સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—રશિયામાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—રશિયામાં

વર્ષ ૧૯૯૧માં રશિયામાં રહેતા યહોવાના સાક્ષીઓની ખુશીનો પાર રહ્યો નહિ! એ વર્ષથી તેઓના કામ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો અને તેઓને કાયદેસરની ઓળખ મળી. એ સમયે, ભાગ્યે જ કોઈએ ધાર્યું હશે કે ત્યાં સાક્ષીઓની સંખ્યા દસ ગણી વધશે! આજે ત્યાં આશરે ૧,૭૦,૦૦૦ સાક્ષીઓ છે. એ સાક્ષીઓમાં કેટલાક એવા છે, જેઓ બીજા દેશમાંથી રશિયામાં આવીને વસ્યા છે, જેથી કાપણીના કામમાં મદદ કરી શકે. (માથ. ૯:૩૭, ૩૮) ચાલો, તેઓમાંના અમુક વિશે જાણીએ.

મંડળોને મજબૂત કરવાં આવેલાં ભાઈ-બહેનો

ગ્રેટ બ્રિટનમાં રહેતા ભાઈ મેથ્યુ વિશે જોઈએ. જ્યારે રશિયામાંથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો, ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી. એક સંમેલનમાં તેમણે એક પ્રવચન સાંભળ્યું, જેનાથી તેમને જાણવા મળ્યું કે પૂર્વ યુરોપનાં મંડળોમાં પ્રકાશકોની વધારે જરૂર છે. પ્રવચન આપનાર ભાઈએ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાંના એક મંડળનો દાખલો આપ્યો. તેમણે જણાવ્યું કે ત્યાં એક જ સેવકાઈ ચાકર છે અને એક પણ વડીલ નથી. તોપણ, ત્યાંનાં ભાઈ-બહેનો સેંકડો બાઇબલ અભ્યાસ ચલાવે છે! ભાઈ મેથ્યુએ કહ્યું: ‘એ પ્રવચન સાંભળ્યા પછી, હું રશિયા વિશે સતત વિચારવા લાગ્યો. તેથી, મેં ખાસ એના વિશે યહોવાને પ્રાર્થના કરી કે હું ત્યાં જઈને સેવા આપી શકું માટે મને મદદ કરે.’ એ ભાઈએ થોડાક પૈસા ભેગા કર્યા, મોટા ભાગની પોતાની વસ્તુઓ વેચી નાંખી અને સાલ ૧૯૯૨માં રશિયા રહેવા ગયા. તેમના માટે ત્યાં જવું કેવું રહ્યું?

મેથ્યુ

મેથ્યુ જણાવે છે, ‘નવી ભાષા શીખવી એક મોટો પડકાર હતો. હું લોકોને બાઇબલમાંથી સારી રીતે સમજાવી શકતો નહિ.’ એ ભાઈને રહેવા માટે જગ્યા શોધવામાં પણ મુશ્કેલી પડી હતી. એ વિશે તે કહે છે, ‘મેં એટલી વાર ઘર બદલ્યું છે કે હવે મને એનો આંકડો પણ યાદ નથી. તાત્કાલિક ઘર ખાલી કરીને એક જગ્યાથી બીજે રહેવા જવું પડતું.’ ભાઈને શરૂ શરૂમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છતાં તે કહે છે: ‘રશિયામાં રહેવા આવવું એ મારા જીવનનો સૌથી સારો નિર્ણય હતો. અહીં સેવા આપવાથી હું યહોવા પર વધુ આધાર રાખવાનું શીખ્યો છું. જીવનનાં ઘણાં પાસાંમાં હું તેમના માર્ગદર્શનનો અનુભવ કરી શક્યો છું.’ ભાઈ મેથ્યુને પછીથી એક વડીલ અને ખાસ પાયોનિયર તરીકે સોંપણી મળી હતી. હવે, તે સેન્ટ પીટર્સબર્ગમાં આવેલી આપણી શાખા કચેરીમાં સેવા આપે છે.

હવે, ભાઈ હીરૂનો વિચાર કરો. ૧૯૯૯માં તે ૨૫ વર્ષની ઉંમરે જાપાનમાં સેવકાઈ તાલીમ શાળામાં ગયા હતા. ત્યારે એક શિક્ષકે તેમને બીજા દેશમાં જઈને સેવા આપવા ઉત્તેજન આપ્યું હતું. રશિયામાં વધુ પ્રકાશકોની જરૂર છે, એમ તેમણે સાંભળ્યું હતું. એટલે, તેમણે રશિયન ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. એ ઉપરાંત તેમણે બીજું એક પગલું ભર્યું. એ વિશે ભાઈ જણાવે છે, ‘હું છ મહિના માટે રશિયા રહેવા ગયો. ત્યાં અતિશય ઠંડી પડતી હોય છે. મને એ માફક આવશે કે કેમ, એ જોવા હું નવેમ્બરમાં ત્યાં ગયો.’ ત્યાં શિયાળો પસાર કર્યા પછી, તે જાપાન પાછા આવ્યા. તેમણે જીવન સાદું બનાવ્યું, જેથી બચત કરી શકે અને રશિયામાં વસી શકે.

હીરૂ અને સ્વેતલાના

ભાઈ હીરૂ ૧૨ વર્ષથી રશિયામાં છે. તેમણે ત્યાંનાં કેટલાક મંડળોમાં સેવા આપી છે. અમુક વાર તે એવાં મંડળમાં સેવા આપતા, જ્યાં ૧૦૦થી વધુ પ્રકાશકો હતા, પણ વડીલ તરીકે તે એકલા જ હતા. એક મંડળમાં તે દર અઠવાડિયે દેવશાહી સેવા શાળા, સેવા સભાના લગભગ બધા ભાગો અને ચોકીબુરજ અભ્યાસ ચલાવતા. ઉપરાંત, એ સમયે તે પાંચ અલગ અલગ ગ્રૂપમાં મંડળકીય પુસ્તક અભ્યાસ પણ ચલાવતા. તેમણે ભાઈ-બહેનોને ઉત્તેજન આપતી પ્રતિપાલન મુલાકાતો પણ લીધી હતી. એ વર્ષો યાદ કરતા ભાઈ હીરૂ જણાવે છે: ‘શ્રદ્ધા મજબૂત કરવામાં ભાઈ-બહેનોને મદદ કરવી એ ઘણી ખુશીની વાત હતી!’ પ્રકાશકોની વધુ જરૂર હોય એવી જગ્યાએ સેવા આપવાથી ભાઈને શો ફાયદો થયો? તે જણાવે છે: ‘રશિયા આવ્યો એ પહેલાં પણ હું એક વડીલ અને પાયોનિયર તરીકે સેવા આપતો હતો. પરંતુ, મને લાગે છે કે રશિયા આવ્યા પછી, યહોવા સાથે એક અલગ જ રીતે મારો સંબંધ બંધાયો છે. જીવનના દરેક પાસામાં યહોવા પર વધુ નિર્ભર રહેવાનું શીખ્યો.’ વર્ષ ૨૦૦૫માં, ભાઈ હીરૂના લગ્ન સ્વેતલાના સાથે થયા. ત્યાર પછી એ યુગલ પાયોનિયર સેવામાં લાગુ રહ્યું.

માઈકલ અને ઓલ્ગા સાથે મેથ્યુ અને મેરીના

કેનેડાના બે ભાઈઓ, મેથ્યુ ૩૪ વર્ષના અને માઈકલ ૨૮ વર્ષના છે. તેઓએ રશિયાની મુલાકાત લીધી હતી. ત્યાં સભાઓમાં રસ ધરાવતા લોકોને મોટી સંખ્યામાં આવતા જોઈને તેઓને ખૂબ નવાઈ લાગી. પરંતુ, સભાઓ ચલાવી શકે એવા ભાઈઓ બહુ ઓછા હતા. મેથ્યુ જણાવે છે: ‘હું જે મંડળમાં ગયો હતો ત્યાં ૨૦૦ લોકો હતા. પરંતુ, ફક્ત એક વૃદ્ધ વડીલ અને એક યુવાન સેવકાઈ ચાકર આખી સભા ચલાવતા હતા. ત્યાંની પરિસ્થિતિ જોઈને અમને થયું કે ભાઈઓને મદદ કરવા અમારે ત્યાં રહેવા જવું જોઈએ.’ વર્ષ ૨૦૦૨માં ભાઈ મેથ્યુ રશિયામાં રહેવા ગયા.

ચાર વર્ષ પછી, ભાઈ માઈકલ પણ રશિયામાં રહેવા ગયા. તે તરત પારખી શક્યાં કે ત્યાં ભાઈઓની વધારે જરૂર છે. એક સેવકાઈ ચાકર તરીકે, તેમને મંડળનાં હિસાબકિતાબની, સાહિત્યની અને પ્રચાર વિસ્તારની જવાબદારી મળી. તેમને મંડળના સેક્રેટરીનું કામ પણ સોંપવામાં આવ્યું. ઉપરાંત, તે જાહેર પ્રવચનો આપતાં, સંમેલનોની ગોઠવણમાં અને રાજ્યગૃહ બાંધકામમાં મદદ કરતા. આજે પણ રશિયાનાં મંડળોમાં મદદની ઘણી જરૂર છે. એક સાથે ઘણી જવાબદારી સંભાળવી સખત મહેનત માંગી લે છે. તોપણ માઈકલ, જે હવે એક વડીલ છે તે જણાવે છે: ‘ભાઈ-બહેનોને મદદ કરવાથી ઘણો સંતોષ થાય છે. જિંદગી જીવવાની આ રીત ખરેખર ઉત્તમ છે!’

સમય જતાં, મેથ્યુના લગ્ન મેરીના સાથે થયા અને માઈકલના લગ્ન ઓલ્ગા સાથે થયા. એ બંને યુગલ અને બીજા ઘણા પ્રચારકો પ્રગતિ કરતા મંડળોમાં ખુશીથી મદદ આપી રહ્યાં છે.

ઉત્સાહી બહેનો કાપણીમાં મદદ કરે છે

તાત્યાના

યુક્રેઇનમાં તાત્યાના બહેનના મંડળમાં વર્ષ ૧૯૯૪માં ૬ બહેનો ખાસ પાયોનિયર તરીકે આવ્યાં. એ બહેનો ચૅક પ્રજાસત્તાક, પોલૅન્ડ અને સ્લોવાકિયાથી આવ્યાં હતાં. એ સમયે તાત્યાના ૧૬ વર્ષનાં હતાં. એ બહેનોને યાદ કરતા તે ખુશ થાય છે અને કહે છે: ‘એ પાયોનિયર બહેનો મળતાવડાં અને પ્રેમાળ હતાં. તેઓ બાઇબલના સારા જાણકાર હતાં.’ તાત્યાના જોઈ શક્યાં કે એ બહેનોએ યહોવાની સેવા માટે જે જતું કરવાનું વલણ બતાવ્યું છે એના માટે યહોવાએ તેઓને આશીર્વાદો આપ્યા છે. તેથી, તાત્યાનાએ વિચાર કર્યો, ‘મારે પણ તેઓનાં જેવું બનવું છે.’

એ પાયોનિયર બહેનોના દાખલાથી તાત્યાનાને ઘણું ઉત્તેજન મળ્યું. તે સ્કૂલની રજાઓમાં મંડળનાં ભાઈ-બહેનો જોડે દૂરના વિસ્તારોમાં સાક્ષીકાર્ય માટે જતાં. જેમ કે, યુક્રેઇન અને બેલારુસ જેવા વિસ્તારો, જ્યાં સાક્ષીકાર્ય કદી થયું ન હતું. તેમને એ રીતે સાક્ષીકાર્ય કરવું એટલું ગમ્યું કે એમાં લાગુ રહેવાં તેમણે રશિયા જવાનો નિર્ણય લીધો. તેમણે અમુક પગલાં ભર્યાં. પ્રથમ તો, તે ત્યાં એક સાક્ષી બહેનના ઘરે થોડાક સમય માટે રહેવાં ગયાં. એ બહેન પણ બીજા દેશથી રશિયા રહેવાં આવ્યાં હતાં. તાત્યાનાએ એ સમયગાળામાં કામની શોધ પણ કરી, જેથી ત્યાં પાયોનિયરીંગ કરે ત્યારે પોતાનું ગુજરાન પણ ચલાવી શકે. પછી, વર્ષ ૨૦૦૦માં તે રશિયા રહેવાં ગયાં. શું એ નવા દેશમાં જઈને રહેવું તેમના માટે સહેલું હતું?

તાત્યાના કહે છે: ‘પોતાનું ઘર ખરીદવું મને પોસાય એમ ન હતું. તેથી, મને ભાડાની રૂમમાં રહેવું પડતું, જે સહેલું હોતું નથી. કેટલીક વાર મને ઘરે પાછા જતાં રહેવાનું મન થતું. પરંતુ, યહોવાએ મને હંમેશાં એ જોવા મદદ કરી છે કે તેમની સેવામાં લાગુ રહેવું એ મારા જ ભલામાં છે.’ આજે, તાત્યાના રશિયામાં મિશનરી સેવા આપી રહ્યાં છે. તે કહે છે, ‘મેં ઘણાં વર્ષો મારાં ઘર-કુટુંબથી દૂર રહીને સેવા આપી છે. પણ, એ દરમિયાન મને ઘણા સારા અનુભવો થયા છે અને ઘણા સારા દોસ્તો મળ્યા છે. ખાસ તો, મારી શ્રદ્ધા ઘણી મજબૂત થઈ છે.’

મસાકો

મસાકો બહેન જાપાનનાં છે અને તેમની ઉંમર આશરે ૫૨ વર્ષની છે. હંમેશાંથી તેમને મિશનરી તરીકે સેવા આપવાની ઇચ્છા હતી. પરંતુ, શરીર સાથ ન આપતું હોવાથી, તે એ સેવા આપી શકતાં ન હતાં. પરંતુ, તેમની તબિયત સુધરી ત્યારે તેમણે રશિયા જઈને કાપણીના કામમાં મદદ આપવાનો વિચાર કર્યો. એ માટે તેમને રહેવાની વ્યવસ્થિત જગ્યા અને ગુજરાન ચલાવવા કામની જરૂર હતી. જોકે, એ બંને મેળવવું સહેલું ન હતું. તેમણે લોકોને જાપાની ભાષા શીખવી તેમજ સાફ-સફાઈનું કામ કર્યું અને પાયોનિયરીંગ કરતાં રહ્યાં. ખુશખબર જણાવવામાં લાગુ રહેવાં તેમને શામાંથી મદદ મળી?

મસાકો પોતાની સેવાનાં એ ૧૪ વર્ષો યાદ કરતાં જણાવે છે: ‘અત્યાર સુધી સેવા માટે મેં જે મુશ્કેલીઓ સહન કરી, એ મને મળેલા આનંદની સરખામણીમાં કંઈ જ નથી. એ વર્ષો દરમિયાન યહોવાએ જે રીતે મને રોટી-કપડાં-મકાન પૂરાં પાડ્યાં છે, એ તો આજના સમયમાં જાણે એક ચમત્કાર છે.’ રશિયામાં સેવા આપવાં ઉપરાંત મસાકોએ કિર્ગિઝસ્તાનમાં પણ સેવા આપી છે. તેમણે અંગ્રેજી, ચીની અને ઉગર ભાષાનાં ગ્રૂપમાં પણ મદદ આપી છે. હાલમાં, તે સેન્ટ પીટર્સબર્ગમાં પાયોનિયર તરીકે સેવા આપે છે.

કુટુંબો મદદ આપે છે અને આશીર્વાદો મેળવે છે

ઇન્ગ અને મિખાએલ

આજે ઘણાં કુટુંબો પૈસેટકે સુખી થવા બીજા દેશમાં રહેવા જાય છે. જ્યારે કે, અમુક કુટુંબો, ઈબ્રાહીમ અને સારાહની જેમ યહોવાની સેવામાં વધુ કરવા બીજા દેશમાં જાય છે. (ઉત. ૧૨:૧-૯) મિખાએલ અને ઇન્ગનો વિચાર કરો. એ યુગલ ૨૦૦૩માં યુક્રેઇનથી રશિયામાં સેવા આપવા ગયું. ત્યાં આવતાની સાથે જ તેઓને સત્યમાં રસ ધરાવતા ઘણા લોકો મળ્યા.

મિખાએલ જણાવે છે: ‘એક વાર અમે એવા વિસ્તારમાં ગયાં હતાં, જ્યાં કદી કોઈએ પ્રચાર કર્યો ન હતો. એક વૃદ્ધ માણસે પોતાના ઘરનો દરવાજો ઉઘાડ્યો અને અમને પૂછ્યું, “શું તમે પ્રચારકો છો?” અમે હા પાડી ત્યારે તેમણે કહ્યું, “મને ખબર હતી, ઈસુની ભવિષ્યવાણી ચોક્કસ પૂરી થશે અને કોઈ પ્રચારક મારા ઘરે જરૂર આવશે.” એમ કહેતા એ માણસે માથ્થી ૨૪:૧૪ના શબ્દો ટાંક્યા.’ વધુમાં મિખાએલ જણાવે છે: ‘એ વિસ્તારમાં અમને બાપ્તિસ્ટ પંથની દસ સ્ત્રીઓનો એક સમૂહ પણ મળ્યો. તેઓને સત્યની ઘણી તરસ હતી. તેઓ પાસે હંમેશ માટે જીવી શકો પુસ્તક હતું. તેઓ ભેગા મળીને દર અઠવાડિયે એ પુસ્તકની મદદથી બાઇબલ શીખતાં. અમને મળ્યાં ત્યારે તેઓએ અમને ઘણા પ્રશ્નો પૂછ્યા. એ સવાલ-જવાબ ઘણા કલાકો ચાલ્યા, પછી અમે રાજ્યગીતો ગાયાં અને સાથે મળીને જમ્યાં. એ મુલાકાત મારા સૌથી યાદગાર બનાવોમાંની એક છે.’ મિખાએલ અને ઇન્ગ સ્વીકારે છે કે વધુ જરૂર હોય એવી જગ્યાએ સેવા આપવાથી યહોવા સાથેનો તેઓનો સંબંધ મજબૂત બન્યો છે. તેમજ, લોકો માટે પ્રેમ વધુ ગાઢ થયો છે. અરે, એવી સેવાથી તેઓને જીવનમાં ખરો સંતોષ મળ્યો છે. આજે, એ યુગલ સરકીટ કામમાં સેવા આપી રહ્યું છે.

ઑક્સાના, એલેક્સ અને યુરેઇ

યુક્રેઇનમાં રહેતાં યુરેઇ અને ઑક્સાના આશરે ૩૫ વર્ષનાં છે. તેમનો દીકરો એલેક્સ ૧૩ વર્ષનો છે. ૨૦૦૭માં, એ યુગલે પોતાના દીકરા સાથે રશિયા શાખા કચેરીની મુલાકાત લીધી. ત્યાં તેઓના ધ્યાનમાં રશિયાનો નકશો આવ્યો. એમાં મોટા ભાગે એવા પ્રચાર વિસ્તારો દર્શાવ્યા હતા, જે હજી સુધી કોઈને સોંપવામાં આવ્યા ન હતા. ઑક્સાના કહે છે: ‘એ નકશો જોયા પછી, અમને ખ્યાલ આવ્યો કે રશિયામાં પ્રચારકોની કેટલી વધારે જરૂર છે! એ જોઈને અમને રશિયા જઈને સેવા આપવાનો નિર્ણય લેવા મદદ મળી.’ એ ઉપરાંત તેઓને શામાંથી મદદ મળી? ભાઈ યુરેઇ કહે છે, ‘આપણાં સાહિત્યમાંથી અમુક લેખોએ અમને ઘણી મદદ કરી. જેમ કે, “શું તમે પરદેશમાં સેવા કરી શકો?” એવો એક લેખ અમને ઘણો કામ લાગ્યો. * શાખા કચેરીએ અમને એક પ્રચાર વિસ્તાર સૂચવ્યો હતો. એની અમે મુલાકાત લીધી, જેથી ત્યાં અમે રહેવાની જગ્યા અને કામ-ધંધો શોધી શકીએ.’ વર્ષ ૨૦૦૮માં એ કુટુંબ રશિયા રહેવા ગયું.

શરૂઆતમાં તેઓને કામ શોધવામાં મુશ્કેલી પડી. ઉપરાંત, ભાડે રહેતા હોવાથી ઘણાં ઘર બદલવાં પડ્યાં. ભાઈ યુરેઇ કહે છે: ‘અમે મુશ્કેલીઓથી નિરાશ ન થઈએ એ માટે અવારનવાર પ્રાર્થના કરતાં. એના લીધે, અમે પ્રચારકાર્યમાં લાગુ રહ્યાં અને યહોવાની મદદ પર આધાર રાખતાં રહ્યાં. રાજ્યને પ્રથમ સ્થાન આપવાથી યહોવા અદ્ભુત રીતે મદદ કરે છે, એ અમે અનુભવી શક્યાં. એ સેવાને લીધે અમારા કુટુંબમાં પ્રેમ વધ્યો છે.’ (માથ. ૬:૨૨, ૨૩) એવી સેવાથી તેઓના યુવાન દીકરા એલેક્સને કઈ રીતે ફાયદો થયો? ઑક્સાના જણાવે છે, ‘તેને ઘણો ફાયદો થયો છે. તે યહોવાને સમર્પણ કરી શક્યો અને ૯ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લઈ શક્યો. પ્રચારકોની વધુ જરૂર છે, એ જોઈને તેને સ્કૂલની રજાઓમાં સહાયક પાયોનિયરીંગ કરવા ઉત્તેજન મળે છે. પ્રચાર માટે તેનાં ઉત્સાહ અને પ્રેમ જોઈને અમને ઘણો આનંદ થાય છે.’ ઑક્સાના અને યુરેઇ આજે ખાસ પાયોનિયર તરીકે સેવા આપી રહ્યાં છે.

‘મને એક જ વાતનો અફસોસ છે’

કાપણીના કામમાં એ મહેનતું પ્રચારકોના અનુભવો એક વાત સ્પષ્ટ બતાવે છે. એ જ કે, તમારું સેવાકાર્ય વધારવા નવી જગ્યાએ જવા માટે યહોવા પર પૂરો ભરોસો રાખવો બહુ જરૂરી છે. ખરું કે, નવા પ્રચાર વિસ્તારમાં સેવા આપવામાં તેઓને અમુક મુશ્કેલીઓ નડે છે. પરંતુ, રસ ધરાવતા લોકો સુધી ખુશખબર પહોંચાડીને તેઓને ઘણી ખુશી પણ મળે છે. વધુ જરૂર છે ત્યાં શું તમે પણ મદદ કરવાનું વિચારી શકો? જો હા, તો તમને પણ ભાઈ યુરેઇ જેવું લાગશે. વધુ જરૂર છે ત્યાં જવાના નિર્ણય વિશે તે આમ જણાવે છે, ‘મને એક જ વાતનો અફસોસ છે કે મેં એ નિર્ણય વહેલા કેમ ન લીધો!’

^ ફકરો. 20 ઑક્ટોબર ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજમાં પાન ૨૩-૨૭ જુઓ.