સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો’

‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો’

‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો’

‘શિષ્યોમાંના એકે તેમને કહ્યું, પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો.’—લુક ૧૧:૧, પ્રેમસંદેશ.

૧. શા માટે એક શિષ્યએ ઈસુને કહ્યું કે ‘અમને પ્રાર્થના કરતા શીખવો’?

 ઈસવી સન ૩૨માં એક વખતે ઈસુનો શિષ્ય તેમને પ્રાર્થના કરતા જુએ છે. જોકે તે ઈસુની પ્રાર્થના સાંભળી શકતો ન હતો. આથી, ઈસુની પ્રાર્થના પૂરી થઈ ત્યારે તેણે તેમને કહ્યું: ‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો.’ (લુક ૧૧:૧) પ્રાર્થના યહુદીઓના જીવન અને ભક્તિનો એક ભાગ હતી. જૂના કરારમાં ગીતશાસ્ત્ર અને બીજા પુસ્તકોમાં પણ અસંખ્ય પ્રાર્થનાઓ આપવામાં આવી છે. તો પછી, શા માટે શિષ્યએ પ્રાર્થના શીખવવાની વિનંતી કરી? શું આ શિષ્યને પ્રાર્થના કરવા વિષે કંઈ ખબર ન હતી? શું તેણે ક્યારેય પ્રાર્થના કરી ન હતી? ના, એમ નથી! ઈસુનો શિષ્ય, યહુદી ધર્મગુરુઓની નામ પૂરતી પ્રાર્થનાઓથી સારી રીતે જાણકાર હતો. પરંતુ, તેણે રાબ્બીઓની ઢોંગી પ્રાર્થનાઓ અને ઈસુ જે રીતે પ્રાર્થના કરતા હતા એમાં મોટો તફાવત જોયો હશે.—માત્થી ૬:૫-૮.

૨. (ક) શું બતાવે છે કે ઈસુએ નમૂનાની પ્રાર્થના ગોખીને એનું રટણ કરવા કહ્યું ન હતું? (ખ) આપણે શા માટે પ્રાર્થના કરતા શીખવું જોઈએ?

લગભગ ૧૮ મહિના પહેલાં પહાડ પરના ઉપદેશમાં ઈસુએ પોતાના શિષ્યોને નમૂનાની પ્રાર્થના શીખવી. (માત્થી ૬:૯-૧૩) આ શિષ્ય એ સમયે ત્યાં નહિ હોય. તેથી, ઈસુ આ પ્રાર્થનાના મહત્ત્વના મુદ્દાઓ ફરીથી કહે છે. પરંતુ, તેમણે એ પ્રાર્થનાના એક એક શબ્દો ફરીથી કહ્યા નહિ. એ બતાવે છે કે તે ઇચ્છતા નહોતા કે આપણે દર વખતે વગર વિચાર્યે ગોખેલી પ્રાર્થના કરીએ. (લુક ૧૧:૧-૪) આપણે પણ આ શિષ્યની જેમ પ્રાર્થના શીખીએ એ જરૂરી છે. જેથી પ્રાર્થના દ્વારા આપણે યહોવાહ સાથે મિત્રતા બાંધી શકીએ. ચાલો આપણે માત્થીએ નોંધેલી નમૂનાની પ્રાર્થનાને તપાસીએ. એ પ્રાર્થનામાં સાત વિનંતીઓ બતાવવામાં આવી છે. એમાંથી ત્રણ વિનંતીઓ પરમેશ્વરના હેતુને લગતી છે. જ્યારે કે બીજી ચાર ઈશ્વરના જ્ઞાનની અને રોજની જરૂરિયાત માટે છે. આ લેખમાં આપણે પહેલી ત્રણ વિનંતીની ચર્ચા કરીશું.

આપણા પ્રેમાળ પિતા

૩, ૪. “આપણા પિતા” તરીકે યહોવાહનો ઉલ્લેખ કરવો શું બતાવે છે?

ઈસુએ કહ્યું કે આપણી પ્રાર્થનાઓ એવી હોવી જોઈએ જેનાથી પરમેશ્વર સાથે આપણો સંબંધ ગાઢ થાય. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું કે પ્રાર્થનામાં તમારે યહોવાહને “ઓ સ્વર્ગમાંના અમારા પિતા” તરીકે બોલાવવા જોઈએ. (માથ્થી ૬:૯, IBSI) જોકે, ઈસુએ અહીં અરામિક કે હેબ્રુ ભાષામાં આ શબ્દો કહ્યા હતા. પરંતુ એક વિદ્વાન કહે છે કે “પિતા” શબ્દ જાણે એક નાનું બાળક પ્રેમથી પોતાના પિતાને બોલાવતું હોય એમ લાગે છે. યહોવાહને “આપણા પિતા” કહેવું, એ તેમની સાથેના આપણા ગાઢ સંબંધને બતાવે છે.

“અમારા પિતા” કહીને આપણે પોતાને દુનિયાભરના પરિવારનો ભાગ બતાવીએ છીએ. આ પરિવાર યહોવાહને પોતાને જીવન આપનાર તરીકે ગણે છે. (યશાયાહ ૬૪:૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪, ૨૮) અભિષિક્ત ખ્રિસ્તીઓ “ઈશ્વરના પુત્રો” છે. તેથી, તેઓ યહોવાહને ‘“આબ્બા” એટલે “મારા પિતા” કહીને પોકારે છે.’ (રૂમીઓને પત્ર ૮:૧૪, ૧૫, પ્રેમસંદેશ) ‘બીજાં ઘેટાંના’ લાખો લોકો અભિષિક્તો સાથે જોડાઈને તેઓના વફાદાર સાથી બન્યા છે. તેઓએ યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે. આ બીજાં ઘેટાં પણ ઈસુના નામમાં યહોવાહને પ્રાર્થના કરીને તેમને “અમારા પિતા” કહે છે. (યોહાન ૧૦:૧૬; ૧૪:૬) આપણે દરરોજ પ્રાર્થના કરીને આપણા પ્રેમાળ પિતાને મહિમા આપવો જોઈએ. તેમ જ, તેમણે આપણા માટે બતાવેલી ભલાઈનો ઉપકાર માનવો જોઈએ. તે આપણી કાળજી રાખે છે એવા વિશ્વાસથી તેમના પર આપણો બોજો નાખી દેવો જોઈએ.—ફિલિપી ૪:૬, ૭; ૧ પીતર ૫:૬, ૭.

યહોવાહના નામ પ્રત્યે પ્રેમ

૫. પ્રાર્થનાની શરૂઆતમાં જ કઈ વિનંતી કરવામાં આવી અને શા માટે એ યોગ્ય છે?

ઈસુએ શીખવેલી પ્રાર્થનાની શરૂઆતની વિનંતી બહુ મહત્ત્વની છે. એ જણાવે છે, “તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) હા, આપણે યહોવાહનું નામ પવિત્ર મનાવીએ એ બહુ જરૂરી છે. આપણે તેમને પ્રેમ કરીએ છીએ આથી તેમના નામની નિંદા થતી જોઈને આપણને ખૂબ દુઃખ થાય છે. શેતાને યહોવાહનો વિરોધ કર્યો અને સાથે સાથે તેણે પ્રથમ યુગલને પણ તેમની વિરુદ્ધ ભડકાવ્યા. આમ, શેતાને યહોવાહની સર્વોપરી સત્તા સામે આંગળી ચીંધી. (ઉત્પત્તિ ૩:૧-૬) એ ઉપરાંત, સદીઓથી ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે તેઓના જૂઠાં શિક્ષણ અને ખરાબ કામોથી યહોવાહના નામની નિંદા થઈ રહી છે.

૬. યહોવાહનું નામ પવિત્ર થાય, એવી પ્રાર્થના કરીને આપણે શું નહિ કરીશું?

યહોવાહનું નામ પવિત્ર મનાવવાની પ્રાર્થના કરીને આપણે તેમની સત્તા પર ભરોસો બતાવીએ છીએ. તેમ જ, આખા વિશ્વ પર યહોવાહ જ રાજ કરવાને યોગ્ય છે એમ આપણે સ્વીકારીએ છીએ. યહોવાહ ઇચ્છે છે કે આખા વિશ્વમાં માણસજાત અને દૂતો તેમને ખુશીથી રાજા તરીકે સ્વીકારીને આધીન રહે. તેઓ યહોવાહ અને તેમના નામને રજૂ કરતી બાબતોને પ્રેમ કરે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૦-૧૩; ગીતશાસ્ત્ર ૮:૧; ૧૪૮:૧૩) આપણે યહોવાહના નામને પ્રેમ કરતા હોવાથી, એ પવિત્ર નામને બટ્ટો લાગે એવું કંઈ કરીશું નહીં. (હઝકીએલ ૩૬:૨૦, ૨૧; રૂમીઓને પત્ર ૨:૨૧-૨૪) આખું વિશ્વ અને એમાં રહેનારાઓની શાંતિ યહોવાહનું પવિત્ર નામ અને તેમની સર્વોપરી સત્તા પર આધારિત છે. “તારૂં નામ પવિત્ર મનાઓ” એમ પ્રાર્થના કરીને આપણે ભરોસો બતાવીએ છીએ કે યહોવાહના હેતુઓ જરૂર પૂરા થશે.—હઝકીએલ ૩૮:૨૩.

રાજ્ય માટે પ્રાર્થના કરો

૭, ૮. (ક) કયા રાજ્ય વિષે ઈસુએ પ્રાર્થના કરવાનું શીખવ્યું? (ખ) દાનીયેલ અને પ્રકટીકરણના પુસ્તકમાંથી આપણને આ રાજ્ય વિષે શું શીખવા મળે છે?

ઈસુએ પ્રાર્થનામાં બીજી વિનંતી કરતા શીખવ્યું: “તારૂં રાજ્ય આવો.” (માત્થી ૬:૧૦) આ પણ પહેલી વિનંતી સાથે મળતી આવે છે. મસીહી રાજ્ય, એટલે કે સ્વર્ગની સરકારથી યહોવાહ પોતાનું નામ પવિત્ર મનાવશે. તેમની એ સ્વર્ગીય સરકારના રાજા ઈસુ ખ્રિસ્ત છે. (ગીતશાસ્ત્ર ૨:૧-૯) દાનીયેલની ભવિષ્યવાણી કહે છે કે ‘પર્વતમાંથી’ એક “પથ્થર” છૂટો થશે. (દાનીયેલ ૨:૩૪, ૩૫, ૪૪, ૪૫, IBSI) યહોવાહની સત્તાને એક પર્વત સાથે સરખાવવામાં આવી છે. તેથી, આ સત્તામાંથી પથ્થર, એટલે મસીહી રાજ્ય નીકળે છે. ભવિષ્યવાણીમાં બતાવ્યા પ્રમાણે, પથ્થર “મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ઢંકાઈ ગઈ.” એ બતાવે છે કે આખી પૃથ્વી પર મસીહનું રાજ્ય પરમેશ્વરની હકૂમતથી શાસન કરશે.

પરમેશ્વરની સરકારમાં ખ્રિસ્ત સાથે ૧,૪૪,૦૦૦ રાજાઓ અને યાજકો પણ હશે. તેઓને “માણસોમાંથી ખરીદવામાં આવ્યા” છે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧-૪; ૨૦:૬) દાનીયેલના પુસ્તકમાં તેઓને “પરાત્પર ઈશ્વરના સંતો” કહેવામાં આવ્યા છે. તેઓને આગેવાન ઈસુ ખ્રિસ્ત સાથે ‘આકાશ તળેના સર્વ દેશોનો રાજ્યાધિકાર અને મહત્ત્વ આપવામાં આવશે. પ્રભુનું રાજ્ય સાર્વકાલિકનું થશે અને અધિકારીઓ તેમનું ભજન કરશે અને તેમને આધીન રહેશે.’ (દાનીયેલ ૭:૧૩, ૧૪, ૧૮, ૨૭, IBSI) સ્વર્ગમાંથી રાજ કરનાર સરકારનું કેવું સરસ વર્ણન! આ જ રાજ્ય વિષે ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું.

રાજ્ય આવવાની પ્રાર્થના કરો

૯. આપણે શા માટે પરમેશ્વરનું રાજ્ય આવે એ માટે પ્રાર્થના કરવી જોઈએ?

ઈસુએ આપણને પરમેશ્વરના આવનાર રાજ્ય વિષે પ્રાર્થના કરવાનું શીખવ્યું. બાઇબલની ભવિષ્યવાણી બતાવે છે કે મસીહનું રાજ્ય ૧૯૧૪માં સ્વર્ગમાં સ્થાપિત થઈ ચૂક્યું છે. * તો પછી, શું આજે પણ આપણે ‘રાજ્ય આવે’ એ માટે પ્રાર્થના કરવી જોઈએ? ચોક્કસ! દાનીયેલની ભવિષ્યવાણીનો પથ્થર, મસીહી રાજ્ય છે. એ રાજ્ય મોટી મૂર્તિ એટલે કે રાજકીય સરકારો સામે લડાઈ કરશે. પથ્થર મોટી મૂર્તિને ભાંગીને ચૂરેચૂરા કરી નાખશે. દાનીયેલની ભવિષ્યવાણી કહે છે: “તે [મસીહનું રાજ્ય] આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.

૧૦. આપણે શા માટે પરમેશ્વરના રાજ્યના આવવાની રાહ જોઈએ છીએ?

૧૦ પરમેશ્વરનું રાજ્ય, શેતાનની આ દુષ્ટ દુનિયાનો નાશ કરે એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. શા માટે? કેમ કે, એનાથી યહોવાહનું મહાન નામ પવિત્ર થશે અને પરમેશ્વરની સત્તાનો વિરોધ કરનારા સર્વનો નાશ થશે. આપણે વારંવાર પ્રાર્થના કરીએ છીએ: “તારૂં રાજ્ય આવો.” પ્રેષિત યોહાનની જેમ આપણે પણ પોકારીએ છીએ: “આમીન; હે પ્રભુ ઈસુ, આવ!” (પ્રકટીકરણ ૨૨:૨૦) ચોક્કસ, ઈસુ ખ્રિસ્ત આવીને યહોવાહનું નામ પવિત્ર કરશે અને તેમની સત્તા પર લગાવવામાં આવેલું લાંછન દૂર કરશે. એ સમયે, ગીતશાસ્ત્રના આ શબ્દો સાચા પડશે: “તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.”—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

“તારી ઇચ્છા પૂરી થાઓ”

૧૧, ૧૨. (ક) “આકાશમાં તેમ પૃથ્વી પર” પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય, એ માટે પ્રાર્થના કરીને આપણે શાની વિનંતી કરીએ છીએ? (ખ) યહોવાહની ઇચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરવામાં બીજી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

૧૧ એ પછી ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થનામાં આવી અરજ કરવાનું શીખવ્યું: “જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) યહોવાહની ઇચ્છાને લીધે જ આખું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું. સ્વર્ગના દૂતો પોકારે છે: “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમકે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.” (પ્રકટીકરણ ૪:૧૧) ‘સ્વર્ગમાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાં’ માટે યહોવાહનો કોઈને કોઈ હેતુ છે. (એફેસી ૧:૮-૧૦) ‘પરમેશ્વરની ઇચ્છા પૂરી થાઓ,’ એવી પ્રાર્થના કરીને આપણે યહોવાહને તેમના હેતુઓ પૂરા કરવાની વિનંતી કરીએ છીએ. એ ઉપરાંત, આપણે બતાવીએ છીએ કે પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય એની આપણે રાહ જોઈએ છીએ.

૧૨ આ પ્રમાણે પ્રાર્થના કરીને આપણે શું બતાવીએ છીએ? એ જ કે આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે જ જીવવા ઇચ્છીએ છીએ. ઈસુએ કહ્યું: “મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.” (યોહાન ૪:૩૪) ઈસુ ખ્રિસ્તની જેમ, આપણે પણ પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવામાં આનંદ માણીએ છીએ. યહોવાહ અને તેમના પુત્ર પ્રત્યેનો પ્રેમ આપણને “માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ દેવની ઇચ્છા પ્રમાણે” જીવવા પ્રેરે છે. (૧ પીતર ૪:૧, ૨; ૨ કોરીંથી ૫:૧૪, ૧૫) આમ, આપણે યહોવાહને દુઃખ પહોંચે એવાં કોઈ પણ કામોથી દૂર રહીશું. (૧ થેસ્સાલોનીકી ૪:૩-૫) બાઇબલ વાંચવા અને અભ્યાસ કરવા સમય કાઢીને આપણે ‘પ્રભુની ઇચ્છા શી છે તે સમજીશું.’ એમાં ‘રાજ્યના સુસમાચારનો’ પ્રચાર કરવાનો પણ સમાવેશ થાય છે.—એફેસી ૫:૧૫-૧૭; માત્થી ૨૪:૧૪.

સ્વર્ગમાં યહોવાહની ઇચ્છા

૧૩. શેતાને બળવો કર્યો એના લાંબા સમય પહેલાં કઈ રીતે યહોવાહની ઇચ્છા પૂરી થઈ હતી?

૧૩ યહોવાહનો એક સ્વર્ગદૂત બળવો કરીને શેતાન બન્યો એના ઘણા સમય પહેલાં, યહોવાહની ઇચ્છા, સ્વર્ગમાં પૂરી થઈ હતી. નીતિવચનો પરમેશ્વરના પ્રથમજનિત દીકરાને ડહાપણ તરીકે વર્ણવે છે. નીતિવચનો એ પણ બતાવે છે કે પરમેશ્વરના એકના એક પુત્રને પિતાની ઇચ્છા ખુશીથી પૂરી કરવામાં ‘સદા હર્ષ’ થતો હતો. આખરે તે “આકાશ અને પૃથ્વી પરની સર્વ દૃશ્ય અને અદૃશ્ય વસ્તુઓનું સર્જન” કરવામાં યહોવાહના “કુશળ કારીગર” બન્યા હતા. (નીતિવચનો ૮:૨૨-૩૧; કોલોસી ૧:૧૫-૧૭, પ્રેમસંદેશ) વધુમાં, યહોવાહ તેમના દ્વારા આપણી સાથે વાત કરતા હતા, એટલે ઈસુ “શબ્દ” તરીકે પણ ઓળખાય છે.—યોહાન ૧:૧-૩.

૧૪. ગીતશાસ્ત્ર ૧૦૩ પ્રમાણે સ્વર્ગદૂતો કઈ રીતે યહોવાહની ઇચ્છા પૂરી કરે છે અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ યહોવાહની સત્તા બધા કરતાં ચઢિયાતી છે. અસંખ્ય સ્વર્ગદૂતો તેમનાં સૂચનો અને તેમની આજ્ઞાઓ પાળે છે. બાઇબલ બતાવે છે કે, “યહોવાહે પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે. હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા, તથા તેનાં વચન સાંભળનારા તેના દૂતો, તમે યહોવાહને સ્તુત્ય માનો. હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેની ઈચ્છાને અનુસરનાર તેના સેવકો, તમે તેને સ્તુત્ય માનો. યહોવાહના રાજ્યનાં સર્વ ઠેકાણાંમાં તેનાં સૌ કૃત્યો તેને સ્તુત્ય માનો.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯-૨૨.

૧૫. ઈસુ રાજા બન્યા પછી કઈ રીતે સ્વર્ગમાં પરમેશ્વરની ઇચ્છા પૂરી થઈ?

૧૫ અયૂબના પુસ્તકમાં લખ્યું છે તેમ, શેતાન બળવો કર્યા પછી પણ સ્વર્ગમાં જતો હતો. (અયૂબ ૧:૬-૧૨; ૨:૧-૭) જોકે, પ્રકટીકરણના પુસ્તકમાં ભાખવામાં આવ્યું હતું કે એક એવો સમય આવશે જ્યારે શેતાન અને તેના જેવા બીજા બધા ખરાબ દૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવશે. વર્ષ ૧૯૧૪માં ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે, તેઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવાનો સમય આવ્યો હતો. ઈસુએ શેતાન અને બીજા બધા ખરાબ દૂતોને પૃથ્વી પર ફેંકી દીધા. એ પછી, સ્વર્ગમાં બળવો પોકારનાર કોઈ ન રહ્યું. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) આજે પણ સ્વર્ગમાં યહોવાહની સત્તાનો વિરોધ કરે એવું કોઈ જ નથી. હવે ફક્ત “હલવાન” ઈસુ ખ્રિસ્ત અને યહોવાહની સ્તુતિ કરવાનો જ અવાજ સંભળાય છે. (પ્રકટીકરણ ૪:૯-૧૧) આમ, સ્વર્ગમાં યહોવાહની ઇચ્છા પૂરી થઈ.

પૃથ્વી પર યહોવાહની ઇચ્છા

૧૬. મનુષ્યોની આશા વિષે કહેવાતા ખ્રિસ્તીઓ જે માને છે, એનાથી ઈસુની નમૂનાની પ્રાર્થના કઈ રીતે અલગ પડે છે?

૧૬ કહેવાતા ખ્રિસ્તીઓ દાવો કરે છે કે સર્વ સારા લોકો સ્વર્ગમાં જશે. તેથી, તેઓએ પરમેશ્વરના હેતુમાંથી પૃથ્વીને કાઢી નાખી છે. પરંતુ, ઈસુએ આપણને આમ પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) પરંતુ, આજે જ્યાં જુઓ ત્યાં દુનિયામાં હિંસા, અન્યાય, બીમારી અને મરણ છવાયેલા છે. એ જોઈને શું એમ કહી શકાય કે પૃથ્વી પર યહોવાહની ઇચ્છા પૂરી થઈ છે? બિલકુલ નહીં! તો પછી, આપણે પૂરા દિલથી પ્રાર્થના કરવી જોઈએ કે પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય. એમ કરવા આપણે પ્રેષિત પીતરના આ શબ્દો પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ [ઈસુનું રાજ્ય] તથા નવી પૃથ્વી [યહોવાહના ભક્તોથી ભરેલી નવી દુનિયા] જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”—૨ પીતર ૩:૧૩.

૧૭. પૃથ્વી માટે યહોવાહનો હેતુ શું છે?

૧૭ યહોવાહે એક ખાસ હેતુથી પૃથ્વી બનાવી હતી. તેમણે પ્રબોધક યશાયાહને લખવા પ્રેર્યા: “આકાશોને ઉત્પન્‍ન કરનાર યહોવાહ તેજ દેવ છે; પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારૂં એને ઉત્પન્‍ન કરી નથી, તેણે વસ્તીને સારૂં તેને બનાવી; તે એવું કહે છે, કે હું યહોવાહ છું; અને બીજો કોઈ નથી.” (યશાયાહ ૪૫:૧૮) પરમેશ્વરે પ્રથમ માનવ યુગલને સુંદર બાગમાં રાખીને તેઓને આશીર્વાદ દીધો કે, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.” (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; ૨:૧૫) ચોક્કસ, યહોવાહ પરમેશ્વરનો એ હેતુ છે કે આખી પૃથ્વી પર ન્યાયી માનવીઓ વસે અને તેઓ ખુશીથી તેમની સત્તાને આધીન રહે. તેમ જ, ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે તેઓ હંમેશ માટે સુખચેનમાં પૃથ્વી પર જીવનનો આનંદ માણે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; લુક ૨૩:૪૩.

૧૮, ૧૯. (ક) પૃથ્વી પર પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય એ પહેલાં શું થવું જોઈએ? (ખ) આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ યહોવાહની સત્તાનો વિરોધ કરનારા માનવીઓ હશે ત્યાં સુધી, પૃથ્વી માટેનો તેમનો હેતુ પૂરો થશે નહિ. તેથી, ખ્રિસ્તની આગેવાની હેઠળ સ્વર્ગદૂતો દ્વારા પરમેશ્વર ‘પૃથ્વીનો નાશ કરનારાઓનો નાશ કરશે.’ હા, જૂઠા ધર્મો, ભ્રષ્ટ રાજકારણીઓ, લોભી અને બેઇમાન વેપારીઓ અને વિનાશ વેરતા લશ્કરોને યહોવાહ જડમૂળમાંથી કાઢી નાખશે. આમ, શેતાનની આખી વ્યવસ્થાનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. (પ્રકટીકરણ ૧૧:૧૮; ૧૮:૨૧; ૧૯:૧, ૨, ૧૧-૧૮) યહોવાહની સત્તા પરથી લાંછન દૂર કરીને તેમનું નામ પવિત્ર મનાવવામાં આવશે. આ બધા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ: “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.

૧૯ જોકે, ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં એમ પણ શીખવ્યું હતું કે આપણે પોતાની જીવન જરૂરિયાત વિષે પણ પ્રાર્થના કરી શકીએ છીએ. એ વિષે આપણે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ જુઓ.

યાદ કરો

• શા માટે આપણે યહોવાહને “આપણા પિતા” કહીને પ્રાર્થના કરી શકીએ?

• યહોવાહનું નામ પવિત્ર થાય એવી પ્રાર્થના કરવી શા માટે જરૂરી છે?

• આપણે શા માટે પરમેશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરવી જોઈએ?

• સ્વર્ગની જેમ પૃથ્વી પર પણ પરમેશ્વરની ઇચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરવાનો શું અર્થ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

ઈસુ અને ફરોશીઓએ શીખવેલી પ્રાર્થના વચ્ચે કેટલો મોટો તફાવત!

[પાન ૧૦ પર ચિત્ર]

પરમેશ્વરનું રાજ્ય આવે, તેમનું નામ પવિત્ર થાય અને તેમની ઇચ્છા પૂરી થાય એ માટે ખ્રિસ્તીઓ પ્રાર્થના કરે છે