સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઇન્ટરવ્યૂ | ફાન યૂ

એક સોફ્ટવેર ડિઝાઇનર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

એક સોફ્ટવેર ડિઝાઇનર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે

ડોક્ટર ફાન યૂએ બેઇજીંગ શહેરની નજીક આવેલી ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટોમિક એનર્જીમાં ગણિતના સંશોધક તરીકે પોતાની કૅરિયરની શરૂઆત કરી હતી. એ સમયે તે નાસ્તિક હતા અને ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા. હવે તે માને છે કે ઈશ્વરે જીવનની રચના કરી છે અને તેમણે જીવનનું સર્જન કર્યું છે. સજાગ બનો! એ તેમની શ્રદ્ધા વિશે અમુક સવાલો પૂછ્યા.

અમને તમારા વિશે થોડુંક જણાવશો?

મારો જન્મ ૧૯૫૯માં ચીનના જિઆંગશી પ્રાંતના ફૂજો શહેરમાં થયો હતો. હું જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે દેશમાં બદલાણના પ્રયાસો થઈ રહ્યા હતા, જે આજે સાંસ્કૃતિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. મારા પિતા એક સિવિલ એન્જિનિયર હતા. તેમને દૂરના ઉજ્જડ વિસ્તારમાં રેલવે નાખવાનું કામ મળ્યું હતું. ઘણાં વર્ષો સુધી તે વર્ષમાં ફક્ત એક વાર અમને મળવા આવતા. એ સમયે, હું મારી માતા સાથે રહેતો, જે પ્રાથમિક શાળામાં શિક્ષક હતી. તે જે શાળામાં ભણાવતી હતી, એમાં અમે રહેતાં હતાં. ૧૯૭૦માં અમે લીન્ચવાન જિલ્લાના યૂફાન નામના એક ગરીબ ગામડામાં રહેવાં ગયાં, જ્યાં પૂરતો ખોરાક મળતો ન હતો.

તમારું કુટુંબ શામાં શ્રદ્ધા રાખતું હતું?

મારા પિતાને ધર્મ કે રાજકારણમાં રસ ન હતો. મારી માતા બૌદ્ધ ધર્મ પાળતી હતી. મને શાળામાં શીખવવામાં આવ્યું હતું કે, જીવન કુદરતી પ્રક્રિયાઓને કારણે આપોઆપ આવ્યું છે. મારા શિક્ષકો જે કહેતા એને હું સાચું માનતો હતો.

શા માટે તમને ગણિતમાં રસ જાગ્યો?

મને ગણિત એટલા માટે ગમતું કારણ કે, એમાં તાર્કિક દલીલો દ્વારા સત્યની શોધ કરવામાં આવે છે. ૧૯૭૬માં ક્રાંતિકારી નેતા માઓ ત્સે તુંગનું મરણ થયું એના થોડા સમય પછી, હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો. મેં મુખ્ય વિષય તરીકે ગણિત પસંદ કર્યું. અનુસ્નાતક થયા પછી મને પહેલી નોકરી મળી. જેમાં મારે અણુભઠ્ઠીની (ન્યુક્લિયર રીએક્ટર) ડિઝાઇન માટે ગણિત પર સંશોધન કરવું પડતું.

બાઇબલ વિશે પહેલાં તમે શું માનતા હતા?

વર્ષ ૧૯૮૭માં હું ટૅક્સસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે અમેરિકા આવ્યો. મને ખબર હતી કે ત્યાં ઘણા લોકો ઈશ્વરમાં માને છે અને બાઇબલ વાંચે છે. મેં એ પણ સાંભળ્યું હતું કે બાઇબલમાં વ્યવહારું સલાહ જોવા મળે છે. તેથી, મેં બાઇબલ વાંચવાનું વિચાર્યું.

મને બાઇબલનું શિક્ષણ વ્યવહારું લાગ્યું. જોકે મને અમુક ભાગ સમજવા અઘરા લાગ્યા, જેથી મેં બાઇબલ વાંચવાનું બંધ કરી દીધું.

બાઇબલમાં તમને ફરીથી રસ કેવી રીતે જાગ્યો?

મારા માટે એ જાણવું નવું હતું કે સૃષ્ટિ રચનાર કોઈ સર્જનહાર છે, એટલે મેં એ વિષય પર જાતે સંશોધન કરવાનું નક્કી કર્યું

વર્ષ ૧૯૯૦માં યહોવાના એક સાક્ષી મારા ઘરે આવ્યાં. તેમણે મને જણાવ્યું કે, મનુષ્યોના ભાવિ વિશે બાઇબલ સુંદર આશા આપે છે. બાઇબલ સમજવા મને મદદ મળે માટે તેમણે એક યુગલની ગોઠવણ કરી. ચીનની એક હાઈસ્કૂલમાં મારી પત્ની લેપીન, ભૌતિક વિજ્ઞાન ભણાવતી હતી અને તે પણ નાસ્તિક હતી. સમય જતાં, તેણે પણ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. જીવનના ઉદ્ભવ વિશે બાઇબલ શું કહે છે એ અમને શીખવા મળ્યું. મારા માટે એ જાણવું નવું હતું કે સૃષ્ટિ રચનાર કોઈ સર્જનહાર છે, એટલે મેં એ વિષય પર જાતે સંશોધન કરવાનું નક્કી કર્યું.

એ માટે તમે શું કર્યું?

એક ગણિતશાસ્ત્રી તરીકે, બનાવોની કેટલી સંભાવનાઓ હોય છે એની ગણતરી કરવાની મેં તાલીમ લીધી હતી. હું એ પણ શીખ્યો હતો કે જીવન આપોઆપ સર્જાય માટે જરૂરી છે કે, પ્રોટીન પહેલેથી અસ્તિત્વ ધરાવતા હોય. તેથી મેં એ ગણતરી કરવાની કોશિશ કરી કે કોઈની મદદ વગર જાતે પ્રોટીન બનવાની સંભાવના કેટલી છે. સૌથી જટિલ પરમાણુમાં પ્રોટીનનો સમાવેશ થાય છે. એક કોષમાં હજારો અલગ અલગ પ્રકારના પ્રોટીન ચોક્કસ રીતે સાથે મળીને કામ કરે છે. બીજાઓની જેમ, મને પણ સમજાયું કે પ્રોટીનનું એકાએક પોતાની મેળે બનવું અશક્ય છે! જીવંત શરીરમાં પરમાણુઓ ઘણા મહત્ત્વના છે. કઈ રીતે આવા જટિલ પરમાણુ પોતાની મેળે સર્જાય શકે, એનો સંતોષપ્રદ જવાબ મને ક્યારેય ઉત્ક્રાંતિની માન્યતામાં વાંચવા મળ્યો ન હતો. એ બધા પુરાવાથી મને લાગ્યું કે ચોક્કસ કોઈ સર્જનહાર છે.

બાઇબલ ઈશ્વર તરફથી છે, એવી ખાતરી તમને ક્યાંથી મળી?

યહોવાના સાક્ષીઓની મદદથી હું અભ્યાસ કરવા લાગ્યો તેમ મને શીખવા મળ્યું કે બાઇબલમાં આપેલી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે. બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવાથી થતા ફાયદાઓનો પણ મેં અનુભવ કર્યો. મેં વિચાર્યું કે, ‘હજારો વર્ષો પહેલાં થઈ ગયેલા બાઇબલ લેખકોની સલાહ આજે પણ આટલી વ્યવહારું કઈ રીતે હોઈ શકે?’ સમય જતાં, મને સમજાયું કે બાઇબલ ઈશ્વરનો શબ્દ છે.

સર્જનહાર છે એવો ભરોસો તમને શેનાથી મળે છે?

કુદરતમાં રહેલાં ઘણાં તત્ત્વો પર વિચાર કરવાથી સર્જનહારમાં માનવા સિવાય મારી પાસે કોઈ છૂટકો જ નથી. હાલમાં, હું કોમ્પ્યુટરના સોફ્ટવેર ડિઝાઇન કરવાનું કામ કરું છું. કોમ્પ્યુટરના પ્રોગ્રામ કરતાં પણ સારી રીતે કામ કરતાં આપણા મગજ વિશે વિચારું છું ત્યારે, ઘણી વાર મને નવાઈ લાગે છે. દાખલા તરીકે, અવાજ પારખવાની આપણા મગજની આવડતને આપણે પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. વાતચીતમાં અધૂરું વાક્ય, હાસ્ય, ખાંસી, તોતડાપણું, પડઘો, આસપાસ થતો અવાજ કે પછી ફોનમાંથી કર્કશ અવાજ આવતો હોય તોપણ, આપણામાંથી મોટાભાગના લોકો સહેલાઈથી અવાજ પારખી શકે છે. તમને કદાચ લાગે કે એ સામાન્ય વાત છે. પરંતુ સોફ્ટવેર ડિઝાઇનર માટે એ રસપ્રદ વાત છે. કેમ કે, સૌથી સારી રીતે અવાજ પારખી શકનાર સોફ્ટવેર પણ માનવ મગજના તોલે આવી શકતું નથી.

મોટાભાગનાં કોમ્પ્યુટર જે કરી શકતા નથી, એ આપણું મગજ કરી શકે છે. આપણું મગજ લાગણીઓ સમજી શકે છે, ઉચ્ચાર પારખી શકે છે અને અવાજ પરથી બોલનારને પણ ઓળખી શકે છે. સોફ્ટવેર ડિઝાઇનર સંશોધન કરી રહ્યા છે કે, માનવ મગજની અવાજ પારખવાની આવડતની નકલ કરીને કઈ રીતે તેઓ એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવી શકે. પણ મને ખાતરી છે એવું કરવામાં તેઓ ખરેખર ઈશ્વરના હાથની કૃતિનો અભ્યાસ કરી રહ્યા છે.