સુખી કુટુંબોની ઝલક પહેલો ભાગ
સુખી કુટુંબોની ઝલક પહેલો ભાગ
સજાગ બનો!ના આ ખાસ અંકે બતાવ્યું છે તેમ, સુખી કુટુંબોને પણ તકલીફો હોય છે જ. બાઇબલ કહે છે કે આપણા જમાનામાં “સંકટના વખતો” આવશે. (૨ તીમોથી ૩:૧) એટલે બધાં કુટુંબોમાં કોઈ ને કોઈ તકલીફો આવે જ છે.
આવાં કુટુંબોનું સુખ શાના પર નભે છે? સારા સંજોગો પર? ના, ઈસુએ કહ્યું: ‘જેઓ ઈશ્વરની વાત સાંભળે અને પાળે છે, તેઓને ધન્ય છે.’ (લુક ૧૧:૨૮) અનેક મુશ્કેલીઓ છતાં, જે કુટુંબોએ બાઇબલનું શિક્ષણ દિલમાં ઉતાર્યું છે, તેઓને સુખનો માર્ગ મળ્યો છે. ચાલો અમુક દાખલા લઈએ.
બીમાર બાળકની સંભાળ રાખવી. બાઇબલ કહે છે કે કુટુંબમાં બધાએ એકબીજાની, ખાસ કરીને અપંગ કે માનસિક રીતે બીમાર હોય તેઓની સંભાળ રાખવી જોઈએ. બાઇબલ સાફ સાફ જણાવે છે: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.”—૧ તીમોથી ૫:૮.
પંદરમા પાન પર એક પિતાનો અનુભવ છે, જેમનું નામ વિક્ટર છે. તે પોતાની પત્ની સાથે દક્ષિણ આફ્રિકામાં રહે છે. તેઓએ ચાળીસ કરતાં વધારે વર્ષોથી પોતાના છોકરાની સંભાળ રાખી છે, જેના મગજનો વિકાસ નથી થયો.
‘મને દત્તક લેવામાં આવી.’ અમુક માબાપ બાળકનો જન્મ થતાં જ અનાથ છોડી દે છે. એવાં બાળકોને વર્ષો પછી પણ પોતે નકામા હોવાની લાગણી થયા કરે છે. પણ બાઇબલના સિદ્ધાંતો એવી વ્યક્તિને પોતે અનમોલ છે એ જોવા મદદ કરે છે. બાઇબલ કહે છે કે યહોવાહ અનાથોના “બેલી” છે.—ગીતશાસ્ત્ર ૧૦:૧૪.
અમેરિકામાં રહેતી કેન્યાટાનો અનુભવ પાન સોળ પર છે. તે સગાં માબાપને કદી મળી નથી. એવા સંજોગોમાં તેને કેવું લાગે છે એ વાંચો.
મમ્મી કે પપ્પા ગુજરી જાય ત્યારે. મમ્મી કે પપ્પા ગુજરી જાય ત્યારે દિલ પર એવા ઘા પડે છે, જે રૂઝાવા મુશ્કેલ છે. યહોવાહ ઈશ્વર પાસેથી આવતું બાઇબલ એવા સંજોગોમાં હિંમત આપે છે. યહોવાહ ‘સર્વ દિલાસાના ઈશ્વર છે.’—૨ કોરીંથી ૧:૩.
ઑસ્ટ્રેલિયાની એન્જેલાનો અનુભવ સત્તરમા પાન પર છે. તે જણાવે છે કે ઈશ્વર સાથે નાતો બાંધવાથી, તેને પપ્પાના મોતનું દુઃખ સહેવા કઈ રીતે મદદ મળી.
બધાં ઘરોમાં જાતજાતની તકલીફો તો આવવાની જ છે. હવે પછીના અમુક પાન પર જોવા મળશે કે મોટી તકલીફો છતાં, કુટુંબો કઈ રીતે બાઇબલના સિદ્ધાંતો પાળીને સુખી થયાં છે. (g09 10)
[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]
‘બીમાર’ બાળકની સંભાળ રાખવી
દક્ષિણ આફ્રિકામાં રહેતા વિક્ટર મેઇન્સનો અનુભવ
“અમારો દીકરો એન્ડ્રુ ૪૪ વર્ષનો છે. તેના જન્મથી આજ સુધી નાહવા-ધોવા, પહેરવા-ઓળવા, કોઈ વાર તો ખાવા માટે પણ તે અમારા પર આધાર રાખે છે.”
એન્ડ્રુ એક વર્ષનો થયો તોયે ચાલતો નʼતો, એટલે અમને થયું કે કંઈક તો છે. એવામાં તેને તાણ આવી. અમે તેને સીધા હૉસ્પિટલે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તેને એપિલેપ્સિની (તાણ) બીમારી છે. એટલું જ નહિ, અનેક ટેસ્ટ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે એન્ડ્રુના મગજમાં એવું નુકસાન થયું છે કે એનો વિકાસ નહિ થાય.
એક પછી બીજી અનેક દવા કરીને, છેવટે અમે એન્ડ્રુની તાણ કાબૂમાં લાવી શક્યા. થોડો વખત તો તેને ચાર જુદી જાતની દવા દિવસમાં ત્રણ વાર લેવી પડતી. તોપણ કોઈ દવા તેના મગજને થયેલા નુકસાનમાં સુધારો કરી શકવાની ન હતી. હવે એન્ડ્રુ ૪૪ વર્ષનો છે, પણ તેનું મગજ હજુયે પાંચ-છ વર્ષના બાળક જેવું છે.
ડૉક્ટરોએ અમને કહ્યું કે એન્ડ્રુને કેર સેન્ટરમાં મૂકી આવો, જ્યાં તેની સંભાળ લેવાશે. પણ અમારા સંજોગો એવા હતા કે અમે એન્ડ્રુની સંભાળ ઘરે જ રાખી શકીએ. તોપણ એ સહેલું ન હતું.
અમારે બીજો એક દીકરો ને બે દીકરીઓ છે. અમે બધાએ વારાફરતી એન્ડ્રુની સંભાળ રાખવાનું નક્કી કર્યું. અમારાં બાળકોએ અમને જે સાથ આપ્યો, એનો હું બહુ જ આભાર માનું છું. યહોવાહના સાક્ષીઓ તરીકે અમને મંડળના ભાઈબહેનોથી પણ ઘણી મદદ મળી. તેઓએ અનેક વાર ખાવાનું રાંધ્યું. તેઓએ એન્ડ્રુનું ધ્યાન પણ રાખ્યું, જેથી અમે લોકોને ઈશ્વર વિષે ખુશખબર જણાવી શકીએ. અથવા તો બીજાં અગત્યનાં કામ કરી શકીએ.
અમારા દિલમાં યશાયાહ ૩૩:૨૪ના શબ્દો લખાયેલા છે. એમાં ઈશ્વરે વચન આપ્યું છે કે એક દિવસ આવશે, જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” અમે માનીએ છીએ કે જલદી જ ઈશ્વર આ વચન પૂરું કરશે. પછી કોઈ કદીયે બીમાર નહિ થાય. (૨ પીતર ૩:૧૩) અમે એ દિવસની રાહ જોઈએ છીએ, જ્યારે એન્ડ્રુ એકદમ તંદુરસ્ત હશે. ત્યાં સુધી અમે ઈસુના એ શબ્દોમાં વિશ્વાસ રાખીએ છીએ કે જો ઈશ્વરની ભક્તિ પ્રથમ રાખીએ, તો તે જરૂર આપણી સંભાળ રાખશે. (માત્થી ૬:૩૩) અમારા માટે એ શબ્દો હંમેશાં સાચા પડ્યા છે અને અમને કશાની ખોટ પડી નથી.
ખરું કે અમારા કુટુંબની જેમ બધા જ કરી શકતા નથી. પણ જેઓ પોતાના બીમાર સગાંવહાલાંની ઘરે સંભાળ રાખે છે, તેઓને પહેલા તો હું એ કહીશ કે પ્રાર્થના કરવાનું કદીયે ચૂકતા નહિ. (૧ પીતર ૫:૬, ૭) બીજું કે તમારા બીમાર બાળક પર પુષ્કળ પ્રેમ વરસાવો. એમ ન માનો કે તેની નબળાઈને લીધે તે યહોવાહને ચાહી શકશે નહિ. (એફેસી ૬:૪) ત્રીજું કે એકલા એકલા જ બધું ન કરો, આખા કુટુંબની મદદ લો. ચોથું કે તમારા બાળકને ઘરે જેટલો પ્રેમ મળે છે, એટલો બીજે ક્યાંય નહિ મળે. હું સમજું છું કે બધાના સંજોગો અલગ અલગ છે. અમને એન્ડ્રુની ઘરે સંભાળ રાખવાનો કદીયે અફસોસ થયો નથી. મારા મને તો એન્ડ્રુ મારો લાડલો દીકરો છે. (g09 10)
[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]
‘મને દત્તક લેવામાં આવી’
અમેરિકાની કેન્યાટા યંગનો અનુભવ
“સાવકા બાળકને મા કે બાપ કોઈ એક સાથે તો લોહીનો સંબંધ હોય છે. પણ મને દત્તક લેવામાં આવી છે. મને એ પણ ખબર નથી કે હું કોના જેવી દેખાઉં છું.”
મને ખબર નથી કે મારાં સગાં માબાપ કોણ છે. મને એટલી જ ખબર છે કે હું મમ્મીની કૂખમાં હતી ત્યારે, તે દારૂ અને ડ્રગ્સના નશામાં ડૂબેલી રહેતી. એટલે મારા જન્મ પછી મને અનાથાશ્રમમાં મૂકવામાં આવી. હું બે વર્ષની થઈ ત્યાં સુધીમાં તો એકથી બીજી ઘણી જગ્યાએ રહી ચૂકી હતી. આખરે, મને દત્તક લેવામાં આવી.
મારા દત્તક પિતાએ જણાવ્યું કે મારી સમાજસેવિકાએ મારો ફોટો તેઓને બતાવ્યો હતો. મારો ફોટો જોઈને જ તેઓને હું એટલી ગમી ગઈ કે મને દત્તક લઈ લીધી. મને પણ નવી મમ્મી તરત જ ગમી ગઈ હતી. મેં તેમને કહ્યું હતું કે “મારે તમારી સાથે ઘરે જવું છે.”
હું નાની હતી ત્યારે બહુ ડર લાગતો કે કંઈ ખોટું કરીશ તો તેઓ મને પાછી અનાથાશ્રમમાં મૂકી આવશે. એટલે થતું કે બીજાં બાળકોની જેમ મારે રિસાવાનું નહિ, બીમાર પણ નહિ પડવાનું. મને શરદી પણ ન થાય એનું હું ધ્યાન રાખતી. પણ મારાં મમ્મી-પપ્પા સમજાવતા કે તેઓ મને એટલા ચાહે છે કે કદીયે મને તજી દેશે નહિ.
હવે મોટી થયા પછી પણ કોઈ વાર મનમાં વિચારોનું તોફાન ઊઠે છે. મને થાય છે કે સગાં માબાપનાં બાળકો જેટલી મારી કિંમત થતી નથી. એવા વિચારોથી માંડ માંડ મન મનાવું ત્યાં તો કોઈ કહેશે કે ‘તારે તો આવાં માબાપનો આભાર માનવો જોઈએ, જેઓએ તને ઘર આપ્યું!’ હું આભારી તો છું જ, પણ આવી ટીકાઓ મને બહુ દુઃખી કરે છે. એવું લાગે કે મારામાં કંઈક ખોટ છે, જેના લીધે કોઈએ મને ચાહવા ઘણો પ્રયત્ન કરવો પડે છે.
કદાચ હું મારા સગા પિતાને કદી નહિ મળી શકું, એ વિચાર મારું દિલ કોરી ખાય છે. કોઈક વાર થાય છે કે મારી સગી માએ કેમ જીવન સુધાર્યું નહિ! શું હું એટલી નકામી હતી? પણ કોઈ વાર મને તેની દયા આવે છે. જો તે મને મળશે તો હું જરૂર કહીશ કે મને છોડી મૂકી એનો અફસોસ ન કરે. હું સુખી છું.
મને દત્તક લેનારા મમ્મી-પપ્પા યહોવાહના ભક્તો છે. તેઓએ મને આપેલી ભેટોમાંની અમૂલ્ય ભેટ બાઇબલનું શિક્ષણ છે. ગીતશાસ્ત્ર ૨૭:૧૦ના શબ્દો મારા માટે સો ટકા સાચા છે, જે મને ઘણો દિલાસો આપે છે: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.” હું દત્તક લેવાઈ, એના ઘણા લાભ પણ છે. મને મારી નાત-જાત, કુટુંબની ખબર નથી, એટલે મને બધાય લોકો ગમે છે. લોકોની રહેણી-કરણી, રીતભાત જાણવાનું ગમે છે. હવે હું પોતે યહોવાહની ભક્ત છું, લોકોને તેમના વિષે ખુશખબર જણાવું છું. એ જ મારા જીવનની મંજિલ છે. એનાથી મને મારી કિંમત સમજાય છે. હું નિરાશ થઈ જાઉં ત્યારે, લોકોને ખુશખબર જણાવવા નીકળી પડું છું. બાઇબલ વિષે શીખવીને તેઓ સાથે જાણે નાતો બંધાઈ જાય છે. દરેકનો પોતાનો અજબનો અનુભવ હોય છે. (g09 10)
[પાન ૧૭ પર બોક્સ/ચિત્ર]
‘મારા પપ્પા ગુજરી ગયા’
‘મારા પપ્પા બધું જ જાણે. મારી કોઈ પણ તકલીફનો ઉકેલ ચપટીમાં કાઢે. પણ મારા પપ્પા ગુજરી ગયા! હવે મારું શું થશે?’
ઑસ્ટ્રેલિયાની એન્જેલા રુટગર્સનો અનુભવ
દસેક વર્ષ પહેલાંની વાત છે. હું માંડ ચૌદ-પંદર વર્ષની હોઈશ. મારા પપ્પાનું ઑપરેશન થયું. પછી તરત ડૉક્ટરે જણાવી દીધું કે વધારે કોઈ સારવાર થઈ શકે એમ નથી. મારી મમ્મી તેમને વધારે પૂછપરછ કરવા લાગી. મારો મોટો ભાઈ બેહોશ થઈ ગયો. મને લાગ્યું કે હું જાણે કોઈ વમળમાં ફસાઈ ગઈ હતી અને છૂટી શકતી નʼતી. એના છ મહિનામાં જ પપ્પા ગુજરી ગયા.
મારી લાગણીઓ જાણે મારા કાબૂ બહાર હતી. મને થતું કે મારા પર જે વીતે છે, એ મારા મિત્રો સમજે તો કેવું સારું! પણ હું એવું જરાય ચાહતી નʼતી કે તેઓ મને બિચારી ગણે. એટલે હું તેઓ સામે મારી લાગણી દબાવી રાખવાનો પ્રયત્ન કરતી. મને એમ પણ થતું કે હું તેઓ સાથે હળું-મળું, ખુશ રહેવાની કોશિશ કરું. પણ એનાથી તો તેઓને થાત કે બધું પાછું બરાબર થઈ ગયું છે. પણ હું હજુ શોકમાંથી બહાર આવી નʼતી. હવે હું વિચારું છું કે મારા મિત્રો કેટલા સારા હતા, તેઓએ કેટલી ધીરજ બતાવી!
મારા પપ્પાના મરણ પછી મને પોતાનો જ વાંક દેખાયા કરે છે. મને ઘણી વાર થાય છે કે હું તેમને કેટલી ચાહું છું એ વારંવાર જણાવ્યું હોત તો કેટલું સારું! તેમની સાથે વધારે સમય કાઢ્યો હોત તો કેટલું સારું! મેં કેટલીયે વાર મન મનાવવાની કોશિશ કરી કે પપ્પાએ કદીયે એવો વાંક કાઢ્યો ન હોત. તોપણ, મારું મન ડંખ્યા જ કરે છે.
યહોવાહના સાક્ષી તરીકે હું જાણું છું કે ઈશ્વર ગુજરી ગયેલાને સજીવન કરશે. એનાથી મને બહુ દિલાસો મળે છે. (યોહાન ૫:૨૮, ૨૯) તોપણ, પપ્પા ગુજરી ગયા ત્યારે કોઈ કહેતું કે “તારા પપ્પાને ઈશ્વર સજીવન કરશે,” તો એનાથી મને બહુ ફરક પડતો નહિ. એમ થતું કે ‘મને તો મારા પપ્પા હમણાં જ જોઈએ!’ જોકે પછી મને પરદેશ જનારના દાખલાથી દિલાસો મળ્યો. હું કલ્પના કરું છું કે મારા પપ્પા બીજા દેશમાં ગયા છે. એક દિવસ તે ઘરે જરૂર પાછા આવશે, ભલે તારીખ ખબર નથી. એનાથી હું સ્વીકારી શકી કે ગુજરી ગયેલાને ભાવિમાં ચોક્કસ સજીવન કરવામાં આવશે. આમ મને હમણાં ખોટ સહન કરવા મદદ મળી.
યહોવાહના ભક્તોનો અમને બહુ જ સાથ મળ્યો. ખાસ કરીને એક ભાઈ મને યાદ છે. તેમણે મને કહ્યું કે મારા પપ્પાના મરણની વાત કરવાનું તેમને ગમતું નહિ, પણ તે મારો અને કુટુંબનો બહુ વિચાર કરે છે. હું તેમના એ શબ્દો વારંવાર યાદ કરતી. એનાથી મને એવા દિવસોમાં મદદ મળી, જ્યારે કોઈ પપ્પા વિષે કંઈ કહેતું નહિ. તેઓ ભલે કંઈ કહેતા નથી પણ મારો અને કુટુંબનો વિચાર તો કરે જ છે. મારે માટે એટલું પૂરતું હતું!
પપ્પા ગુજરી ગયાના ચાર મહિના પછી, મમ્મીએ ઈશ્વર વિષે ખુશખબર જણાવવા વધારે સમય કાઢ્યો. મેં જોયું કે એમાંથી તેને ઘણી ખુશી મળતી. મેં પણ એમ જ કર્યું. એનાથી યહોવાહનાં વચનોમાં મારી શ્રદ્ધા અડગ બની. મને બીજાઓનો વધારે વિચાર કરવા હિંમત મળી. સાચે જ, બીજાને મદદ કરવાથી મને દુઃખ સહન કરવા ઘણી મદદ મળી છે. (g09 10)