માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
“દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.”—યાકૂ. ૧:૧૯.
૧, ૨. સામાન્ય રીતે, માબાપ અને બાળકોને એકબીજા વિશે કેવું લાગે છે? અમુક વાર તેઓ કેવી મુશ્કેલીનો સામનો કરે છે?
“તમારાં માબાપ કાલે ગુજરી જવાનાં છે, એવી તમને ખબર પડે તો તમે તેઓને શું કહેવા માંગશો?” અમેરિકાનાં સેંકડો બાળકોને એ સવાલ પૂછવામાં આવ્યો. પોતાના મતભેદો અને સમસ્યાઓ વિશે વાત કરવાને બદલે ૯૫ ટકા બાળકોએ આવું જણાવ્યું: ‘ભૂલો માટે માફી માંગીશ’ અને ‘તેઓને પ્રેમ કરું છું એમ જણાવીશ.’—ફૉર પેરન્ટ્સ ઓન્લી, લેખક શોન્ટે ફેલ્ડહન અને લીસા રાઈસ.
૨ સામાન્ય રીતે, માબાપ અને બાળકો વચ્ચે પ્રેમ હોય છે. યહોવાના સાક્ષીઓનાં કુટુંબોમાં એવું ખાસ જોવાં મળે છે. જોકે, માબાપ અને બાળકો માટે દિલ ખોલીને વાતચીત કરવી અમુક વાર અઘરી બને છે. ચાલો જોઈએ કે, શા માટે તેઓને અમુક વિષય પર ચર્ચા કરવી અઘરી લાગે છે? દિલ ખોલીને વાતચીત કરવામાં કઈ બાબતો આડે આવે છે? એ કઈ રીતે દૂર કરી શકાય?
વાતચીત કરવા સમય કાઢો
૩. (ક) ઘણાં કુટુંબને દિલ ખોલીને વાતચીત કરવી કેમ અઘરી લાગે છે? (ખ) પ્રાચીન ઈસ્રાએલમાં સાથે સમય વિતાવવો કુટુંબ માટે કેમ સહેલું હતું?
૩ ઘણાં કુટુંબને લાગે છે કે તેઓ પાસે દિલ ખોલીને વાતચીત કરવા પૂરતો સમય નથી. જોકે, પ્રાચીન સમયમાં એમ નહોતું. મુસાએ ઈસ્રાએલી પિતાઓને સલાહ આપી કે ‘ઈશ્વરનાં વચનો ખંતથી તમારાં છોકરાંને શીખવો અને જ્યારે તમે ઘરમાં બેઠા હો, રસ્તે ચાલતા હો, સૂઈ જાઓ અને જ્યારે તમે ઊઠો, ત્યારે એ વિશે વાત કરો.’ (પુન. ૬:૬, ૭) એ સમયનાં બાળકો આખો દિવસ માતા સાથે ઘરમાં અથવા પિતા સાથે ખેતરમાં કે કામની જગ્યાએ વિતાવતાં. માબાપ અને બાળકોને પુષ્કળ સમય સાથે પસાર કરવા મળતો. આમ, માબાપ સારી રીતે બાળકોને સમજી શકતાં. તેમ જ, તેઓની જરૂરિયાત કે ઇચ્છા પારખી શકતાં. એવી જ રીતે, બાળકોને પણ પોતાનાં માબાપને સારી રીતે ઓળખવાનો સમય મળતો.
૪. ક્યાં કારણોને લીધે ઘણાં કુટુંબ દિલ ખોલીને વાત કરી શકતાં નથી?
૪ આજના સમયમાં એવું જરાય નથી. અમુક દેશોમાં બેએક વર્ષનાં બાળકોને પણ બાળમંદિરમાં મૂકી દેવામાં આવે છે. ઘણાં માબાપ ઘરથી દૂર નોકરી કરે છે. અરે, માબાપ અને બાળકો સાથે હોય ત્યારે પણ કૉમ્પ્યુટર, ફોન કે ટીવી તેઓનો સમય ખાઈ જાય છે. ઘણાં કુટુંબમાં તો બાળકો અને માબાપ એવું જીવન જીવે છે કે, એકબીજાને જાણવાનો ભાગ્યે જ સમય મળે. તો, દિલ ખોલીને વાત કરવાનો સવાલ જ ઊભો થતો નથી.
૫, ૬. બાળકો સાથે સમય પસાર કરવા અમુક માબાપ શું કરે છે?
૫ કુટુંબ સાથે વધુ સમય પસાર કરવાની શું તમે તક ઝડપી લો છો? (એફેસી ૫:૧૫, ૧૬, વાંચો.) અમુક કુટુંબોએ ટીવી અને કૉમ્પ્યુટર પાછળ સમય આપવાનું ઓછું કર્યું છે. બીજા અમુકે દિવસમાં એક વાર સાથે જમવાનું નક્કી કર્યું છે. દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિમાં એકાદ કલાક આપવાથી પણ બહુ મદદ મળે છે. એમાં, બાઇબલનો સાથે અભ્યાસ કરવા અને એકબીજાને ઓળખવા સમય મળે છે. જોકે, એટલું જ પૂરતું નથી. બાળક સ્કૂલે જાય એ પહેલા તેને ઉત્તેજન આપતી વાત કરો. બાળક સાથે દરરોજનું વચન વાંચો અથવા પ્રાર્થના કરો. આવી નાની બાબતો કરવાથી પણ ઘણો ફેર પડે છે.
૬ અમુક માબાપ પોતાનાં બાળકો સાથે વધુ સમય પસાર કરવા જીવનમાં ફેરફાર કરે છે. જેમ કે, બે બાળકોની માતા લૉરાએ a નોકરી છોડી દીધી. તે જણાવે છે, ‘સવારમાં મને નોકરીએ અને બાળકોને સ્કૂલે જવાની ભાગદોડ રહેતી. રાતના હું ઘરે આવું ત્યારે, બાળકોની આયાએ તેઓને સુવાડી દીધાં હોય. મેં નોકરી છોડી એના લીધે અમને ઓછા પૈસામાં ગુજરાન ચલાવવું પડે છે. પરંતુ, હવે હું બાળકોનાં વિચારો અને મુશ્કેલીઓ સમજવા સમય આપી શકું છું. તેઓ પ્રાર્થનામાં જે કહે, એ હું સાંભળી શકું છું. તેઓને માર્ગદર્શન, ઉત્તેજન અને શિક્ષણ આપી શકું છું.’
‘સાંભળવામાં ચપળ’ થાઓ
૭. બાળકો અને માબાપ શું ફરિયાદ કરે છે?
૭ શરૂઆતમાં જણાવેલા પુસ્તકના લેખકોએ ઘણાં બાળકોના ઇન્ટરવ્યૂ લીધા. તેઓ જાણી શક્યા કે કુટુંબની વાતચીતમાં ઊભું થતું બીજું પણ એક નડતર છે. તેઓએ કહ્યું, ‘મોટા ભાગનાં બાળકોની ફરિયાદ હતી કે માબાપ અમારું સાંભળતાં નથી.’ જોકે, માબાપને પણ બાળકો સામે એ જ ફરિયાદ છે. દિલ ખોલીને વાતચીત થતી રહે માટે કુટુંબમાં દરેકે એકબીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.—યાકૂબ ૧:૧૯ વાંચો.
૮. માબાપે બાળકોને ધ્યાનથી સાંભળવા શું કરવું જોઈએ?
૮ માબાપ, શું તમે બાળકોને ધ્યાનથી સાંભળો છો? એમ કરવું ખાસ ત્યારે અઘરું લાગે જ્યારે તમે થાકેલા હો કે પછી બાળકની વાત નાનીસૂની લાગે. જોકે, તમને મામૂલી લાગતી વાત તેઓ માટે ખૂબ મહત્ત્વની હોય શકે. “સાંભળવામાં ચપળ” થવાનો અર્થ થાય કે બાળક શું કહે છે અને કઈ રીતે કહે છે, એના પર ધ્યાન આપવું. તેમ જ, તેનો અવાજ અને હાવભાવ બતાવશે કે તે શું વિચારે છે. સવાલો પૂછવા પણ મહત્ત્વના છે. બાઇબલ કહે છે, ‘વ્યક્તિના વિચારો ઊંડા કૂવામાંના પાણીની જેમ છે. સમજુ માણસ એને બહાર કાઢી લાવે છે.’ (નીતિ. ૨૦:૫, ટુડેઝ ઈંગ્લીશ વર્ઝન) બાળકોના વિચારો સમજ્યા પછી જ તમે તેઓને જરૂરી મદદ આપી શકશો.
૯. બાળકોએ મમ્મી-પપ્પાનું કહ્યું કેમ માનવું જોઈએ?
૯ બાળકો, શું તમે મમ્મી-પપ્પાનું કહેવું માનો છો? બાઇબલ જણાવે છે કે, ‘મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.’ (નીતિ. ૧:૮) કદી ભૂલશો નહિ કે, તમારાં મમ્મી-પપ્પા તમને ખૂબ પ્રેમ કરે છે. તેઓ દિલથી ચાહે છે કે તમારું ભલું થાય. તેથી, તેઓનું ધ્યાનથી સાંભળવામાં અને કહેવું માનવામાં જ સમજદારી છે! (એફે. ૬:૧) સારા વાતચીત વ્યવહારથી અને માબાપ પ્રેમ કરે છે, એ યાદ રાખવાથી તેઓનું માનવું સહેલું બનશે. મમ્મી-પપ્પાથી તમારી લાગણીઓ અને વિચારો છુપાવશો નહિ. એમ કરવાથી, તેઓ તમને સમજી શકશે. અરે, તમારે પણ તેઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૧૦. રહાબઆમના કિસ્સામાંથી શું શીખી શકીએ?
૧૦ તમારી ઉંમરના દોસ્તો પાસેથી સલાહ લેતા સાવધ રહેજો. તમને જે સાંભળવું ગમે એ જ તેઓ કહેશે. પરંતુ, એવી સલાહથી તમને જરાય મદદ નહિ મળે. અરે, નુકસાન પણ થઈ શકે! તમારા દોસ્તો પાસે, મોટા લોકોની જેમ સમજણ અને અનુભવ નથી. કોઈ બાબત કરવાથી કેવાં પરિણામો આવી શકે, એ તેઓ સમજી શકતા નથી. રાજા સુલેમાનના દીકરા રહાબઆમનો વિચાર કરો. તે ઈસ્રાએલનો રાજા બન્યો ત્યારે, જો તેણે વડીલોની સલાહ માની હોત તો કેટલું સારું થાત! પણ, તેણે તો પોતાની ઉંમરના દોસ્તોની મૂર્ખતાભરી સલાહ માની. આમ, પોતાની પ્રજાનો તે સાથ ગુમાવી બેઠો. (૧ રાજા. ૧૨:૧-૧૭) તમે રહાબઆમની જેમ ન કરતા. એના બદલે, દિલ ખોલીને મમ્મી-પપ્પા સાથે વાતચીત કરો. તમારા વિચારો તેઓને જણાવતા અચકાશો નહિ. તેઓની સલાહનો લાભ મેળવો અને તેઓના અનુભવમાંથી શીખો.—નીતિ. ૧૩:૨૦.
૧૧. વાત કરવી સહેલી બને એવો સ્વભાવ માબાપ નહિ રાખે તો શું થશે?
૧૧ માબાપ, શું તમે ચાહો છો કે બાળકો સલાહ માટે દોસ્તો પાસે ન જાય, પણ તમારી પાસે આવે? એમ હોય તો, તેઓ પોતાની વાત તમને સહેલાઈથી કહી શકે એવો સ્વભાવ રાખો. એવું કરવાથી તેઓ તમારી સાથે દિલ ખોલીને વાત કરી શકશે. એક તરુણ બહેને લખ્યું, ‘વાતચીતમાં હું છોકરાનું નામ લઉં કે તરત જ મમ્મી-પપ્પા બેચેન થઈ જાય છે. એટલે, વાત આગળ કહેતા હું અચકાઉં છું.’ બીજા એક યુવાન બહેને લખ્યું, ‘ઘણા યુવાનોને મમ્મી-પપ્પાની સલાહ જોઈતી હોય છે. પણ, મમ્મી-પપ્પા વાત પર ધ્યાન ન આપે તો, યુવાનો દોસ્તો પાસે જાય છે. પછી, ભલેને એ દોસ્તને ઓછો અનુભવ હોય.’ બાળકો જે કંઈ કહે એને ધ્યાનથી સાંભળો. તેઓ શું અનુભવે છે, એને સમજવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી, તેઓ તમારી સાથે દિલ ખોલીને વાતચીત કરશે અને સલાહ ખુશીથી સ્વીકારશે.
બોલવામાં ઉતાવળિયા ન થાઓ
૧૨. માબાપ જે રીતે વર્તે એની બાળક પર કેવી અસર થાય છે?
૧૨ વાત સાંભળીને માબાપ જે રીતે વર્તે, એ પરથી બાળક નક્કી કરશે કે વાત કરવી કે નહિ. બાળકની વાત સાંભળતા જ માબાપ કદાચ તરત ગુસ્સે થઈ જાય. ખરું કે, માબાપ બાળકોનું આ “છેલ્લા સમયમાં” ખાસ રક્ષણ કરવા માંગે છે. કારણ, ભક્તિ અને બીજી ઘણી બાબતોમાં બાળકો પર મુશ્કેલીઓ આવે છે. (૨ તીમો. ૩:૧-૫) જોકે, માબાપ જેને રક્ષણ ગણે એ બાળકને કદાચ બંધન જેવું લાગે.
૧૩. માબાપે કેમ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના વિચારો તરત ન જણાવે?
૧૩ સમજુ માબાપ તરત બાળકો પર પોતાના વિચારો થોપી નહિ બેસાડે. ખરું કે, અમુક વાર બાળકના વર્તનથી તમને કદાચ દુઃખ પહોંચે. પણ, મહત્ત્વનું છે કે જવાબ આપતા પહેલા તેની વાત ધ્યાનથી સાંભળી લો. બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું, “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.” (નીતિ. ૧૮:૧૩) શાંત મને કામ લેશો તો વધારે સાંભળી શકશો અને બાળક વધારે કહી શકશે. પૂરી વાત સાંભળ્યા પછી જ તેને જરૂરી સહાય આપી શકશો. કદાચ તમને લાગે કે બાળક ‘વિચાર્યા વગર’ બોલે છે, પણ બની શકે કે તેના મનમાં કોઈક મૂંઝવણ હોય. (અયૂ. ૬:૧-૩) પ્રેમાળ માબાપ તરીકે બાળકને સાંભળો. તેને સમજવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી જ, તેને યોગ્ય મદદ કરી શકશો.
૧૪. મમ્મી-પપ્પાની શિખામણ પર બાળકોએ કેમ ધ્યાન આપવું જોઈએ?
૧૪ બાળકો, તમારે પણ સમજી વિચારીને બોલવું જોઈએ. મમ્મી-પપ્પા તમને કંઈક કહે તો તરત સામા ન થાઓ. કારણ, યહોવાએ શીખવવાની જવાબદારી માબાપને સોંપી છે. (નીતિ. ૨૨:૬) તમે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યાં છો, એવો અનુભવ કદાચ તેઓને થયો હશે. બની શકે, તેઓને યુવાનીમાં કરેલી ભૂલોનો અફસોસ છે. અને તેઓ નથી ચાહતા કે તમારી સાથે પણ એવું બને. મમ્મી-પપ્પા તમારાં દોસ્તો છે, દુશ્મન નહિ! તેઓ તમને મદદ કરવાં માંગે છે, દુઃખી કરવા નહિ! (નીતિવચનો ૧:૫ વાંચો.) બાઇબલ જણાવે છે કે, ‘તારા પિતાનું તથા તારી માતાનું સન્માન કર.’ મમ્મી-પપ્પા તમને ઘણો પ્રેમ કરે છે, તમે પણ તેઓને એટલો જ પ્રેમ કરો. આમ, તેઓ તમને સહેલાઈથી ‘યહોવાનાં શિક્ષણમાં’ ઉછેરી શકશે.—એફે. ૬:૨, ૪.
ક્રોધ કરવામાં ઉતાવળિયા ન થાઓ
૧૫. સંયમથી કામ લેવા આપણને શું મદદ કરશે?
૧૫ આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેની સાથે કેટલીક વાર સંયમથી કામ લેતા નથી. “કોલોસેમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ” ભાઈઓને પ્રેરિત પાઊલે લખ્યું, ‘પતિઓ, તમે પોતાની પત્ની પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. પિતાઓ, તમે તમારાં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.’ (કોલો. ૧:૧, ૨; ૩:૧૯, ૨૧) વધુમાં, એફેસીઓને પાઊલે સલાહ આપી, ‘સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, નિંદા અને સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.’ (એફે. ૪:૩૧) આપણે પવિત્ર શક્તિનું ફળ એટલે કે સહનશીલતા, નમ્રતા અને સંયમ કેળવીએ. એનાથી અઘરા સંજોગોમાં પણ શાંતિ જાળવી શકીશું.—ગલા. ૫:૨૨, ૨૩.
૧૬. ઈસુએ કઈ રીતે શિષ્યોના વિચારોને સુધાર્યા? ઈસુ જે રીતે વર્ત્યા એ કેમ નવાઈ પમાડે એવું છે?
૧૬ માબાપ, તમે ઈસુના ઉદાહરણનો વિચાર કરો. ઈસુ ખૂબ તણાવમાં હતા જ્યારે શિષ્યો સાથે છેલ્લું ભોજન લઈ રહ્યા હતા. તે જાણતા હતા કે, અમુક જ કલાકમાં તેમને ક્રૂર રીતે મારી નાખવામાં આવશે. તેમને એ પણ ખબર હતી કે પોતે વિશ્વાસુ રહેશે તો જ યહોવાના નામને મહિમા મળશે અને મનુષ્યોને તારણ. એવા તણાવભર્યા સમયમાં ‘શિષ્યોમાં કોણ મોટો ગણાય, એ સંબંધી વાદવિવાદ શરૂ થયો.’ ઈસુએ ગુસ્સે થવાને બદલે, તેઓને શાંતિથી સમજાવ્યા. તેમ જ, યાદ દેવડાવ્યું કે તેઓએ અઘરાં સંજોગોમાં પણ તેમને સાથ આપ્યો હતો. ઉપરાંત, ઈસુએ શિષ્યોમાં એવો ભરોસો બતાવ્યો કે શેતાનના પરીક્ષણમાં પણ તેઓ વિશ્વાસુ રહેશે. છેવટે, તેઓને સ્વર્ગમાં રાજાઓ બનાવામાં આવશે એવો તેઓ સાથે કરાર કર્યો.—લુક ૨૨:૨૪-૩૨.
૧૭. શાંતિ જાળવી રાખવા બાળકોને શું મદદ કરશે?
૧૭ બાળકો, તમારે પણ શાંતિ જાળવવાની જરૂર છે. તમે જો તરુણ હો, તો મમ્મી-પપ્પાની સલાહ સ્વીકારવી કદાચ અઘરી લાગે. તમને થશે કે તેઓ તમારા પર ભરોસો નથી કરતા એટલે સલાહ આપ્યાં કરે છે. પણ, યાદ રાખો કે તેઓ તમને પ્રેમ કરે છે એટલે તમારી ચિંતા કરે છે. મમ્મી-પપ્પાનાં કહેવાં પ્રમાણે કરશો તો તેઓનું તમારા માટે માન અને ભરોસો વધશે. આમ, તેઓ તમને અમુક બાબતોની છૂટ પણ આપે. બાઇબલમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સંયમ રાખે છે તે સમજદાર છે. એમાં આમ પણ લખ્યું છે: “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.”—નીતિ. ૨૯:૧૧.
૧૮. દિલ ખોલીને વાતચીત કરવા પ્રેમ કઈ રીતે મદદ કરે છે?
૧૮ વહાલાં માબાપ અને બાળકો, જો તમે પૂરી રીતે દિલ ખોલીને વાતચીત ન કરી શકતાં હો, તો નિરાશ ન થતાં. પ્રયત્ન કરતાં રહો અને સત્યમાં ચાલતાં રહો. (૩ યોહા. ૪) નવી દુનિયામાં, આપણામાં કોઈ ખામી ન હોવાથી, ગેરસમજ વગર વાતચીત કરી શકીશું. જોકે, હાલમાં આપણે બધા ઘણી ભૂલો કરીએ છીએ. તેથી, માફી માગવામાં જરાય અચકાશો નહિ. એકબીજાને તરત માફ કરો અને ‘પ્રેમમાં જોડાએલાં રહો.’ (કોલો. ૨:૨) પ્રેમમાં ઘણી શક્તિ છે. એટલે જ બાઇબલ જણાવે છે, ‘પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. અયોગ્ય રીતે વર્તતી નથી, ખિજવાતી નથી, સઘળું ખમે છે, સઘળું ખરું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે.’ (૧ કોરીં. ૧૩:૪-૭) દિલ ખોલીને વાતચીત કરવાં પ્રેમ કેળવતાં રહો. આમ, કુટુંબમાં આનંદ વધશે અને યહોવાને મહિમા મળશે.
a નામ બદલ્યું છે.