“વિશ્વાસમાં દૃઢ રહો”
‘વિશ્વાસમાં દૃઢ રહો, બળવાન થાઓ.’—૧ કોરીંથી ૧૬:૧૩.
૧. (ક) ગાલીલના સમુદ્રમાં આવેલા તોફાન વખતે પીતર સાથે શું બન્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) પીતર શા માટે ડૂબવા લાગ્યા?
રાતનો સમય હતો. પ્રેરિત પીતર અને બીજા અમુક શિષ્યો હોડીમાં હતા અને તોફાને ચઢેલા ગાલીલ સમુદ્રને પાર કરવા મથી રહ્યા હતા. અચાનક, તેઓએ ઈસુને પાણી પર ચાલીને આવતા જોયા. પીતરે ઈસુને પોકારીને કહ્યું કે, ‘શું હું પણ પાણી પર ચાલીને તમારી પાસે આવી શકું?’ ઈસુએ કહ્યું, ‘આવ.’ એટલે, પીતર તરત હોડીમાંથી ઊતર્યા અને પાણી પર ચાલીને ઈસુ તરફ જવા લાગ્યા. તે થોડે સુધી ચાલ્યા પણ પછી ડૂબવા લાગ્યા. શા માટે? કારણ કે, તેમનું ધ્યાન તોફાન અને ઊછળતાં મોજાં તરફ ગયું, જેના લીધે તે ડરી ગયા. ડૂબી રહેલા પીતરે મદદ માટે બૂમ પાડી ત્યારે ઈસુએ તરત જ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું: ‘અરે, ઓછો વિશ્વાસ રાખનાર, તેં શંકા કેમ કરી?’—માથ. ૧૪:૨૪-૩૨.
૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨ પીતરના અનુભવ પરથી આપણને વિશ્વાસ વિશેના આ ત્રણ સવાલોના જવાબો મળે છે: (૧) શાને આધારે કહી શકાય કે પીતરને યહોવાની મદદ પર પૂરો વિશ્વાસ હતો? (૨) શા માટે પીતરનો વિશ્વાસ ડગવા લાગ્યો? અને (૩) વિશ્વાસમાં ફરી દૃઢ બનવા પીતરને શામાંથી મદદ મળી? એની ચર્ચા પરથી શીખી શકીશું કે આપણે કઈ રીતે ‘વિશ્વાસમાં દૃઢ રહી’ શકીએ.—૧ કોરીં. ૧૬:૧૩.
યહોવા મદદ કરશે એવો વિશ્વાસ રાખીએ
૩. પીતર શા માટે હોડીમાંથી ઊતર્યા અને આપણે પણ તેમની જેમ કયું પગલું ભર્યું છે?
૩ પીતરનો વિશ્વાસ મક્કમ હતો. આપણે એમ શાને આધારે કહી શકીએ? જ્યારે ઈસુએ તેમને પાણી પર ચાલીને આવવા કહ્યું ત્યારે પીતર હોડીમાંથી ઊતર્યા અને પાણી પર ચાલ્યા. તેમને ઈશ્વરની શક્તિમાં પૂરો ભરોસો હતો. તેમને વિશ્વાસ હતો કે યહોવાએ ઈસુને પાણી પર ચાલવા મદદ કરી તેમ, તેમને પણ મદદ કરશે. આપણે પણ એવું જ કંઈક કર્યું છે. ઈસુએ આપણને તેમના પગલે ચાલવા બોલાવ્યા ત્યારે, આપણે યહોવાને પોતાનું જીવન સોંપી દીધું અને બાપ્તિસ્મા લીધું. શા માટે? કારણ કે, આપણે યહોવા અને ઈસુ પર વિશ્વાસ કર્યો તેમજ તેઓ આપણને મદદ કરશે એવો ભરોસો રાખ્યો.—યોહા. ૧૪:૧; ૧ પીતર ૨:૨૧ વાંચો.
૪, ૫. શા માટે વિશ્વાસનો ગુણ બહુ અનમોલ છે?
૪ વિશ્વાસ એક અનમોલ ગુણ છે. વિશ્વાસને લીધે પીતર એવું કંઈક કરી શક્યા જે માણસોની નજરે અશક્ય હતું. વિશ્વાસને લીધે પીતર પાણી પર ચાલી શક્યા. વિશ્વાસને લીધે આપણે પણ અશક્ય લાગતાં કામો કરી શકીએ છીએ. (માથ. ૨૧:૨૧, ૨૨) જેમ કે, આપણામાંના અમુકે પોતાનાં વાણી-વર્તન અને વિચારોમાં ઘણો ફેરફાર કર્યો છે. અરે, એના લીધે લોકોના માનવામાં નથી આવતું કે આપણે એ જ વ્યક્તિ છીએ, જેને તેઓ વર્ષોથી ઓળખતા હતા! એ બદલાણ આપણે યહોવાને પ્રેમ કરતા હોવાથી અને તેમની મદદથી લાવ્યા છીએ. (કોલોસી ૩:૫-૧૦ વાંચો.) શ્રદ્ધાને લીધે આપણે યહોવાને પોતાનું જીવન સોંપી દીધું છે અને તેમના મિત્ર બન્યા છીએ. યહોવાની મદદ વગર આપણે કદીએ એ પગલું ભરી શક્યા ન હોત.—એફે. ૨:૮.
૫ આપણો વિશ્વાસ આપણને બળવાન કરે છે. દાખલા તરીકે, વિશ્વાસને લીધે આપણે આપણા સૌથી તાકતવર દુશ્મન એટલે કે શેતાનના હુમલાઓનો સામનો કરી શકીએ છીએ. (એફે. ૬:૧૬) તેમજ, યહોવામાં ભરોસો હોવાથી આપણે મુશ્કેલ સંજોગોમાં ચિંતામાં ડૂબી જતા નથી. યહોવાએ વચન આપ્યું છે કે જો આપણે તેમનામાં પૂરો વિશ્વાસ મૂકીશું અને તેમના રાજ્યને પ્રથમ રાખીશું, તો તે આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરશે. (માથ. ૬:૩૦-૩૪) અરે, આપણા વિશ્વાસને લીધે યહોવા આપણને અનંતજીવનનું અદ્ભુત ઇનામ આપશે.—યોહા. ૩:૧૬.
બેધ્યાન થવાથી વિશ્વાસ ગુમાવી શકીએ
૬, ૭. (ક) પીતર જેનાથી ડરી ગયા એ તોફાન અને મોજાંઓની સરખામણી શાની સાથે કરી શકાય? (ખ) વિશ્વાસ ગુમાવવાનું જોખમ આપણને શા માટે છે?
૬ પીતર પાણી પર ચાલવા તો લાગ્યા પણ પછી ડરી ગયા. શા માટે? કેમ કે, તેમનું ધ્યાન તોફાન અને ઊછળતાં મોજાં પર ગયું. તોફાન અને ઊછળતાં મોજાંની સરખામણી આપણા જીવનમાં આવતી કસોટીઓ અને લાલચો સાથે કરી શકીએ. ભલે, એ કસોટીઓ ગમે તેટલી આકરી હોય, આપણે યહોવાની મદદથી અડગ રહીને એનો સામનો કરી શકીએ છીએ. પીતરનો વિચાર કરો, શું તે તોફાન અને ઊછળતાં મોજાં તેમના પર આવી પડવાથી ડૂબવા લાગ્યા? ના. બાઇબલ જણાવે છે: ‘તોફાન જોઈને તે ડરી ગયા.’ (માથ. ૧૪:૩૦) પીતરનું ધ્યાન ઈસુ પરથી ફંટાઈને તોફાન પર ગયું. એને લીધે તેમનો વિશ્વાસ ડગવા લાગ્યો. એવી જ રીતે, જો આપણું ધ્યાન ફંટાઈને મુશ્કેલીઓ પર જશે, તો આપણે પણ ચિંતામાં ડૂબવા લાગીશું. આપણને શંકા થવા લાગશે કે શું યહોવા મદદ કરશે.
૭ આપણે ભૂલીએ નહિ કે વિશ્વાસ ગુમાવવાનું જોખમ આપણને હંમેશાં રહેલું છે. જો ધ્યાન નહિ રાખીએ તો સહેલાઈથી વિશ્વાસ ગુમાવી શકીએ છીએ. બાઇબલ જણાવે છે કે વિશ્વાસ ગુમાવવો તો પાપ છે, એવું પાપ ‘જે આપણને સહેલાઈથી ફસાવી દે છે.’ (હિબ્રૂ ૧૨:૧, NW) પીતરની સાથે બન્યું તેમ, જો આપણું ધ્યાન ફંટાઈને ખોટી બાબત પર જશે, તો આપણો વિશ્વાસ સહેલાઈથી નબળો પડી શકે. તો પછી, કઈ રીતે જાણી શકીએ કે આપણો વિશ્વાસ જોખમમાં છે કે નહિ? એ પારખવા હવે પછીના સવાલોની ચર્ચા આપણને મદદ કરશે.
૮. કયાં કારણોને લીધે ઈશ્વરનાં વચનો પર આપણો ભરોસો ઓછો થઈ શકે?
૮ પહેલાંની જેમ શું આજે પણ મને યહોવાનાં વચનોમાં પૂરો ભરોસો છે? એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. શેતાનની દુનિયાનો નાશ કરવાનું ઈશ્વરે વચન આપ્યું છે. પરંતુ જો આપણે આ દુનિયાનાં જાતજાતનાં મનોરંજનમાં ડૂબી જઈશું, તો યહોવાનાં વચનો પરથી આપણું ધ્યાન ફંટાઈ હબા. ૨:૩) બીજા એક દાખલાનો વિચાર કરો. યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરી અને વચન આપ્યું છે કે એના દ્વારા આપણાં પાપ માફ કરશે. પરંતુ, જો આપણું ધ્યાન અગાઉ કરેલી ભૂલોમાં જ રહેશે, તો શંકા થવા લાગશે કે શું યહોવાએ મને ખરેખર માફી આપી છે. (પ્રે.કૃ. ૩:૧૯) પરિણામે, ઈશ્વરની સેવામાં આપણે પોતાનો આનંદ ગુમાવી શકીએ છીએ અને કદાચ પ્રચાર કરવાનું પણ બંધ કરી દઈએ.
જશે. અને એમ થશે તો, આપણને શંકા થવા લાગશે કે શું અંત ખરેખર નજીક છે. (૯. આપણે ફક્ત પોતાની જ ઇચ્છાઓ પૂરી કરવા મંડ્યા રહીશું, તો શું થશે?
૯ યહોવાની સેવામાં શું હું આજે પણ પોતાનું શ્રેષ્ઠ આપું છું? જો આપણે યહોવાની સેવામાં મહેનત કરીશું, તો ભાવિ વિશે આપણને જે આશા છે, એના પર ધ્યાન રાખવા મદદ મળશે. પરંતુ, આપણે ફક્ત પોતાની જ ઇચ્છાઓ પૂરી કરવા મંડ્યા રહીશું, તો શું થશે? દાખલા તરીકે, આપણને એવી કોઈ નોકરી મળે જેમાં પગાર ઘણો હોય, પણ યહોવાની સેવામાં આપણે ખાસ કંઈ કરી શકીએ નહિ. એવી નોકરી કરવાથી આપણો વિશ્વાસ નબળો પડી શકે. કદાચ આપણે ભક્તિમાં ‘મંદ પડી’ જઈએ અને યહોવા માટે જે કરી શકતા હોઈએ એ પણ ન કરીએ.—હિબ્રૂ ૬:૧૦-૧૨.
૧૦. આપણે બીજાઓને માફી આપીને કઈ રીતે યહોવા પર ભરોસો બતાવીએ છીએ?
૧૦ શું બીજાઓને માફ કરવું મારા માટે અઘરું છે? આપણા દિલને કોઈ ઠેસ પહોંચાડે ત્યારે શું આપણે તેઓ પર ગુસ્સે થઈએ છીએ અથવા તેઓ સાથે વાત કરવાનું બંધ કરી દઈએ છીએ? એ રીતે વર્તવાનો અર્થ થશે કે આપણે પોતાની લાગણીઓ પર વધુ પડતું ધ્યાન આપી રહ્યા છીએ. જ્યારે કે, માફી આપવાનું વલણ બતાવીને આપણે યહોવા પર ભરોસો બતાવીએ છીએ. કઈ રીતે? આપણી વિરુદ્ધ કોઈ પાપ કરે ત્યારે, તે આપણો કરજદાર બને છે. પરંતુ, વિચારો કે આપણે કોઈ પાપ કરીએ છીએ, ત્યારે આપણે પણ યહોવાના કરજદાર બનીએ છીએ. (લુક ૧૧:૪) તેથી, આપણે જ્યારે બીજાઓને માફી આપીએ છીએ ત્યારે એવો ભરોસો બતાવીએ છીએ કે યહોવા આપણા એ વલણને આશીર્વાદ આપશે. આપણા માટે બદલો લેવા કરતાં યહોવાનો આશીર્વાદ મેળવવો વધુ મહત્ત્વનો છે. ઈસુના શિષ્યો પણ સમજી શક્યા કે બીજાઓને માફ કરવા માટે તેઓને વધુ વિશ્વાસની જરૂર છે. ઈસુએ શિષ્યોને શીખવ્યું કે જે લોકો તેઓ વિરુદ્ધ વારંવાર પાપ કરે એ લોકોને પણ માફી આપવી. ત્યારે શિષ્યોએ ઈસુને વિનંતી કરી, “અમારો વિશ્વાસ વધાર.”—લુક ૧૭:૧-૫.
૧૧. સલાહમાંથી લાભ મેળવવાનું આપણે કઈ રીતે ચૂકી જઈ શકીએ?
૧૧ બાઇબલ આધારિત સલાહ આપવામાં આવે ત્યારે શું મને ખોટું લાગી જાય છે? સલાહમાંથી કઈ રીતે લાભ મળે છે, એ જોવાનો પ્રયત્ન કરો. સલાહમાં કે સલાહ આપનારમાં ખામીઓ શોધવાનું ટાળો. (નીતિ. ૧૯:૨૦) બાઇબલ આધારિત સલાહ દ્વારા આપણને યહોવાના વિચારો પ્રમાણે પોતાને ઘડવાની તક મળે છે. એ અમૂલ્ય તક ગુમાવશો નહિ!
૧૨. આગેવાની લેતા ભાઈઓ વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ ફરિયાદ કર્યા કરે, તો એનાથી એ વ્યક્તિ વિશે શું જાહેર થાય છે?
૧૨ મંડળમાં આગેવાની લેતા ભાઈઓ વિશે શું હું ફરિયાદો કરું છું? ઈસ્રાએલીઓનો વિચાર કરો. દસ જાસૂસોએ આપેલા ખોટા અહેવાલ પર તેઓએ ધ્યાન આપ્યું અને મુસા તેમજ હારુન વિરુદ્ધ ફરિયાદ કરી. એના વિશે યહોવાને કેવું લાગ્યું? યહોવાએ મુસાને કહ્યું: “તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?” (ગણ. ૧૪:૨-૪, ૧૧) હા, યહોવાને જાણ હતી કે ઈસ્રાએલીઓ તેમના પર ભરોસો નથી કરતા. કેમ કે, તેઓએ યહોવા દ્વારા નિમાયેલા મુસા અને હારુન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આજે પણ યહોવા પોતાના લોકોની આગેવાની લેવા ભાઈઓને નીમે છે. પણ જો આપણે આગેવાની લેતા ભાઈઓ વિરુદ્ધ, ઈસ્રાએલીઓની જેમ ફરિયાદો કરતા રહીશું, તો એ બતાવશે કે યહોવામાં આપણો ભરોસો નબળો પડી ગયો છે.
૧૩. જો આપણા વિશ્વાસમાં ખામી દેખાય, તો આપણે શા માટે નિરાશ ન થવું જોઈએ?
૧૩ ઉપરના સવાલો પર વિચાર કર્યા પછી, જો તમને લાગે કે તમારો વિશ્વાસ નબળો પડી ગયો છે, તો નિરાશ ન થશો. યાદ રાખો કે પ્રેરિત હોવા છતાં પીતરને ડર લાગ્યો હતો અને તે શંકા કરવા લાગ્યા હતા. અરે, ઈસુએ કેટલીક વાર પોતાના બધા શિષ્યોને તેઓના ‘ઓછા વિશ્વાસ’ને કારણે સલાહ આપી હતી. (માથ. ૧૬:૮) જોકે, આપણને પીતરના અનુભવમાંથી મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. જ્યારે પીતરને શંકા થઈ અને તે ડૂબવા લાગ્યા ત્યારે તેમણે શું કર્યું? ચાલો એનો વિચાર કરીએ.
વિશ્વાસ દૃઢ કરવા ઈસુ પર ધ્યાન આપો
૧૪, ૧૫. (ક) પીતર ડૂબવા લાગ્યા ત્યારે તેમણે શું કર્યું? (ખ) આપણે કઈ રીતે ઈસુ “તરફ લક્ષ” આપી શકીએ?
૧૪ પીતર ડૂબવા લાગ્યા ત્યારે તેમણે શું કર્યું? પીતરને ખૂબ સારી રીતે તરતા આવડતું હતું. તેમણે ચાહ્યું હોત તો તરીને પાછા હોડી તરફ જઈ શક્યા હોત. (યોહા. ૨૧:૭) પરંતુ, તેમણે એવું ન કર્યું. શા માટે? કેમ કે, પીતરે પોતાની આવડત પર ભરોસો રાખ્યો નહિ. એને બદલે, તેમણે ફરી એક વાર ઈસુ તરફ ધ્યાન આપ્યું અને તેમની મદદ લીધી. જો આપણને ખ્યાલ આવે કે આપણો વિશ્વાસ નબળો પડી રહ્યો છે, તો પીતરને અનુસરી શકીએ. એમ કઈ રીતે કરવું જોઈએ?
૧૫ જેમ પીતરે ફરીથી પોતાનું ધ્યાન ઈસુ તરફ વાળ્યું, એવી જ રીતે આપણે પણ ઈસુ “તરફ લક્ષ” આપીએ. (હિબ્રૂ ૧૨:૨, ૩ વાંચો.) ખરું કે, આપણે પીતરની જેમ ઈસુને મોઢામોઢ નથી જોઈ શકતા. છતાં, આપણે તેમની “તરફ લક્ષ” રાખી શકીએ છીએ. કઈ રીતે? ઈસુનાં શિક્ષણ અને કાર્યોનો ઊંડો અભ્યાસ કરીએ અને તેમને પગલે ચાલીએ. એમ કરવાથી આપણને પોતાનો વિશ્વાસ મક્કમ બનાવવા જરૂરી મદદ મળશે. આવો, આપણે ઈસુને પગલે ચાલવાની કેટલીક રીતો જોઈએ.
૧૬. આપણો વિશ્વાસ દૃઢ કરવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૬ બાઇબલ પર તમારો વિશ્વાસ દૃઢ બનાવો. ઈસુને પૂરો વિશ્વાસ હતો કે શાસ્ત્રવચનો ઈશ્વર તરફથી છે અને એ આપણને ઉત્તમ સલાહ આપે છે. (યોહા. ૧૭:૧૭) ઈસુને પગલે ચાલવા આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ અને એમાંથી જે શીખીએ એના પર મનન કરવું જોઈએ. જો મનમાં કોઈ સવાલ હોય, તો એનો જવાબ પણ બાઇબલમાંથી શોધવો જોઈએ. આનો વિચાર કરો: શું તમને પૂરેપૂરી ખાતરી છે કે આપણે આ દુનિયાના છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ? એ હકીકત પર વિશ્વાસ વધારવા એવી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરો, જે સાબિત કરે છે કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. ભાવિ વિશે બાઇબલમાં આપેલાં વચનો પર શું તમે વિશ્વાસ મજબૂત કરવા ચાહો છો? તો કેમ નહિ કે, તમે બાઇબલની એવી ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરો જે પૂરી થઈ ચૂકી છે. શું તમે ખરેખર માનો છો કે બાઇબલની સલાહ આજે પણ એટલી જ ઉપયોગી છે? એ વિશે તમારો વિશ્વાસ મજબૂત કરવા તમે એ ભાઈ-બહેનોનાં અનુભવો વાંચી શકો, જેઓનાં જીવન બાઇબલની સલાહને લીધે સુધરી ગયાં છે. *—૧ થેસ્સા. ૨:૧૩.
૧૭. શા માટે ઈસુ આકરી કસોટીઓમાં પણ વફાદારી જાળવી શક્યા? તમે ઈસુને કઈ રીતે અનુસરી શકો?
૧૭ યહોવાએ જે આશીર્વાદોનું વચન આપ્યું છે એના પર ધ્યાન આપો. ઈસુએ પોતાનું ધ્યાન ભાવિમાં મળનાર આશીર્વાદો પર રાખ્યું. એના લીધે તેમને આકરી કસોટીઓમાં પણ વફાદારી જાળવી રાખવા મદદ મળી. (હિબ્રૂ ૧૨:૨) ઈસુએ કદી પણ પોતાનું ધ્યાન જગતની મોહમાયા તરફ ખેંચાવવા દીધું નહિ. (માથ. ૪:૮-૧૦) તમે કઈ રીતે ઈસુને અનુસરી શકો? યહોવાએ આપેલાં અદ્ભુત વચનો પર મનન કરો. ઉપરાંત, કલ્પના કરો કે જાણે તમે નવી દુનિયામાં છો. કેમ નહિ કે, તમે નવી દુનિયામાં જે કરવા ચાહો છો એનું ચિત્ર દોરો અથવા એ દૃશ્યનું વર્ણન લખી લો. તમે એ લોકોના નામની યાદી પણ બનાવી શકો, જેઓ સજીવન થશે ત્યારે તમે તેઓ સાથે વાત કરવા ચાહશો. એ બધા આશીર્વાદોનાં વચનો ઈશ્વરે આપ્યાં છે અને એ વચનો તેમણે ખાસ તમને આપ્યાં છે, એવું માનો.
૧૮. તમારો વિશ્વાસ દૃઢ કરવામાં પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?
૧૮ યહોવાને વિનંતી કરો કે તે તમારો વિશ્વાસ વધારે. ઈસુએ પોતાના શિષ્યોને યહોવા પાસે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગવાનું શીખવ્યું. (લુક ૧૧:૯, ૧૩) તમે પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગો ત્યારે યહોવાને વિનંતી કરો કે તે તમારો વિશ્વાસ વધારે. વિશ્વાસનો ગુણ પવિત્ર શક્તિના ફળનું એક પાસું છે. તમે કોઈ ખાસ ગુણ કેળવવા માટે પ્રાર્થનામાં મદદ માંગી શકો. દાખલા તરીકે, તમને બીજાઓને માફી આપવી અઘરી લાગે, તો એ માટે પ્રાર્થના કરો. તમે તમારો વિશ્વાસ દૃઢ કરવા અને માફી આપવાનું વલણ કેળવવા યહોવા પાસે મદદ માંગો.
૧૯. આપણે કઈ રીતે સારા મિત્રો પસંદ કરી શકીએ?
૧૯ વિશ્વાસમાં દૃઢ હોય એવા મિત્રો બનાવો. ઈસુએ મિત્રો પસંદ કરવામાં ઘણી કાળજી રાખી. તેમના જિગરી મિત્રોમાં પ્રેરિતો હતા, જેઓ ભરોસાપાત્ર, વફાદાર અને તેમની આજ્ઞા માનનારા હતા. (યોહાન ૧૫:૧૪, ૧૫ વાંચો.) ઈસુને પગલે ચાલો અને તમે પણ મિત્રોની પસંદગી કરવામાં કાળજી રાખો. તમારા મિત્રો એવા હોવા જોઈએ જેઓનો વિશ્વાસ દૃઢ છે અને જેઓ ઈસુના કહેવા પ્રમાણે ચાલે છે. સાચા મિત્રો એકબીજાને પોતાના વિચારો સાફ સાફ જણાવી દે છે. અરે, એકબીજાને સલાહ આપવાની કે લેવાની વાત હોય તોપણ તેઓ અચકાતા નથી.—નીતિ. ૨૭:૯.
૨૦. આપણે બીજાઓનો વિશ્વાસ દૃઢ કરવામાં મદદ કરીશું તો શું થશે?
૨૦ બીજાઓને વિશ્વાસ દૃઢ કરવા મદદ કરો. ઈસુએ પોતાનાં વાણી-વર્તન એવાં રાખ્યા જેનાથી તેમના શિષ્યોનો વિશ્વાસ દૃઢ બને. (માર્ક ૧૧:૨૦-૨૪) આપણે પણ એવું જ કરવું જોઈએ. એમ કરીશું તો આપણે પોતાનો અને બીજાઓનો વિશ્વાસ મજબૂત કરીશું. (નીતિ. ૧૧:૨૫) હવે વિચારો કે પ્રચાર વિસ્તારના લોકોને મદદ કરવા તમે શું કરી શકો? લોકોને બાઇબલમાંથી શીખવો ત્યારે એવા પુરાવા પર ભાર મૂકો જે સાબિત કરે છે કે ઈશ્વર ખરેખર છે, તે આપણી કાળજી લે છે અને બાઇબલમાં તેમના વિચારો છે. તમે ભાઈ-બહેનોનો વિશ્વાસ દૃઢ કરવા કઈ રીતે મદદ આપી શકો? જો તમારા ધ્યાનમાં એવા કોઈ ભાઈ કે બહેન આવે, જે આગેવાની લેતા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરે તો તેમનાથી દૂર ન ભાગો. પણ, તેમનો નબળો પડેલો વિશ્વાસ ફરી દૃઢ કરવા સમજદારીથી પ્રયત્ન કરો. (યહુ. ૨૨, ૨૩) જો તમે સ્કૂલમાં ભણતા હો અને ઉત્ક્રાંતિનો વિષય આવે, તો શું કરશો? તમે સૃષ્ટિના સર્જન વિશેની તમારી માન્યતા ગભરાયા વગર જણાવો. બની શકે કે એનાથી કદાચ તમારા શિક્ષક અને વિદ્યાર્થીઓ પર સારી અસર થાય. એ જોઈને તમને ચોક્કસ ખુશી થશે!
૨૧. યહોવાએ આપણને દરેકને કયું વચન આપ્યું છે?
૨૧ યહોવા અને ઈસુએ પીતરને શંકા અને ડરમાંથી બહાર આવવા મદદ કરી. પછીથી પીતર જે રીતે જીવન જીવ્યા એ બીજાઓ માટે વિશ્વાસનું એક જોરદાર ઉદાહરણ હતું. એવી જ રીતે, યહોવા આપણ દરેકને વિશ્વાસમાં દૃઢ રહેવા મદદ કરે છે. (૧ પીતર ૫:૯, ૧૦ વાંચો.) ખરું કે, વિશ્વાસને દૃઢ બનાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. પણ, આપણે પ્રયત્નો કરીશું તો યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.
^ ફકરો. 16 દાખલા તરીકે, જનતા માટે બહાર પડતા ચોકીબુરજમાં આવતા આ લેખો જુઓ: “બાઇબલ જીવન સુધારે છે.”