સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભક્તિ કરવા પુષ્કળ લોકો ઉમંગથી ચાલ્યા આવે છે

યહોવાહની ભક્તિ કરવા પુષ્કળ લોકો ઉમંગથી ચાલ્યા આવે છે

‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’

યહોવાહની ભક્તિ કરવા પુષ્કળ લોકો ઉમંગથી ચાલ્યા આવે છે

આપણા સમય વિષે બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું કે સર્વ પ્રજાના લોકો યહોવાહની શુદ્ધ ભક્તિ કરવા ઊમટી પડશે. દાખલા તરીકે, ઈશ્વરભક્ત હાગ્ગાય દ્વારા યહોવાહ પરમેશ્વરે જાહેર કર્યું: “હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, એવું સૈન્યોનો દેવ યહોવાહ કહે છે.” (હાગ્ગાય ૨:૭) યશાયાહ અને મીખાહે પણ આપણા સમય વિષે ભાખ્યું હતું કે “છેલ્લા કાળમાં” સર્વ પ્રજા ને દેશના લોકો યહોવાહને પસંદ હોય એ રીતે તેમની ભક્તિ કરશે.—યશાયાહ ૨:૨-૪; મીખાહ ૪:૧-૪.

શું આજે આ ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે? આ પુરાવાઓનો જ વિચાર કરો. છેલ્લા દસ વર્ષમાં ૨૩૦થી વધારે દેશોમાં ૩૧,૧૦,૦૦૦ કરતાં વધારે લોકોએ યહોવાહને સમર્પણ કર્યું છે. આજે આખી દુનિયામાં યહોવાહની સેવા કરી રહેલા દસમાંથી છ જણા છેલ્લા દાયકામાં જ બાપ્તિસ્મા પામ્યા છે. વર્ષ ૨૦૦૪માં સરેરાશ દર બે મિનિટે એક નવી વ્યક્તિ યહોવાહને સમર્પણ કરીને ખ્રિસ્તી મંડળમાં જોડાઈ હતી! *

પ્રથમ સદીની જેમ આજે પણ ‘ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા છે.’ જોકે, સંખ્યામાં થઈ રહેલો વધારો જ કંઈ પરમેશ્વરના આશીર્વાદની સાબિતી નથી. પરંતુ, તે એ ખાતરી આપે છે કે “પ્રભુનો [યહોવાહનો] હાથ” તેમના લોકો પર છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૧) શા માટે લાખો લોકો યહોવાહની ભક્તિ કરવા પ્રેરાય છે? એનાથી તમારા પર કેવી અસર પડે છે?

નેકદિલ લોકો પરમેશ્વરની ભક્તિ કરવા પ્રેરાય છે

ઈસુએ સાફ જણાવ્યું હતું: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) તેથી, ‘અનંતજીવનને સારૂ નિર્માણ થએલા’ લોકોને યહોવાહ પોતાની તરફ ખેંચે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) પરમેશ્વરનો પવિત્ર આત્મા લોકોને ઈશ્વરભક્તિની તેઓની ભૂખ સંતોષવા મદદ કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪) જ્યારે બીજાઓ મન ડંખતું હોવાથી, નિરાશ થવાથી, કે પછી અચાનક આપત્તિ આવી પડી હોવાથી પણ પરમેશ્વરને શોધતા હોય શકે. આ રીતે તેઓ શીખે છે કે પરમેશ્વરનો માણસજાત માટે શું હેતુ છે.—માર્ક ૭:૨૬-૩૦; લુક ૧૯:૨-૧૦.

ઘણા લોકો જોઈ શક્યા છે કે ખ્રિસ્તી મંડળોના બાઇબલ શિક્ષણ કાર્યક્રમમાં તેઓને વર્ષોથી મૂંઝવતા સવાલોના જવાબ મળતા હોય છે. એટલે તેઓ યહોવાહની ભક્તિ કરવા ખેંચાઈ આવે છે.

ઈટાલીમાં નશીલા ડ્રગ્સનો વેપાર કરતો ડેવિડ હંમેશા એક સવાલથી મૂંઝાતો હતો: ‘જો પરમેશ્વર હોય તો, શા માટે આટલો બધો અન્યાય અને દુઃખો ચાલી રહ્યાં છે?’ જોકે તેને ધર્મમાં કંઈ રસ ન હતો છતાં, તેણે ફક્ત દલીલ કરવા આ પ્રશ્ન એક સાક્ષીને પૂછ્યો. તે કહે છે, “મને હતું કે તેઓ મને સંતોષ થાય એવો જવાબ આપી શકશે નહિ. પણ મારી સાથે વાત કરનાર સાક્ષી ભાઈએ બહુ ધીરજથી મને જવાબ આપ્યો. તેમણે જે કંઈ કહ્યું એ બાઇબલમાંથી જ બતાવ્યું. એ વાતચીત મારા દિલને અસર કરી ગઈ.” એ પછી ડેવિડે પોતાના જીવનમાં સુધારો કર્યો અને આજે તે યહોવાહની સેવા કરે છે.

અમુક લોકો જીવનનો મકસદ શોધે છે ત્યારે છેવટે યહોવાહના સંગઠન તરફ ખેંચાઈ આવે છે. ઝાગ્રેબ, ક્રોએશિયાની એક મનોચિકિત્સક પોતે માનસિક બીમારીથી પીડાતી હતી. છેવટે તે એક જાણીતા મનોચિકિત્સકને મળવા ગઈ. એ ડૉક્ટરે તેને ઝાગ્રેબની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસનો ફોન નંબર અને તે જાણતા હતા એ સાક્ષીઓના નામ પણ આપ્યા ત્યારે તેને ઘણું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું: “મને લાગે છે કે આ લોકો તને મદદ કરી શકશે. જો હું તને ચર્ચમાં જવાનું કહું તો, ત્યાં તને નિર્જિવ મૂર્તિઓ જ જોવા મળશે. કોઈ સાંભળનાર કે બોલનાર નહિ મળે. ત્યાં તો ધાર્મિક અંધકાર છવાયેલો છે. મને નથી લાગતું કે ચર્ચ તને મદદ કરી શકશે. મેં મારા બીજા દર્દીઓને પણ યહોવાહના સાક્ષીઓ પાસે મોકલ્યા છે. મને લાગે છે કે તું પણ ત્યાં જઈશ તો તારો સૌથી સારો ઇલાજ થશે.” પછી યહોવાહના સાક્ષીઓના એક યુગલે ખુશી ખુશી એ સ્ત્રીની મુલાકાત લીધી અને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. થોડાં અઠવાડિયાં પછી એ ડૉક્ટરે ખુશી ખુશી કહ્યું કે પરમેશ્વરના મકસદ વિષે જાણીને તેને પોતાના જીવનનો હેતુ મળ્યો છે.—સભાશિક્ષક ૧૨:૧૩.

ઘણા લોકોએ અનુભવ્યું છે કે તેઓના જીવનમાં કોઈ કરૂણ ઘટના બને છે ત્યારે ફક્ત બાઇબલનું સત્ય જ તેઓને ખરો દિલાસો આપે છે. ગ્રીસમાં સાત વર્ષનો નાનકડો છોકરો સ્કૂલના ધાબાં પરથી પડી જવાથી ગુજરી ગયો. થોડા મહિનાઓ પછી, બે સાક્ષીઓ તેની માને મળ્યા. તેઓએ સજીવન થવાની આશા વિષે ચર્ચા કરીને તેને દિલાસો આપ્યો. (યોહાન ૫:૨૮, ૨૯) એ સાંભળીને તે સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. બહેનોએ પૂછ્યું: “જો તમે બાઇબલમાંથી વધારે જાણવા ચાહતા હોવ તો, અમે ક્યારે પાછા આવીએ?” સ્ત્રીએ કહ્યું, “અત્યારે જ.” તે સાક્ષીઓને ઘરમાં લઈ ગઈ અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. આજે એ સ્ત્રી પોતાના કુટુંબ સાથે યહોવાહની સેવા કરે છે.

શું તમે ભાગ લો છો?

આ અનુભવો બતાવે છે કે દુનિયામાં શું બની રહ્યું છે. યહોવાહ દુનિયાભરના પોતાના ભક્તોનાં ટોળાંને એક કરીને શીખવી રહ્યાં છે. આ દેશ-વિદેશના લોકોને કેવી ભવ્ય આશા છે! તેઓ આ દુષ્ટ જગતના અંતમાંથી બચી જઈને ન્યાયી નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા રાખે છે.—૨ પીતર ૩:૧૩.

યહોવાહના આશીર્વાદથી મોટા પાયા પર લોકોને એકઠા કરવાનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને જલદી જ પૂરું થવાનું છે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧; માત્થી ૨૪:૩, ૧૪) શું તમે પૂરી હોંશથી રાજ્યના પ્રચાર કામમાં ભાગ લો છો? જો તમે લેતા હોવ તો, પૂરી ખાતરી રાખો કે પરમેશ્વર તમારી સાથે છે અને તમે પણ ગીતકર્તાની જેમ કહી શકશો: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૫નું કેલેન્ડરમાં સપ્ટેમ્બર/ઑક્ટોબર જુઓ.

[પાન ૯ પર બ્લર્બ]

“મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” —યોહાન ૬:૪૪

[પાન ૮ પર બોક્સ]

આ વધારા પાછળ કોનો હાથ છે?

“જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.” —ગીતશાસ્ત્ર ૧૨૭:૧.

“દેવે વૃદ્ધિ આપી. એ માટે રોપનાર કંઈ નથી, ને પાનાર પણ કંઈ નથી; પણ વૃદ્ધિ આપનાર દેવ તે જ સર્વસ્વ છે.” —૧ કોરીંથી ૩:૬, ૭.