કુટુંબ માટે મદદ | યુવાનો
એકલતાનો સામનો કઈ રીતે કરવો?
મુશ્કેલી
‘મારી બે ફ્રેન્ડ હતી. તેઓ કાયમ સાથે જ રહેતી. પણ, હું એકલી પડી જતી. તેઓ જે મજા કરતા એ વિશે મને હંમેશાં કહેતા. એક દિવસે, મારી એક ફ્રેન્ડ બીજી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. મેં એ ઘરે ફોન કર્યો ત્યારે, બીજા કોઈએ ફોન ઉપાડ્યો. તે બંનેની મજાક-મસ્તી મને સંભળાતી હતી. દર વખતે મારી જોડે આવું જ થતું. એમ પણ હું એકલી હતી અને તેઓની વાતો સાંભળીને મને વધારે એકલું લાગતું.’—મારિયા. *
શું તમે એવી એકલતાનો અનુભવ કરો છો? જો એમ હોય, તો બાઇબલમાં આપેલી સલાહ તમને મદદ કરશે. પહેલા, એકલતા વિશે અમુક બાબતો જાણીએ.
તમારે શું જાણવું જોઈએ?
દરેક વ્યક્તિ કોઈક સમયે એકલતા અનુભવે છે. બહુ જાણીતી વ્યક્તિઓ પણ એકલતા અનુભવે છે. શા માટે? કેમ કે, એકલતાનો આધાર આપણા કેટલા દોસ્તો છે એના પર નહિ પણ, કેવા દોસ્તો છે એના પર છે. એક જાણીતી વ્યક્તિ ઘણા લોકોથી ઘેરાયેલી હોય શકે. પરંતુ, બની શકે કે સાચો દોસ્ત ન હોવાને લીધે તે એકલતાનો અનુભવ કરે છે.
તમારી તંદુરસ્તીને નુકસાન કરી શકે. સંશોધકોએ જુદા જુદા ૧૪૮ અભ્યાસ કર્યા છે. એમાંથી તેઓને જોવા મળ્યું કે, બહુ ઓછું હળતી-મળતી વ્યક્તિનું વહેલું મોત થઈ શકે. એનું જોખમ ‘શરીરના મોટાપા કરતાં બમણું’ અને ‘એક દિવસમાં ૧૫ સિગારેટ પીવા જેવું છે.’
તમે ફાંદામાં ફસાય શકો. હકીકતમાં, એકલતા અનુભવતા હો ત્યારે, કોઈ તમને મિત્ર બનાવવા માંગે તો, તમે તરત એના મિત્ર બની જશો. એલન નામના યુવાન જણાવે છે, ‘એકલતા અનુભવતા હો ત્યારે, તમે કદાચ કોઈકનું ધ્યાન મેળવવા તરસતા હશો. તમે કદાચ એવું પણ વિચારો કે, કોઈ જ ધ્યાન ન આપે એના કરતાં જે ધ્યાન આપે એ સારો દોસ્ત છે. પણ, એવી દોસ્તી તમને મુશ્કેલીમાં મૂકી શકે.’
ટૅક્નોલૉજી એનો ઇલાજ નથી. યુવાન નટાલી જણાવે છે, ‘હું એક દિવસમાં ઘણા લોકોને મૅસેજ કે ઈ-મેઇલ કરતી. છતાં, હું ખૂબ જ એકલતા અનુભવતી.’ ૧૮ વર્ષના ટીલરને પણ એવું જ લાગ્યું. તે જણાવે છે, ‘મૅસેજ કરવું એ નાસ્તા જેવું છે. જ્યારે કે, આમને-સામને વાત કરવી જમવા જેવું છે. નાસ્તો કરવો ગમે પણ, સંતોષ તો જમવાથી જ મળે.’
તમે શું કરી શકો?
સારું વિચારો. માની લો કે, કોઈકે તમને ઇન્ટરનેટ દ્વારા ફોટા મોકલ્યા છે. એ ફોટા એક પાર્ટીના છે જેમાં, બીજા દોસ્તો છે પણ તમને બોલાવ્યા નથી. એ જોઈને શું તમે એમ વિચારશો કે એ ફોટા તમને ચિડાવવા કે નારાજ કરવા જાણીજોઈને મોકલ્યા છે? કે પછી તમે કંઈક સારું વિચારશો? દરેક હકીકત જાણતા ન હો તો, શા માટે ખોટું વિચારવું? એના બદલે, એમ વિચારો કે તમને નહિ બોલાવવા પાછળ કોઈક સારું કારણ હશે. મોટા ભાગે, તમારા સંજોગો નહિ પણ, તમે કેવું વિચારો છો એના લીધે એકલતા અનુભવો છો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૫:૧૫.
અગાઉથી તારણ પર ન આવો. એકલા પડી જાઓ ત્યારે તમે કદાચ વિચારો કે, ‘મને તો કદીયે કોઈ બોલાવતું નથી’ અથવા ‘લોકો હંમેશાં મારાથી દૂર રહે છે.’ એવા તારણ પર આવવાથી તમે એકલતાના દલદલમાં ફસાતા જાઓ છો. એવા વિચારો તો વમળ જેવા છે: બીજાઓ તમને એકલા પાડે ત્યારે, તમે એકલતા અનુભવો છો. એટલે, તમે પોતે બધાથી અલગ થઈ જાઓ છો અને ફરી એકલતા અનુભવો છો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૮:૧.
મોટી ઉંમરની વ્યક્તિઓને દોસ્ત બનાવો. બાઇબલમાં ઈશ્વરભક્ત દાઊદ વિશે જણાવવામાં આવ્યું છે. તે તરુણ હતા ત્યારે તેમનાથી ૩૦ વર્ષ મોટા યોનાથાનને મળ્યા. ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં દાઊદ અને યોનાથાન જિગરી દોસ્ત બન્યા. (૧ શમૂએલ ૧૮:૧) તમે પણ એવું કરી શકો. ૨૧ વર્ષની કિએરા કહે છે, ‘હવે હું સમજી શકું છું કે મોટી ઉંમરના દોસ્તો રાખવા શા માટે મહત્ત્વના છે. મારા અમુક ખાસ દોસ્તો છે, જેઓ મારાથી ઘણા મોટા છે. તેઓ જે સરસ રીતે વિચારે છે અને પોતાના નિર્ણયમાં અડગ રહે છે એની હું ખરેખર કદર કરું છું.’—બાઇબલ સિદ્ધાંત: અયૂબ ૧૨:૧૨.
એકાંતના ફાયદાની કદર કરો. અમુક લોકો સહેજ વાર માટે એકલા પડે કે તરત જ એકલતા અનુભવે છે. પરંતુ, એકલા હોવાનો અર્થ એ નથી કે તમે એકલતા અનુભવો છો. દાખલા તરીકે, ઈસુ લોકો સાથે હળતા-મળતા હતા. પરંતુ, તેમણે એકાંતના સમયનો પણ સારો ઉપયોગ કર્યો. (માથ્થી ૧૪:૨૩; માર્ક ૧:૩૫) તમે પણ એવું જ કરી શકો. એકાંતને ગેરફાયદો સમજશો નહિ. એને બદલે, એ સમયમાં વિચારો કે તમને કેવા આશીર્વાદો મળ્યા છે. તેમ જ, એની કદર કરો. એમ કરવાથી, તમે એકલતાની લાગણી દૂર કરી શકશો અને બીજાઓના સારા દોસ્ત બની શકશો.—નીતિવચનો ૧૩:૨૦. (g૧૫-E ૦૪)
^ ફકરો. 4 આ લેખમાં અમુક નામ બદલ્યા છે.