સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે

છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે

છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે

ઘરને થયેલું નુકસાન તપાસીને એને પાડી નાખવું કે રિપેર કરવું એનો નિર્ણય માલિકના હાથમાં છે.

તમારા લગ્‍નજીવન વિષે પણ તમે એવો કોઈ નિર્ણય લેવાનું વિચારો છો? એનું કારણ એ હોય શકે કે કદાચ તમારા જીવનસાથીએ બેવફાઈ કરી છે. અથવા ઘડી-ઘડી થતા ઝગડાને લીધે તમારી ખુશી ગમમાં ફેરવાઈ ગઈ છે. કદાચ તમે એવું કંઈ વિચારતા હશો: ‘અમે એકબીજાને ચાહતા નથી,’ કે ‘એકબીજા સાથે બનતું નથી.’ અથવા ‘અમે એકબીજાની પાછળ પાગલ થઈને લગ્‍ન કર્યા. એ મોટી ભૂલ હતી.’ તમે કદાચ આવું પણ વિચારતા હોય શકો કે ‘છૂટાછેડા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

ઉતાવળે છૂટાછેડા લેવાનો નિર્ણય લેતા પહેલાં બે વાર વિચારો. ડિવૉર્સ લેવાથી બધી તકલીફો દૂર થઈ જવાની નથી. મોટા ભાગના કિસ્સામાં છૂટાછેડા લેવાથી વ્યક્તિ બસ ઊલમાંથી ચૂલમાં પડે છે. યુવાનોને સારી રીતે ઉછેરવા (અંગ્રેજી) પુસ્તકમાં લેખક અને ડૉક્ટર બ્રાડ સાક્સે કહ્યું: ‘મુશ્કેલીઓ વગરનું લગ્‍નજીવન શક્ય નથી. અમુક યુગલોના જીવન પર જાણે કાળા વાદળો છવાઈ ગયા છે. જાણે તેઓના જીવનમાં ભારે તોફાન ચાલી રહ્યું હોય. આવા યુગલોને લાગે છે કે છૂટાછેડા લેવું બહુ સહેલું છે. એનાથી તેઓના જીવન પર શાંતિ ને સુખનો સૂરજ ઉગશે. તેઓ બસ એના જ સપના જોતા રહે છે. પણ હકીકતમાં છૂટાછેડા લેવાથી બધી મુશ્કેલીઓ દૂર થવાની નથી.’ એટલા માટે છૂટાછેડા લેતા પહેલાં, બે વાર વિચાર કરવો જોઈએ.

છૂટાછેડા વિષે બાઇબલ શું કહે છે?

બાઇબલ જણાવે છે કે છૂટાછેડા લેવા એક ગંભીર બાબત છે. જેઓ ફાલતું કારણથી કે બીજા લગ્‍ન કરવા છૂટાછેડા લે છે, તેઓના કાર્યોને યહોવાહ ધિક્કારે છે. એવી વ્યક્તિઓ ઈશ્વરની નજરમાં દગાખોર છે. (માલાખી ૨:૧૩-૧૬) લગ્‍નનું બંધન હંમેશ માટેનું બંધન હોવું જોઈએ. (માત્થી ૧૯:૬) જો યુગલો એકબીજાને દિલથી માફ કરવા તૈયાર હોત, તો કદાચ મોટા ભાગના કિસ્સામાં તેઓએ ફાલતું કારણોને લીધે છૂટાછેડા લીધા ન હોત.—માત્થી ૧૮:૨૧, ૨૨.

બાઇબલ જણાવે છે કે ફક્ત એક કારણસર છૂટાછેડા લઈ શકાય છે. એ છે જ્યારે જીવનસાથી વ્યભિચાર કરે. (માત્થી ૧૯:૯) જો તમને ખબર પડે કે તમારા જીવનસાથી બેવફા છે, તો તમે છૂટાછેડા લઈ શકો છો. પણ કોઈ તમને જબરદસ્તી ના કરી શકે કે તમારે શું કરવું જોઈએ. આ લેખ પણ તમને કહેશે નહિ કે તમારે શું કરવું કે શું ન કરવું. નિર્ણય તમારો જ છે. તમે જે કંઈ નિર્ણય લેશો, પરિણામો તમારે જ ભોગવવા પડશે.—ગલાતી ૬:૫.

આ કારણે બાઇબલ કહે છે: ‘ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર રાખે છે.’ (નીતિવચનો ૧૪:૧૫) તેથી જો બાઇબલ પ્રમાણે તમે છૂટાછેડા લઈ શકતા હોવ, તો પણ એ લેતા પહેલાં પરિણામોનો બે વાર વિચાર કરો. (૧ કોરીંથી ૬:૧૨) બ્રિટનમાં રહેતો ડેવિડ કહે છે: ‘અમુકને લાગે છે કે તમારે જલદી જ નિર્ણય લેવો જોઈએ. પણ મેં ડિવૉર્સ લીધા હોવાથી હું કહી શકું છું કે વિચારવા માટે પૂરતા સમયની જરૂર છે.’ *

ચાલો આપણે ચાર મહત્ત્વની બાબતોની ચર્ચા કરીએ, જેના પર તમારે વિચાર કરવો જોઈએ. એમાં અનેક વ્યક્તિઓના અનુભવ જણાવ્યા છે. તેઓમાં કોઈ એવું કહેતું નથી કે તેઓએ છૂટાછેડા લેવામાં ભૂલ કરી હતી. તેમ છતાં, તેઓના અનુભવ બતાવે છે કે છૂટાછેડા લેવાથી કેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

પૈસાની તંગી

ડાન્યેલા ઇટાલીમાં રહે છે. લગ્‍નના ૧૨ વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ, સાથે કામ કરતી સ્ત્રી જોડે વ્યભિચાર કરતો હતો. તે કહે છે: ‘તેઓની બેવફાઈ વિષે મને ખબર પડી ત્યારે એ સ્ત્રી છ મહિનાથી ગર્ભવતી હતી.’

ડાન્યેલા તેના પતિથી અલગ રહેવા લાગી. થોડો સમય ખેંચીને છેવટે તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. તે કહે છે: ‘અમારું લગ્‍ન ટકાવવા મેં ઘણી કોશિશ કરી, પણ મારો પતિ બેવફાઈ કરતો રહ્યો.’ ડાન્યેલાને લાગ્યું કે તેણે બરાબર નિર્ણય લીધો. તે કહે છે: ‘છૂટાછેડા લીધા પછી મને પૈસાની બહુ જ તંગી પડી. અમુક વાર સાંજના ભોજન માટે પણ પૂરતા પૈસા ન હતા. બસ દૂધના ગ્લાસથી ચલાવી લેતી.’

સ્પેનમાં રહેતી મારિયાને પણ કંઈક એવો જ અનુભવ થયો. તે કહે છે: ‘મેં ડિવૉર્સ લઈ લીધા છે. મારો પહેલાનો પતિ મને ખાધા-ખોરાકી આપતો નથી. ઉલટું, મારે સખત કામ કરીને તેનું દેવું ભરવું પડે છે. પહેલાં મારું સરસ મજાનું ઘર હતું, પણ એ વેચીને એક ખતરનાક વિસ્તારમાં રહેવા જવું પડ્યું છે.’

આ અનુભવો બતાવે છે કે જે સ્ત્રીઓ છૂટાછેડા લે છે, તેઓને પૈસાની તંગી વેઠવી પડે છે. યુરોપમાં આ વિષે સાત વર્ષ માટે એક મોટો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જોવા મળ્યું કે છૂટાછેડા લીધા પછી, પુરુષોની કમાણી ૧૧ ટકા વધી જ્યારે કે સ્ત્રીઓની કમાણી ૧૭ ટકા ઘટી. આ સર્વેના આગેવાન મિકા યાનસ્ન કહે છે: ‘ડિવૉર્સ પછી અમુક સ્ત્રીઓનું જીવન બહુ મુશ્કેલ બની જાય છે. તેઓએ બાળકોની સંભાળ રાખવી પડે છે અને નોકરી પણ કરવી પડે છે. સાથે સાથે ડિવૉર્સથી થતા મન-દુઃખનો પણ સામનો કરવો પડે છે.’ આ કારણોને લીધે લંડનના એક છાપાએ અમુક વકીલોનું નિવેદન જણાવ્યું હતું કે અનેક લોકો હવે ‘છૂટાછેડા લેતા પહેલા બે વાર વિચાર કરે છે.’—ડેઈલી ટેલિગ્રાફ.

પરિણામ શું આવી શકે: જો તમે છૂટાછેડા લો, તો કદાચ તમારી આવકમાં ઘટાડો થાય. કદાચ તમારે બીજે ક્યાંક રહેવા જવું પડે. જો બાળકોની જવાબદારી તમારા માથે આવે તો પોતાની અને બાળકોની સંભાળ રાખવી બહુ અઘરું લાગી શકે.—૧ તીમોથી ૫:૮.

તમને મા અને બાપ બંનેની જવાબદારી નિભાવવી પડે છે

બ્રિટનની જેઇન નામની સ્ત્રી કહે છે: ‘મને ખબર પડી કે મારો પતિ બેવફા છે ત્યારે મને બહુ મોટો આંચકો લાગ્યો. જ્યારે તે અમને છોડીને ચાલ્યો ગયો ત્યારે હું સાવ ભાગી પડી.’ જેઇન તેના પતિથી છૂટી થઈ ગઈ. તેને લાગ્યું કે તેણે ખરો નિર્ણય લીધો. પણ તે કબૂલે છે: ‘ડિવૉર્સ પછી બધી જવાબદારી મારે ઉપાડવી પડી. બધા નિર્ણય હવે મારે લેવા પડતા.’

સ્પેનની ગ્રાસેલા નામની બહેનને પણ એવું જ અનુભવ્યું. તે કહે છે: ‘મારા ૧૬ વર્ષના દીકરાનો હક્ક મને મળ્યો હતો. પણ એકલા હાથે તેનો ઉછેર કરવો બહુ અઘરું હતું. એ જવાબદારી માટે હું તૈયાર જ ન હતી. ઘણી વખત હું રડી પડતી. મને થતું કે હું બહુ ખરાબ મા છું.’

અમુક કિસ્સામાં છૂટાછેડા પછી બાળકોની સંભાળ રાખવાનો હક્ક મા અને બાપ બંનેને મળતો હોય છે. આવા સમયે બીજી મુશ્કેલીઓ પણ આવી શકે. તમારે પહેલાના સાથી જોડે ઘડી ઘડી અનેક બાબતો વિષે ચર્ચા કરવી પડે. જેમ કે ક્યારે બાળકને લેવા આવશે, ક્યારે પાછો મૂકી જશે. બાળકના ઉછેર માટે કેટલા પૈસા આપશે. બાળકને કેવી શિસ્ત આપશે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં રહેતી ક્રિસ્ટિન નામની માતા કહે છે: ‘બાળકના પિતા સાથે હળવું-મળવું ખૂબ અઘરું છે. દિલમાં અનેક લાગણીઓ ઉશ્કેરાતી હોય છે. જો ખ્યાલ નહિ રાખો, તો તમે બાળકને એક કઠપૂતળી બનાવી શકો જેના દ્વારા તમે લુચ્ચાઈ પણ કરો.’

પરિણામ શું આવી શકે: બાળકોની સંભાળ રાખવા માટે અદાલત જે નક્કી કરે, એ કદાચ તમને ન ફાવે. બાળકની સંભાળ મા કે પિતા સાથે વહેંચવી પડે, તો એવું બની શકે કે સામેવાળી વ્યક્તિ બહુ સહકાર ન આપે. આના લીધે બાળકોને લેવા-મૂકવામાં, પૈસેટકે અને શિસ્ત આપવામાં કે કોઈ પણ બીજી બાબતમાં ઝગડા થઈ શકે.

છૂટાછેડા લેવાથી તમારા પર થતી અસર

બ્રિટનમાં રહેતા માર્કની પત્નીએ બે વાર બેવફાઈ કરી. માર્ક કહે છે: ‘તેણે બીજી વાર બેવફાઈ કરી ત્યારે મેં વિચાર્યું કે જો આવું ત્રીજી વખત થશે, તો હું એનું દુઃખ સહન નહિ કરી શકું.’ એટલે તેણે ડિવૉર્સ લીધા, છતાં તેને ભૂલી ના શક્યો. તે કહે છે: ‘લોકો વિચારે છે કે જો તેની પહેલાની પત્ની વિષે કંઈક ખરાબ કહીશું તો એનાથી મને દિલાસો મળશે. પણ એ સાંભળીને મને કંઈ મદદ મળતી નથી. હજુ પણ મારા દિલમાં તેના માટેનો પ્રેમ અકબંધ છે.’

ડેવિડ પણ એ સાથે સહમત થાય છે. જ્યારે તેને ખબર પડી કે તેની પત્ની બીજા કોઈના પ્રેમમાં છે, ત્યારે તેણે કહ્યું: ‘મેં એ વિષે સાંભળ્યું ત્યારે હું માની જ ન શક્યો. મારું સપનું તો હંમેશાં પત્ની અને બાળકો સાથે જ રહેવાનું હતું.’ જોકે ડેવિડે છૂટાછેડા લીધા પણ તે હજુ ભાવિ વિષે બહુ જ ચિંતા કરે છે. તે કહે છે: ‘મને શંકા છે કે બીજી કોઈ સ્ત્રી ખરેખર મને પ્રેમ કરી શકે? જો કદાચ તે કરે અને અમે લગ્‍ન કરીએ, તો પણ શું આવું ફરી નહિ થાય એની કોઈ ગૅરંટી ખરી? સ્ત્રીઓ પરથી મારો ભરોસો ઊઠી ગયો છે.’

જો તમે છૂટાછેડા લીધા હોય, તો અનેક જાતની લાગણીઓ તમારા મનમાં ઊઠતી હશે. કદાચ હજી તમે તમારા પહેલાના જીવનસાથીને ખૂબ ચાહો છો. (ઉત્પત્તિ ૨:૨૪) પણ બીજી બાજુ, કદાચ તમને તેના પ્રત્યે ગુસ્સો આવતો હોય. ગ્રાસેલા કહે છે: ‘છૂટાછેડાના વર્ષો બાદ પણ હું શરમ અને મૂંઝવણ અનુભવું છું. જાણે એવું લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા હોય. લગ્‍નજીવનની અનેક મીઠી યાદો મનમાં આવે ત્યારે વિચારું છું કે પહેલાં તે કહેતો કે “તારા વગર હું જીવી નહીં શકું.” પણ . . . શું તે ફક્ત મીઠી મીઠી વાતો કરતો હતો? જે થયું છે એ હું માની જ શકતી નથી.’

પરિણામ શું આવી શકે: કદાચ પહેલાના જીવનસાથીના અન્યાયને લીધે એના પર બહુ ગુસ્સો આવી શકે. અમુક વાર તમને એટલું સૂનું-સૂનું લાગે કે વાત ન પૂછો.—નીતિવચનો ૧૪:૨૯; ૧૮:૧.

છૂટાછેડા લેવાથી બાળકો પર થતી અસર

સ્પેનમાં હોઝે નામના પુરુષે છૂટાછેડા લીધા છે. તે કહે છે: ‘જ્યારે મને ખબર પડી કે મારી પત્ની વ્યભિચાર કરતી હતી ત્યારે મારા દિલના ટુકડે ટુકડા થઈ ગયા. મને જાણ થઈ કે એ મારો બનેવી હતો ત્યારે મારા દુઃખનો પાર ના રહ્યો! મારે બસ મરવું જ હતું.’ હોઝેના બે અને ચાર વર્ષના બાળકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે કહે છે ‘બાળકો સમજી જ ન શક્યા કે કેમ મમ્મી તેઓના ફૂવા સાથે રહેવા ગઈ. કેમ અમે તેઓના ફોઈ અને દાદી સાથે રહેવા ગયા. હું કોઈ પણ કારણે ઘરમાંથી બહાર નીકળવા જતો ત્યારે તેઓ પૂછતા, “પપ્પા તમે ક્યારે પાછા આવશો?” અથવા કહેતા કે “પપ્પા, અમને છોડીને ન જાવ!”’

છૂટાછેડા લેવા માગતા યુગલો જાણે જંગના મેદાનમાં હોય છે. પણ ઘણી વખત તેઓ ભૂલી જાય છે કે આ જંગની અસર નિર્દોષ બાળકો પર પડે છે. પણ જો પતિ-પત્ની હળી-મળીને રહી શકતા ન હોય તો શું કરવું જોઈએ? શું એમ માની લેવું જોઈએ કે ‘બાળકોના ભલા માટે’ છૂટાછેડા લેવા સારું છે? ઘણા લોકો એ વિચાર સાથે સહમત નથી, ખાસ કરીને જ્યારે અમુક યુગલોની મુશ્કેલીઓ એટલી ગંભીર ન હોય. છૂટાછેડાથી આવતી અણધારી તકલીફો (અંગ્રેજી) પુસ્તકમાં એક લેખકે કહ્યું: ‘ભલે ઘણા માબાપના લગ્‍નજીવનમાં કોઈ ખુશી નથી, તેઓના બાળકો અમુક હદ સુધી ખુશ છે. મમ્મી–પપ્પા અલગ રૂમમાં સૂઈ રહે છે એની પણ બાળકોને ફિકર નથી. તેઓ તો બસ એ જ ચાહે છે કે કુટુંબ સાથે રહે.’

જ્યારે માબાપ વચ્ચે તણાવ હોય કે ઝઘડતા હોય એની બાળકોને ખબર પડતી હોય છે. આવું વાતાવરણ તેઓના દિલોદિમાગ પર અસર કરી શકે છે. પણ જો માબાપ એમ માને કે ‘બાળકોના ભલા માટે છૂટાછેડા લેવા સારું,’ તો તેઓ ખોટું વિચારે છે. લગ્‍નજીવન ટકાવવાના ફાયદા (અંગ્રેજી) પુસ્તકના લેખકો લિંડા જે. વેઇટ અને મેગ્ગી ગાલાહરના કહ્યા મુજબ: ‘ભલે યુગલ વચ્ચે થોડી થોડી તકરાર થતી હોય, તોપણ સાથે રહેવાથી તેઓ બાળકોને સારી શિસ્ત આપી શકે છે. બાળકોનો સારો ઉછેર કરી શકે છે.’

પરિણામ શું આવી શકે: છૂટાછેડા લેવાથી બાળકો પર બહુ ખરાબ અસર થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે બાળકોને મા કે બાપ સાથે નાતો ટાળવા કોશિશ કરો.—“વચમાં ફસાઈ ગઈ છું!” બૉક્સ જુઓ.

જો તમે છૂટાછેડા લેવાનું વિચારતા હોવ, તો આ ચાર મહત્ત્વની બાબત પર વિચાર કરવો બહુ જરૂરી છે. આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, જો તમારા જીવનસાથી બેવફાઈ કરે તો તેની સાથે રહેવું કે નહિ એ તમારી મરજી છે. તમે ગમે તે નિર્ણય લો, એનાથી આવતા પરિણામો વિષે જરૂર વિચારજો. પહેલેથી વિચારો કે તમારા પર કેવી મુશ્કેલીઓ આવી શકે. પછી એનો સામનો કરવા તૈયાર રહો.

આ બાબતો પર મનન કર્યા પછી કદાચ તમને લાગી શકે કે છૂટાછેડા લેવા કરતાં લગ્‍નજીવનમાં સુધારો કરવો વધારે સારું છે. એ માટે શું કરી શકાય? (g10-E 02)

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં નામ બદલ્યાં છે.

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

સર્વ બાળકનો હક્ક

‘હું પાંચ વર્ષની હતી ત્યારે પપ્પાએ સાથે જૉબ કરતી એક સેક્રેટરી સાથે વ્યભિચાર કર્યો. એ પછી મમ્મી-પપ્પાના ડિવૉર્સ થઈ ગયા. એ સમયની બાળઉછેરની સલાહ મુજબ તેઓએ મને મોટી કરી. ભલે મમ્મી-પપ્પા એકબીજાને ચાહતા ન હતા, તેઓએ મને ખાતરી આપી કે તેઓ મને ખૂબ ચાહે છે. પપ્પા શહેરની બીજી બાજુ રહેવા ગયા ત્યારે પણ તેમણે અને મમ્મીએ મારી સંભાળ રાખી.

‘ડિવૉર્સના બે વર્ષ પછી મમ્મીએ ફરી લગ્‍ન કર્યા અને અમે શહેરથી દૂર બીજે રહેવા ગયા. એ પછી, હું બે-ત્રણ વર્ષમાં માંડ એક વાર પપ્પાને મળી શકતી. હવે હું મોટી થઈ ગઈ છું. છેલ્લાં નવેક વર્ષમાં હું તેમને ફક્ત એક જ વખત મળી છું. હું મોટી થતી હતી એ વર્ષો તે સાવ ચૂકી ગયા. આજે મારે ત્રણ બાળકો છે. પણ દુઃખની વાત છે કે મારા બાળકો તેઓના દાદાને કદી મળ્યા નથી. પપ્પા ફક્ત મારા પત્રો અને ફોટા જોઈને જ તેઓને ઓળખે છે.

‘હું નાની હતી ત્યારે મારા મમ્મી-પપ્પાએ ડિવૉર્સ લીધા હતો. એના લીધે મારા દિલ પર ઊંડો ઘા પડ્યો. કોઈ કોઈ વાર હું બહુ જ ગુસ્સે થઈ જતી. બહુ જ ડિપ્રેશ થઈ જતી અને લાગતું કે મારું કોઈ નથી. મને ખબર ન પડતી કે મને કેમ ઘડી ઘડી આવું થાય છે. પુરુષો પર મને જરાય ભરોસો રહ્યો ન હતો. હું આશરે ૩૫ વર્ષની થઈ ત્યારે મારી એક બહેનપણીએ મને આ બધી લાગણીઓનું મૂળ પારખવા મદદ કરી. ત્યાર પછી મેં એ લાગણીઓને દૂર કરવા સખત પ્રયત્ન કર્યો.

‘માબાપ પાસેથી હૂંફ, સલામતી અને રક્ષણ મેળવવાનો દરેક બાળકનો હક્ક છે. મમ્મી-પપ્પાએ છૂટાછેડા લીધા ત્યારે મારો એ હક્ક છીનવાઈ ગયો. કુટુંબ જાણે એક આશરો છે જેની અંદર બાળકોને પ્રેમ અને દિલાસો મળે. જો કુટુંબ વિખેરાઈ જાય તો એ આશરો નકામો છે.’—ડાયના.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

‘વચમાં ફસાઈ ગઈ છું!’

‘હું બાર વર્ષની હતી ત્યારે મારા માબાપે છૂટાછેડા લઈ લીધા. હવે તેઓના ઝઘડા બંધ થઈ ગયા. ઘરમાં ઘણી શાંતિ થઈ. તેમ છતાં, હું સાવ મૂંઝાઈ ગઈ.

‘હું બંને સાથે સારો વહેવાર રાખવા ચાહતી હતી. મેં ઘણી કોશિશ કરી કે કોઈનો પક્ષ ન લઉં, પણ મને લાગતું કે હું જાણે તેઓની વચમાં ફસાઈ ગઈ છું. પપ્પા મને કહેતા કે “તારી મા તને મારાથી દૂર રાખવા માંગે છે.” મારે પપ્પાને વારંવાર ખાતરી આપવી પડતી કે “એવું કંઈ નથી.” બીજી બાજુ મમ્મી પણ બહુ ચિંતા કરતી. તે મને કહેતી “મને ડર લાગે છે કે તારા પપ્પા મારા વિષે જે ખોટું-ખોટું બોલે છે, એ બધું તું માની લઈશ.” મને થતું કે મારી લાગણીઓ કોની આગળ ઠાલવું? પપ્પા કે મમ્મીની સામે? તેઓ પોતે તો દુઃખી છે, અને હું કંઈ કહીશ તો તેઓને વધુ ઘા લાગશે. એટલે બાર વર્ષની હતી છતાં મેં મારી લાગણીઓ દબાવી દીધી.’—સાન્ડ્રા.