અને પછી ત્યાંથી નીકળી આવ્યા હતા.’

^ ફકરો. 4 નુહના ત્રણ દીકરાઓમાંથી એક હતા, શેમ. શેમના વંશજોમાં કદાચ આ પ્રજાઓનો સમાવેશ થતો હતો: એલામીઓ, આશ્શૂરીઓ, અગાઉના ખાલદીઓ, હિબ્રૂઓ, સિરિયાના લોકો અને આરબની કેટલીક જાતિઓ.