વાચકો તરફથી પ્રશ્નો
શું ઈસ્રાએલીઓ ગુનેગારોને સ્તંભ પર લટકાવીને મારી નાખતા?
પહેલાંના સમયનાં ઘણાં રાષ્ટ્રો અમુક ગુનેગારોને સ્તંભ કે ઝાડ પર લટકાવીને મારી નાખતાં. રોમન લોકો ગુનેગારને સ્તંભ પર લટકાવવા માટે બાંધતા અથવા ખીલા મારતા. એ વ્યક્તિ પછી સ્તંભ પર પીડા, ભૂખ-તરસ અને બીજી બાબતો સહી શકે ત્યાં સુધી જીવતી. રોમનો માનતા કે સૌથી ખરાબ ગુનેગારને એવી શરમજનક સજા કરવી જોઈએ.
પ્રાચીન સમયના ઈસ્રાએલ રાષ્ટ્ર વિશે શું? શું એ સમયના ઈસ્રાએલીઓ ગુનેગારોને સ્તંભ પર લટકાવીને મારી નાખતા? મુસાને અપાયેલા નિયમ પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ અપરાધ કરે જે તેના પર મૃત્યુ દંડ લાવે અને તે મરી જાય ત્યારે તેના શરીરને કોઈ વૃક્ષની ડાળીએ લટકાવવું. પરંતુ, તેના શરીરને રાતના સમયે લટકતું ન રાખવું, તે જ દિવસે તેને દાટી દેવું.’ (પુન. ૨૧:૨૨, ૨૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) દેખીતું છે કે, એ સમયમાં ગુનેગારને પહેલાં મારી નાખવામાં આવતો અને પછી તેના શબને ઝાડ પર લટકાવવામાં આવતું.
વધુમાં, લેવીય ૨૦:૨ જણાવે છે કે, “ઈસ્રાએલ પુત્રોમાંનો અથવા ઈસ્રાએલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.” જેઓ “ભૂતવૈદ હોય કે જાદુગર હોય” તેઓને પણ મારી નાખવામાં આવતા. કઈ રીતે? તેઓને “પથ્થરે મારવા”માં આવતા.—લેવી. ૨૦: ૨૭.
પુનર્નિયમ ૨૨:૨૩, ૨૪ જણાવે છે, ‘જો કોઈ કુંવારી કન્યાની કોઈ પુરુષની સાથે સગાઈ કરેલી હોય અને કોઈ બીજો પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે કુકર્મ કરે, તો તમે તે બંનેને એ નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખો; કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી. એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.’ ઈસ્રાએલીઓમાં, જો કોઈ ગંભીર પાપ કરે તો તેને પથ્થરે મારી નાખવું, એ મુખ્ય રીત હતી. a
દેખીતું છે કે, એ સમયમાં ગુનેગારને પહેલા મારી નાખવામાં આવતો અને પછી તેના શબને ઝાડ પર લટકાવવામાં આવતું
પુનર્નિયમ ૨૧:૨૩માં જણાવ્યા પ્રમાણે, “ટંગાએલો દરેક પુરુષ ઈશ્વરથી શાપિત છે.” ઈશ્વરથી શાપિત વ્યક્તિના શબને ઈસ્રાએલીઓ જોઈ શકે એ રીતે લટકાવવામાં આવતું. આમ, સ્તંભ કે ઝાડ પર લટકતું શબ ઈસ્રાએલીઓ માટે ચેતવણીરૂપ હતું.
a ઘણા નિષ્ણાતો સહમત થાય છે કે નિયમ પ્રમાણે, ગુનેગારને લટકાવતા પહેલાં મારી નાખવામાં આવતો હતો. છતાં, પુરાવા બતાવે છે કે પહેલી સદી સુધી યહુદીઓ અમુક ગુનેગારોને જીવતા લટકાવતા. પછી સ્તંભ પર તે મરણ પામતો.