વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
રૂમી ૧૨:૧૯માં, પાઊલે કહ્યું: “તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો.” અહીં બતાવ્યા પ્રમાણે પાઊલનો કહેવાનો અર્થ શું હતો?
પાઊલ અહીં દેવના કોપ વિષે વાત કરી રહ્યા છે. એટલે કે આપણે દેવને જ નક્કી કરવા દઈએ કે કોના પર અને ક્યારે બદલો લાવવો. આપણે પોતે ગુસ્સો ન કરીએ. ગુસ્સે ન થવા વિષે બાઇબલ આપણને સ્પષ્ટપણે સલાહ આપે છે. બાઇબલમાં આપેલાં કેટલાંક ઉદાહરણોનો વિચાર કરો.
“રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઇશ મા, તેથી દુષ્કર્મ જ નીપજે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮) “જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે.” (માત્થી ૫:૨૨) “દેહનાં કામ તે ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ.” (ગલાતી ૫:૧૯, ૨૦) “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯) વધુમાં, નીતિવચનના પુસ્તકમાં નાની નાની બાબતોમાં પણ ગુસ્સે ન થવાની વારંવાર સલાહ આપવામાં આવી છે.—નીતિવચન ૧૨:૧૬; ૧૪:૧૭, ૨૯; ૧૫:૧; ૧૬:૩૨; ૧૭:૧૪; ૧૯:૧૧, ૧૯; ૨૨:૨૪; ૨૫:૨૮; ૨૯:૨૨.
રૂમી ૧૨:૧૯નો સંદર્ભ આ પ્રકારની સલાહના સુમેળમાં છે. પાઊલે અનુરોધ કર્યો કે આપણો પ્રેમ ઢોંગ વગરનો હોવો જોઈએ. આપણને સતાવનારાઓ પર પણ પ્રેમ રાખવો જોઈએ. બીજાઓ વિષે હંમેશા સારું વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભૂંડાઈને બદલે ભૂંડું ન કરવું જોઈએ અને સર્વ વ્યક્તિઓની સાથે શાંતિથી હળીમળીને રહેવું જોઈએ. ત્યાર પછી તેમણે વિનંતી કરી કે “તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.”—રૂમી ૧૨:૯, ૧૪, ૧૬-૧૯.
હા, એ સાચું છે કે આપણે ગુસ્સામાં આવીને બદલો લેવો જોઈએ નહિ. આપણે પરિસ્થિતિ વિષે બરાબર જાણતા નથી તેમ જ આપણે અપૂર્ણ હોવાથી કોઈનો ન્યાય પણ કરી શકતા નથી. જો આપણે ગુસ્સામાં આવીને બદલો લઈએ તો, આપણે ચોક્કસ ખોટું જ કરીશું. ગુસ્સે થઈશું તો આપણે દેવના શત્રુ, શેતાનનો હેતુ પૂરો કરીશું. પાઊલે એમ પણ લખ્યું કે “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.”—એફેસી ૪:૨૬, ૨૭.
સારો અને ડહાપણનો માર્ગ એ છે કે આપણે દેવને જ નક્કી કરવા દઈએ કે કોના પર અને ક્યારે બદલો લાવવો. તે બાબતને બરાબર જાણે છે આથી તે યોગ્ય રીતે ન્યાય કરશે. આપણે જોઈ શકીએ છીએ કે પાઊલ રૂમી ૧૨:૧૯માં પુનર્નિયમ ૩૨:૩૫, ૪૧નો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં લખેલું છે કે “વેર વાળવું તથા બદલો લેવો એ મારૂં છે.”—સરખાવો હેબ્રી ૧૦:૩૦.
સત્યના દુશ્મનો તરફથી અત્યાચાર કે સતાવણી થાય ત્યારે, આપણે મુસાએ યહોવાહ દેવ વિષે સાંભળેલા વર્ણનમાં ભરોસો બતાવી શકીએ છીએ: “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર.”—(અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) નિર્ગમન ૩૪:૬, ૭.