સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોશુઆના મુખ્ય વિચારો

યહોશુઆના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યહોશુઆના મુખ્ય વિચારો

ઈસ્રાએલીઓએ ઈ.સ.પૂર્વે ૧૪૭૩માં મોઆબના મેદાનોમાં છાવણી નાખી હતી. એ સમયે તેઓને યહોશુઆના આ શબ્દોથી કેટલું ઉત્તેજન મળ્યું હશે! તેમણે કહ્યું: “તમે તમારે સારૂ સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારો દેવ યહોવાહ તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યરદન ઊતરીને ત્યાં જવાનું છે.” (યહોશુઆ ૧:૧૧) તેઓ ચાળીસ વર્ષથી જે અરણ્યમાં રખડતા હતા એનો હવે અંત આવવાનો હતો.

એના લગભગ વીસેક વર્ષ પછી, યહોશુઆ કનાન દેશની વચ્ચે ઊભા થઈને ઈસ્રાએલીઓના મુખ્ય અધિકારીઓને બોલાવીને કહે છે: “જુઓ, બાકી રહેલી દેશજાતિઓનો ને જે દેશજાતિઓને મેં નાબૂદ કરી તે સર્વનો દેશ, યરદનથી માંડીને છેક આથમણી તરફના મોટા સમુદ્ર સુધી, મેં તમને તમારાં કુળોને વતનને સારૂ વહેંચી આપ્યો છે. યહોવાહ તમારો દેવ પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દૃષ્ટિથી દૂર કરશે; અને તમારા દેવ યહોવાહે તમને કહ્યું હતું તેમ, તમે તેઓનો દેશ કબજામાં લેશો.”—યહોશુઆ ૨૩:૪, ૫.

યહોશુઆએ આ પુસ્તક ઈ.સ. પૂર્વે ૧૪૫૦માં લખ્યું. એમાં એ ૨૨ વર્ષોમાં જે કંઈ બન્યું એનો અહેવાલ લખ્યો છે. ઈસ્રાએલીઓ વચનના દેશનો કબજો લેવાને તૈયાર હતા એમ, આજે આપણે પણ વચન આપેલી નવી દુનિયાના ઉંબરે આવીને ઊભા છીએ. તેથી, ચાલો આપણે યહોશુઆના પુસ્તકને ધ્યાન આપીએ.—હેબ્રી ૪:૧૨.

“યરેખોના મેદાનમાં”

(યહોશુઆ ૧:૧-૫:૧૫)

યહોવાહ યહોશુઆને કહે છે: “મારો સેવક મુસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઈસ્રાએલપુત્રોને, આપું છું તેમાં આ યરદન ઊતરીને જાઓ.” (યહોશુઆ ૧:૨) કેટલી મોટી જવાબદારી! યહોશુઆને લાખો લોકોના એક રાષ્ટ્રને વચનના દેશમાં લઈ જવાના હતા. તેમણે એ દેશમાં જવા તૈયારી કરવા માંડી. સૌ પ્રથમ તે બે જાસૂસોને યરેખોમાં મોકલે છે કે જેના પર સૌથી પહેલી ચઢાઈ કરવાની હતી. એ શહેરમાં રાહાબ નામની વેશ્યા પણ રહેતી હતી. યહોવાહે પોતાના લોકો માટે કરેલા અદ્‍ભુત કાર્યો વિષે તેણે સાંભળ્યું હતું. આથી, તે બે જાસૂસોનું રક્ષણ કરીને તેમને મદદ કરે છે. જાસૂસોએ પણ તેને વચન આપ્યું કે તેને બચાવીને વચનના દેશમાં લઈ જવામાં આવશે.

જાસૂસો પાછા ફર્યા પછી, યહોશુઆ અને લોકો આગળ વધવા અને યરદન નદી પાર કરવા તૈયાર થાય છે. નદીમાં પૂર આવ્યું હોવા છતાં, તેઓ આગળ વધતા અટક્યા નહિ. કેમ કે, યહોવાહે નદીના પાણીને વચ્ચેથી અલગ પાડી એક બાજુના ભાગને બંધ જેવું બનાવી દીધું અને બીજી બાજુના પાણીને મૃત સમુદ્રમાં વહેવડાવી દીધું. આમ, એક બાજુ પાણી ઓસરી ગયા પછી ઈસ્રાએલીઓએ સહેલાયથી યરદન નદી પાર કરી. પછી, ઈસ્રાએલીઓએ યરેખો નજીક આવેલા ગિલ્ગાલમાં છાવણી નાખી. ચાર દિવસ પછી, અબીબ માસના ૧૪મા દિવસની સાંજે, તેઓએ યરેખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું. (યહોશુઆ ૫:૧૦) બીજા દિવસથી, તેઓએ એ દેશમાં જ પાકેલું અનાજ ખાવાનું શરૂ કર્યું. અને આકાશમાંથી માન્‍ના પડવાનું બંધ થયું. આ સમય દરમિયાન, યહોશુઆએ અરણ્યમાં જન્મેલા દરેક નાનાં-મોટાં પુરુષોની સુન્‍નત કરી.

સવાલ-જવાબ:

૨:૪, ૫—જાસૂસોને શોધી રહેલા રાજાના માણસોને શા માટે રાહાબે બીજા રસ્તે દોર્યા? રાહાબે પોતાના જીવના જોખમે પણ જાસૂસોનું રક્ષણ કર્યું. કારણ કે તે ધીમે ધીમે યહોવાહમાં ભરોસો કરવા લાગી હતી. વધુમાં, રાજાના માણસો પરમેશ્વરના લોકોને નુકસાન પહોંચાડવા માંગતા હતા. તેથી, રાબાહે તેઓને આ જાસૂસો વિષે જણાવવું જ જોઈએ એ કંઈ જરૂરી ન હતું. (માત્થી ૭:૬; ૨૧:૨૩-૨૭; યોહાન ૭:૩-૧૦) રાહાબે રાજાના માણસોને બીજા રસ્તેથી બહાર મોકલ્યા ત્યારે પણ તેને તેના કામોને લીધે “ન્યાયી ઠરાવવામાં” આવી.—યાકૂબ ૨:૨૪-૨૬.

૫:૧૪, ૧૫—“યહોવાહના સૈન્યના સરદાર” કોણ હતા? યહોશુઆ વચનના દેશનો કબજો લેવાની શરૂઆત કરે છે ત્યારે તેમને દૃઢ કરવા આવેલા સરદાર, બીજું કોઈ નહિ પણ “શબ્દ” હોય છે. એ પૃથ્વી પર આવ્યા પહેલાં સ્વર્ગમાં અસ્તિત્વ ધરાવતા ઈસુ ખ્રિસ્ત હતા. (યોહાન ૧:૧; દાનીયેલ ૧૦:૧૩) આજે, શેતાન આપણી સાથે લડી રહ્યો છે. તે યહોવાહમાં આપણી શ્રદ્ધા તોડવાની કોશિશ કરે છે. પરંતુ આપણને એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે રાજા બનેલા ઈસુ ખ્રિસ્ત પોતે આપણને શક્તિ આપે છે!

આપણે શું શીખી શકીએ?

૧:૭-૯. પરમેશ્વર સાથે આપણો સંબંધ ગાઢ કરવા આપણે નિયમિત બાઇબલ વાંચીએ, એમાં જે કહેવામાં આવ્યું છે એના પર મનન કરીએ, તેમ જ એમાંથી જે કંઈ શીખીએ એને જીવનમાં અમલમાં મૂકીએ એ ખૂબ મહત્ત્વનું છે.

૧:૧૧. યહોશુઆએ લોકોને ખોરાક અને બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ તૈયાર કરવાનું કહ્યું. આમ, તેઓએ આળસુ બનીને પરમેશ્વર તરફ મીટ માંડવાની ન હતી. એવી જ રીતે, ઈસુએ પણ સલાહ આપી કે જીવનની જરૂરિયાતો માટે ચિંતા કરવાનું છોડી દો. તેમણે વચન આપ્યું કે “બધાં વાનાં પણ તમને અપાશે.” ત્યારે તેમના કહેવાનો અર્થ એમ ન હતો કે, આપણે હાથ-પગ જોડીને બેસી રહીએ ને પરમેશ્વર આપણું પૂરું કરશે.—માત્થી ૬:૨૫, ૩૩.

૨:૪-૧૩. યહોવાહે કરેલાં અદ્‍ભુત કાર્યો વિષે સાંભળીને તેમ જ કટોકટીના સમયને ધ્યાનમાં રાખીને, રાહાબે યહોવાહના ઉપાસકોને મદદ કરવાનો નિર્ણય લીધો. જો તમે કેટલાક સમયથી બાઇબલ અભ્યાસ કરતા હોવ અને અનુભવતા હોવ કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યાં છીએ તો, શું તમારે પરમેશ્વર યહોવાહની સેવા કરવાનો નિર્ણય ન લેવો જોઈએ?—૨ તીમોથી ૩:૧.

૩:૧૫. યરેખોમાં મોકલેલા જાસૂસો તરફથી સારા સમાચાર સાંભળીને, યહોશુઆ યરદન નદીના પાણી ઓસરે એની રાહ જોયા વગર ઝડપથી પગલાં લે છે. સાચી ઉપાસનાને લગતી બાબતમાં પગલાં લેવાનો સમય આવે ત્યારે, આપણે પણ હિંમતથી તરત જ આગળ વધવું જોઈએ. સંજોગો સારા થાય ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ.

૪:૪-૮, ૨૦-૨૪. યરદન નદીના કિનારેથી ૧૨ પથ્થરો લેવામાં આવ્યા કે જે ઈસ્રાએલીઓ માટે યાદગારી તરીકે હતા. આજે યહોવાહ પોતાના લોકોને દુશ્મનોના હાથમાંથી છોડાવે છે એ પણ યાદગીરી તરીકે બતાવે છે કે તે તેઓની સાથે છે.

વિજય પર વિજય

(યહોશુઆ ૬:૧-૧૨:૨૪)

યરેખો શહેર “સમૂળગું બંધ કરી દેવામાં આવ્યું હતું; કોઈ તેની બહાર આવતું નહિ, તેમ જ કોઇ માંહે જતું નહિ.” (યહોશુઆ ૬:૧) તો પછી, કઈ રીતે એ શહેરને જીતી લેવામાં આવ્યું? યહોવાહ યહોશુઆને એક યુક્તિ બતાવે છે. એના લીધે, જલદી જ દીવાલો પડી ભાંગે છે અને શહેરનો નાશ થાય છે. ફક્ત રાહાબ અને તેના ઘરના લોકો જ બચી જાય છે.

ત્યાર પછી, ઈસ્રાએલીઓએ સમૃદ્ધ શહેર આયને જીતી લીધું. જાસૂસો ખબર આપે છે કે શહેરમાં થોડા જ લોકો રહેતા હોવાથી મોટા સૈન્ય સાથે ચઢાઈ કરવાની જરૂર નથી. તેમ છતાં, લગભગ ૩,૦૦૦ સૈનિકોએ આ શહેર પર ચઢાઈ કરી. પરંતુ, તેઓએ આયના લોકોથી ભાગવું પડ્યું. શા માટે? કેમ કે યહોવાહ ઈસ્રાએલીઓની સાથે ન હતા. ઈસ્રાએલીઓએ યરેખો જીતી લીધું ત્યારે, યહુદાહ કુળના આખાને પાપ કર્યું હતું. આ બાબતોને થાળે પાડ્યા પછી, યહોશુઆ ફરીથી આય પર ચઢાઈ કરે છે. ઈસ્રાએલીઓને એક વાર હરાવ્યા પછી, આયનો રાજા ફરીથી તેઓ સાથે લડાઈ કરવા ઉત્સુક હતો. આયના લોકોને એમ જ હતું કે જીત તેઓની જ છે. એનો ફાયદો ઉઠાવીને યહોશુઆ એક યુક્તિ લડાવી ને શહેરનો કબજો કરી લે છે.

“ગિબઓન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા.” (યહોશુઆ ૧૦:૨) તેઓએ સાંભળ્યું કે ઈસ્રાએલીઓએ યરેખો અને આય પર વિજય મેળવ્યો છે. તેથી, ગિબઓનના માણસોએ ચાલાકીથી યહોશુઆ સાથે શાંતિનો કરાર કર્યો. પણ આસપાસના રાષ્ટ્રો આ રીતની ચાલાકીને પોતાના માટે ધમકીરૂપ ગણવા લાગ્યા. તેથી આસપાસના દેશોના પાંચ રાજાઓએ સંધિ કરીને ગિબઓન પર હુમલો કર્યો. પણ ઈસ્રાએલીઓ ગિબઓનની મદદે આવ્યા અને પાંચ રાજાઓને હરાવી દીધા. યહોશુઆની આગેવાની હેઠળ ઈસ્રાએલીઓએ દક્ષિણ અને પશ્ચિમના શહેરો તેમ જ ઉત્તરના સંધિ કરેલા રાજાઓને પણ હરાવ્યા. તેઓએ યરદનની પશ્ચિમે ૩૧ રાજાઓને હરાવ્યા હતા.

સવાલ-જવાબ:

૧૦:૧૩—આવો ચમત્કાર કઈ રીતે થઈ શકે? આકાશ અને પૃથ્વીને બનાવનાર, “યહોવાહને શું કંઈ અશક્ય છે?” (ઉત્પત્તિ ૧૮:૧૪) જો પરમેશ્વર યહોવાહ ઇચ્છે તો, તે પૃથ્વીના પરિભ્રમણને પણ રોકી શકે છે. જો એમ થયું હોય તો, પૃથ્વી પર રહેનારાઓને સૂર્ય અને ચંદ્ર એક જ જગ્યાએ સ્થિર દેખાયા હશે. અથવા તેમણે પૃથ્વી અને ચંદ્રના પરિભ્રમણને અટકાવ્યા વગર સૂર્ય અને ચંદ્રના કિરણોને એ રીતે વાળ્યા હોય શકે કે જેનાથી પૃથ્વી પર સતત પ્રકાશ રેલાતો રહે. ભલે ગમે તે હોય, પરંતુ મનુષ્ય ઇતિહાસમાં, ‘તે દિવસના જેવો એક પણ દિવસ થયો નથી.’—યહોશુઆ ૧૦:૧૪.

૧૦:૧૩—યાસારનું પુસ્તક શું છે? બીજો શમૂએલ ૧:૧૮માં આ પુસ્તકના નામનો ફરી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ કલમમાં “ધનુષ્ય” નામના ગીતનો પણ ઉલ્લેખ છે. આ ગીત ઈસ્રાએલના રાજા શાઊલ અને તેમના દીકરા યોનાથાન માટે ઘેરો શોક વ્યક્ત કરવા રચવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં હેબ્રીઓમાં બહુ પ્રખ્યાત ઐતિહાસિક બનાવના ગીતો અને કવિતાઓ લખવામાં આવ્યા હોય શકે.

આપણે શું શીખી શકીએ?

૬:૨૬; ૯:૨૨, ૨૩. યહોશુઆએ યરેખોના વિનાશ સમયે ભાખેલી ભવિષ્યવાણી એના ૫૦૦ વર્ષ પછી પૂરી થઈ. (૧ રાજાઓ ૧૬:૩૪) નૂહે પોતાના પૌત્ર કનાનને આપેલો શાપ ગિબઓનના રહેવાસીઓ દાસ થયા ત્યારે સાચો પડ્યો. (ઉત્પત્તિ ૯:૨૫, ૨૬) યહોવાહના શબ્દો હંમેશાં સાચા પડે છે.

૭:૨૦-૨૫. કેટલાક લોકો આખાનની ચોરીને સામાન્ય ગણીને કહી શકે કે એનાથી કોઈને નુકસાન તો નથી થયું ને. તેઓ બાઇબલ નિયમ વિરુદ્ધના નાના નાના ગુના અને ચોરીને સામાન્ય ગણી શકે. પરંતુ, આપણે એને સામાન્ય ન ગણતા યહોશુઆની જેમ ગેરકાનૂની અને અનૈતિક કાર્યો પ્રત્યે મક્કમ વલણ રાખવું જોઈએ.

૯:૧૫, ૨૬, ૨૭. આપણે જે કરાર કરીએ એને ગંભીરતાથી લેવો જોઈએ તેમ જ આપણા શબ્દો પાળવા જોઈએ.

યહોશુઆનું છેલ્લું મહત્ત્વનું કાર્ય

(યહોશુઆ ૧૩:૧-૨૪:૩૩)

નેવું વર્ષની ઉંમરે યહોશુઆ જમીનની વહેંચણીનું કામ ઉપાડે છે. ખરેખર કેટલું મોટું કામ! રેઉબેન, ગાદ અને મનાશ્શેહના અડધા કુળે યરદનની પૂર્વે પોતાનો હિસ્સો મેળવી લીધો હતો. બાકીના કુળોને હવે પશ્ચિમની બાજુએ ભાગ આપવાનો હતો.

એફ્રાઇમના વિસ્તારમાં શિલોહમાં મુલાકાતમંડપ આવેલો છે. કાબેલ હેબ્રોન શહેર અને યહોશુઆ તિમ્નાથ-સેરાહ મેળવે છે. લેવીઓને ૪૮ શહેરો આપવામાં આવ્યા કે જેમાં ૬ આશ્રયનગરો પણ આવી જતા હતા. યરદન નદીને પૂર્વે રેઉબેન, ગાદ અને મનાશ્શેહના અડધા કૂળે “દૂરથી દેખાય એવી મોટી” એક વેદી બનાવી. (યહોશુઆ ૨૨:૧૦) પરંતુ, યરદન નદીના પશ્ચિમના કુળોએ એને ધર્મભ્રષ્ટ ગણ્યું. એના લીધે અંદરોઅંદર લડાઈ ફાટી નીકળવાની તૈયારીમાં જ હતી પરંતુ શાંતિથી વાતચીત કર્યા પછી લોહીની ધારાઓ વહેતા અટકી.

થોડો સમય તિમ્નાથ-સેરાહમાં રહ્યા પછી યહોશુઆએ વડીલો, કુટુંબવડાઓ, ન્યાયાધીશો અને ઈસ્રાએલના અધિકારીઓને ભેગા કર્યા. પછી તેઓને યહોવાહને વફાદાર રહેવાનું તથા હિંમતવાન થવાનું ઉત્તેજન આપ્યું. ત્યાર પછી, યહોશુઆએ ઈસ્રાએલના સર્વ કુળોને શેખેમમાં બોલાવીને યાદ અપાવ્યું કે યહોવાહે ઈબ્રાહીમથી માંડીને અત્યાર સુધી કઈ રીતે ઈસ્રાએલીઓ સાથે વ્યવહાર કર્યો છે. પછી તેમણે ફરી તેઓને સલાહ આપી કે, “યહોવાહનું ભય રાખો, ને પ્રામાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો.” લોકોએ જવાબમાં કહ્યું: “આપણા દેવ યહોવાહની જ સેવા અમે કરીશું, ને તેની જ વાણી અમે સાંભળીશું.” (યહોશુઆ ૨૪:૧૪, ૧૫, ૨૪) પછી ૧૧૦ વર્ષની ઉંમરે યહોશુઆ મરણ પામ્યા.

સવાલ-જવાબ:

૧૩:૧—શું આ કલમ યહોશુઆ ૧૧:૨૩ની વિરુદ્ધમાં હોય એમ નથી લાગતી? ના, ઈસ્રાએલીઓએ વચનના દેશનો બે રીતે કબજો મેળવ્યો હતો. સૌથી પહેલાં યહોશુઆએ કનાન દેશના ૩૧ રાજાઓને યુદ્ધમાં હરાવીને દેશ તાબે કરી લીધો. આમ, દેશની પૂરી તાકાતને હલાવી દીધી. પરંતુ બીજી બાજુ, એ દેશ પર પૂરી રીતે કબજો કરવાનો હતો. કેમ કે એમાં હજુ પણ કેટલાક લોકો રહેતા હતા. (યહોશુઆ ૧૭:૧૪-૧૮; ૧૮:૩) જોકે ઈસ્રાએલીઓ બધા કનાનીઓને ત્યાંથી હાંકી કાઢી શક્યા નહિ. પરંતુ જેઓ દેશમાં રહી ગયા તેઓ ઈસ્રાએલીઓ માટે જરાય ધમકીરૂપ ન હતા. (યહોશુઆ ૧૬:૧૦; ૧૭:૧૨) યહોશુઆ ૨૧:૪૪ બતાવે છે: “[યહોવાહે] તેઓને ચારે તરફ શાંતિ આપી.”

૨૪:૨—શું ઈબ્રાહીમના પિતા તેરાહ મૂર્તિપૂજક હતા? શરૂઆતમાં તેરાહ યહોવાહના ઉપાસક ન હતા. તે સીન નામના ચંદ્રદેવના ઉપાસક હોય શકે. આ દેવ ઉરમાં બહુ પ્રખ્યાત હતો. યહુદી પરંપરા પ્રમાણે, તેરાહ મૂર્તિ બનાવનાર હોય શકે. તેમ છતાં, ઈબ્રાહીમે પરમેશ્વરની આજ્ઞાથી ઉર છોડ્યું ત્યારે, તેરાહ પણ તેમની સાથે હારાન ગયા હતા.—ઉત્પત્તિ ૧૧:૩૧.

આપણે શું શીખી શકીએ?

૧૪:૧૦-૧૩. કાલેબે ૮૫ વર્ષની મોટી વયે પણ હેબ્રાનના રહેવાસીઓને ત્યાંથી હાંકી કાઢવાનું કપરું કામ ઉપાડી લીધું. આ વિસ્તારમાં ખાસ કરીને અનાકપુત્રો રહેતા હતા કે જેઓ કદાવર અને ઊંચા હતા. પણ યહોવાહની મદદથી, આ અનુભવી લડવૈયાઓએ તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા. અને હેબ્રોન આશ્રયનગર બન્યું. (યહોશુઆ ૧૫:૧૩-૧૯; ૨૧:૧૧-૧૩) કાલેબનું ઉદાહરણ આપણને ઉત્તેજન આપે છે કે કોઈ પણ મુશ્કેલ દેવશાહી સોંપણીથી ગભરાઈ જવું ન જોઈએ.

૨૨:૯-૧૨, ૨૧-૩૩. બીજાઓ જે કંઈ કરે છે એનું ખરું કારણ જાણ્યા વગર આપણે તેઓનો ન્યાય ન કરવો જોઈએ.

“એકે નિષ્ફળ ગયું નથી”

યહોશુઆએ પાકટ વયે ઈસ્રાએલના વડીલોને કહ્યું: “જે સારાં વચનો તમારા દેવ યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે.” (યહોશુઆ ૨૩:૧૪) યહોશુઆનો ઐતિહાસિક અહેવાલ કેવી વિવિધ રીતોએ આ જણાવે છે!

પ્રેષિત પાઊલે લખ્યું: “કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) આપણે પાકી ખાતરી રાખીએ કે પરમેશ્વર તેમના વચનો જરૂર પાળશે. તેમનું એક પણ વચન નિષ્ફળ નહિ જાય; એ સર્વ પૂરાં થશે જ.

[પાન ૧૦ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

યહોશુઆની આગેવાની હેઠળ ઈસ્રાએલીઓએ જીતેલો પ્રદેશ

અસાબાહ

બાશાન

ગિલઆદ

નેગેબ

ખાર સમુદ્ર

દોર

યાબ્બખની ખીણ

આનનની ખીણ

હેફેર

અફેક

મગિદ્દો

કેદેશ

તાએનાખ

યોકનઆમ

ગેઝેર

એગ્લોન

હાસોર

માદોન

લાશ્શારોન

તિર્સાહ

તાપ્પૂઆહ

માક્કેદાહ

યાર્મૂથ

લિબ્નાહ

લાખીશ

બેથેલ

આય

અદુલ્લામ

ગિલ્ગાલ

યરેખો

યરૂશાલેમ

હેબ્રોન

દબીર

અરાદ

શિમ્રોન

યરદન નદી

[પાન ૯ પર ચિત્ર]

શું તમે જાણો છો કે શા માટે રાહાબ વેશ્યાને ન્યાયી જાહેર કરવામાં આવી?

[પાન ૧૦ પર ચિત્ર]

યહોશુઆએ ઈસ્રાએલીઓને સલાહ આપી કે, ‘યહોવાહનું ભય રાખો, ને તેમની સેવા કરો’

[પાન ૧૨ પર ચિત્ર]

આખાનની ચોરી કંઈ નાની સૂની ભૂલ ન હતી; એનું બહુ જ ગંભીર પરિણામ આવ્યું

[પાન ૧૨ પર ચિત્ર]

‘વિશ્વાસથી યરેખોનો કોટ જમીનદોસ્ત થયો.’—હેબ્રી ૧૧:૩૦