સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

કદર

કદર

કદર બતાવવાના ઘણા ફાયદા છે. એનાથી શરીર અને મન સારું રહે છે. અને ખુશીની લાગણી મળે છે. એટલે જ દરેક વ્યક્તિએ દરરોજ કદર બતાવવી જોઈએ.

એમ કરવાથી તમને કઈ રીતે લાભ થશે?

મેડિકલ સાયન્સ શું કહે છે?

હાર્વર્ડ મેન્ટલ હેલ્થ લેટરના લેખ પ્રમાણે, “કદરનો સીધો સંબંધ ખુશી સાથે છે. એનાથી લોકોને સારી લાગણી થાય છે, તેઓને સારો અનુભવ મળે છે અને તેઓનું સ્વાસ્થ્ય સુધરે છે. તેઓ સંકટનો સામનો કરી શકે છે અને એનાથી સંબંધો પણ મજબૂત થાય છે.”

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શાસ્ત્ર આપણને કદરનું વલણ કેળવવા જણાવે છે. પ્રેરિત પાઊલે લખ્યું, “તમે આભારી છો, એમ બતાવી આપો.” તેમણે એ વિશે સરસ ઉદાહરણ બેસાડ્યું હતું. દાખલા તરીકે, તેમણે જણાવેલો સંદેશો લોકોએ ખુશીથી સાંભળ્યો ત્યારે, તેમણે “ઈશ્વરનો સતત આભાર” માન્યો. (કોલોસીઓ ૩:૧૫; ૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩) ફક્ત ક્યારેક ક્યારેક આભાર કહેવાથી સાચી ખુશી નથી મળતી, પણ સાચા દિલથી કદર વ્યક્ત કરવાથી મળે છે. અહમ, ઈર્ષા અને રોષ જેવી લાગણીઓ આપણને લોકોથી દૂર કરે છે અને જીવનનો આનંદ છીનવી લે છે. પણ, ખરેખર કદર બતાવવાથી આપણે આવી લાગણીઓથી દૂર રહી શકીએ છીએ.

આપણા સર્જનહાર ઈશ્વરે કદર બતાવવા વિશે સારું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે સાવ સામાન્ય માણસોની પણ કદર કરી છે. હિબ્રૂઓ ૬:૧૦ કહે છે, “કેમ કે ઈશ્વર અન્યાયી નથી કે તે તમારાં કામોને અને પ્રેમને ભૂલી જાય. એ પ્રેમ જે તમે તેમના નામ માટે બતાવ્યો છે.” હા, આપણા સર્જનહાર માને છે કે કદર ન બતાવવી એ અન્યાય કરવા બરાબર છે.

“હંમેશાં આનંદ કરતા રહો. બધી બાબતો માટે આભાર માનો.”૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૬, ૧૮.

કદર બતાવવાથી બીજાઓ સાથેનો સંબંધ કેવી રીતે સુધરી શકે?

અનુભવ શું કહે છે?

ભેટ, પ્રેમાળ શબ્દો કે યોગ્ય મદદ માટે આપણે સાચા દિલથી કદર કરીએ છીએ ત્યારે, આપનાર વ્યક્તિને અહેસાસ થાય છે કે આપણને તેની કદર છે અને આપણે આભારી છીએ. જ્યારે આપણે દિલથી આભાર માનીએ છીએ, ત્યારે અજાણી વ્યક્તિને પણ સારું લાગે છે, ભલેને પછી એ દરવાજો ખોલવા જેવું નાનું કામ હોય.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ઈસુ ખ્રિસ્તે કહ્યું, “આપતા રહો અને લોકો તમને આપશે. તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે.” (લુક ૬:૩૮) દક્ષિણ પેસિફિકના એક દેશ વાનુઆટુમાં રહેતા રોઝ બહેનનો વિચાર કરો. તે સાંભળી નથી શકતાં.

રોઝ બહેન યહોવાના સાક્ષીઓની સભામાં જતાં હતાં, પણ તેમને કે બીજા કોઈને સાઇન લેંગ્વેજ આવડતી ન હોવાથી તે સભામાંથી બહુ કંઈ શીખી શકતાં ન હતાં. જ્યારે સારી રીતે સાઇન લેંગ્વેજ જાણતું એક યુગલ એ મંડળની મુલાકાતે આવ્યું, ત્યારે તેઓએ આ પરિસ્થિતિ પર ધ્યાન આપ્યું. તેઓએ સાઇન લેંગ્વેજ શીખવવાના ક્લાસ શરૂ કર્યાં. રોઝ એ માટે ઘણા આભારી હતાં. તેમણે કહ્યું, “હું ખુશ છું કે આટલા બધા મિત્રો મને પ્રેમ કરે છે.” રોઝે બતાવેલી કદર અને સભામાં તે ભાગ લે છે એ જોવું, તેમને મદદ કરનાર યુગલ માટે ઇનામથી ઓછું ન હતું. રોઝ ઘણી કદર કરે છે કે લોકો સાઇન લેંગ્વેજ શીખીને તેમની સાથે વાત કરવાની કોશિશ કરે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

“જે ઉપકારસ્તુતિનાં અર્પણ ચઢાવે છે, તે મારો [ઈશ્વરનો] મહિમા પ્રગટ કરે છે.”ગીતશાસ્ત્ર ૫૦:૨૩.

કદર બતાવવાનું વલણ કેવી રીતે કેળવશો?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

આપણા વિચારો સાથે આપણી લાગણીઓ જોડાયેલી છે. શાસ્ત્રના એક લેખક દાઊદે ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું: ‘તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો વિચાર કરું છું.’ (ગીતશાસ્ત્ર ૧૪૩:૫) ઈશ્વરે દાઊદ માટે જે કર્યું હતું એના પર તેમણે મન લગાડ્યું. તેમણે ઈશ્વરના માર્ગો વિશે વિચાર કરીને કદરનું વલણ કેળવ્યું હતું. આખી જિંદગી તેમણે એ પ્રમાણે વિચાર કરવાનું ચાલુ રાખ્યું.—ગીતશાસ્ત્ર ૭૧:૫, ૧૭.

શાસ્ત્ર આપણને ખાસ સલાહ આપે છે: ‘જે કંઈ સાચું, જે કંઈ પ્રેમ જગાડે, જે કંઈ માનપાત્ર, જે કંઈ સદાચાર અને જે કંઈ પ્રશંસાપાત્ર હોય, એ બધા વિશે વિચારતા રહો.’ (ફિલિપીઓ ૪:૮) “એ બધા વિશે વિચારતા રહો,” શબ્દો બતાવે છે કે આપણે એ વિશે નિયમિત મનન કરવું જોઈએ, જેથી આપણે કદરનું વલણ કેળવી શકીએ. (g16-E No. 5)

“મારા હૃદયના વિચારો જ્ઞાન વિશે થશે.”ગીતશાસ્ત્ર ૪૯:૩.