સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાપની કબૂલાત કરવાથી આત્મિક સાજાપણું મળે છે

પાપની કબૂલાત કરવાથી આત્મિક સાજાપણું મળે છે

પાપની કબૂલાત કરવાથી આત્મિક સાજાપણું મળે છે

“હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં, કેમકે રાતદહાડો મારા ઉપર તારો હાથ ભારે હતો; મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઇ ગયો.” (ગીતશાસ્ત્ર ૩૨:૩, ૪) પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે પોતાનું ગંભીર પાપ કબૂલવાને બદલે સંતાડી રાખ્યું હોવાથી, તેમને જે ઊંડુ લાગણીમય દુઃખ થયું એ તેમના આ વેદનાથી ભરેલા શબ્દોમાં દેખાઈ આવે છે.

દાઊદ રાજામાં ઘણી બધી આવડતો હતી, જેમ કે તે એક પરાક્રમી યોદ્ધા, રાજનીતિની આવડતવાળા, કવિ અને સંગીતકાર હતા. તેમ છતાં, તેમણે પોતાની આવડતો પર નહિ પરંતુ પોતાના પરમેશ્વર યહોવાહ પર ભરોસો રાખ્યો. (૧ શમૂએલ ૧૭:૪૫, ૪૬) તેમને એવા માણસ તરીકે વર્ણવવામાં આવ્યા, જેમનું હૃદય “યહોવાહ પ્રત્યે સંપૂર્ણ” હતું. (૧ રાજા ૧૧:૪) પરંતુ તેમણે એક ગંભીર પાપ કર્યું હતું અને તેમણે ગીતશાસ્ત્ર ૩૨માં એનો ઉલ્લેખ કર્યો હોય શકે. તેમણે કયા સંજોગોમાં પાપ કર્યું એ જાણવાથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એમ કરવાથી, આપણે એવા સંજોગો ટાળી શકીશું તથા યહોવાહ પરમેશ્વર સાથે ફરીથી સંબંધ બાંધવા માટે, આપણાં પાપને કબૂલ કરવાની જરૂરિયાત જોઈ શકીશું.

વફાદાર રાજા પાપમાં પડ્યા

ઈસ્રાએલીઓ આમ્મોનપુત્રો સામે લડતા હતા ત્યારે, દાઊદ રાજા યરૂશાલેમમાં હતા. એક સાંજે તે પોતાના મહેલની અગાસી પર ફરતા હતા ત્યારે, તેમણે બાજુના ઘરમાં એક સુંદર સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે પોતાના પર આત્મસંયમ ન રાખી શક્યા. પરંતુ તે સ્ત્રીને કામવાસનાથી જોવા લાગ્યા. દાઊદને ખબર પડી કે તે સ્ત્રી, તેમના જ લશ્કરના સૈનિક ઉરીયાહની પત્ની બાથ-શેબા છે ત્યારે, તેમણે માણસ મોકલીને તેને બોલાવી મંગાવી અને તેની સાથે વ્યભિચાર કર્યો. થોડા સમય પછી, બાથ-શેબાએ માણસ મોકલીને દાઊદને ખબર આપી કે પોતે સગર્ભા થઈ છે.—૨ શમૂએલ ૧૧:૧-૫.

દાઊદ ફસાઈ ગયા હતા. જો તેમનું પાપ ઉઘાડું પડી જાય તો તે બંનેને મરણની સજા મળે. (લેવીય ૨૦:૧૦) તેથી, તેમણે એક યોજના બનાવી. તેમણે બાથ-શેબાના પતિ, ઉરીયાહને લડાઈમાંથી પાછો બોલાવ્યો. લડાઈના શું હાલ છે એ વિષે પૂછ્યા પછી, દાઊદે તેને ઘરે પાછા જવાની આજ્ઞા આપી. દાઊદે વિચાર્યું કે એનાથી બાથ-શેબાના બાળકનો પિતા ઉરીયાહ પોતે જ ગણાશે.—૨ શમૂએલ ૧૧:૬-૯.

પરંતુ, દાઊદ માટે દુઃખની બાબત બની કે ઉરીયાહ તેની પત્ની પાસે પાછો ન ગયો. ઉરીયાહે કહ્યું કે લશ્કર લડાઈની મુશ્કેલીઓ સહન કરી રહ્યું છે ત્યારે હું ઘરે પાછો જાઉ એ યોગ્ય નથી. ઈસ્રાએલી લશ્કર યુદ્ધમાં જોડાતું ત્યારે, એના સૈનિકોએ પોતાની પત્નિઓથી દૂર રહેવાનું હતું, જેથી તેઓ જાતીય સંબંધ ન બાંધી શકે. તેઓએ વિધિસર શુદ્ધ રહેવાનું હતું. (૧ શમૂએલ ૨૧:૫) પછી, દાઊદે ઉરીયાહને જમવા બોલાવ્યો અને તેને ખૂબ દારૂ પીવડાવ્યો, છતાં તે પોતાની પત્ની પાસે પાછો ન ગયો. ઉરીયાહની વફાદારીને કારણે દાઊદ પોતાના ગંભીર પાપ માટે દોષિત ઠર્યા.—૨ શમૂએલ ૧૧:૧૦-૧૩.

પોતાના પાપનાં પરિણામોથી દાઊદ પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગયા. નિરાશામાં તેમને એક જ માર્ગ સૂઝ્યો. તેમણે ઉરીયાહને લડાઈમાં પાછો મોકલ્યો અને તેની સાથે લશ્કરી અધિકારી યોઆબ માટે એક ચિઠ્ઠી મોકલી. એ નાની ચિઠ્ઠીમાં ઇરાદો સ્પષ્ટ હતો: “તમે ઉરીયાહને દારૂણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી તમે દૂર ખસી જજો, કે તે જાનથી માર્યો જાય.” આ રીતે ચિઠ્ઠી લખીને, શક્તિશાળી રાજાએ ઉરીયાહને મારી નંખાવ્યો અને પોતાનું પાપ છુપાવ્યું.—૨ શમૂએલ ૧૧:૧૪-૧૭.

બાથ-શેબાના પતિના શોકના દિવસો પૂરા થયા કે તરત દાઊદે તેની સાથે લગ્‍ન કરી લીધા. થોડા વખત પછી, તેઓનું બાળક જન્મ્યું. આ બધું બન્યું છતાં, દાઊદે પોતાનાં પાપો વિષે કોઈને કંઈ ન કહ્યું. કદાચ તે પોતાના પગલાને ન્યાયી ઠરાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. શું ઉરીયાહ લડાઈમાં બીજાઓની જેમ આદરપૂર્વક મરણ પામ્યો ન હતો? એ ઉપરાંત ઉરીયાહે પોતાની પત્ની પાસે જવાનો ઇનકાર કરીને, શું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ન હતું? પોતાના પાપને ઢાંકવા ‘કપટી હૃદય’ દરેક પ્રકારની દલીલો કરીને પાપ સંતાડવાનો પ્રયત્ન કરશે.—યિર્મેયાહ ૧૭:૯; ૨ શમૂએલ ૧૧:૨૫.

પાપ તરફ દોરી જતું ખોટું પગલું

ન્યાયીપણાના પ્રેમી દાઊદ, વ્યભિચાર અને ખૂન જેવું પગલું કઈ રીતે ભરી શક્યા? દેખીતી રીતે જ, તેમના હૃદયમાં ઘણા વખતથી ભૂંડા વિચારો આવ્યા હોવા જોઈએ. આપણને મનમાં પ્રશ્ન થશે કે દાઊદ શા માટે યહોવાહના શત્રુઓ સામે પોતાના માણસો સાથે લડવા ગયા ન હતા. બીજી તર્ફે, દાઊદ પોતાની અગાસીમાં આરામથી ફરી રહ્યા હતા કે જ્યાં લડાઈની વાસ્તવિકતા પણ તેના વફાદાર સૈનિકની પત્ની માટેની લાલસાને રોકી ન શકી. એ જ રીતે આજે, સાચા ખ્રિસ્તીઓ પોતાનાં મંડળોની આત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહે અને પ્રચાર કાર્યમાં નિયમિત રીતે ભાગ લે તો તેઓને રક્ષણ મળશે.—૧ તીમોથી ૬:૧૨.

ઈસ્રાએલના રાજાને નિયમશાસ્ત્રની નકલ કરીને દરરોજ વાંચવાની આજ્ઞા આપવામાં આવી હતી. બાઇબલ એમ કરવા પાછળનું કારણ આપે છે: “તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે; એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઇ જાય, ને તે આજ્ઞાથી તે ડાબે કે જમણે ભટકી ન જાય.” (પુનર્નિયમ ૧૭:૧૮-૨૦) એવું લાગે છે કે દાઊદે આ મરણકારક પાપો કર્યાં ત્યારે તે એ આજ્ઞાને અનુસરતા નહિ હોય. આપણે બાઇબલનો નિયમિત અભ્યાસ અને મનન કરીએ તો, આ કટોકટીના સમયોમાં એ આપણને ખોટું પગલું ભરવાથી અટકાવશે.—નીતિવચન ૨:૧૦-૧૨.

વધુમાં, દસ આજ્ઞામાંની છેલ્લીએ ખાસ જણાવ્યું: “તારા પડોશીની સ્ત્રી . . . પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) એ સમયે દાઊદને ઘણી બધી પત્નીઓ અને ઉપપત્નીઓ હતી. (૨ શમૂએલ ૩:૨-૫) તેમ છતાં, તે બીજી સુંદર સ્ત્રીથી આકર્ષાઈ ગયા. આ અહેવાલ ઈસુના શબ્દોની ગંભીરતા યાદ દેવડાવે છે: “પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮) ચાલો, એવી અયોગ્ય ઇચ્છાઓ રાખવાને બદલે, આપણે એને આપણા મન અને હૃદયમાંથી જલદીમાં જલદી કાઢી નાખીએ.

પશ્ચાત્તાપ અને દયા

દાઊદના પાપ વિષેનો બાઇબલનો આ સાચો અહેવાલ કોઈની જાતીય લાગણીઓ ઉશ્કેરવા માટે નથી. આ અહેવાલ આપણને યહોવાહના નોંધપાત્ર ગુણ દયાની શક્તિશાળી અને હૃદયને સ્પર્શી જાય એવી અસરને જોવાની તક આપે છે.—નિર્ગમન ૩૪:૬, ૭.

બાથ-શેબાએ પુત્રને જન્મ આપ્યા પછી, યહોવાહે દાઊદ પાસે નાથાન પ્રબોધકને મોકલ્યા. એમ કરીને તેમણે દયા બતાવી. જો નાથાન, દાઊદની પાસે ન ગયા હોત તો દાઊદ પોતાના પાપ વિષે ચૂપ જ રહ્યા હોત અને તે કઠણ હૃદયના થઈ ગયા હોત. (હેબ્રી ૩:૧૩) દાઊદે પરમેશ્વરની દયાને ખુશીથી સ્વીકારી. નાથાને કુશળતાપૂર્વક અને સ્પષ્ટ શબ્દોથી દાઊદનું અંતઃકરણ ઢંઢોળ્યું ત્યારે તેમણે નમ્રપણે કબૂલ્યું કે પોતે પરમેશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. હકીકતમાં, ગીતશાસ્ત્રનો ૫૧મો અધ્યાય દાઊદનું બાથ-શેબા સાથેનું પાપ જણાવે છે, પરંતુ એ અધ્યાય દાઊદે પસ્તાવો કર્યો અને ગંભીર પાપ કબૂલ્યા પછી લખાયેલો હતો. તેથી, આપણે પણ કોઈ ગંભીર પાપ કરી બેસીએ ત્યારે પોતાના હૃદયને કઠણ ન બનાવવું જોઈએ.—૨ શમૂએલ ૧૨:૧-૧૩.

જોકે, દાઊદને માફી તો આપવામાં આવી હતી, પરંતુ તે શિસ્ત મેળવવાથી કે પોતાનાં પાપનાં પરિણામોથી બચ્યા નહિ. (નીતિવચન ૬:૨૭) શિસ્ત ન આપવામાં આવે એવું કઈ રીતે બની શકે? જો પરમેશ્વર દરેક બાબતો વિષે આંખ આડા કાન કરે તો, તેમનાં ધોરણોનો કંઈ અર્થ ન રહે. તે પ્રમુખ યાજક એલી જેવા ગણાય, કે જેણે પોતાના દુષ્ટ પુત્રોને ફક્ત હળવો ઠપકો આપ્યો અને પછી તેઓ જે દુષ્ટ કામો કરતાં હતાં એ કરવા દીધા. (૧ શમૂએલ ૨:૨૨-૨૫) તોપણ, યહોવાહ પસ્તાવો કરનાર પ્રત્યે પોતાની કૃપા બતાવવાનું છોડી દેતા નથી. તાજગી આપનાર ઠંડા પાણીની જેમ તેમની દયા, ભૂલ કરનારને પાપનાં પરિણામો સહન કરવામાં મદદ કરશે. પરમેશ્વરની માફીની તાજગી અને સાથી ઉપાસકોની ઉત્તેજનકારક સંગતથી પસ્તાવો કરનાર આત્મિકતામાં ફરીથી દૃઢ થાય છે. ખ્રિસ્તની ખંડણીને આધારે, એક પશ્ચાત્તાપી, પરમેશ્વરની “કૃપાની સંપત” મેળવી શકે.—એફેસી ૧:૭.

“શુદ્ધ હૃદય” અને ‘નવો આત્મા’

દાઊદને પોતાનું પાપ કબૂલ્યા પછી, નકામાપણાની લાગણી થઈ ન હતી. એ ઉપરાંત, તેમણે પોતાની કબૂલાત વિષે ગીતશાસ્ત્રમાં જે વક્તવ્યો લખ્યાં, એ બતાવે છે કે તેમણે કેટલી રાહત અનુભવી હતી. તેથી તેમણે પરમેશ્વરની વફાદારીથી સેવા કરવાનો નિર્ણય લીધો. દાખલા તરીકે, ગીતશાસ્ત્રનો ૩૨મો અધ્યાય જુઓ. પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ: “જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.” કોઈએ ગમે તેવું ગંભીર પાપ કર્યું હોય છતાં જો તે સાચો પસ્તાવો કરે તો એના સારાં પરિણામો આવી શકે છે. સાચો પસ્તાવો બતાવવાની એક રીત એ છે કે દાઊદે કર્યું તેમ, પોતે ભરેલાં ખોટાં પગલાઓની પૂરેપૂરી જવાબદારી સ્વીકારવી. (૨ શમૂએલ ૧૨:૧૩) તેમણે યહોવાહ સામે પોતાને ન્યાયી ઠરાવવાનો કે એ માટે બીજાઓને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કર્યો નહિ. પાંચમી કલમ કહે છે: “મેં મારાં પાપ તારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી; મેં કહ્યું, કે યહોવાહની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ; અને તેં મારાં પાપ માફ કર્યાં.” ખરેખર, સાચા પસ્તાવાથી વ્યક્તિને રાહત મળે છે, જેથી પાછળથી તે પોતાના ભૂતકાળમાં કરેલાં પાપમાં ડૂબી ન જાય.

યહોવાહની માફી માંગ્યા પછી, દાઊદે અરજ કરી: “હે પરમેશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૦) તેણે “શુદ્ધ હૃદય” અને ‘નવો આત્મા’ માગ્યો એ જ બતાવે છે કે દાઊદ પોતાની પાપી વર્તણૂક વિષે જાણતા હતા અને તેથી પોતાના હૃદયને શુદ્ધ કરીને નવી શરૂઆત કરવા પરમેશ્વરની મદદની જરૂર હતી. પોતાના પર દયા ખાવાને બદલે, તેમણે પરમેશ્વરની સેવા કરતા રહેવાનું નક્કી કર્યું. તેમણે પ્રાર્થના કરી: “હે પ્રભુ, તું મારા હોઠ ઉઘાડ; એટલે મારૂં મુખ તારી સ્તુતિ પ્રગટ કરશે.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૫.

દાઊદનો સાચો પસ્તાવો અને તેમના સેવા કરવાના નિર્ણય વિષે યહોવાહને કેવું લાગ્યું હશે? તેમણે દાઊદના હૃદયને હૂંફ આપે એવી ખાતરી આપી: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮) અહીં, યહોવાહ આપણને ખાતરી આપે છે કે પશ્ચાત્તાપ કરનારની લાગણીઓ અને જરૂરિયાતો પ્રત્યે યહોવાહ પોતે વ્યક્તિગત રીતે ધ્યાન આપશે. યહોવાહે, દાઊદને વધુ અંતદૃષ્ટિ આપી અને ખરું-ખોટું પારખવા, ઉપરછલ્લી બાબતો કરતાં વધુ જોવાની ક્ષમતા આપી. તેથી ભવિષ્યમાં તે કોઈ લાલચનો સામનો કરે તો, તે જે પગલા ભરશે એનાં પરિણામો શું આવશે અને બીજાઓ પર એની શું અસર થશે એ પારખી શકે અને સમજદારીથી વર્તી શકે.

દાઊદના જીવનમાં બનેલી આ ઘટના, અત્યારે ગંભીર પાપમાં પડેલા દરેક માટે ઉત્તેજન પૂરું પાડે છે. આપણે પોતાના પાપની કબૂલાત અને સાચો પશ્ચાત્તાપ કરીને, આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ એટલે કે યહોવાહ સાથેનો સંબંધ પુનઃસ્થાપિત કરી શકીએ. ચૂપ રહીને મનનું મહાદુઃખ ભોગવવું કે ખોટા માર્ગમાં હૃદય કઠણ કરીને એનાં ભયંકર પરિણામો ભોગવવાં એના કરતાં થોડા સમયનું દુઃખ અને શરમ ભોગવી લેવી વધુ સારું છે. (ગીતશાસ્ત્ર ૩૨:૯) એમ કરીને, આપણે પ્રેમાળ, દયાળુ પરમેશ્વર કે “જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો દેવ છે,” તેમની પાસેથી માફી મેળવીશું.—૨ કોરીંથી ૧:૩.

[પાન ૩૧ પર ચિત્ર]

દાઊદે ઉરીયાહને મારી નંખાવીને પોતાના પાપનાં પરિણામોથી છુટકારો મેળવવાની આશા રાખી