સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં

યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં

‘તેઓને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેઓએ એને દૂરથી જોયાં.’—હિબ્રૂ ૧૧:૧૩.

૧. જે જોયું નથી એની કલ્પના કરવી શા માટે સારી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

યહોવાએ આપણને એક અદ્ભુત ભેટ આપી છે. એ છે, જે જોયું નથી એનું ચિત્ર મનમાં ઊભું કરવાની ક્ષમતા. એ ક્ષમતાને લીધે આપણે ભાવિમાં થનારી સારી બાબતોની કલ્પના કરી શકીએ છીએ. એનાથી આપણે ભાવિ યોજનાઓ ઘડી શકીએ છીએ તેમજ મુશ્કેલીઓ ટાળી શકીએ છીએ. ભાવિમાં શું બનશે એ યહોવાને ખબર છે. તેમણે આપણને કેટલીક બાબતો જણાવી છે, જે થવાની આપણે આશા રાખીએ છીએ. ભલે આપણે એ બાબતોને જોઈ શકતા નથી, પરંતુ આપણે એની કલ્પના જરૂર કરી શકીએ છીએ. તેમજ, એ પ્રમાણે બનશે એવો ભરોસો રાખી શકીએ છીએ.—૨ કોરીં. ૪:૧૮.

૨, ૩. (ક) કલ્પના કરવાથી આપણને શો ફાયદો થઈ શકે? (ખ) આ લેખમાં આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

ખરું કે, અમુક વાર આપણે એવી બાબતોની કલ્પના કરીએ છીએ, જે કદીએ શક્ય નથી હોતી. દાખલા તરીકે, એક બાળકી પતંગિયા પર સવારી કરવાની કલ્પના કરી શકે. પરંતુ, એ તો અશક્ય છે. જ્યારે કે, શમૂએલની માતા હાન્નાએ એવી બાબતોની કલ્પના કરી જે શક્ય હતી. તે એ દિવસની કલ્પના કર્યાં કરતા, જ્યારે પોતાના દીકરાને મુલાકાતમંડપમાં યાજકો સાથે સેવા કરવા મૂકી આવે. એ ફક્ત એક સપનું ન હતું. એ તો તેમણે મનમાં કરેલો મક્કમ નિર્ણય હતો. એટલે, એ દિવસ વિશે કલ્પના કરવાથી યહોવાને આપેલું વચન નિભાવવા હાન્નાને મદદ મળતી હતી. (૧ શમૂ. ૧:૨૨) યહોવાએ આપેલાં વચનોની કલ્પના કરીને, આપણે એ બાબતોની કલ્પના કરીએ છીએ જે અચૂક બનશે.—૨ પીત. ૧:૧૯-૨૧.

પ્રાચીન સમયના ઘણા ઈશ્વરભક્તોએ યહોવાએ આપેલાં વચનોની કલ્પના કરી હતી. એમ કરવું તેઓ માટે કેમ સારું હતું? તેમજ, યહોવાનાં વચનો પ્રમાણે થશે ત્યારે આપણું જીવન કેવું હશે એની કલ્પના કરવી શા માટે સારી છે?

ભાવિની કલ્પનાથી તેઓની શ્રદ્ધા મક્કમ થઈ

૪. હાબેલ શા માટે એક સારા ભાવિની કલ્પના કરી શક્યા?

યહોવાનાં વચનોમાં ભરોસો મૂકનાર પહેલી વ્યક્તિ, હાબેલ હતા. આદમ-હવાએ પાપ કર્યા પછી, યહોવાએ સર્પને જે કહ્યું એના વિશે હાબેલને ખબર હતી. યહોવાએ કહ્યું હતું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત. ૩:૧૪, ૧૫) એ શબ્દો કઈ રીતે પૂરા થશે એની હાબેલને પૂરેપૂરી ખબર ન હતી. પરંતુ, ઈશ્વરના એ શબ્દો વિશે તેમણે જરૂર ઘણું મનન કર્યું હશે. હાબેલને કદાચ થયું હશે: “એ વ્યક્તિ કોણ હશે જેની એડી સર્પ છૂંદશે અને જે મનુષ્યોને સંપૂર્ણ થવા મદદ કરશે?” હાબેલને પૂરેપૂરો ભરોસો હતો કે યહોવાનું દરેક વચન પૂરું થશે. એટલે જ, હાબેલે ચઢાવેલા બલિદાનથી યહોવા ખુશ થયા.—ઉત્પત્તિ ૪:૩-૫; હિબ્રૂ ૧૧:૪ વાંચો.

૫. શા માટે ભાવિની કલ્પના કરવામાં હનોખનું ભલું હતું?

યહોવામાં મક્કમ શ્રદ્ધા રાખનાર બીજી વ્યક્તિ હનોખ હતા. હનોખ એવા દુષ્ટ લોકો મધ્યે જીવતા હતા જેઓ યહોવા વિરુદ્ધ ‘ખરાબ વચનો’ કહેતાં હતાં. પરંતુ, હનોખે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવ્યો. તેમણે લોકોને ચેતવણી આપી કે યહોવા બધા પાપીઓનો નાશ કરશે. (યહુ. ૧૪, ૧૫) એમ કરવા હનોખને ક્યાંથી મદદ મળી? તેમણે એ સમયની કલ્પના કરી હશે જ્યારે બધા લોકો યહોવાની જ ભક્તિ કરતા હશે.—હિબ્રૂ ૧૧:૫, ૬ વાંચો.

૬. જળપ્રલય પછી નુહે શાની કલ્પના કરી હોય શકે?

યહોવામાં ઘણી શ્રદ્ધા હોવાને લીધે નુહ જળપ્રલયમાંથી બચી ગયા. (હિબ્રૂ ૧૧:૭) શ્રદ્ધાને લીધે જ નુહે યહોવાને પ્રાણીઓનું બલિદાન ચઢાવ્યું. (ઉત. ૮:૨૦) પરંતુ, એ પ્રલય પછી માણસોમાં ફરી દુષ્ટતા વધી ગઈ. નિમ્રોદ રાજ કરવા લાગ્યો. તેણે ચાહ્યું કે લોકો યહોવાની સામે બળવો કરે. (ઉત. ૧૦:૮-૧૨) પરંતુ, નુહ શ્રદ્ધામાં મક્કમ રહ્યા. હાબેલની જેમ તેમને પણ પૂરો ભરોસો હતો કે યહોવા એક દિવસે પાપ અને મરણ જરૂર કાઢી નાંખશે. નુહે પણ એ સમયની કલ્પના કરી હશે જ્યારે કોઈ જુલમી રાજા નહિ હોય. આપણે પણ એવા અદ્ભુત સમયની કલ્પના કરી શકીએ, જે ઘણો નજીક છે!—રોમ. ૬:૨૩.

તેઓએ એ સમયની કલ્પના કરી જ્યારે ઈશ્વરના વચનો પૂરાં થશે

૭. ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ કેવા ભાવિની કલ્પના કરી શક્યા?

ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ પણ સુંદર ભાવિની કલ્પના કરી શક્યા. યહોવાએ તેઓને વચન આપ્યું હતું કે તેઓના “સંતાન” દ્વારા આખી દુનિયાના લોકો આશીર્વાદ પામશે. (ઉત. ૨૨:૧૮; ૨૬:૪; ૨૮:૧૪) તેમજ, તેઓનું કુટુંબ એક મોટું રાષ્ટ્ર બનશે અને વચન આપેલા સુંદર દેશમાં રહેશે. (ઉત. ૧૫:૫-૭) ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ જાણતા હતા કે યહોવા પોતાનાં વચનો ચોક્કસ પૂરાં કરશે. અરે, મનની આંખોથી તેઓ પોતાનાં કુટુંબોને વચનના દેશનો આનંદ માણતા જોઈ શકતા હતા. આમ, કહી શકાય કે આદમ-હવાએ પાપ કર્યું ત્યારથી, યહોવા પોતાના વફાદાર સેવકોને જણાવતા રહ્યા છે કે કઈ રીતે મનુષ્યોને ફરીથી સંપૂર્ણ જીવન મળશે.

૮. શાના લીધે ઈબ્રાહીમ મક્કમ શ્રદ્ધા અને આધીનતા બતાવી શક્યા?

યહોવાનાં વચનોમાં ઈબ્રાહીમની શ્રદ્ધા મક્કમ હતી. એને લીધે તે ઘણી મુશ્કેલીઓમાં પણ યહોવાને આધીન રહ્યા. યહોવાએ આપેલાં વચનોની કલ્પના ઈબ્રાહીમ અને બીજા વફાદાર ભક્તો કરી શક્યા. પછી ભલેને, તેઓએ પોતાના જીવનકાળમાં એ વચનો પૂરાં થતાં જોયાં નહિ. બાઇબલ જણાવે છે કે તેઓએ એ વચનોને ‘દૂરથી જોઈને એનો આવકાર કર્યો.’ (હિબ્રૂ ૧૧:૮-૧૩ વાંચો.) ઈબ્રાહીમ જાણતા હતા કે અગાઉ પણ દરેક વાર યહોવાએ પોતાનાં વચનો પૂરાં કર્યાં છે. તેથી, ઈબ્રાહીમને પૂરી ખાતરી હતી કે ભાવિમાં પણ યહોવા પોતાનાં વચનો પૂરાં કરશે.

૯. ઈશ્વરનાં વચનોમાં શ્રદ્ધા હોવાથી ઈબ્રાહીમને કઈ રીતે મદદ મળી?

યહોવાનાં વચનોમાં શ્રદ્ધા હોવાથી ઈબ્રાહીમે એ બધું જ કર્યું જે યહોવાએ તેમને કહ્યું હતું. દાખલા તરીકે, તેમણે ઉર શહેરમાંનું પોતાનું ઘર મૂકી દીધું અને જીવનભર કોઈ શહેરમાં કાયમ માટે વસ્યા નહિ. તે જાણતા હતા કે તેમની આસપાસના શહેરો કાયમ માટે રહેશે નહિ, કેમ કે એના રાજાઓ યહોવાના સેવકો ન હતા. (યહો. ૨૪:૨) એને બદલે, તે એવા સમયની રાહ જોતા હતા, જ્યારે યહોવા અને તેમની સરકાર ધરતી પર હંમેશ માટે રાજ કરશે. એ સરકાર તો મક્કમ ‘પાયો ધરાવનાર શહેર છે, જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે.’ (હિબ્રૂ ૧૧:૧૦) ઈબ્રાહીમ, હાબેલ, હનોખ, નુહ અને બીજા ઈશ્વરભક્તો પણ સજીવન થવાની આશામાં માનતા હતા. સુંદર ધરતી પરના હંમેશ માટેના જીવનનો તેઓ જ્યારે પણ વિચાર કરતા ત્યારે યહોવામાં તેઓની શ્રદ્ધા મક્કમ થતી હતી.—હિબ્રૂ ૧૧:૧૫, ૧૬ વાંચો.

૧૦. ભાવિની આતુરતાથી રાહ જોવી સારાહ માટે કેમ સારું હતું?

૧૦ યહોવાએ આપેલાં વચનોમાં ઈબ્રાહીમનાં પત્ની સારાહને ઘણો ભરોસો હતો. સારાહ ૯૦ વર્ષનાં હતાં અને તેમને કોઈ સંતાન ન હતું. પરંતુ, સંતાન થશે એ સમયની તેમણે કલ્પના કરી. પોતાનાં સંતાનને એક મોટું રાષ્ટ્ર બનતા પણ તે જોઈ શકતાં હતાં. (હિબ્રૂ ૧૧:૧૧, ૧૨) તેમને શા માટે એવી ખાતરી હતી? કેમ કે યહોવાએ તેમના પતિને કહ્યું હતું: “હું તેને [સારાહને] આશીર્વાદ દઈશ, ને હું તને તેના પેટે દીકરો આપીશ; હું ખચીત તેને આશીર્વાદ દઈશ, ને તે દેશજાતિઓની માતા થશે; અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે.” (ઉત. ૧૭:૧૬) યહોવાએ જેમ વચન આપ્યું હતું તેમ સારાહને ઈસ્હાક નામનો દીકરો થયો. આ ચમત્કારથી તેમને પૂરી ખાતરી થઈ કે યહોવાનાં બીજાં વચનો પણ પૂરાં થશે. યહોવાએ આપેલાં બધાં સુંદર વચનો વિશે કલ્પના કરીએ છીએ, ત્યારે આપણી શ્રદ્ધા પણ મક્કમ બને છે.

તેમની નજર ઇનામ પર રહી

૧૧, ૧૨. યહોવાને વધુ ને વધુ પ્રેમ કરવા મુસાને શાનાથી મદદ મળી?

૧૧ યહોવાનાં વચનોમાં મુસાને પણ ઊંડી શ્રદ્ધા હતી. તેમનો ઉછેર ઇજિપ્તમાં (મિસરમાં) એક રાજકુમાર તરીકે થયો હતો. પરંતુ, યહોવાને બધા કરતાં વધારે ચાહતા હોવાથી, મુસાને સત્તા અને ધનદોલતનો મોહ ન હતો. પોતાનાં હિબ્રૂ માતા-પિતા પાસેથી તેમને યહોવા વિશે જ્ઞાન મળ્યું હતું. તે શીખ્યા કે યહોવા હિબ્રૂઓને ગુલામીમાંથી એક દિવસે છોડાવીને વચનના દેશમાં લઈ જશે. (ઉત. ૧૩:૧૪, ૧૫; નિર્ગ. ૨:૫-૧૦) મુસાએ એ વચનો વિશે જેટલી કલ્પના કરી, એટલો જ તેમનો યહોવા માટે પ્રેમ વધ્યો.

૧૨ બાઇબલ જણાવે છે કે મુસા શાની કલ્પના કરતા રહ્યા: ‘વિશ્વાસથી મુસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેમણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંની ધનસંપત્તિ કરતાં ખ્રિસ્ત તરીકે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેમણે માન્યું. કેમ કે, જે ફળ મળવાનું હતું તે તરફ જ તેમણે લક્ષ રાખ્યું.’—હિબ્રૂ ૧૧:૨૪-૨૬.

૧૩. યહોવાનાં વચનની કલ્પના કરવી મુસા માટે કેમ સારું હતું?

૧૩ હિબ્રૂઓને ઇજિપ્તમાંથી છોડાવવા વિશે યહોવાએ જે વચન આપ્યું હતું, એના પર મુસાએ જરૂર ઊંડો વિચાર કર્યો હશે. બીજા ઈશ્વરભક્તોની જેમ મુસા પણ જાણતા હતા કે યહોવા બધા મનુષ્યોને મોતના પંજામાંથી છોડાવશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫; હિબ્રૂ ૧૧:૧૭-૧૯) માણસજાત માટે યહોવાનો ગાઢ પ્રેમ મુસા સમજી શક્યા, જેના લીધે યહોવામાં તેમની શ્રદ્ધા વધુ મજબૂત થઈ. એ માટે જીવનભર યહોવાની સેવા કરતા રહેવા મુસાને મદદ મળી. (પુન. ૬:૪, ૫) અરે, મુસાને ઇજિપ્તનો રાજા મારી નાખવા માંગતો હતો તોપણ તે ડર્યા નહિ. યહોવા ભાવિમાં તેમને ઇનામ આપશે એવી મુસાને પૂરી ખાતરી હતી.—નિર્ગ. ૧૦:૨૮, ૨૯.

ઈશ્વરની સરકાર જે કરશે એની કલ્પના કરો

૧૪. ભાવિ વિશે અમુક લોકો કેવી કલ્પના કરે છે?

૧૪ ભાવિ વિશે ઘણા લોકો કલ્પના કરે છે અને એવી બાબતો વિચારે છે જે કદી નહિ થાય. દાખલા તરીકે, કેટલાક ગરીબો માને છે કે અમીર થયા પછી કોઈ ચિંતા નહિ રહે. તેથી તેઓ અમીર થવાની કલ્પના કર્યા કરે છે. પરંતુ, બાઇબલ જણાવે છે કે શેતાનની દુનિયા હંમેશાં “દુઃખ”થી ભરેલી રહેશે. (ગીત. ૯૦:૧૦) બીજા અમુક વિચારે છે કે માનવીય સરકારો દુનિયાની મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. પરંતુ, બાઇબલ જણાવે છે કે ઈશ્વરની સરકાર વગર બીજું કોઈ એમ નહિ કરી શકે. (દાની. ૨:૪૪) ઘણા લોકો માને છે કે આ દુષ્ટ દુનિયા આમ જ ચાલ્યા કરશે. પણ બાઇબલ જણાવે છે કે ઈશ્વર આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. (સફા. ૧:૧૮; ૧ યોહા. ૨:૧૫-૧૭) યહોવા જે કહે છે એની વિરુદ્ધ જેઓ કલ્પના કરે છે તેઓ ઘણા નિરાશ થશે.

શું તમે પોતાને નવી દુનિયામાં જોઈ શકો છો? (ફકરો ૧૫ જુઓ)

૧૫. (ક) ભાવિ વિશે ઈશ્વરે આપેલાં વચનોની કલ્પના કરવી આપણા માટે કેમ સારું છે? (ખ) તમે જે જોવા આતુર છો એમાંની એક બાબત જણાવો.

૧૫ યહોવાએ આપણને સુંદર ભાવિનું વચન આપ્યું છે. એ સમયની કલ્પના કરવાથી આપણને ખુશી મળે છે. તેમજ, યહોવાની ભક્તિ કરતા રહેવા આપણને હિંમત મળે છે. કદાચ તમને સ્વર્ગની અથવા પૃથ્વીની આશા હશે. તમે ત્યારે જે કંઈ કરવા માંગો છો, શું હાલમાં એની કલ્પના કરો છો? જો તમારી આશા પૃથ્વીની હોય, તો જરા કલ્પના કરો કે તમારા મિત્રો સાથે આખી પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવવામાં કેટલી મજા આવશે. જેઓ એ કામ પર દેખરેખ રાખશે તેઓ તમારી સંભાળ લેશે. તમારી જેમ બધા જ લોકો યહોવાને પ્રેમ કરનારા હશે. ત્યારે તમે તંદુરસ્ત હશો અને શક્તિથી ભરપૂર રહેશો. તમને કશાની ચિંતા નહિ હોય. ત્યારે તમે પોતાની આવડતો અને કુશળતાથી યહોવાને મહિમા અને બીજાઓને મદદ આપશો. અરે, તમે સજીવન થયેલા લોકોને યહોવા વિશે શીખવવા સહાય પણ કરી શકશો. (યોહા. ૧૭:૩; પ્રે.કૃ. ૨૪:૧૫) એ બધું ફક્ત કલ્પનાઓ નથી. એ બધું જ સાચું પડશે, કેમ કે બાઇબલમાં એવા જ ભાવિ વિશે લખવામાં આવ્યું છે.—યશા. ૧૧:૯; ૨૫:૮; ૩૩:૨૪; ૩૫:૫-૭; ૬૫:૨૨.

તમે જેની આશા રાખો છો એની વાતો કરો

૧૬, ૧૭. યહોવાએ આપેલાં વચનો વિશે વાતો કરવી આપણા માટે કેમ સારું છે?

૧૬ તમે નવી દુનિયામાં જે કરશો એના વિશે ભાઈ-બહેનોને જણાવો છો ત્યારે, તેઓને પણ કલ્પના કરવા ઉત્તેજન આપો છો. ખરું કે, આપણે શું કરવાના છીએ એ વિશે આપણને બધું જ ખબર નથી. પરંતુ, નવી દુનિયા વિશે વાતો કરીને આપણે યહોવાનાં વચનોમાં શ્રદ્ધા મજબૂત બનાવીએ છીએ. એમ કરીએ છીએ ત્યારે આપણે પ્રેરિત પાઊલ અને રોમનાં બીજાં ભાઈ-બહેનોનું અનુકરણ કરીએ છીએ. આ સંકટના સમયોમાં આપણે પણ તેઓની જેમ એકબીજાને યહોવાની સેવા કરતા રહેવા ઉત્તેજન આપીએ છીએ.—રોમ. ૧:૧૧, ૧૨.

૧૭ યહોવાએ ભાવિ વિશે આપેલાં વચનો પર વિચાર કરવાથી આપણું ધ્યાન મુશ્કેલીઓ તરફ ઓછું જાય છે. એક વાર પીતર કદાચ ચિંતામાં હતા, જ્યારે તેમણે ઈસુને કહ્યું: ‘જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?’ ઈસુ ચાહતા હતા કે પીતર અને બીજા શિષ્યો પણ ભાવિની અદ્ભુત બાબતો વિશે કલ્પના કરે. તેમણે કહ્યું: “માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઈસ્રાએલનાં બારે કુળનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ ઘરોને, કે ભાઈઓને, કે બહેનોને, કે બાપને, કે માને, કે છોકરાંને, કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.” (માથ. ૧૯:૨૭-૨૯) તેથી, પીતર અને બીજા શિષ્યો ભાવિમાં પોતાને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરતા જોઈ શક્યા. તેમજ, આજ્ઞા પાળનાર લોકોને સંપૂર્ણ થવામાં મદદ આપતા કલ્પી શક્યા.

૧૮. યહોવા જ્યારે પોતાનાં વચનો પૂરાં કરશે, એ સમયની કલ્પના કરવી શા માટે સારી છે?

૧૮ આપણે શીખ્યા કે શાનાથી યહોવાના સેવકોની શ્રદ્ધા વધી હતી. યહોવાએ વચન આપેલા સારા ભાવિની હાબેલે કલ્પના કરી. તેમની શ્રદ્ધાને લીધે યહોવાને તે ખુશ કરી શક્યા. ઈબ્રાહીમે એ સમયની કલ્પના કરી જ્યારે “સંતાન” વિશે યહોવાનાં વચનો પૂરાં થશે. તેથી, તે એવા સમયે પણ યહોવાને આધીન રહી શક્યા જ્યારે એમ કરવું ઘણું મુશ્કેલ હતું. (ઉત. ૩:૧૫) મુસાએ પણ ભાવિના ઇનામ તરફ લક્ષ રાખ્યું. એના લીધે તે યહોવાને પ્રેમ કરી શક્યા અને વફાદાર રહી શક્યા. (હિબ્રૂ ૧૧:૨૬) આપણે એવા સમયની કલ્પના કરીએ જ્યારે યહોવા પોતાનાં વચનો પ્રમાણે બધું જ કરશે. એમ કરવાથી યહોવા માટે આપણો પ્રેમ અને વિશ્વાસ મજબૂત થશે. આપણી કલ્પના શક્તિ બીજી કઈ રીતે વાપરી શકીએ એની ચર્ચા આવતા લેખમાં કરીશું.