હંમેશ માટે ખુદાની બરકત મેળવો
ખુદાએ ઈબ્રાહીમ નબીને વચન આપ્યું હતું કે તેના વંશમાંથી એક નબી આવશે. તે ‘પૃથ્વીના સર્વ લોકો’ માટે બરકત લાવશે. (ઉત્પત્તિ ૨૨:૧૮) એ કોણ હતું?
એ ઈસા નબી હતા. તે ઈબ્રાહીમના વારસ હતા. ઈબ્રાહીમને આપેલું વચન ઈસા નબી દ્વારા પૂરું થશે એ સાબિત કરવા ખુદાએ આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસા નબીને મોટા મોટા ચમત્કારો કરવાની શક્તિ આપી હતી.—ગલાતીઓ ૩:૧૪.
ઈસા નબીએ કરેલા ચમત્કારો જોઈને એ જમાનાના અમુક લોકો સમજી ગયા કે તે જ ખુદાના પસંદ કરાયેલા નબી છે. તેમનાથી જ બધા ઇન્સાનને બરકત આપવામાં આવશે. એ ચમત્કારોથી આપણને ઈસા નબીના અમુક ગુણો જોવા મળે છે. જેમ કે,
કોમળતા—ઈસા નબીએ બીમાર લોકોને સાજા કર્યા.
એકવાર ઈસા નબી પાસે એક આદમી આવ્યો જેને રક્તપિત્ત થયો હતો. તેણે નબીને વિનંતી કરી કે તેને સાજો કરે. ઈસા નબીએ તેને અડકીને કહ્યું: “હું ચાહું છું.” એ જ સમયે તેનો રક્તપિત્ત મટી ગયો.—માર્ક ૧:૪૦-૪૨.
ઉદારતા—ઈસા નબીએ ભૂખ્યા લોકોને ખાવાનું આપ્યું.
અમુક વાર એવું બન્યું હતું કે ઈસા નબીની વાત સાંભળવા હજારો લોકો ભેગા થયા હતા, પણ તેઓ પાસે ખાવાનું ન હતું. ઈસા નબીએ ચમત્કાર કરીને થોડી રોટી અને થોડી માછલીમાંથી હજારો લોકોને જમાડ્યા. (માથ્થી ૧૪:૧૭-૨૧; ૧૫:૩૨-૩૮) તેઓએ પેટ ભરીને ખાધું પછી પણ ઘણું ખાવાનું બચી ગયું.
કરુણા—ઈસા નબીએ ગુજરી ગયેલા લોકોને જીવતા કર્યા.
એક વિધવાનો દીકરો ગુજરી ગયો હતો. એ જોઈને ઈસા નબીનું દિલ હમદર્દીથી ભરાઈ આવ્યું. તેમણે એ વિધવાના દીકરાને જીવતો કર્યા.—લુક ૭:૧૨-૧૫.