સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપો—તમારાં બાળકોને નાનપણથી જ તાલીમ આપો

માબાપો—તમારાં બાળકોને નાનપણથી જ તાલીમ આપો

બાઇબલ જણાવે છે: ‘છોકરાં તો યહોવાનું આપેલું ધન છે; પેટનાં ફરજંદ તેમના તરફથી પ્રતિદાન છે.’ (ગીત. ૧૨૭:૩) એટલે એમાં કોઈ નવાઈ નથી કે, બાળકના જન્મ સમયે માબાપ આનંદવિભોર થઈ જાય છે.

બાળકના જન્મ વખતે, આનંદની સાથે સાથે મોટી જવાબદારીઓ પણ આવે છે. બાળક મોટું થાય એમ, તંદુરસ્ત રહેવા તેણે નિયમિત પૌષ્ટિક ખોરાક લેવાની જરૂર પડે છે. બાળક સાચી ભક્તિ કરવા દિલથી નિર્ણય લે, એ માટે તેને ઈશ્વરના જ્ઞાનની અને તેમના સિદ્ધાંતો સિંચવા માગતા માબાપના માર્ગદર્શનની જરૂર પડે છે. (નીતિ. ૧:૮) આવી તાલીમ ક્યારે શરૂ કરવી જોઈએ અને એમાં શું શીખવવું જોઈએ?

માબાપોને યહોવાના માર્ગદર્શનની જરૂર છે

દાનના કુટુંબના માનોઆહનો વિચાર કરો, જે પ્રાચીન ઈસ્રાએલના સોરાહ નગરમાં રહેતા હતા. યહોવાના દૂતે માનોઆહની વાંઝણી પત્નીને જણાવ્યું કે, તે પુત્રને જન્મ આપશે. (ન્યા. ૧૩:૨, ૩) નિઃશંક, વફાદાર માનોઆહ અને તેની પત્નીની ખુશીઓનો તો પાર નહિ રહ્યો હોય. પણ તેઓને એક મોટી ચિંતા હતી. એટલે, માનોઆહે ઈશ્વરને પ્રાર્થના કરી: ‘હે પ્રભુ, કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો, કે છોકરો જનમશે તેના વિશે અમારે શું કરવું એ તે અમને શીખવે.’ (ન્યા. ૧૩:૮) માનોઆહ અને તેની પત્નીને બાળકના ઉછેર વિશે ચિંતા હતી. તેઓએ પુત્ર શામશૂનને ઈશ્વરના નિયમો શીખવ્યા અને તેઓની મહેનત રંગ લાવી. બાઇબલ કહે છે, ‘યહોવાની શક્તિ શામશૂનને પ્રેરણા આપવા લાગી.’ પરિણામે, ઈસ્રાએલના એક ન્યાયાધીશ તરીકે, શામશૂને ઘણાં પરાક્રમી કામો કર્યા.—ન્યા. ૧૩:૨૫; ૧૪:૫, ૬; ૧૫:૧૪, ૧૫.

આવનાર બાળકના ઉછેર માટે માર્ગદર્શન મેળવવા માનોઆહે પ્રાર્થના કરી

બાળકની તાલીમ ક્યારે શરૂ કરવી જોઈએ? તીમોથીને “બાળપણ”થી તેની મા યુનીકે અને દાદી લોઈસે “પવિત્ર શાસ્ત્રની” તાલીમ આપી હતી. (૨ તીમો. ૧:૫; ૩:૧૫) આમ, તીમોથીને નાની ઉંમરથી જ શાસ્ત્રમાંથી શીખવવામાં આવતું હતું.

ભૂલકાંઓને “બાળપણ”થી જ તાલીમ આપવા, માબાપો માર્ગદર્શન માટે પ્રાર્થના કરી શકે અને પહેલેથી ગોઠવણો કરી શકે. નીતિવચનો ૨૧:૫ કહે છે, “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.” બાળકના જન્મ પહેલાં જ માબાપ જરૂરી તૈયારીઓ કરશે. બાળકને કેવી વસ્તુઓની જરૂર પડશે, એની યાદી પણ તેઓ બનાવતા હોય છે. ઈશ્વરભક્તિની બાબતોમાં પણ આગળથી આયોજન કરવું મહત્ત્વનું છે. બાળકના શરૂઆતના મહિનાઓથી જ તેને આવી તાલીમ આપવાનો તેઓનો ધ્યેય હોવો જોઈએ.

બાળઉછેર પર એક પુસ્તક જણાવે છે: “બાળકના જન્મ પછીના મહિનાઓમાં મગજ પૂર્ણ વિકાસ પામતું હોવાથી, એ સમય ખૂબ મહત્ત્વનો હોય છે. આ સમય દરમિયાન, બાળક શીખી શકે એ માટે મદદ આપતા જ્ઞાનતંતુના સાંધાઓ (સિનેપ્સીસ) વીસ ગણાં વધે છે.” (અર્લી ચાઇલ્ડહુડ કાઉન્ટ્‌સ—અ પ્રૉગ્રામિંગ ગાઇડ ઓન અર્લી ચાઇલ્ડહુડ કેર ફોર ડેવલપમૅન્ટ) બાળકનો માનસિક વિકાસ થઈ રહ્યો હોય એવા આ સમયગાળાથી, માબાપો તેના મનમાં ઈશ્વરના વિચારો અને મૂલ્યોનું સિંચન કરવા લાગે એ કેટલું સારું કહેવાય!

એક પાયોનિયર માતા પોતાની દીકરી વિશે જણાવે છે: “તે એક મહિનાની હતી ત્યારથી હું તેને મારી સાથે પ્રચારમાં લઈ જાઉં છું. ભલે તેને કંઈ ખબર ન પડતી કે શું થઈ રહ્યું છે, પણ મને લાગે છે કે, શરૂઆતના અનુભવથી તેને ચોક્કસ ફાયદો થયો છે. તે બે વર્ષની થઈ પછી, પ્રચારમાં લોકોને અચકાયા વગર પત્રિકાઓ આપવા લાગી.”

બાળપણથી આપેલી તાલીમનું પરિણામ સારું હોય છે. તેમ છતાં, માબાપોને જોવા મળ્યું છે કે, બાળકોને ઈશ્વરનું શિક્ષણ આપવામાં અમુક અડચણો પણ આવે છે.

‘સમયનો સદુપયોગ કરો’

સામાન્ય રીતે બાળક ઝંપીને રહેતું નથી અથવા તેનું ધ્યાન જલદી ભટકી જતું હોય છે. માબાપ માટે આ મોટી મુશ્કેલી બની શકે. બાળકો જિજ્ઞાસુ હોય છે અને તેઓને આજુબાજુની વસ્તુઓ જાણવાનું કુતૂહલ હોય છે. એટલે, તેનું ધ્યાન તરત જ બીજી વસ્તુઓ પર ભટકી જતું હોય છે. પોતે જે શીખવી રહ્યા હોય એના પર બાળક ધ્યાન આપી શકે એ માટે માબાપ શું કરી શકે?

મુસાના શબ્દો પર ધ્યાન આપો. પુનર્નિયમ ૬:૬, ૭ જણાવે છે: “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિશે વાત કર.” અહીં ‘ખંતથી શીખવʼનો અર્થ થાય કે, વારંવાર શીખવવું. નાનું બાળક છોડ જેવું હોય છે, જેને થોડા થોડા સમયે નિયમિત પાણી આપવાની જરૂર પડે છે. એકની એક વસ્તુ વારંવાર કરવાથી મોટાઓ મહત્ત્વની વસ્તુ યાદ રાખી શકે છે. એ જ રીતે, બાળકોને પણ એમ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે!

બાળકોને ઈશ્વરનું સત્ય શીખવવા માબાપ તેઓ સાથે સમય પસાર કરે, એ જરૂરી છે. આજની ભાગદોડભરી જિંદગીમાં આવી બાબતો માટે સમય ફાળવવો સહેલું નથી. પરંતુ, ભક્તિને લગતી મહત્ત્વની બાબતો માટે “સમયનો સદુપયોગ” કરવાની પ્રેરિત પાઊલે સલાહ આપી હતી. (એફે. ૫:૧૫, ૧૬) એમ કઈ રીતે કરી શકાય? મંડળના એક વડીલનો વિચાર કરો, જેમના પત્ની નિયમિત પાયોનિયર છે. આ વડીલ ભાઈ માટે તેમની નાની દીકરીને તાલીમ આપવી, મંડળની જવાબદારી નિભાવવી અને નોકરી સાચવવી, આ ત્રણેય બાબતો સાથે કરવી અઘરું હતું. આ યુગલે કઈ રીતે દીકરીને તાલીમ આપી? પિતા કહે છે: “કામે જતા પહેલાં, દરરોજ સવારે અમારી બાળકી માટે હું અને મારી પત્ની બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક કે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકા વાંચતા. સાંજે પણ તે સૂઈ જાય એ પહેલાં, આપણા સાહિત્યમાંથી કંઈક વાંચી સંભળાવવાનું અમે ચૂકતા નહિ. પ્રચારમાં જતાં ત્યારે પણ તેને સાથે લઈ જતા. તે જીવનના શરૂઆતના વર્ષોથી જ ઈશ્વરનું સત્ય શીખે, એવું અમે ઇચ્છતા હતા.”

‘બાળકો બાણ જેવા છે’

આપણે ઇચ્છીએ છીએ કે આપણું બાળક મોટું થઈને એક જવાબદાર વ્યક્તિ બને. પરંતુ, તેને તાલીમ આપવાનું આપણું મુખ્ય કારણ, તેના દિલમાં યહોવા માટે પ્રેમ વધારવાનું છે.—માર્ક ૧૨:૨૮-૩૦.

ગીતશાસ્ત્ર ૧૨૭:૪ કહે છે: “યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.” અહીંયા બાળકોની સરખામણી બાણ સાથે કરવામાં આવી છે. લક્ષ્યને વીંધવું હોય તો, બાણથી યોગ્ય નિશાન લેવું પડે છે. ધનુષ્યમાંથી છૂટેલા બાણને તીરંદાજ પાછું બોલાવી શકતો નથી. માબાપ પાસે “બાણ” તરીકે બાળકો થોડા સમય માટે જ હોય છે. તેઓએ એ સમયનો ઉપયોગ, બાળકના દિલોદિમાગમાં ઈશ્વરના ધોરણો ઉતારવા કરવો જોઈએ.

પ્રેરિત યોહાન માટે મંડળના ભાઈ-બહેનો જાણે પોતાના બાળકો હતા. તેમણે લખ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહા. ૪) માબાપો પણ પોતાનાં બાળકોને ‘સત્યમાં ચાલતા’ જુએ છે, ત્યારે આવું જ અનુભવે છે.