ગુણ ૧
સંયમ રાખવાના ફાયદા
સંયમ રાખવાનો શો અર્થ થાય?
એમાં નીચે આપેલી બાબતોનો સમાવેશ થાય છે:
-
મનગમતી વસ્તુ મળે એ માટે રાહ જોવી
-
લાગણીને કાબૂમાં રાખવી
-
કામ ગમતું ન હોય તોપણ એને પૂરું કરવું
-
બીજાઓનો પહેલા વિચાર કરવો
શા માટે જરૂરી છે?
જે બાળકમાં સંયમનો ગુણ હશે, તે લાલચને ટાળી શકશે, પછી ભલેને એ તેને ખૂબ ગમતું હોય! પણ જે બાળકમાં સંયમનો ગુણ નહિ હોય, તે કદાચ આવી બાબતો કરશે:
-
જલદી ગુસ્સે થઈ જશે
-
નિરાશ થઈ જશે
-
સિગારેટ, દારૂ કે ડ્રગ્સને રવાડે ચઢી જશે
-
આચર-કૂચર ખાવા લાગશે
એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે નાનપણમાં જેઓએ સંયમનો ગુણ કેળવ્યો હોય, તેઓ મોટા થયા પછી ઓછા બીમાર પડે છે. તેમ જ, તેઓને પૈસેટકે બહુ તકલીફ પડતી નથી અને તેઓ કાયદાઓ પાળે છે. એ અભ્યાસ પરથી પેન્સિલ્વેનિયાની યુનિવર્સિટીના પ્રોફેસર એન્જેલા ડકવર્થે કહ્યું હતું: ‘સંયમ રાખવાથી ક્યારેય નુકસાન થતું નથી.’
કઈ રીતે શીખવી શકાય?
ના પાડો અને પછી પોતાના શબ્દોને વળગી રહો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય.”—માથ્થી ૫:૩૭.
બાળક પોતાની જીદ પૂરી કરવા ધમપછાડા કરવા લાગે, ફક્ત ઘરે જ નહિ, બહાર પણ એવું કરે. એટલે પોતાના શબ્દોને વળગી રહેવું માબાપ માટે અઘરું થઈ જાય. જો માબાપ નમતું જોખશે, તો બાળક એમ સમજશે કે ‘ધમપછાડા કરીશ તો જ જીદ પૂરી થશે.’
જો માબાપ પોતાના શબ્દોને વળગી રહેશે, તો બાળકોને આ મહત્ત્વનો બોધપાઠ શીખવી શકશે: દર વખતે મનગમતી વસ્તુ મળતી નથી. ડોક્ટર ડેવિડ વોલ્શે લખ્યું હતું: ‘જે લોકો એ બોધપાઠ શીખે છે, તેઓ સુખી થાય છે. આપણે બાળકોને એવું લાગવા દેવાનું નથી કે તે ચાહે એ વસ્તુઓ હાજર થઈ જશે.’ *
માબાપ બાળકોની બધી જીદ પૂરી નહિ કરે તો, તે સંયમ રાખવાનું શીખશે. દાખલા તરીકે, ડ્રગ્સ, લગ્ન પહેલાં સેક્સ કે નુકસાન કરતી બાબતોની લાલચો આવે ત્યારે તે એમાં ફસાશે નહિ.
બાળકોને સમજાવો કે તેઓનાં ખરાબ કામનું અને સારાં કામનું કેવું પરિણામ આવશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “માણસ જે કંઈ વાવે છે, એ જ તે લણે છે.”—ગલાતીઓ ૬:૭.
બાળકોને સમજાવો કે તેઓ જેવાં કામ કરશે, એવાં પરિણામ ભોગવશે. જો તેઓ સંયમ નહિ રાખે, તો એનાં ખરાબ પરિણામ આવશે. દાખલા તરીકે, કદાચ તમારો દીકરો વાતે વાતે ગુસ્સે થઈ જાય છે. એટલે લોકો તેનાથી દૂર રહે છે. પણ જો તે ગુસ્સાને કાબૂમાં રાખશે અને બીજાઓની વાત શાંતિથી સાંભળશે, તો લોકોને તેની સાથે દોસ્તી કરવી ગમશે. બાળકને સમજાવો કે શાંત રહેવાથી સારાં પરિણામ આવે છે.
મહત્ત્વની બાબતો પારખવાનું શીખવો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.’—ફિલિપીઓ ૧:૧૦.
જો બાળક સંયમ રાખશે તો ખોટી બાબતોથી દૂર રહી શકશે. એટલું જ નહિ, ગમતા ન હોય એવાં કામ કરવાં પણ તેને મદદ મળશે. ખૂબ જરૂરી છે કે બાળક મહત્ત્વનાં કામ પારખવાનું શીખે અને એ કામ પહેલા પતાવે. દાખલા તરીકે, તેણે પહેલા હોમવર્ક કરવું જોઈએ અને પછી રમવા જવું જોઈએ.
સારો દાખલો બેસાડો.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો.”—યોહાન ૧૩:૧૫.
તમારા દિલને ઠેસ પહોંચી હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો, એ બાળકો ધ્યાનથી જુએ છે. જેમ કે, બાળક ભૂલ કરે ત્યારે શું તમે ગુસ્સે થાઓ છો કે પછી શાંત રહો છો? એવા સંજોગોમાં તમે સંયમ રાખો છો ત્યારે, બાળકો જોઈ શકશે કે એનાં સારાં પરિણામો આવે છે.
^ ફકરો. 20 એક અંગ્રેજી પુસ્તક, ના: કેમ બધી ઉંમરનાં બાળકોએ એ જાણવું જોઈએ અને માબાપ કઈ રીતે એ કહી શકે.