સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

અમારાં જીવનમાં ખરો હેતુ છે

અમારાં જીવનમાં ખરો હેતુ છે

વર્ષ ૧૯૫૮માં મારા દીકરા ગૅરીનો જન્મ થયો. હું ત્યારે જ સમજી ગઈ કે તેને કંઈક તો તકલીફ છે. પણ, તે બીમાર છે એ પારખતા ડૉક્ટરોને ૧૦ મહિના લાગ્યા. બીમારી શું હતી એની ખાતરી કરવા લંડનના નિષ્ણાતોએ બીજાં પાંચ વર્ષ લીધાં. ગૅરી ૯ વર્ષનો હતો ત્યારે લૂઈસ જન્મી. તેનામાં પણ ગંભીર બીમારીનાં લક્ષણો દેખાયાં. એ જોઈને મારું કાળજું કપાઈ ગયું.

ડૉક્ટરોએ જણાવ્યું કે, ‘તમારાં બંનેવ બાળકોને ગંભીર બીમારી છે. a અફસોસની વાત છે કે, એનો કોઈ ઇલાજ નથી.’ એ સમયે, આ બીમારી વિશે થોડી જ માહિતી હતી. એ બીમારીમાં દર્દીને વધારાની આંગળી અથવા અંગૂઠા હોય, તેની દૃષ્ટિ ઝાંખી પડે, વજન વધવા લાગે, વિકાસ ઓછો થાય, શરીરનું સમતોલન ન રહે, કિડની કામ ન કરે, ડાયાબિટીસ અને સાંધાનો વા થાય. મારાં બાળકોમાં આવી તકલીફો હોવાને લીધે, તેઓની સંભાળ લેવી મોટો પડકાર હતો. હાલમાં થયેલા સર્વે પ્રમાણે બ્રિટનમાં આ બીમારી ૧,૨૫,૦૦૦ વ્યક્તિઓમાંથી એકને થાય છે. જોકે, એના અમુક લક્ષણો ઘણી વ્યક્તિઓમાં જોવા મળે છે.

યહોવા અમારો કિલ્લો બન્યા

મારા લગ્‍નના અમુક સમય પછી, હું એક સાક્ષી બહેનને મળી. તરત હું સમજી ગઈ કે તેઓ જે શીખવે છે એ જ સત્ય છે. પણ, મારા પતિને એમાં જરાય રસ નહોતો. તેમની નોકરીના લીધે અમારે જુદી જુદી જગ્યાએ રહેવા જવું પડતું. તેથી, હું સભાઓમાં નહોતી જઈ શકતી. પણ, મેં બાઇબલ વાંચવાનું અને યહોવાને પ્રાર્થના કરવાનું છોડ્યું નહિ. બાઇબલમાંથી વાંચીને મને ઘણો દિલાસો મળ્યો કે, ‘યહોવા દુઃખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે.’ યહોવાએ પોતાના ‘શોધનારને તરછોડ્યા નથી.’—ગીત. ૯:૯, ૧૦.

ગૅરીની દૃષ્ટિ ઝાંખી હોવાથી, ૬ વર્ષની ઉંમરે તેને ભણવા માટે ખાસ હોસ્ટેલમાં મૂક્યો. એ હૉસ્ટેલ ઇંગ્લૅન્ડના દક્ષિણી તટ પાસે હતી. તે નિયમિત ફોન કરીને મને પોતાની ચિંતાઓ જણાવતો. હું તેને બાઇબલમાંથી શીખવતી. લૂઈસ જન્મી એનાં થોડાં વર્ષો પછી હું બીમાર પડી. એ બીમારીમાં મારા સ્નાયુ જકડાવા લાગ્યા, શરીરનું સમતોલન ન રહેતું, ઝાંખું દેખાતું અને જલદી થાકી જવાતું. ગૅરી ૧૬ વર્ષની ઉંમરે હૉસ્ટેલથી પાછો આવ્યો. વર્ષ ૧૯૭૫ સુધીમાં તો પૂરી રીતે તે અંધ થઈ ગયો. વર્ષ ૧૯૭૭માં મારા પતિ અમને છોડીને જતા રહ્યા.

ગૅરી ઘરે પાછો આવ્યો એ પછી, અમે મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યા. વર્ષ ૧૯૭૪માં મેં બાપ્તિસ્મા લીધું. એ સમયમાં, ગૅરી ઘણી તકલીફો સહી રહ્યો હતો, જેનો સામનો કરવા મંડળના એક વડીલે તેને મદદ કરી. એ માટે હું તેમની ઘણી આભારી છું. બીજાં ભાઈ-બહેનો પણ મને ઘરકામમાં મદદ કરવાં આવતાં. એમાંની પાંચ ભાઈ-બહેનોને સરકારે મારી સંભાળ માટે પગાર પર નીમ્યાં. એ કેટલો મોટો આશીર્વાદ!

ગૅરી સત્યમાં પ્રગતિ કરી રહ્યો હતો અને તેણે વર્ષ ૧૯૮૨માં બાપ્તિસ્મા લીધું. તેના દિલની તમન્‍ના હતી કે તે સહાયક પાયોનિયરીંગ કરે. તેથી, મેં તેને સાથ આપવાનું નક્કી કર્યું અને અમુક વર્ષો સુધી પાયોનિયરીંગ કર્યું. થોડા સમય પછી, અમારા પ્રવાસી નિરીક્ષકે ગૅરીને પૂછ્યું, ‘શું તું નિયમિત પાયોનિયર બનવા માગે છે?’ ગૅરીને તો બસ એ જ ઉત્તેજનની જરૂર હતી. વર્ષ ૧૯૯૦માં તે નિયમિત પાયોનિયર બન્યો.

ગૅરીનું બે વાર હિપ રિપ્લેસમેન્ટ ઑપરેશન થયું છે. એક ૧૯૯૯માં અને બીજું ૨૦૦૮માં. પણ, લૂઈસની બીમારી વધુ ગંભીર હતી. જન્મથી જ તે અંધ હતી. તેના પગ પર વધારાનો અંગૂઠો જોતાની સાથે જ હું સમજી ગઈ હતી કે, તેને ગૅરીના જેવી બીમારી છે. તપાસ કરાવતા ખબર પડી કે, તેના શરીરનાં અંદરના ઘણાં અંગોમાં ગંભીર ખામીઓ છે. વખત જતા, તેના મોટાં મોટાં ઑપરેશન થયાં. પાંચ ઑપરેશન તો ફક્ત કિડની પર થયાં. અરે, ગૅરીની જેમ તેને પણ ડાયાબિટીસ છે.

લૂઈસ જાણતી હતી કે ઑપરેશન વખતે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી, તે પહેલાંથી જ ડૉક્ટરો અને હૉસ્પિટલના અધિકારીઓ સાથે ચોખવટ કરી લેતી. તે સાફ જણાવી દેતી કે લોહી વિનાની સારવાર જ લેશે. આમ, તેની સંભાળ રાખતાં ડૉક્ટર અને નર્સ સાથે તેનું સારું બનતું.

અમારાં જીવનમાં ખરો હેતુ છે

ઘરમાં અમે યહોવાની ભક્તિ કરવા ઘણી બાબતો કરીએ છીએ. હું શરૂઆતમાં, લૂઈસ અને ગૅરીને સાહિત્યમાંથી વાંચી સંભળાવવા ઘણા કલાકો આપતી. હવે અમે ડીવીડી અને www.ps8318.com વેબસાઈટ પરથી રેકોર્ડિંગ પોતાના સમયમાં સાંભળી શકીએ છીએ. એના લીધે, અમે અઠવાડિયાના બાઇબલ અભ્યાસની તૈયારી કરીને સભાઓમાં જવાબ આપી શકીએ છીએ.

બાઇબલમાંથી યહોવા વિશે અમૂલ્ય સત્ય શીખીને અમે ઘણાં ખુશ છીએ!

ગૅરી અમુક વાર જવાબો મોઢે કરીને સભામાં આપે છે. સેવા શાળામાં તેની ટૉક હોય તો એ પોતાના શબ્દોમાં આપી શકે છે. વર્ષ ૧૯૯૫માં તેને સેવકાઈ ચાકર બનાવવામાં આવ્યો. સભાઓમાં લોકોને આવકાર આપવા અને સાઉન્ડ સીસ્ટમ સંભાળવામાં તે ઘણો વ્યસ્ત રહે છે.

સાંધાનો વા હોવાથી તેને પ્રચારમાં વ્હિલચૅર ચલાવવામાં ઘણી તકલીફ પડે છે. તેથી, સાથી ભાઈ-બહેનો તેને મદદ કરે છે. એક ભાઈએ તો તેને અભ્યાસ ચલાવવામાં પણ મદદ કરી. એક બહેન ૨૫ વર્ષથી સત્યમાં ઠંડા પડી ગયાં હતાં. ગૅરીએ તેમનો ઉત્સાહ વધારવા સહાય કરી. એ બહેન અને પેલા બાઇબલ વિદ્યાર્થી હવે સભાઓમાં આવે છે.

લૂઈસ ૯ વર્ષની હતી ત્યારે, તે દાદી પાસેથી ગૂંથણકામ શીખી. તેની સંભાળ રાખતી એક બહેને અને મેં તેને ભરતકામ શીખવ્યું. ગૂંથણકામ અને ભરતકામ ઘણું ગમતું હોવાથી, તે મંડળનાં બાળકો અને વૃદ્ધો માટે રંગબેરંગી શાલ બનાવે છે. તે નાનાં ચિત્રો ચોંટાડીને ગ્રીટિંગ કાર્ડ પણ બનાવે છે. તેણે આપેલાં કાર્ડ લોકો સાચવીને રાખે છે. લૂઈસ તરુણ હતી ત્યારે, તે ટાઇપિંગ કરતા શીખી. માહિતી વાંચી આપે એવાં આધુનિક કૉમ્પ્યુટરની મદદથી તે પોતાનાં દોસ્તો સાથે ઈમેઈલ દ્વારા સંપર્કમાં રહે છે. તેણે ૧૭ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. ખાસ મહિનાઓ દરમિયાન અમે સાથે સહાયક પાયોનિયરીંગ કરવાનો આનંદ માણીએ છીએ. ગૅરીની જેમ તે પણ, યહોવાએ આપેલાં સુંદર વચનોવાળી કલમો યાદ રાખે છે. જેમ કે, “આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે” અને “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશા. ૩૩:૨૪; ૩૫:૫.

બાઇબલમાંથી યહોવા વિશે અમૂલ્ય સત્ય શીખીને અમે ખૂબ ખુશ છીએ! મંડળનાં ભાઈ-બહેનોનાં પ્રેમાળ સાથ માટે પણ અમે બહુ આભારી છીએ. તેઓ વગર અમે ઘણી બાબતો કરી શક્યા ન હોત. ખાસ કરીને, યહોવાની મદદથી અમારાં જીવનને ખરો હેતુ મળ્યો છે.

a અહીંયા જણાવેલી ગંભીર બીમારી લોરેન્સ-મૂન-બારડા-બીડલ સીન્ડ્રોમ છે. એ નામ ચાર ડૉક્ટરોનાં નામ પરથી આપવામાં આવ્યું છે, જેઓએ એના પર અભ્યાસ કર્યો હતો. માતા અને પિતા બંનેનાં જીન્સમાં આ બીમારીના અંશ હોવાને લીધે બાળકને આ બીમારી થતી હોય છે. આજે, એ બારડા-બીડલ નામથી પણ ઓળખાય છે. આ બીમારીનો કોઈ ઇલાજ નથી.