સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જ્યારે મમ્મી કે પપ્પા ગુજરી જાય . . .

જ્યારે મમ્મી કે પપ્પા ગુજરી જાય . . .

યુવાનો પૂછે છે

જ્યારે મમ્મી કે પપ્પા ગુજરી જાય . . .

“મમ્મી ગુજરી ગઈ ત્યારે મારું જીવન વેરવિખેર થઈ ગયું. મમ્મી જાણે અમારા કુટુંબને જોડનાર કડી હતી, એ જ તૂટી ગઈ.”—કેરન.*

* આ લેખમાં નામ બદલ્યાં છે.

જીવનમાં ઘણી ચઢતી ને પડતી આવે છે. પણ મમ્મી કે પપ્પાના મરણ જેવું મોટું તોફાન જીવનમાં ભાગ્યે જ આવે છે. તેમના ગુજરી જવાનો ઘા તો સહેવો જ પડે છે, સાથે સાથે ધાર્યા કરતાં સાવ જુદું જ ભાવિ હવે તમારી આગળ ઊભું છે.

કદાચ તમે ગ્રેજ્યુએટ થવાની, પહેલી નોકરી મેળવવાની કે તમારા લગ્‍નની ખુશી તેમની સાથે માણવાનાં સપનાં જોયાં હોય. પણ હવે તે ન હોવાથી તમે કદાચ નિરાશામાં ડૂબી જાવ, વાતવાતમાં ચીડ ચઢે, અરે ગુસ્સો પણ આવે. મમ્મી કે પપ્પાના ગુજરી જવાથી લાગણીઓનું તોફાન ઊઠે ત્યારે, તમે કઈ રીતે એના પર કાબૂ મેળવી શકો?

શું આવી લાગણીઓ ખોટી છે?

મમ્મી કે પપ્પા ગુજરી ગયા છે, એ કડવી હકીકત તમે સ્વીકારો ત્યારે, કદાચ એવી લાગણીઓનું પૂર ધસી આવશે જે તમે કદીયે અનુભવ્યું નહિ હોય . બ્રાયન ફક્ત ૧૩ વર્ષનો હતો ત્યારે, તેના પપ્પા હાર્ટ એટેકમાં ગુજરી ગયા. બ્રાયન કહે છે કે “પપ્પા ગુજરી ગયા એ રાત્રે અમે બસ એકબીજાને ગળે લગાડીને રડતા જ રહ્યા.” નેટલી ફક્ત દસ વર્ષની હતી, જ્યારે તેના પપ્પા કૅન્સરને લીધે ગુજરી ગયા. તે કહે છે કે “હું સાવ સૂનમૂન થઈ ગઈ હતી. શું કરવું એની કંઈ ખબર જ નʼતી પડતી.”

મરણના સમાચારની દરેકને જુદી જુદી અસર થાય છે. બાઇબલ જણાવે છે કે ‘હરકોઈ માણસને પોતપોતાની પીડા ને પોતપોતાનું દુઃખ’ હોય છે. (૨ કાળવૃત્તાંત ૬:૨૯) તમારા મમ્મી કે પપ્પાના મરણની તમારા પર કેવી અસર થઈ છે? નીચે જણાવો કે (૧) જ્યારે એના વિષે ખબર પડી ત્યારે તમને કેવું લાગ્યું. (૨) હવે તમને કેવું લાગે છે.#

(૧) ․․․․․

(૨) ․․․․․

તમારા જવાબ જોઈને કદાચ લાગે કે હવે તમારી લાગણીઓ અમુક હદે શાંત પડવા લાગી છે. એમાં કંઈ ખોટું નથી. એનો અર્થ એવો નથી કે તમે ગુજરી ગયેલાને ભૂલી જવા માંડ્યા છો. બીજી બાજુ એવું પણ બની શકે કે તમને હજુ એટલું જ દુઃખ લાગે છે. અરે તમારું દુઃખ કદાચ હજુયે વધી ગયું હોય. એમ પણ બની શકે કે તમારી લાગણીઓ દરિયાનાં મોજાંની જેમ આવે ને જાય. પછી અણધારી ઘડીએ જાણે કિનારે આવીને અથડાય. એમ થાય તો ચિંતા ન કરો, અરે, વર્ષો પછી પણ એમ થાય તો એમાં કંઈ જ ખોટું નથી. સવાલ એ છે કે મરણને લીધે થતું એવું કોઈ પણ દુઃખ સહેવું કઈ રીતે?

કઈ રીતે સહન કરી શકો?

આંસુ રોકવાનો પ્રયત્ન ન કરો! રડવાથી દુઃખ હળવું થાય છે તોપણ, તમને કદાચ એલીસીઆ જેવું લાગે. એ બહેન ૧૯ વર્ષની હતી ત્યારે, તેનાં મમ્મી ગુજરી ગયાં. એલીસીઆ કહે છે: “મને લાગ્યું કે જો હું લાગણીઓ પર કાબૂ નહિ રાખું તો કોઈને થશે કે મને ઈશ્વરમાં શ્રદ્ધા નથી.” એવું વિચારશો નહિ! ઈસુને પણ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હતી. તોપણ, તેમનો જિગરી દોસ્ત લાજરસ ગુજરી ગયો ત્યારે ‘ઈસુ રડ્યા.’ (યોહાન ૧૧:૩૫) એટલે રડવું આવે ત્યારે આંસુ રોકવાનો પ્રયત્ન ન કરો. રડવાનો અર્થ એવો નથી કે તમારી શ્રદ્ધામાં કોઈ ખોટ છે. એલીસીઆ કહે છે કે “આખરે હું રડી. બહુ જ રડી. દરરોજ રડી.” *

‘મારો વાંક છે’ એમ લાગે તો એના વિષે વાત કરો. કેરન ૧૩ વર્ષની હતી ત્યારે તેની મમ્મી ગુજરી ગઈ. તે કહે છે કે “હું હંમેશાં સૂતા પહેલાં મમ્મીને કીસ કરીને ‘ગુડ નાઇટ’ કહેતી. ફક્ત આ એક જ રાતે મેં એમ ન કર્યું. સવારે ઊઠીને જોયું તો મમ્મી ગુજરી ગઈ હતી. મને લાગ્યું કે મેં મોટી ભૂલ કરી. એક તો હું મમ્મીને રાત્રે મળવા ન ગઈ. બીજું કે સવારે પપ્પાને બિઝનેસ ટ્રિપ પર જવાનું હોવાથી મને અને મોટી બહેનને મમ્મીનું ધ્યાન રાખવા કહ્યું હતું. પણ અમે મોડે સુધી સૂઈ રહ્યા. જ્યારે મમ્મીને જોવા તેના રૂમમાં ગયા, તો તે શ્વાસ નʼતી લેતી. મારા હોશકોશ ઊડી ગયા, કેમ કે પપ્પા ગયા ત્યારે તો મમ્મી બરાબર હતી.”

કેરનની જેમ કદાચ તમે અમુક બાબત ન કરી હોય એના લીધે પોતાને દોષ આપવા લાગો. તમારા મનમાં સવાલો પર સવાલો ઊઠે કે ‘જો મેં ડૉક્ટરને બોલાવવા પપ્પાને કહ્યું હોત તો . . . ’ ‘જો હું મમ્મીને જોવા વહેલી ગઈ હોત તો . . . ’ એવા વિચારો તમને કોરી ખાતા હોય તો આ યાદ રાખો: જે બન્યું એમાં તમે કંઈક જુદું કર્યું હોત તો . . . એવા વિચારો આવવા સ્વાભાવિક છે. એમાં કંઈ ખોટું નથી. પણ હકીકત એ છે કે જો તમને પહેલેથી ખબર હોત કે શું બનવાનું છે, તો તમે જરૂર કંઈક જુદું કર્યું હોત. પણ તમને એનો સપનેય ખ્યાલ ન હતો. એટલે એમાં તમારો વાંક નથી. તમે તમારા મા કે બાપના મરણ માટે જવાબદાર નથી! *

તમારી લાગણીઓ વિષે કોઈને જણાવો. નીતિવચનો ૧૨:૨૫ જણાવે છે કે ‘માયાળુ શબ્દો તમને ખુશ કરશે.’ લાગણીઓ દિલમાં જ દબાવી દેવાથી તમને વધારે દુઃખ થશે. તમને શોકમાંથી બહાર આવવા મદદ મળશે નહિ. એટલે જેના પર ભરોસો હોય, તેની આગળ તમારું હૈયું ઠાલવી દો. આવા દુઃખના સમયે તેમના “માયાળુ શબ્દો” તમને બહુ મદદ કરશે. નીચેનાં અમુક સૂચનો તમે અજમાવી જુઓ.

તમારા મમ્મી કે પપ્પા જે તમારી સાથે છે, તેમની સાથે વાત કરો. જીવનસાથી ગુમાવ્યા હોવાથી તે પણ ઘણા દુઃખી હશે. તોપણ, તે પોતાના બાળકને મદદ કરવા બનતું બધું જ કરશે. એટલે તેમને જણાવો કે તમારા દિલમાં શું ચાલે છે. તેમની સાથે વાત કરવાથી તમને પણ રાહત મળશે અને તમે એકબીજાને આ મુશ્કેલ સમયમાં સાથ આપી શકશો.

કેવી રીતે વાતચીત શરૂ કરશો? કદાચ એક-બે એવી બાબતોનું લીસ્ટ બનાવી શકો, જે તમે ગુજરી ગયેલા મા કે બાપ વિષે જાણવા માગતા હતા. પછી એ વિષે તમારા હયાત મા કે બાપ સાથે વાતચીત કરી શકો. *

․․․․․

તમારા મિત્રો સાથે વાત કરો. બાઇબલ જણાવે છે કે જિગરી દોસ્ત કે ખાસ બેનપણી ‘પડતી દશામાં’ સહારો આપનાર બને છે. (નીતિવચનો ૧૭:૧૭) એલીસીયા કહે છે કે “તમે ધારતા ન હોય ત્યાંથી મદદ મળે છે. એટલે એ વિષે વાત કરતા અચકાવ નહિ.” શું કહેવું એની જલદી સૂઝ ન પડવાથી, કદાચ તમને કે તમારા મિત્રને વાતચીત કરવી સહેલી ન લાગે. પણ સમય જતાં જોશો કે તમે વાતચીત કરી એ સારું થયું, કેમ કે એનાથી દુઃખ હળવું થાય છે. ડેવીડના પપ્પા હાર્ટઍટેકથી ગુજરી ગયા. ડેવીડ ત્યારે ફક્ત નવ વર્ષનો હતો. તે કહે છે કે “મારું દુઃખ મેં દિલમાં જ દબાવી દીધું. જો મેં કોઈને વાત કરી હોત તો રાહત મળી હોત.”

ઈશ્વરને પ્રાર્થના કરો. પ્રાર્થનામાં યહોવાહ “આગળ તમારૂં હૃદય ખુલ્લું કરો.” એનાથી તમને સારું લાગશે. (ગીતશાસ્ત્ર ૬૨:૮) યહોવાહને પ્રાર્થના કરવી એ કંઈ મન મનાવવા માટે જ નથી, કેમ કે તે તો ‘સર્વ દિલાસાના ઈશ્વર છે જે સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે.’—૨ કોરીંથી ૧:૩, ૪.

યહોવાહ પોતાની શક્તિથી મદદ કરીને દિલાસો આપે છે. તે તમને “પરાક્રમની અધિકતા” કે પોતાની શક્તિ દ્વારા એવી હિંમત આપી શકે, જેનાથી તમને સહન કરવા મદદ મળે. (૨ કોરીંથી ૪:૭) યહોવાહ ‘પવિત્ર શાસ્ત્રમાંથી પણ દિલાસો’ આપે છે. (રૂમી ૧૫:૪) એટલે તેમની શક્તિની મદદ માગો. બાઇબલ વાંચવા સમય કાઢો, જેથી એમાંથી ઉત્તેજન મેળવી શકો. (૨ થેસ્સાલોનીકી ૨:૧૬, ૧૭) તમને દિલાસો મળે એવી કલમો લખીને તમારી સાથે રાખી શકો. *

‘શું હું આ દુઃખમાંથી કદીયે બહાર આવીશ?’

શોકમાંથી બહાર આવવા દરેકને પૂરતો સમય જોઈએ. બ્રીએન સોળ વર્ષની હતી ત્યારે, તેની મમ્મી ગુજરી ગઈ. તે પણ કહે છે: “આ કંઈ એવું દુઃખ નથી કે આજે છે ને કાલે ભૂલાઈ જાય. અમુક દિવસે તો હું રડતા રડતા જ સૂઈ જાઉં છું. અમુક વખતે મમ્મીના મરણનો નહિ, પણ નવી દુનિયાનો વિચાર કરવાનો પ્રયત્ન કરું છું. કલ્પના કરું છું કે યહોવાહના વચન પ્રમાણે મારી મમ્મી સાથે હું કેટલી મજા કરતી હોઈશ!”

બ્રીએન વાત કરતી હતી એ નવી દુનિયા વિષે બાઇબલ આમ કહે છે: એમાં ‘મરણ હશે નહિ. શોક કે રૂદન કે દુઃખ પણ હશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) તમારાં મમ્મી કે પપ્પાના મરણનું દુઃખ સહેવા તમને પણ આવાં વચનો મદદ કરશે. (g09-E 08)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ જોકે એવું પણ નથી કે દુઃખ બતાવવા તમારે રડવું જ પડે. દરેક અલગ અલગ રીતે શોક પાળે છે. ફક્ત એટલું જ કે આંસુનું પૂર ધસી આવે તો, માનો કે એ “રડવાનો વખત” છે, છૂટથી રડી લો.—સભાશિક્ષક ૩:૪.

^ જો એવા વિચારો પીછો ન છોડે, તો તમારા મમ્મી કે પપ્પા જે જીવે છે, તેમની સાથે વાત કરો. અથવા મોટી ઉંમરની બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરો. સમય જતાં તમે જરૂર એવી લાગણીઓ પર કાબૂ મેળવી શકશો.

^ જો તમે ફક્ત મા કે બાપ કોઈ એકની જ સાથે રહેતા હોવ અને જે જીવે છે એ મા કે બાપને તમે બહુ મળતા ન હોવ, તો શું કરી શકો? તમે મોટી ઉંમરના કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરી શકો.

આના વિષે વિચાર કરો

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

▪ તમને આ લેખમાંથી કયાં સૂચનો ગમ્યાં?

▪ તમારું દુઃખ બેહદ વધી જાય ત્યારે, તમને દિલાસો આપતી અમુક કલમો નીચે લખી લો.

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

આ ભક્તો પણ રડ્યા હતા

ઈબ્રાહીમઉત્પત્તિ ૨૩:૨.

યુસફઉત્પત્તિ ૫૦:૧.

દાઊદ૨ શમૂએલ ૧:૧૧, ૧૨; ૧૮:૩૩.

લાજરસની બહેન મરિયમયોહાન ૧૧:૩૨, ૩૩.

ઈસુયોહાન ૧૧:૩૫.

મરિયમ માગદાલેણયોહાન ૨૦:૧૧.

[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]

# એનો વિચાર કરવો અઘરું લાગે તો હમણાં રહેવા દો. અમુક સમય પછી એમ કરી શકો.

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

મા કે બાપ તરીકે તમે શું કરી શકો?

ખરું કે જીવનસાથી ગુમાવ્યા હોવાથી તમને આઘાત લાગ્યો છે. એ જ સમયે તમે જાણો છો કે તમારા છોકરાઓને પણ શોકમાંથી બહાર આવવા મદદની જરૂર છે. * કઈ રીતે તમે પોતાના દુઃખમાં પણ તેઓને મદદ કરી શકો?

લાગણીઓને દબાવી ન દો. તમારાં બાળકો તમને જોઈને ઘણી મહત્ત્વની બાબતો શીખ્યા છે. એ જ રીતે શોકમાંથી બહાર નીકળવા પણ તમારી પાસેથી મદદ મળશે. એટલે તમારા છોકરાથી તમારું દુઃખ સંતાડો નહિ. એમ ન વિચારો કે તેઓ સામે રડશો કે ઉદાસ દેખાશો તો તેઓને કેવું લાગશે! જો તમે તમારું દુઃખ નહિ સંતાડો, તો છોકરા પણ નહિ સંતાડે. તેઓ જોશે કે તમે તમારી લાગણી મનમાં જ રાખતા નથી અને તેઓએ પણ લાગણીઓ દબાવી રાખવાની જરૂર નથી. એનાથી તેઓ શીખશે કે જો તેઓ નિરાશ થાય, ચિડાઈ જાય, અરે ગુસ્સે પણ થાય તો એમાં કંઈ ખોટું નથી.

છોકરાઓને વાતચીત કરવા ઉત્તેજન આપો. કોઈ દબાણ કર્યા વગર છોકરાઓને પૂછો કે તેમને કેવું લાગે છે? શું એના વિષે વાત કરવી છે? જો તે અચકાય તો કદાચ આ લેખ વિષે તેની સાથે વાત કરી શકો. તમારા જીવનસાથી સાથે વિતાવેલા ઘણા યાદગાર પ્રસંગોની પણ વાત કરી શકો. જણાવી શકો કે તમારા જીવનસાથી વગર જીવન કેટલું મુશ્કેલ છે. આ રીતે વાતચીત કરવાથી, તમારા બાળકને પણ પોતાનું દિલ ખોલવા મદદ મળશે.

બીજાની મદદ સ્વીકારો. સમજી શકાય કે આવા સમયે તમે પોતે તમારા છોકરાઓને સાથ આપવા માગશો. પણ ભૂલો નહિ કે તમે તમારા જીવનસાથી ગુમાવ્યા છે. તમારા દિલ પર ઊંડો ઘા પડ્યો છે. અમુક સમયે તમે તન-મનથી હિંમત હારી બેસો પણ ખરા. (નીતિવચનો ૨૪:૧૦) એટલે કોઈ વાર તમારે કુટુંબ કે મિત્રોમાંથી કોઈ અનુભવી વ્યક્તિને મદદ માટે બોલાવવા પણ પડે. કોઈની મદદ લેવી નમ્રતાની નિશાની છે. નીતિવચનો ૧૧:૨ કહે છે કે “નમ્ર જનો પાસે જ્ઞાન” કે શાણપણ હોય છે.

સૌથી સારી મદદ તો યહોવાહ ઈશ્વર તરફથી મળે છે. તે પોતાના ભક્તોને વચન આપે છે: ‘હું યહોવાહ તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીશ મા; હું તને સહાય કરીશ.’—યશાયાહ ૪૧:૧૩.

[ફુટનોટ્‌સ]

^ આ લેખના સિદ્ધાંતો છોકરા-છોકરી બંનેને લાગુ પડે છે.

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

શોકની લાગણીઓ જાણે અચાનક કિનારે આવીને અથડાતાં દરિયાનાં મોજાં જેવી હોઈ શકે