સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું બાઇબલમાં લ્યુસિફર નામ શેતાન માટે વાપરવામાં આવ્યું છે?

બાઇબલમાં લ્યુસિફર નામ ફક્ત એક જ વાર જોવા મળે છે, અને ખાસ કરીને અમુક જ બાઇબલ ભાષાંતરો એ નામનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે, ઇન્ટરનેશનલ બાઇબલ સોસાયટી ઈન્ડિયાનું પવિત્ર બાઇબલ (IBSI) યશાયાહ ૧૪:૧૨માં આમ કહે છે: “લ્યુસિફર, પ્રભાતના તારા, તું કેવો આકાશમાંથી પડ્યો છે!”

મૂળ હેબ્રી ભાષામાં “લ્યુસિફરનો” અર્થ “તેજસ્વી વ્યક્તિ” થાય છે. સેપ્ટઆજીંટમાં એ માટેના ગ્રીક નામનો અર્થ, “પરોઢનું અજવાળું લાવનાર” થાય છે. તેથી, અમુક બાઇબલ અનુવાદો એ હેબ્રી શબ્દ માટે “સવારનો તારો” કે “પ્રભાતનો તારો” ઉપયોગ કરે છે. પરંતુ, જેરોમનું લૅટિન ભાષાનું વલ્ગેટ બાઇબલ એ શબ્દ માટે “લ્યુસિફર” (પ્રકાશ ફેલાવનાર) વાપરે છે. આ કારણે અનેક બાઇબલ અનુવાદોમાં પણ “લ્યુસિફર” નામ જોવા મળે છે.

પરંતુ, આ લ્યુસિફર કોણ છે? “લ્યુસિફર” કે “તેજસ્વી વ્યક્તિ” વિષે યશાયાહના પુસ્તકમાં જોવા મળે છે. આ ભવિષ્યવાણીઓના પુસ્તકમાં યશાયાહ ઈસ્રાએલીઓને, એ નામથી “બાબેલના રાજાને મહેણાં મારવાની” આજ્ઞા આપે છે. એ નામો ફક્ત બાબેલોનના રાજ્ય માટે વાપરવામાં આવતા હતા. આમ, “તેજસ્વી વ્યક્તિ” નામ કોઈ દૂતને નહિ, પણ એક માણસને આપવામાં આવ્યું હતું. યશાયાહનું પુસ્તક આમ કહેતા એની સાબિતી આપે છે: “તું શેઓલ સુધી, ઘોરના ઊંડાણમાં નીચો પાડવામાં આવશે.” શેઓલ શેતાનનું ઘર નથી, પણ માણસજાતની કબર છે. વધુમાં, જેઓ લ્યુસિફરનો નાશ જોશે, તેઓ પૂછશે કે શું આ ‘માણસે પૃથ્વીને થથરાવી હતી?’ ખરેખર, આ સાબિતી બતાવે છે કે “લ્યુસિફર” એક દૂત નહિ, પણ ફક્ત એક માણસ જ છે.​—⁠યશાયાહ ૧૪:૪, ૧૫, ૧૬.

તો પછી, શા માટે બાબેલોનની રાજસત્તાનું આટલા ગૌરવથી વર્ણન કરવામાં આવ્યું છે? ખરેખર તો બાબેલોન પડ્યું ત્યાર પછી જ, એના રાજાની મશ્કરી કરવા “તેજસ્વી વ્યક્તિ” નામ આપવામાં આવ્યું હતું. (યશાયાહ ૧૪:૩) ઘમંડ અને સ્વાર્થને કારણે બાબેલોનના રાજાઓ વધારે મહાન બનવા ઇચ્છતા હતા. તેઓ એટલા તો અહંકારી હતા કે ઢંઢેરો પીટીને કહેતા: “હું આકાશો પર ચઢીશ, ને હું દેવના તારાઓ કરતાં મારૂં રાજ્યાસન ઊંચું રાખીશ; હું છેક ઉત્તરના છેડામાં, સભાના પર્વત પર બેસીશ; . . . હું પોતાને પરાત્પર સમાન કરીશ.”​—⁠યશાયાહ ૧૪:૧૩, ૧૪.

જેઓ રાજા દાઊદના વંશમાંથી રાજ કરવાના હતા, તેઓ પરમેશ્વરના “તારાઓ” હતા. (ગણના ૨૪:૧૭) રાજા દાઊદ પછી, આ “તારાઓ” સિયોન પર્વત પરથી રાજ કરતા હતા. રાજા સુલેમાને યરૂશાલેમમાં ભવ્ય મંદિર બાંધ્યું પછી, એ આખું શહેર સિયોન તરીકે ઓળખાવા લાગ્યું. નિયમકરાર પ્રમાણે, બધા ઈસ્રાએલી પુરુષોને વર્ષમાં ત્રણ વાર સિયોન જવાની ફરજ હતી. આમ, એ શહેર “સભાનો પર્વત” બન્યું. પરંતુ, નબૂખાદનેસ્સારે યહુદાના રાજાઓને પોતાના તાબામાં લઈને, પર્વત પરથી તેઓને કાઢી મૂકવાની કોશિશ કરી. એમ કરીને તે “તારાઓ” કરતાં ચડિયાતો થવા માંગતો હતો. પછી નબૂખાદનેસ્સારને વિજય મળ્યો ત્યારે, એનો યશ યહોવાહને આપવાને બદલે, તેણે ઘમંડી બનીને પોતાને ચડિયાતો માન્યો. આ કારણે યહોવાહ બાબેલોનની રાજસત્તાનું પતન લાવ્યા, અને તેઓને મશ્કરીમાં “તેજસ્વી વ્યક્તિ” નામ આપવામાં આવ્યું.

શેતાનને “આ જગતનો દેવ” કહેવામાં આવે છે. તે પણ બાબેલોનના રાજાઓ જેવો ઘમંડી છે. (૨ કોરીંથી ૪:૪) તેને પણ સૌથી શક્તિશાળી બનવું છે. તે ઇચ્છે છે કે બધો મહિમા તેને પોતાને મળે, જેથી તે યહોવાહ પરમેશ્વર કરતાં પણ વધારે મહાન બને. પરંતુ, બાઇબલ શેતાનને લ્યુસિફર તરીકે ક્યાંય ઓળખાવતું નથી.

શા માટે ૧ કાળવૃત્તાંત ૨:૧૩-૧૫ કહે છે કે દાઊદ યિશાઈનો સાતમો દીકરો હતો, પરંતુ, ૧ શમૂએલ ૧૬:૧૦, ૧૧ કહે છે કે તે આઠમો દીકરો હતો?

પ્રાચીન ઈસ્રાએલમાં જ્યારે રાજા શાઊલે યહોવાહની ભક્તિ કરવાનું છોડી દીધું, ત્યારે યહોવાહે તેમના પ્રબોધક શમૂએલને મોકલીને યિશાઈના દીકરાઓમાંથી એકને રાજા તરીકે પસંદ કરવાનું કહ્યું. બાઇબલમાં શમૂએલનું પુસ્તક ઈ.સ. પૂર્વે ૧૧મી સદીમાં (લગભગ ૩,૦૮૦ વર્ષ અગાઉ) શમૂએલે પોતે લખ્યું હતું. શમૂએલે એમાં લખ્યું કે દાઊદ, યિશાઈના આઠમો દીકરો હતો. (૧ શમૂએલ ૧૬:૧૦-૧૩) પરંતુ, શમૂએલથી ૬૦૦ વર્ષ પછી એક યાજક એઝરાએ આમ લખ્યું: “યિશાઈથી તેનો જ્યેષ્ઠપુત્ર અલીઆબ, બીજો અબીનાદાબ, ત્રીજો શિમઆ; ચોથો નથાનએલ, પાંચમો રાદ્દાય; છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઊદ.” (૧ કાળવૃત્તાંત ૨:૧૩-૧૫) તો પછી, બીજા એક દીકરાનું શું થયું? શા માટે એઝરાએ ફક્ત સાત દીકરાઓનાં જ નામ આપ્યાં?

બાઇબલમાં લખેલું છે કે યિશાઈના “આઠ દીકરા હતા.” (૧ શમૂએલ ૧૭:૧૨) પરંતુ, એમ લાગે છે કે એક દીકરો લગ્‍ન કર્યા પહેલાં જ મરી ગયો હતો. આમ, તેને કોઈ બાળકો ન હતા. આ રીતે તેના કોઈ વંશજો ન હોવાથી, કોઈ પણ તેના નામે વારસો મેળવી જ ન શકે. એ ઉપરાંત, તેનું નામ પિતાની વંશાવળીની યાદીમાંથી પણ ભૂંસી નાખવામાં આવ્યું હતું.

ચાલો આપણે હવે એઝરા વિષે થોડો વિચાર કરીએ. ખાસ કરીને તેમણે કાળવૃત્તાંતના પુસ્તકો લખ્યા એ વિષે આપણે જોઈશું. એ સમયે યહુદીઓને બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યાને લગભગ ૭૭ વર્ષ થઈ ગયાં હતાં. હવે તેઓ પોતાના દેશમાં પાછા રહેતા હતા. ઈરાનના રાજાએ, એઝરાને એક મોટી જવાબદારી સોંપી હતી. તેમણે લોકોને યહોવાહના નિયમો અને કાનૂનો શીખવવા માટે, ન્યાયાધીશો અને શિક્ષકો પસંદ કરવાના હતા. વધુમાં, તેમને યહોવાહના મંદિરને સુંદર બનાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. એઝરાએ ખૂબ જ કાળજીથી તપાસ કરવાની હતી કે, કુટુંબો અથવા કુળના ખરા વારસદાર કોણ છે અને ફક્ત કઈ વ્યક્તિઓ યાજક તરીકે સેવા આપી શકતી હતી. આમ, ભૂલચૂક વિનાની યાદી બનાવવી ખૂબ જરૂરી હતું. એ કારણે એઝરાએ યહુદા રાષ્ટ્રના આખા ઇતિહાસની પૂરેપૂરી યાદી બનાવી. એ ચોકસાઈભરી યાદીમાંથી, એ પણ જોવા મળ્યું કે, સદીઓ પછી યહુદા અને દાઊદના કુટુંબોમાંથી કોણ આવ્યું હતું. તેથી, યિશાઈના મૂએલા દીકરાનું નામ આ યાદીમાં લખવાની કોઈ જરૂર ન હતી. એ કારણે એઝરા તેમના પુસ્તકમાં યિશાઈના સાત દીકરાઓનો જ ઉલ્લેખ કરે છે.