સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના નામને મહિમા આપીએ

યહોવાના નામને મહિમા આપીએ

“હું સદાકાળ તારા નામનો મહિમા ગાઈશ.”—ગીત. ૮૬:૧૨.

૧, ૨. ઈશ્વરના નામ વિશે આપણે કઈ રીતે ચર્ચના લોકોથી અલગ છીએ?

 મોટે ભાગે, બધા ચર્ચ ઈશ્વરનું નામ વાપરતાં નથી. દાખલા તરીકે, રિવાઇઝ્ડ સ્ટાન્ડર્ડ વર્ઝન બાઇબલની પ્રસ્તાવનામાં, આમ લખાયું છે: ‘એક માત્ર ઈશ્વરને કોઈ પણ નામથી બોલાવવા, એ દરેક ચર્ચનાં લોકો માટે અયોગ્ય છે.’

જ્યારે કે, યહોવાના સાક્ષીઓ ઈશ્વરના નામથી ઓળખાવવાને અને એને મહિમા આપવાને ગર્વ ગણે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૧૨; યશાયા ૪૩:૧૦ વાંચો.) ઈશ્વરના નામનો અર્થ સમજવો અને એ નામને પવિત્ર મનાવવું બહુ મહત્ત્વનું છે, એ જાણવું આપણા માટે એક લહાવો છે. (માથ. ૬:૯) એ લહાવાની કદર કરવાનું ચૂકીએ નહિ! ચાલો, એ વિષયમાં ત્રણ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ: ઈશ્વરનું નામ જાણવાનો શું અર્થ થાય? કઈ રીતે યહોવાએ બતાવી આપ્યું કે તે પોતાના મહાન નામ પ્રમાણે જ કરે છે? આપણે કઈ રીતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલી શકીએ?

ઈશ્વરનું નામ જાણવાનો શું અર્થ થાય?

૩. ઈશ્વરનું નામ જાણવાનો શું અર્થ થાય?

ઈશ્વરનું નામ જાણવામાં ફક્ત “યહોવા” શબ્દ જાણવો જ પૂરતો નથી. યહોવાની કીર્તિ, તેમના ગુણો, હેતુઓ અને કાર્યો જાણવાનો એમાં સમાવેશ થાય છે. એ બધી બાબતો, તેમણે પોતાના ભક્તો સાથે કરેલા વ્યવહારમાં જોવાં મળે છે. યહોવાએ, જેમ જેમ પોતાનો હેતુ પૂરો કર્યો, તેમ તેમ બતાવતા ગયા કે તે કેવા ઈશ્વર છે. (નીતિ. ૪:૧૮) યહોવાએ પોતાનું નામ આદમ-હવાને જણાવ્યું હતું. તેથી, કાઈનને જન્મ આપ્યા પછી હવાએ એ નામ ઉચ્ચાર્યું હતું. (ઉત. ૪:૧) નુહ, ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ જેવા પહેલાંના ભક્તો પણ ઈશ્વરનું નામ જાણતા હતા. યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યા, સંભાળ લીધી અને પોતાના હેતુ વિશે જણાવ્યું હતું. એ બધાથી, એ નામ માટે તેઓની કદર વધતી ગઈ. સમય જતા, મુસાને ઈશ્વરના નામ વિશે કંઈક ખાસ જાણવાનો લહાવો મળ્યો હતો.

યહોવાના નામનો અર્થ મુસા જાણતા હતા અને એનાથી તેમની શ્રદ્ધા વધી

૪. મુસાએ શા માટે ઈશ્વરના નામ વિશે પૂછ્યું અને તેમની ચિંતા કેમ વાજબી હતી?

નિર્ગમન ૩:૧૦-૧૫ વાંચો. મુસા ૮૦ વર્ષનાં હતા ત્યારે, ઈશ્વરે તેમને ભારે જવાબદારી સોંપતા કહ્યું, ‘ઇજિપ્તમાંથી મારા લોક ઈસ્રાએલ પુત્રોને કાઢી લાવ.’ એની સામે, મુસાએ પ્રશ્ન પૂછ્યો જે ઘણો મહત્ત્વનો હતો. તેમણે પૂછ્યું, ‘તમારું નામ શું છે?’ ઈશ્વરનું નામ તેમના ભક્તો પહેલેથી જાણતા હતા. તો પછી, મુસાએ કેમ એ સવાલ કર્યો? તે જાણવા માંગતા હતા કે એ નામ ધરાવનાર ઈશ્વર કેવા છે. બીજા શબ્દોમાં, મુસા ઈસ્રાએલીઓને ખાતરી અપાવવા માંગતા હતા કે, ઈશ્વર તેઓને છોડાવી શકે છે. મુસાની એ ચિંતા વાજબી હતી. કેમ કે, ઈસ્રાએલીઓ વર્ષોથી ગુલામીમાં હતા. તેઓને શંકા હતી કે ઈશ્વર તેમને ગુલામીમાંથી છોડાવી શકશે કે કેમ. અરે, અમુક તો ઇજિપ્તના દેવોની ભક્તિ કરવા લાગ્યા હતા!—હઝકી. ૨૦:૭, ૮.

૫. મુસાને જવાબ આપતી વખતે યહોવાએ કઈ રીતે પોતાના નામના અર્થ પર પ્રકાશ પાડ્યો?

યહોવાએ મુસાના સવાલનો શું જવાબ આપ્યો? તેમણે કહ્યું કે, “તું ઈસ્રાએલ પુત્રોને કહેજે કે હું છું એ [મને જે ગમે તે હું બનીશ એ, NW] મને તમારી પાસે મોકલ્યો છે.” a પછી, તેમણે મુસાને એમ પણ જણાવવા કહ્યું કે, ‘તમારા બાપદાદાના ઈશ્વર, યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.’ ઈશ્વર કહેવા માંગતા હતા કે પોતાનો હેતુ પૂરો કરવા તે ધારે એ બની શકે છે. એટલે કે, તે જે કહે એ હંમેશાં કરે છે. કલમ ૧૫માં યહોવાના શબ્દો આમ હતા, “મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.” એ જાણીને મુસાની શ્રદ્ધા કેટલી મક્કમ બની હશે! ચોક્કસ, મુસાનું દિલ યહોવા માટે માનથી છલકાઈ ગયું હશે!

યહોવાએ પોતાના નામ પ્રમાણે કરી બતાવ્યું

૬, ૭. યહોવાએ કઈ રીતે પોતાના નામ પ્રમાણે કરી બતાવ્યું?

મુસાને જવાબદારી સોંપ્યા પછી, યહોવાએ પોતાના નામ પ્રમાણે કરી બતાવ્યું અને ઈસ્રાએલને ગુલામીમાંથી છોડાવ્યું. ઇજિપ્ત પર દસ વિનાશકારી આફતો લાવીને તેમણે સાબિત કર્યું કે ઇજિપ્તના દેવો અને ફારુન કશાને કાબેલ નથી. (નિર્ગ. ૧૨:૧૨) પછી, યહોવાએ લાલ સમુદ્રના બે ભાગ કરી એમાંથી ઈસ્રાએલીઓને દોર્યા. જ્યારે કે, ફારુન અને તેનાં લશ્કરને એમાં ડુબાડીને નાશ કર્યો. (ગીત. ૧૩૬:૧૩-૧૫) “વિશાળ તથા ભયંકર અરણ્યમાં” પણ યહોવા પોતાના લોકોનો જીવ બચાવનાર બન્યા. ત્યાં તેમણે, લગભગ ત્રીસેક લાખ લોકોને ખોરાક-પાણી પૂરાં પાડ્યાં. અરે, તેઓનાં કપડાં અને જોડાં પણ ઘસાઈ ન ગયાં! (પુન. ૧:૧૯; ૨૯:૫) ચોક્કસ, યહોવાને પોતાના અજોડ નામ પ્રમાણે કરતા કોઈ રોકી ન શકે. તેમણે યશાયાને કહ્યું: ‘હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ બચાવનાર નથી.’—યશા. ૪૩:૧૧.

મુસા પછી આગેવાની લેનાર યહોશુઆએ પણ, ઇજિપ્ત અને અરણ્યમાં યહોવાનાં અદ્‍ભુત કાર્યો જોયાં હતાં. યહોશુઆ તેમના જીવનના છેલ્લાં વર્ષોમાં, સાથી ઈસ્રાએલીઓને દિલથી કહી શક્યા કે, “તમારાં અંતઃકરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો, કે જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિશે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.” (યહો. ૨૩:૧૪) હા, એ સાફ બતાવે છે કે યહોવા પોતાનું એકેએક વચન પૂરું કરનાર બન્યા.

૮. આપણા સમયમાં, કઈ રીતે યહોવા પોતાનું વચન પૂરું કરનાર સાબિત થયા છે?

આજે પણ, યહોવા પોતાનું વચન પૂરું કરનાર બને છે. તેમણે પોતાના દીકરા મારફતે જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં “આખા જગતમાં” રાજ્યની ખુશખબર પ્રગટ કરાશે. (માથ. ૨૪:૧૪) જરા વિચારો, એવાં મોટા કામની ભવિષ્યવાણી કરી એને પૂરું કરવાની શક્તિ કોનામાં છે? સર્વોપરી ઈશ્વર સિવાય બીજું કોણ એ કરી શકે! એમાંય, તેમણે એ કાર્ય માટે “અભણ અને સામાન્ય લોકો”નો ઉપયોગ કર્યો છે. (પ્રેષિતોનાં કાર્યો ૪:૧૩, IBSI ) તેથી, પ્રચાર કરીને આપણે બાઇબલની એ ભવિષ્યવાણી પૂરી કરવામાં ભાગ ભજવીએ છીએ. તેમ જ, આપણે પિતા યહોવાને માન આપીએ છીએ અને આ પ્રાર્થના પ્રમાણે થાય એવું દિલથી ચાહીએ છીએ: ‘તમારું નામ પવિત્ર મનાય; તમારું રાજ્ય આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાય.’—માથ. ૬:૯, ૧૦.

તેમનું નામ મહાન છે

યહોવાને ઈશ્વર તરીકે ફારુને કબૂલ્યા નહિ

૯, ૧૦. ઈસ્રાએલીઓ સાથેના વ્યવહારમાં, યહોવાના નામ વિશે બીજું શું જાણવા મળે છે?

ઇજિપ્તમાંથી આઝાદ થયા પછી, ઈસ્રાએલીઓ માટે યહોવા બીજું કંઈક બન્યા. નિયમ કરાર દ્વારા તેમણે ઈસ્રાએલીઓના “ધણી” બની બધી જવાબદારીઓ ઉપાડી. (યિર્મે. ૩:૧૪) આમ, તેઓ જાણે યહોવાની પત્ની એટલે કે તેમના લોકો બન્યા. (યશા. ૫૪:૫, ૬) તેઓ રાજીખુશીથી યહોવાને આધીન થઈ તેમની આજ્ઞાઓ પાળતા ત્યારે, યહોવા એક ઉત્તમ “ધણી” બની બતાવતા. તેઓને આશીર્વાદ, રક્ષણ અને શાંતિ આપતા. (ગણ. ૬:૨૨-૨૭) એને લીધે, આસપાસના દેશોમાં પણ યહોવાનું મહાન નામ મહિમા પામતું. (પુનર્નિયમ ૪:૫-૮; ગીતશાસ્ત્ર ૮૬:૭-૧૦ વાંચો.) અરે, ઈસ્રાએલીઓના આખા ઇતિહાસ દરમિયાન, બીજી પ્રજામાંથી ઘણા લોકો સાચી ભક્તિ તરફ ખેંચાયા હતા. તેઓએ પણ જાણે મોઆબી રૂથની જેમ કહ્યું, જેણે નાઓમીને કહ્યું કે, “તારા લોક તે મારા લોક, ને તારો ઈશ્વર તે મારો ઈશ્વર થશે.”—રૂથ ૧:૧૬.

૧૦ લગભગ ૧,૫૦૦ વર્ષ સુધી, યહોવાએ ઈસ્રાએલીઓ સાથે જે વ્યવહાર કર્યો એમાંથી, તેમના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં દેખાઈ આવ્યાં. ઈસ્રાએલીઓ ઘણી વાર યહોવાની ભક્તિથી ભટકી ગયા. તોપણ, તેઓ માટે યહોવા વારંવાર “દયાળુ” અને ‘ક્રોધ કરવામાં ધીમા’ ઈશ્વર બન્યા. તેમણે ઘણી ધીરજ અને સહનશીલતા બતાવી. (નિર્ગમન ૩૪:૫-૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન) જોકે, યહોવાની ધીરજમાં એક હદ છે. યહુદીઓ, યહોવાના દીકરા ઈસુને નકારી અને મારી નાખીને એ હદ પાર કરી બેઠા. (માથ. ૨૩:૩૭, ૩૮) ઈસ્રાએલના વંશજો ઈશ્વરના નામથી ઓળખાવવાનો લહાવો ગુમાવી બેઠા. એક ઝાડની જેમ તેઓ યહોવાની ભક્તિમાં સાવ કરમાઈ ગયા. (લુક ૨૩:૩૧) ઈશ્વરના નામ માટે તેઓને કેવું લાગ્યું હતું?

૧૧. યહોવાનું નામ યહુદીઓથી કઈ રીતે અલગ થઈ ગયું?

૧૧ ઇતિહાસ બતાવે છે કે ધીમે ધીમે યહુદીઓ, ઈશ્વરના નામ પ્રત્યે ખોટી માન્યતા રાખવા લાગ્યા કે એનો ઉચ્ચાર ન કરવો જોઈએ. (નિર્ગ. ૨૦:૭) સમય જતા, યહુદીઓએ ઈશ્વરના નામનો ઉપયોગ સાવ બંધ કરી દીધો. પોતાના નામનું અપમાન થતા જોઈ, યહોવા ચોક્કસ દુઃખી થયા હશે. (ગીત. ૭૮:૪૦, ૪૧) વધુમાં, તે એવા ઈશ્વર છે જે પોતાનું ‘માન કોઈ બીજાને આપવા ન દે.’ (નિર્ગ. ૩૪:૧૪) તેથી, તે પોતાનું નામ એવી પ્રજા સાથે જોડશે નહિ, જેણે તેમને નકાર્યા છે. આ હકીકત, આપણને સમજવા મદદ કરે છે કે આપણા સર્જનહારનું નામ ઊંડા માન સાથે લેવું ખૂબ મહત્ત્વનું છે.

ઈશ્વરના નામથી એક નવી પ્રજા ઓળખાઈ

૧૨. યહોવાએ ભવિષ્યવાણી કરેલી પ્રજા કઈ રીતે બનાવી?

૧૨ પ્રબોધક યિર્મેયા મારફતે યહોવાએ જણાવ્યું કે તે એક નવા રાષ્ટ્ર સાથે “નવો કરાર” કરશે. એના દરેક સભ્યો, ‘નાનાથી તે મોટા સુધી સર્વ યહોવાને ઓળખશે.’ (યિર્મે. ૩૧:૩૧, ૩૩, ૩૪) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં જ્યારે ઈશ્વરે નવો કરાર સ્થાપ્યો, ત્યારે એ ભવિષ્યવાણી પ્રમાણે થવાની શરૂઆત થઈ. નવા રાષ્ટ્ર એટલે કે “ઈશ્વરના ઈસ્રાએલ”માં યહુદીઓ અને બિનયહુદીઓનો સમાવેશ થાય છે. યહોવાએ કહ્યું તેમ, તેઓ ભેગા મળી ‘ઈશ્વરના નામની એક પ્રજા’ અથવા ‘તેમના નામથી ઓળખાતા લોકો’ બન્યા.—ગલા. ૬:૧૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪-૧૭ વાંચો; માથ. ૨૧:૪૩.

૧૩. (ક) શું પહેલાંના ખ્રિસ્તીઓ ઈશ્વરનું નામ વાપરતા હતા? સમજાવો. (ખ) પ્રચારમાં યહોવાનું નામ જણાવવાના લહાવાને તમે કેવો ગણો છો?

૧૩ શરૂઆતના ખ્રિસ્તીઓ જે નવા રાષ્ટ્રના ભાગ બન્યા તેઓએ પણ ઈશ્વરના નામનો ઉપયોગ કર્યો. ખાસ કરીને, હેબ્રી શાસ્ત્રવચનોમાંથી ટાંકતી વખતે તેઓ એમ કરતા. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં, જુદા જુદા દેશમાંથી આવેલા યહુદી તેમ જ યહુદી બનેલા લોકો ભેગા થયા હતા. તેઓને આપેલા પ્રવચનમાં પ્રેરિત પીતરે ઘણી વાર ઈશ્વરનું નામ વાપર્યું હતું. (પ્રે.કૃ. ૨:૧૪, ૨૦, ૨૧, ૨૫, ૩૪) b શરૂઆતના ખ્રિસ્તીઓએ યહોવાને મહિમા આપ્યો. તેથી, પ્રચારમાં તેઓના પ્રયત્નોને યહોવાએ આશીર્વાદ આપ્યા. આપણે પણ યહોવાના નામને ગર્વથી લોકોને જણાવીએ છીએ. અને રસ ધરાવતી વ્યક્તિને તેના બાઇબલમાંથી એ નામ બતાવીએ છીએ ત્યારે, યહોવા આશીર્વાદ આપે છે. આમ, આપણે તેઓને સાચા ઈશ્વરની ઓળખ કરાવીએ છીએ. એ સાચે જ એક મોટો લહાવો છે! આ ઓળખાણ, અમુક માટે ઈશ્વર સાથે સારા સંબંધ બાંધવાની શરૂઆત છે. સમય જતા, એ સંબંધ મજબૂત બની કદાચ સદા ટકે.

૧૪, ૧૫. ખોટું શિક્ષણ ફેલાયું હોવાં છતાં, યહોવાએ પોતાના પવિત્ર નામને કઈ રીતે સાચવ્યું છે?

૧૪ ખ્રિસ્તી મંડળમાં ખોટાં શિક્ષણે પગપેસારો કરવા માંડ્યો, ખાસ કરીને પ્રેરિતોના મરણ પછી. (૨ થેસ્સા. ૨:૩-૭) જૂઠા શિક્ષકોએ ઈશ્વરનું નામ ન વાપરવાની યહુદી પરંપરાને અપનાવી લીધી. પણ, શું યહોવાએ પોતાના પવિત્ર નામને ભૂંસાઈ જવા દીધું? ક્યારેય નહિ! ખરું કે, તેમના નામનો ખરો ઉચ્ચાર કેવો હતો એ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. પણ, એ તો ચોક્કસ કે તેમનું નામ સચવાઈ રહ્યું છે. સદીઓથી એ નામ જુદાં જુદાં બાઇબલ ભાષાંતરોમાં અને બાઇબલના નિષ્ણાતોનાં લખાણોમાં પણ જોવા મળ્યું છે. દાખલા તરીકે, ૧૭૫૭માં ચાર્લ્સ પીટર્સે લખ્યું કે ‘ઈશ્વરના બધા જ ઉપનામો કરતાં “યહોવા” નામ તેમના વ્યક્તિત્વને સૌથી સારી રીતે દર્શાવે છે.’ ૧૭૯૭માં, ઈશ્વરની ભક્તિ પર એક પુસ્તક લખાયું હતું. એના લેખક હોપટન હાયેન્સ, પ્રકરણ ૭ની શરૂઆત આ રીતે કરે છે: ‘યહુદીઓમાં ઈશ્વરનું નામ યહોવા છે. તેઓ ફક્ત તેમની જ ભક્તિ કરતા. ખ્રિસ્ત અને તેમના પ્રેરિતોએ પણ એમ જ કર્યું હતું.’ હેન્રી ગ્રૂ (૧૭૮૧-૧૮૬૨) ઈશ્વરનું નામ વાપરતા હતા. એટલું જ નહિ, એ નામ પર લાગેલાં કલંક વિશે તે સમજ્યા અને જોઈ શક્યા કે એને પવિત્ર મનાવવું બહુ જરૂરી છે. ઉપરાંત, જ્યોર્જ સ્ટોર્સ (૧૭૯૬-૧૮૭૯) જે ચાર્લ્સ ટી. રસેલના સાથી હતા, તેમણે પણ ઈશ્વરનું નામ વાપર્યું હતું.

૧૫ વર્ષ ૧૯૩૧ ઈશ્વરના લોકો માટે ખાસ હતું. આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા ભક્તોએ એ વર્ષમાં યહોવાના સાક્ષીઓ નામ ધારણ કર્યું. (યશા. ૪૩:૧૦-૧૨) આમ, તેઓ ખરા ઈશ્વરના ભક્તો છે, એ ગર્વથી જાહેર કર્યું. તેમ જ, ઈશ્વરના ‘નામની ખાતર એક પ્રજા’ બની એ નામને મહિમા આપ્યો. (પ્રે.કૃ. ૧૫:૧૪) એ પ્રગતિ, માલાખી ૧:૧૧માં યહોવાએ કહેલા શબ્દો યાદ દેવડાવે છે: ‘સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાશે.’

યહોવાના નામમાં શ્રદ્ધા રાખીને ચાલીએ

૧૬. યહોવાના નામમાં શ્રદ્ધા રાખીને ચાલવું શા માટે સન્માનની વાત છે?

૧૬ પ્રબોધક મીખાહે લખ્યું, ‘સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે. પણ, અમે સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.’ (મીખા. ૪:૫) યહોવાએ બાઇબલ વિદ્યાર્થીઓને પોતાનું નામ ધારણ કરવા દીધું એ સન્માનની વાત તો હતી જ. સાથે સાથે, ખાતરી પણ અપાવતી હતી કે યહોવાની એમાં મંજૂરી છે. (માલાખી ૩:૧૬-૧૮ વાંચો.) તમને એ વિશે કેવું લાગે છે? શું તમે “યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને” ચાલવા બનતા બધા પ્રયત્નો કરો છો?

૧૭. ઈશ્વરના નામમાં શ્રદ્ધા રાખીને ચાલવામાં શાનો સમાવેશ થાય છે?

૧૭ ઈશ્વરના નામમાં શ્રદ્ધા રાખીને ચાલવા, ઓછામાં ઓછી ત્રણ બાબતો મહત્ત્વની છે. પહેલી, આપણે તેમના નામનો પ્રચાર કરવો જ જોઈએ ‘કેમ કે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે.’ (રોમ. ૧૦:૧૩) બીજી, આપણે યહોવા જેવા ગુણો બતાવવા જોઈએ. ખાસ કરીને, પ્રેમ. ત્રીજી બાબત એ કે જ્યારે આપણે યહોવાનાં ઊંચાં ધોરણો ખુશીથી પાળીએ છીએ, ત્યારે તેમના પવિત્ર નામને મહિમા આપીએ છીએ. (૧ યોહા. ૪:૮; ૫:૩) શું તમે ‘સદાસર્વકાળ આપણા ઈશ્વર યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલવા’ દૃઢ નિર્ણય કર્યો છે?

૧૮. યહોવાના મહાન નામને મહિમા આપનારા ભક્તો ભાવિના વચનની કેમ રાહ જોઈ રહ્યા છે?

૧૮ યહોવાને નકારતા અથવા તેમની વિરુદ્ધ જતા લોકોને જલદી જ યહોવાને કબૂલવા પડશે. (હઝકી. ૩૮:૨૩) એમાં ફારૂન જેવા લોકોનો સમાવેશ થાય છે, જેણે કહ્યું: ‘યહોવા કોણ છે, કે હું તેની વાણી માનું?’ જોકે, તેને એ જલદી જ જણાઈ ગયું! (નિર્ગ. ૫:૧, ૨; ૯:૧૬; ૧૨:૨૯) જ્યારે કે, આપણે યહોવાને રાજીખુશીથી ઓળખ્યા છે. તેમના નામથી ઓળખાવવામાં અને તેમની આજ્ઞા પાળવામાં ગર્વ લઈએ છીએ. તેથી, ભાવિની રાહ જોઈએ તેમ, ગીતશાસ્ત્ર ૯:૧૦માં જણાવેલા આ વચનમાં આપણને ભરોસો છે: ‘તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમને શોધનારને તમે તજ્યા નથી.’

a ઈશ્વરનું નામ એક હેબ્રી ક્રિયાપદનું રૂપ છે, જેનો અર્થ “બનવું” થાય છે. આમ, “યહોવા”નો અર્થ થાય કે “તે ચાહે તે બને છે.”

b ગુજરાતી બાઇબલની આ કલમોમાં યહોવાનું નામ નથી. જોકે, પહેલી સદીના ખ્રિસ્તીઓ પાસે ઈશ્વરનું નામ દર્શાવતા ચાર હિબ્રૂ અક્ષરો “યહવહ” લખેલાં શાસ્ત્રવચનો હતાં. તેથી, પીતર જ્યારે પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૪, ૨૦, ૨૧, ૨૫, ૩૪માં જણાવેલા શબ્દો બોલ્યા, ત્યારે તે યોએલ ૨:૩૧, ૩૨; ગીતશાસ્ત્ર ૧૬:૮; ૧૧૦:૧માંથી ટાંકતા હતા.