આનો રચનાર કોણ?
ઊંચે ઊડતા પક્ષીઓની ઉપર વળતી પાંખો
એ ક વિમાન ઊડવાનું શરૂ કરે ત્યારે, એના પાંખની ટોચ પાસે તરત જ હવાના વમળો ઊભા થાય છે. એનાથી વિમાનને એટલો જોરથી ધક્કો વાગે છે કે, એનું બળતણ વધારે વપરાય છે. આ વમળોથી કદાચ એના પછી આવનારા વિમાનોને પણ ધક્કો વાગે છે. તેથી, એક જ રન-વે પરથી વિમાનો ઊડતા હોય તો, એક વિમાન ઊડે એના થોડા સમય પછી બીજું વિમાન ઊડે છે, જેથી હવાના વમળો જતા રહે.
એ મુશ્કેલીઓનો ઉપાય વિમાન બનાવતા એન્જિનિયરોએ શોધી કાઢ્યો છે. એ ઉપાય કયો છે? તેઓએ વિમાનની પાંખની ટોચ વળેલી બનાવી છે. એ બનાવવાની પ્રેરણા તેઓને ગીધ, ગરુડ અને બગલા જેવા ઊંચે ઊડતા પક્ષીઓની પાંખની વળતી ટોચ પરથી મળી.
જાણવા જેવું: ઊડતી વખતે, મોટા પક્ષીઓની પાંખની ટોચના પીંછા એટલી હદ સુધી વળે છે કે, એ ઊભી દિશામાં આવી જાય છે. આવા આકારના કારણે પાંખોની લંબાઈ ઓછી હોવા છતાં તેઓ વધારે ઊંચું અને સારી રીતે ઊડી શકે છે. એ જ આકારમાં એન્જિનિયરોએ વિમાનની પાંખો બનાવી. પછી, તેઓએ પવનના જુદા જુદા વેગમાં વિમાનની ચકાસણી કરી. એમાં તેઓને જોવા મળ્યું કે, વિમાનની પાંખમાં સુધારો કરવાથી અને પાંખોની ટોચ હવાની દિશામાં સીધી રહે એ રીતે વાળવાથી વિમાન સારી રીતે ઊડે છે. આજે એમ કરવાથી વિમાન ૧૦ ટકા કે એનાથી પણ વધુ સારી રીતે ઊડી શકે છે. એનું શું કારણ? આવી પાંખના કારણે હવામાં વમળો ઓછા થાય છે, જેનાથી વિમાનને દબાણ ઓછું લાગે છે. ઍન્સાઇક્લોપીડિયા ઑફ ફ્લાઇટ પુસ્તક જણાવે છે કે, આ પાંખની ટોચને લીધે વિમાન સામે જોરથી ધક્કો મારે છે અને “વિમાનને લાગતા અમુક ધક્કાને અટકાવી દે છે.”
વિમાનની પાંખની ટોચને કારણે એ દૂર સુધી ઊડી શકે છે અને વધારે ભાર ઊંચકી શકે છે. તેમ જ, ટૂંકી પાંખ હોવાને લીધે પાર્કિંગની જગ્યા અને બળતણ ઓછું વપરાય છે. દાખલા તરીકે, ૨૦૧૦માં વિમાની સેવામાં “દુનિયાભરમાં ૭૬૦ કરોડ લિટર બળતણની બચત થઈ” અને વિમાનને લીધે થતા પ્રદુષણમાં ખાસો ઘટાડો થયો, એવું નાસાના એક ન્યૂઝ જણાવે છે.
વિચારવા જેવું: શું પાંખની વળતી ટોચ પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g૧૫-E ૦૨)