સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના મિત્ર બનવામાં કદી મોડું થતું નથી

ઈશ્વરના મિત્ર બનવામાં કદી મોડું થતું નથી

ઈશ્વરના મિત્ર બનવામાં કદી મોડું થતું નથી

ઑલવી જૅ. માટિલાનો અનુભવ

“શું તમે કદી વિચાર્યું છે કે આપણે સાચે જ સર્જનહારને ઓળખી શકીએ છીએ?” યહોવાના એક સાક્ષીએ મને એ સવાલ પૂછીને વિચારતો કરી દીધો. એ સમયે હું એંશી વટાવી ગયો હતો. ઘણા રાજકીય આગેવાનો અને નેતાઓને સારી રીતે ઓળખતો હતો. તોપણ મને થયું કે શું જીવનના આ તબક્કે ઈશ્વરને ઓળખીને તેમના મિત્ર બની શકાય?

મારો જન્મ ઑક્ટોબર ૧૯૧૮માં ફિનલૅન્ડના હ્યુવિનકા ગામમાં થયો હતો. નાનપણથી હું વાડીમાં અનેક કામ કરતાં શીખ્યો હતો. ઢોર, ઘોડા, મરઘા અને બતક અમારું કુટુંબ ઉછેરતું. હું જાત મહેનત કરતાં શીખ્યો અને મારા કામમાં ખૂબ મજા આવતી હોવાથી મને એનો ગર્વ હતો.

હું મોટો થયો તેમ માબાપે મને આગળ ભણવાનું ઉત્તેજન આપ્યું. સ્કૂલ પછી કૉલેજમાં જવા મેં ઘર છોડ્યું. કૉલેજની ઍથ્લેટિક્સમાં ભાગ લેવા મંડ્યો. આમ હું ફિન્‍નિશ ઍથ્લેટિક્સ ઍસોસિયેશનના ચૅરમૅન ઉર્હો કેકનનને મળ્યો. એ સમયે હું જાણતો ન હતો કે સમય જતાં શ્રીમાન કેકનન, ફિનલૅન્ડના વડાપ્રધાન અને પછીથી રાષ્ટ્રપતિ બનશે. તે ત્રીસેક વર્ષ સુધી એ હોદ્દા પર હતા. અરે, મેં વિચાર્યું પણ ન હતું કે તેમનો મારા જીવન પર પ્રભાવ પડશે.

અધિકાર અને સત્તાવાળું જીવન

૧૯૩૯માં ફિનલૅન્ડ અને સોવિયેટ યુનિયન વચ્ચે લડાઈ ફાટી નીકળી. એ વર્ષે નવેમ્બરમાં દેશના નિયમ પ્રમાણે ફોજમાં જોડાવવા મને બોલાવવામાં આવ્યો. શરૂઆતમાં હું પાર્ટ ટાઇમ સૈનિકોને ટ્રેનિંગ આપતો. સમય જતાં મશીનગનની ટુકડીનો કમાન્ડર બન્યો. ફિનલૅન્ડ અને સોવિયેટ યુનિયનની સરહદ વચ્ચેના કરીલ્યા ગામમાં લડાઈ ચાલતી હતી. ૧૯૪૧ના ઉનાળામાં હું વીબૉર્ગમાં યુદ્ધમાં હતો ત્યારે, બૉમ્બ ફાટવાથી ઘાયલ થઈ ગયો. એટલે મને મિલિટરી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઇજાને કારણે હું પાછો યુદ્ધમાં ન જઈ શક્યો.

૧૯૪૪ના સપ્ટેમ્બરમાં મને ફોજમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યો. એટલે મેં પાછી કૉલેજ શરૂ કરી અને ઍથ્લેટિક્સમાં ભાગ લેવા માંડ્યો. બે વાર રિલે દોડમાં અને એક વાર હડલ દોડની રેસમાં જીત્યો. તેમ જ મેં ટૅક્નોલૉજી અને ઇકોનૉમિક્સમાં ડિગ્રી મેળવી.

સમય જતા, ઉર્હો કેકનનને રાજનીતિમાં સત્તા મેળવી. તે વડાપ્રધાન બન્યા એ દરમિયાન ૧૯૫૨માં તેમણે મને ચીનમાં રાજદૂત તરીકે મોકલ્યો. ત્યાં હું અનેક સરકારી અધિકારીઓને મળ્યો. એમાંના એક ચીનના રાજનેતા, માઓ ત્સે-તુંગ હતા. એ ઉપરાંત સૌથી મહત્ત્વની વ્યક્તિને હું ચીનમાં મળ્યો. એ રૂપાળી કન્યા અનેકી હતી. તે ફિનલૅન્ડના વિદેશી મંત્રાલયમાં કામ કરતી હતી. ૧૯૫૬, નવેમ્બરમાં અમે લગ્‍ન કર્યા.

એ પછીના વર્ષે મારી બદલી આર્જેન્ટિનામાં આવેલી ફિન્‍નિશ ઍમ્બસીમાં થઈ. અમે ત્યાં રહેતા હતા એ દરમિયાન અમારા બે દીકરાનો જન્મ થયો. ૧૯૬૦ જાન્યુઆરીમાં અમે પાછા ફિનલૅન્ડ ગયા. એના થોડા સમય પછી દીકરીનો જન્મ થયો.

સરકારમાં ઊંચા ઊંચા હોદ્દાઓ પર

હું કદી રાજનીતિમાં જોડાયો ન હતો. પણ ૧૯૬૩ના નવેમ્બરમાં વડાપ્રધાન કેકનનને મને વિદેશી વેપારનો મંત્રી બનાવ્યો. પછીના ૧૨ વર્ષમાં ૬ વાર કૅબિનેટ પોસ્ટની જવાબદારી ઉપાડી અને બે વાર વિદેશી બાબતોનો મંત્રી બન્યો. એ દિવસોમાં હું દિલથી માનતો હતો કે મનુષ્યોની આવડતથી દુનિયાની મુશ્કેલીઓ નાબૂદ થઈ શકે છે. પરંતુ થોડા જ સમયમાં મને સમજાયું કે મનુષ્ય સત્તાનો ભૂખ્યો છે. ઈર્ષા અને અવિશ્વાસના કેવા ખરાબ પરિણામ આવે છે એ મેં મારી નજરે જોયું.—સભાશિક્ષક ૮:૯.

જોકે એ પણ જોયું કે ઘણા લોકો દિલથી સુધારો લાવવા ચાહે છે. પણ આખરે તો સારા ઇરાદા વાળા નેતાઓ પણ પોતાનો મકસદ પૂરો કરી શકતા નથી.

૧૯૭૫ના ઉનાળામાં ૩૫ દેશના વડાપ્રધાન શાંતિ અને સલામતીની કૉન્ફરન્સ માટે યુરોપના હીલેસીન્કી શહેરમાં આવ્યા હતા. એ સમયે હું વિદેશી બાબતોનો મંત્રી હતો અને વડાપ્રધાન કેકનનનો ખાસ સલાહકાર હતો. એટલે કૉન્ફરન્સની ગોઠવણ કરવાનું કામ મને સોંપ્યું હતું. હું એમાં આવેલા બધા વડાપ્રધાનોને મળ્યો.

એ સમયમાં મારી કળાની અગ્‍નિ પરીક્ષા થઈ. એ વડાપ્રધાનોને તેઓની નક્કી કરેલી જગ્યાએ બેસાડવા જ મારે માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું! તેમ છતાં, મને લાગે છે કે એ કૉન્ફરન્સ, તેમ જ એના પછી રાખેલી અનેક મિટિંગને લીધે માનવ હક્ક અને મોટા મોટા દેશ વચ્ચે સહનશક્તિ રાખવામાં ઘણો સુધારો થયો છે.

મારામાં ઈશ્વરને ભજવાની જાગૃતિ આવી

૧૯૮૩માં નિવૃત્ત થયા પછી અમે ફ્રાંસ રહેવા ગયા, જ્યાં મારી દીકરી રહેતી હતી. પછી મોટી આફત આવી પડી. ૧૯૯૪ના નવેમ્બરમાં ખબર પડી કે મારી પત્ની, અનેકીને સ્તન કૅન્સર છે. એ જ વર્ષે ઇન્વેસ્ટમૅન્ટ પ્લાનમાં હું છેતરાઈ ગયો. મેં સારુ નામ કમાવવા આખી જિંદગી મહેનત કરી હતી. પણ એ ભૂલને લીધે મારી શાખ પર પાણી ફરી વળ્યું.

જીવનમાં ઘણી વાર યહોવાના સાક્ષીઓ સાથે મારો ભેટો થયો હતો. તેઓ આવીને મૅગેઝિનો આપતા એની હું કદર કરતો. પણ મારા કામને લીધે ધાર્મિક બાબતો માટે મારી પાસે સમય ન હતો. ૨૦૦૦ની સાલમાં મારી પત્ની અનેકી હજી કૅન્સર સામે લડી રહી હતી. હું તેની સંભાળ રાખતો હતો. ૨૦૦૨ સપ્ટેમ્બરના એક દિવસે યહોવાના સાક્ષીએ મારી મુલાકાત લીધી. આ લેખની શરૂઆતમાં જણાવેલો પ્રશ્ન તેણે મને પૂછ્યો. હું વિચારવા લાગ્યો, ‘શું ઈશ્વરને સાચે જ ઓળખી શકાય? શું તેમના મિત્ર બની શકાય?’ મેં વર્ષોથી બાઇબલ વાંચ્યું ન હતું. પણ હવે હું વાંચવા લાગ્યો અને યહોવાના સાક્ષીઓ સાથે નિયમિત એમાંથી ચર્ચા કરવા લાગ્યો.

જૂન, ૨૦૦૪માં અનેકી ગુજરી ગઈ અને હું એકલો પડી ગયો. આ દુઃખના સમયમાં મારા બાળકોએ મને ખૂબ ટેકો આપ્યો. તોપણ મને અનેક સવાલો હતા. જેમ કે, મરી ગયા પછી શું થાય છે? મેં લ્યૂથરનના બે પાદરીઓને એના વિષે પૂછ્યું. તેઓએ કહ્યું, “આ તો બહુ જ અઘરા સવાલો છે” તેઓના જવાબથી મને જરાય સંતોષ ન થયો. એનાથી મને ઈશ્વરને ઓળખવાની વધારે તરસ જાગી.

યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખતો ગયો તેમ જે જ્ઞાનની તરસ હતી એ છીપાતી ગઈ. દાખલા તરીકે, બાઇબલ મરણને ઊંઘ સાથે સરખાવે છે. તેમ જ, ગુજરી ગએલાને સજીવન કરવામાં આવશે અને તેઓ ધરતી પર કાયમ જીવશે એવી સુંદર આશા આપે છે. (યોહાન ૧૧:૨૫) એનાથી મને ખૂબ દિલાસો મળ્યો.

પછી થોડા સમયમાં મેં આખું બાઇબલ વાંચી કાઢ્યું. મીખાહ ૬:૮થી હું બહુ પ્રભાવિત થયો, જે કહે છે: ‘ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા યહોવા સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય તે તારી પાસે બીજું શું માગે છે?’ આ સાદો વિચાર એટલો જોરદાર હતો કે એ તરત જ મારા દિલમાં ઊતરી ગયો. બાઇબલમાંથી મને એ પણ જાણવા મળ્યું કે યહોવા ઈશ્વર તો ન્યાય અને પ્રેમના સાગર છે.

મને સુંદર ભાવિની આશા મળી

યહોવા વિષે હું શીખતો ગયો તેમ તેમના પર મારી શ્રદ્ધા વધતી ગઈ. તેમની સાથે સાચે જ મારો નાતો બંધાઈ રહ્યો હતો! યશાયા ૫૫:૧૧ના શબ્દોએ મારું દિલ જીતી લીધું હતું. એમાં યહોવા કહે છે: “મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.” યહોવાએ સાચે જ પોતાનું વચન નિભાવ્યું છે અને ભાવિમાં પણ તે જરૂર નિભાવશે. માનવ સરકારો જે સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા છે એ યહોવા સિદ્ધ કરી બતાવશે. દાખલા તરીકે ગીતશાસ્ત્ર ૪૬:૯ કહે છે કે ‘યહોવા પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.’

યહોવાના સાક્ષીઓની સભામાં જવાથી મને ખૂબ જ લાભ થયો છે. ઈસુએ પોતાના શિષ્યો સાથે જે પ્રેમ વિષે વાત કરી હતી એ મેં મારી નજરે તેઓના મંડળમાં જોયો છે. (યોહાન ૧૩:૩૫) આવો પ્રેમ રાષ્ટ્રવાદથી અતિ ઘણો ચઢિયાતો છે. એવા પ્રેમ વિષે રાજકારણ અને વેપાર જગતમાં ક્યારેય સાંભળવા નથી મળ્યું.

અમૂલ્ય લહાવો

હું હમણાં ૯૦ વર્ષ પાર કરી ચૂક્યો છું. યહોવાનો સાક્ષી બની શક્યો એને અમૂલ્ય લહાવો ગણું છું. ઈશ્વરના જ્ઞાનની મારી તરસ છીપાઈ છે. ઈશ્વરને ઓળખવાનો, તેમનો હેતુ અને સત્ય જાણવાનો મને સુંદર મોકો મળ્યો છે.

હું ઘણા મહાન નેતાઓને મળ્યો છું અને મેં ભારે જવાબદારીઓ ઉપાડી છે. પણ એ કંઈ જ નથી. જ્યારે કે યહોવા ઈશ્વરને ઓળખવા અને તેમના મિત્ર બનવું એ હજાર દરજ્જે સારું છે. આ ઉંમરે પણ સભા અને પ્રચારમાં જઈ શકું છું માટે ખૂબ આનંદિત છું. “ઈશ્વરના સેવક” બનવાનો જે મોકો મળ્યો છે એનો હું આભારી છું. એટલે હું તેમના ગુણ ગાતો રહીશ. (૧ કોરીંથી ૩:૯) સાચે જ, આપણા સર્જનહાર યહોવા ઈશ્વરના મિત્ર બનવામાં કદી મોડું થતું નથી! (g12-E 01)

[પાન ૨૧ પર ચિત્ર]

૧૯૭૫માં હીલેસીન્કી કૉન્ફરન્સમાં વડાપ્રધાન કેકનન અને અમેરિકાના વડાપ્રધાન ફોર્ડ સાથે

[પાન ૨૧ પર ચિત્ર]

વડાપ્રધાન કેકનન અને સોવિયેટના નેતા બ્રેઝનેવ સાથે

[પાન ૨૨ પર ચિત્ર]

હું પ્રચારકાર્યમાં ભાગ લઉં છું

[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

નીચે ડાબી બાજુ: Ensio Ilmonen/Lehtikuva; નીચે જમણી બાજું: Esa Pyysalo/Lehtikuva