જીવન ટૂંકાવી દેવાનું મન થાય
શું તમે જીવનથી હારી ગયા છો? થાકી ગયા છો? ક્યારેય એવું લાગે છે કે હવે કંઈ જ સારું નહિ થાય? તો જરૂર એડ્રીઆનાની લાગણીઓ સમજી શકશો. તેને ચિંતાની બીમારી હતી. તે પોતાને દુઃખી ને લાચાર મહેસૂસ કરતી હતી. એટલી ડિપ્રેસ થઈ ગઈ હતી કે આનંદ માણવાનું પણ ભૂલી ગઈ હતી.
જાપાનમાં રહેતા કાઓરુનો વિચાર કરો. તે પોતાનાં બીમાર અને વૃદ્ધ માબાપની સંભાળ રાખતો હતો. તે જણાવે છે: ‘ત્યારે નોકરી પર એટલું બધું કામ હતું કે હું થાકીને લોથપોથ થઈ જતો. ધીમે ધીમે મારી ભૂખ મરી ગઈ. રાતોની ઊંઘ પણ ઊડી ગઈ. મનમાં વિચારવા લાગ્યો કે જલદી મોત આવે તો સારું, આ બધી ઝંઝટમાંથી તો છૂટવા મળશે!’
નાઇજીરિયાનો ઓજેબોડ કહે છે: ‘હું કાયમ એટલો ઉદાસ રહેતો હતો કે આંસુઓ સુકાવાનું નામ જ લેતાં ન હતાં. એટલે, મારું જીવન ટૂંકાવી દેવાના રસ્તાઓ શોધતો.’ ખુશીની વાત છે કે ઓજેબોડ, કાઓરુ અને એડ્રીઆનાએ એમ ન કર્યું. જોકે, દર વર્ષે ૮ લાખ જેટલા લોકો પોતાનું જીવન ટૂંકાવી દે છે.
તમને ક્યાંથી મદદ મળી શકે?
આત્મહત્યા કરનારાઓમાં મોટા ભાગે પુરુષો હોય છે. તેઓમાંથી મોટા ભાગના બીજાઓ પાસે મદદ માંગતા શરમ અનુભવે છે. ઈસુએ કહ્યું હતું કે બીમાર લોકોને ડૉક્ટરની જરૂર છે. (લુક ૫:૩૧) જો તમે ડિપ્રેશનમાં હોવ અને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવતા હોય, તો મદદ માંગતા અચકાશો નહિ. ડિપ્રેશનથી પીડાતા લોકોને સારવાર લેવાથી ઘણો ફાયદો થયો છે. ઓજેબોડ, કાઓરુ અને એડ્રીઆનાએ ડૉક્ટરની મદદ લીધી છે. હવે તેઓ ડિપ્રેશનની ખાઈમાંથી બહાર આવી રહ્યા છે.
ડિપ્રેશનનો ઇલાજ કરવા ડૉક્ટર કદાચ દવાઓ આપે. અથવા દરદી સાથે વાત કરી લાગણીઓને કાબૂમાં રાખવા, સારું વિચારવા સલાહ-સૂચનો આપે. એવી વ્યક્તિને બીજી શાની જરૂર છે? પરિવાર અને મિત્રો તેની લાગણીઓ સમજે, ધીરજથી વર્તે અને તેને સાથ-સહકાર આપે. યહોવા ઈશ્વર સૌથી સારા મિત્ર છે. તે પવિત્ર શાસ્ત્ર બાઇબલથી સૌથી સારી મદદ પૂરી પાડે છે.
શું આ બીમારીનો કદી અંત આવશે?
ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિને કદાચ લાંબો સમય સારવારની જરૂર પડે. અમુક આદતો પણ બદલવી પડે. તમને ડિપ્રેશન હોય તો હિંમત ન હારો. જલદી જ એવો સમય આવશે જ્યારે કોઈ બીમારી જ નહિ હોય. ઓજેબોડ એની કાગડોળે રાહ જુએ છે. તે કહે છે: ‘યશાયા ૩૩:૨૪ની ભવિષ્યવાણી પ્રમાણે થાય એની હું આતુરતાથી રાહ જોઉં છું. ત્યારે આખી દુનિયામાં કોઈ કહેશે નહિ કે “હું માંદો છું.”’ ઈશ્વરનું વચન છે કે ‘નવી પૃથ્વીમાં’ કોઈ પ્રકારનું ‘દુઃખ’ નહિ હોય. એ જાણીને તમને પણ ઓજેબોડની જેમ ઘણું આશ્વાસન મળશે. (પ્રકટીકરણ ૨૧:૧, ૪) એ વચન મુજબ, ચિંતાનાં વાદળો વિખેરાઈ જશે ને નિરાશાને બદલે ચહેરા પર આનંદ ઝળકતો હશે. ત્યારે કોઈ ઉદાસી નહિ હોય, કોઈ પીડા સહેવી નહિ પડે. એવી લાગણીઓ તમને ક્યારેય યાદ ‘આવશે નહિ, તમારા મનમાં પણ આવશે નહિ.’—યશાયા ૬૫:૧૭.