આનો રચનાર કોણ?
એમ્પરર પેંગ્વિનનાં પીંછાં
એમ્પરર પેંગ્વિન ખૂબ ઝડપથી પાણીમાં તરી શકે છે અને બરફના ખડકો પર કૂદી શકે છે. કઈ રીતે?
જાણવા જેવું: એ પોતાનાં પીંછાંમાં હવા ભરે છે. એનાથી એને કાતિલ ઠંડી સામે રક્ષણ મળે છે. તેમ જ, એ સામાન્ય કરતાં બે-ત્રણ ગણી ઝડપથી તરી શકે છે. કઈ રીતે? દરિયાઈ જીવવૈજ્ઞાનિકો સૂચવે છે કે પેંગ્વિન પોતાનાં પીંછાંમાંથી નાનાં પરપોટા બહાર કાઢે છે. જેમ જેમ પરપોટા નીકળે છે એમ પીંછાંની સપાટી પર ઘસારો ઓછો લાગે છે. એનાથી એની ઝડપ વધે છે.
રસપ્રદપણે, એન્જિનિયરો સંશોધન કરી રહ્યાં છે કે, ઘસારો ઘટાડવાની એ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કઈ રીતે વહાણની ઝડપ વધારી શકાય. સંશોધકો એ પણ સ્વીકારે છે કે એના વિશે વધારે શોધખોળ કરવી એટલી સહેલી નથી. કેમ કે, ‘પેંગ્વિનનાં પીંછાંની રચના જટિલ છે અને વહાણના પડને એના જેવું જ છિદ્રાળુ બનાવવું ખૂબ અઘરું છે.’
વિચારવા જેવું: એમ્પરર પેંગ્વિનનાં પીંછાં શું પોતાની મેળે આવ્યાં કે પછી એનો કોઈ રચનાર છે?