સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારાં બાળકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો

તમારાં બાળકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો

‘કૃપા કરીને ઈશ્વરના માણસને મોકલો કે જે છોકરો જન્મશે તેના વિશે અમારે શું કરવું એ તે અમને શીખવે.’—ન્યા. ૧૩:૮.

ગીતો: ૨૧ (164), ૨૪ (200)

૧. માનોઆહે જાણ્યું કે તે પિતા બનવાના છે ત્યારે તેમણે શું કર્યું?

માનોઆહ અને તેમની પત્ની જાણતાં હતાં કે તેઓને બાળકનું સુખ કદીએ નહિ મળે. પરંતુ, એક દિવસે યહોવાના સ્વર્ગદૂતે માનોઆહની પત્નીને કહ્યું કે તેને દીકરો થશે. જરા વિચારો, એ સાંભળીને તેને કેટલી નવાઈ લાગી હશે! અરે, તેણે એ વાત પોતાના પતિને કહી ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. જોકે, તે એ પણ જાણતા હતા કે પિતા બનવું એક મોટી જવાબદારી છે. પિતા તરીકેની ભૂમિકા કઈ રીતે નિભાવી શકે એ વિશે તે યહોવાના વિચારો જાણવા ચાહતા હતા. તેમને ચિંતા હતી કે, તેઓએ દીકરાને કઈ રીતે તાલીમ આપવી જોઈએ, જેથી તેમનો દીકરો યહોવાને પ્રેમ કરે અને તેમની સેવા કરે. અને એ પણ એવા જમાનામાં જ્યારે મોટા ભાગના ઈસ્રાએલીઓ ખરાબ કામોં તરફ વળ્યા હતા. એટલે માનોઆહે યહોવાને અરજ કરી: ‘કૃપા કરીને ઈશ્વરના જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો, કે જે છોકરો જન્મશે તેના વિશે અમારે શું કરવું એ તે અમને શીખવે.’—ન્યા. ૧૩:૧-૮.

૨. તમારાં બાળકોને તમારે શું શીખવવું જોઈએ? અને તમે એ કઈ રીતે કરી શકો? (આ બૉક્સ પણ જુઓ: “ તમારા સૌથી મહત્ત્વના બાઇબલ વિદ્યાર્થીઓ”)

જો તમે માતાપિતા હો, તો તમે પણ માનોઆહની ચિંતા સારી રીતે સમજી શકતાં હશો. કારણ કે, તમે જાણો છો કે તમારાં પર પણ એક જવાબદારી છે. તમારે પણ બાળકોને એ રીતે ઉછેરવાનાં છે કે તેઓ યહોવાને ઓળખે અને તેમને પ્રેમ કરતા શીખે. (નીતિ. ૧:૮) એમ કરવા તમે દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિ દરમિયાન બાળકોને યહોવા વિશે અને બાઇબલ વિશે શીખવી શકો. જોકે, એ ઉપરાંત તમારે કંઈક વધુ કરવાની જરૂર છે. (પુનર્નિયમ ૬:૬-૯ વાંચો.) એ શું છે? આ લેખમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. આપણે ઈસુના દાખલાનો વિચાર કરીશું. ખરું કે, ઈસુ કુંવારા હોવાથી તેમને બાળકો ઉછેરવાનો કોઈ અનુભવ ન હતો. તેમ છતાં, તેમણે જે રીતે પોતાના શિષ્યોને શીખવ્યું અને તાલીમ આપી, એમાંથી માતાપિતા ઘણું શીખી શકે છે. દાખલા તરીકે, ઈસુએ શિષ્યોને હંમેશાં પ્રેમ બતાવ્યો અને તેઓ સાથે નમ્રતાથી વર્ત્યા. એટલું જ નહિ, ઈસુએ પોતાના શિષ્યો સાથેના વ્યવહારમાં ઘણી સમજદારી બતાવી. તે શિષ્યોનાં વિચારો અને લાગણીઓ તરત પારખી લેતા અને તેઓને કઈ રીતે મદદ કરવી એ સમજી જતા. તો ચાલો જોઈએ કે આપણે ઈસુને કઈ રીતે અનુસરી શકીએ.

તમારાં બાળકોને પ્રેમ બતાવો

૩. શિષ્યો કઈ રીતે પારખી શક્યા કે ઈસુ તેમને પ્રેમ કરે છે?

ઈસુએ ઘણી વાર પોતાના શિષ્યોને કહ્યું હતું કે તે તેઓને પ્રેમ કરે છે. (યોહાન ૧૫:૯ વાંચો.) તે તેઓની સાથે ઘણો સમય વિતાવતા. (માર્ક ૬:૩૧, ૩૨; યોહા. ૨:૨; ૨૧:૧૨, ૧૩) ઈસુ ફક્ત તેઓના શિક્ષક જ નહિ, પણ એક દોસ્ત બન્યા. એના લીધે શિષ્યોના મનમાં ક્યારેય એવો સવાલ ઊભો ન થયો કે ઈસુ તેઓને પ્રેમ કરે છે કે નહિ. માતાપિતાઓ, તમે ઈસુ પાસેથી શું શીખી શકો?

૪. તમારાં બાળકોને પ્રેમનો અહેસાસ કરાવવા તમે શું કરી શકો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઈસુની જેમ તમે પણ બાળકોને કહો કે તમે તેઓને પ્રેમ કરો છો. તેઓને અહેસાસ કરાવો કે તેઓ તમારા માટે કેટલા કીમતી છે. (નીતિ. ૪:૩; તીત. ૨:૪) ઓસ્ટ્રેલિયામાં રહેતા સેમ્યુઅલ નામના ભાઈ જણાવે છે: ‘હું નાનો હતો ત્યારે, મારા પપ્પા મને બાઇબલ વાર્તાઓ પુસ્તકમાંથી દરરોજ સાંજે વાંચી સંભળાવતા. મને કોઈ સવાલ થાય તો તે એનો જવાબ આપતા. મારા સૂતા પહેલા તે મને ઘણો વહાલ કરતા અને ચુંબન કરતા. મોટા થયા પછી મને એક વાત જાણીને ખૂબ નવાઈ લાગી. મારા પપ્પાનો ઉછેર તો એવા કુટુંબમાં થયો હતો જ્યાં ચુંબન કરવાનું કે વહાલ બતાવવાનું ચલણ ન હતું. તોપણ, તેમણે મને પ્રેમ બતાવવાનો દિલથી પ્રયત્ન કર્યો. એના લીધે, તેમના પ્રત્યે મારો લગાવ ઘણો વધ્યો અને મે સંતોષ તેમજ સલામતી અનુભવ્યાં.’ તમે પણ તમારાં બાળકોને એવો જ અહેસાસ કરાવો. તેઓને કહેવાનું ચૂકશો નહિ કે “બેટા, હું તને ખૂબ પ્રેમ કરું છું!” તમારાં બાળકોને વહાલ કરો. તેઓ સાથે વાતો કરો, ખાઓ-પીઓ, રમો અને સમય વિતાવો.

૫, ૬. (ક) શિષ્યોને ચાહતા હોવાથી ઈસુએ શું કર્યું? (ખ) તમારાં બાળકોને તમારે કઈ રીતે શિસ્ત આપવી જોઈએ?

ઈસુએ કહ્યું હતું: “હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો [એટલે કે શિસ્ત] આપું છું.” * (પ્રકટી. ૩:૧૯) દાખલા તરીકે, શિષ્યો ઘણી વાર અંદરોઅંદર ઝઘડતા કે તેઓમાં સૌથી મોટો કોણ છે. શિષ્યોના એવા ખોટા વર્તનની ઈસુએ અવગણના કરી નહિ. એના બદલે, તે ધીરજથી શિષ્યોને સુધારતા રહ્યા અને શિખામણ આપતા રહ્યા. જોકે, ઈસુ કદી પણ શિષ્યો સાથે કઠોરતાથી વર્ત્યા નહિ. તેઓને સુધારો કરવામાં ઈસુએ યોગ્ય સમય અને યોગ્ય જગ્યા જોઈને પ્રેમપૂર્વક મદદ આપી.—માર્ક ૯:૩૩-૩૭.

તમે પણ તમારાં બાળકોને ચાહો છો, એટલે તમે જાણો છો કે તેઓને શિસ્ત આપવી જરૂરી છે. અમુક કિસ્સામાં બાળકને એમ જણાવવું પૂરતું હોય છે કે કોઈ બાબત શા માટે સારી અથવા ખરાબ છે. પરંતુ, સમજાવ્યા છતાં જો તે ન માને તો શું કરવું? (નીતિ. ૨૨:૧૫) ઈસુનું અનુકરણ કરો. ધીરજથી તેઓને સમજાવવામાં, શીખવવામાં અને સુધારવામાં લાગુ રહો. યોગ્ય સમય અને યોગ્ય જગ્યા પસંદ કરીને તેઓને પ્રેમપૂર્વક શિસ્ત આપો. દક્ષિણ આફ્રિકામાં રહેતાં બહેન ઍલીના જણાવે છે કે તેમનાં માતાપિતા તેમને કઈ રીતે શિસ્ત આપતાં. તેમનાં માતાપિતા શિસ્ત આપતી વખતે હંમેશાં એનું કારણ જણાવતાં. ઉપરાંત, તેઓ ઍલીના પાસેથી શું અપેક્ષા રાખે છે એ પણ સમજાવતાં. તેઓ એ પણ ચેતવતાં કે કહ્યું ન માનવાની, શું સજા થશે. અને ઍલીના કહ્યું ન કરે તો, તેઓ જણાવ્યા પ્રમાણે અચૂક શિક્ષા કરતા. જોકે, ઍલીના એ પણ જણાવે છે કે ‘તેઓએ કદીયે ગુસ્સામાં આવીને કે કારણ જણાવ્યા વગર મને શિસ્ત આપી નથી.’ એના લીધે, બહેન ઍલીનાને અહેસાસ થતો કે તેમનાં માતાપિતા તેમને ખૂબ ચાહે છે.

નમ્ર બનો

૭, ૮. (ક) ઈસુની પ્રાર્થનાઓમાંથી શિષ્યો શું શીખી શક્યા? (ખ) તમારી પ્રાર્થનાઓમાંથી બાળકો યહોવા પર આધાર રાખવાનું કઈ રીતે શીખશે?

પૃથ્વી પર ઈસુના જીવનની છેલ્લી રાત યાદ કરો. ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો સમય આવ્યો ત્યારે, તેમણે પિતાને અરજ કરી: ‘અબ્બા, પિતા તમારાથી બધું થઈ શકે છે. આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ * (માર્ક ૧૪:૩૬) જરા કલ્પના કરો કે ઈસુની એવી પ્રાર્થનાઓથી શિષ્યોને કેવું લાગ્યું હશે. તેઓને ખ્યાલ આવ્યો હશે કે ઈસુ સંપૂર્ણ હોવા છતાં, મદદ માટે પોતાના પિતા યહોવા પર આધાર રાખે છે. તેથી, તેઓ શીખ્યા કે તેઓને પણ નમ્ર બનવાની અને યહોવા પર આધાર રાખવાની જરૂર છે.

તમારાં બાળકો તમારી પ્રાર્થનામાંથી ઘણું શીખી શકે છે. જોકે, યહોવાને પ્રાર્થના કરવાનો મુખ્ય હેતુ તેઓને શીખવવાનો ન હોવો જોઈએ. પરંતુ, તમારી પ્રાર્થનાઓ એવી હોવી જોઈએ કે એ સાંભળીને તેઓ યહોવા પર આધાર રાખવાનું શીખે. તમે પ્રાર્થનામાં ફક્ત બાળકો માટે નહિ, પણ પોતાના માટે પણ મદદ માંગો. બ્રાઝિલમાં રહેતાં બહેન આન્ના કહે છે: ‘મારાં માતાપિતા પર મુશ્કેલીઓ આવતી ત્યારે, તેઓ યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગતાં. જેમ કે, મારાં દાદા-દાદી બીમાર હતાં ત્યારે, મારાં માતાપિતાએ એ સંજોગોનો સામનો કરવા યહોવા પાસે હિંમત માંગી. ઉપરાંત, યોગ્ય નિર્ણય લેવા યહોવા પાસે સમજશક્તિ માંગી. અરે, જબરદસ્ત તણાવના સમયમાં પણ તેઓએ પોતાનો બધો બોજો યહોવા પર નાખ્યો. આમ, તેઓ પાસેથી હું યહોવા પર નિર્ભર રહેવાનું શીખી.’ માતાપિતાઓ, તમે પણ યહોવા પાસે હિંમત માંગો. જેમ કે, પડોશીને ખુશખબર જણાવવા કે પછી સંમેલનમાં જવા નોકરી પરથી રજા લેવા હિંમત માટે પ્રાર્થના કરો. એ પરથી તમારાં બાળકો શીખી શકશે કે મદદ માટે યહોવા પર આધાર રાખવો જોઈએ. તેઓ પણ યહોવા પાસે મદદ માંગશે.

૯. (ક) ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યોને નમ્ર અને નિઃસ્વાર્થ બનવાનું શીખવ્યું? (ખ) તમારા નમ્ર અને નિઃસ્વાર્થ વલણથી બાળકો શું શીખી શકશે?

ઈસુએ પોતાના શિષ્યોને નમ્ર અને નિઃસ્વાર્થ વલણ રાખવાનું ઉત્તેજન આપ્યું. એ માટે તેમણે પોતે એક સારો દાખલો બેસાડ્યો. (લુક ૨૨:૨૭ વાંચો.) શિષ્યો જોઈ શક્યા કે યહોવાની સેવા કરવા અને બીજાઓને મદદ કરવા, ઈસુ કોઈ પણ બલિદાન આપવા તૈયાર રહેતા. શિષ્યો પણ એવું જ કરવાનું શીખ્યા. તમે પણ પોતાના સારા ઉદાહરણથી તમારાં બાળકોને શીખવી શકો છો. ડૅબી નામનાં બહેન બે બાળકોની માતા છે. તે કહે છે: ‘મારા પતિ મંડળમાં એક વડીલ છે. તેમને પોતાનો ઘણો સમય ભાઈ-બહેનોને આપવો પડે છે. જોકે, હું એ બાબતની અદેખાઈ કરીને જરાય ખોટું લગાડતી નથી. હું જાણું છું કે અમારા કુટુંબને જરૂર હશે ત્યારે, મારા પતિ અચૂક ધ્યાન આપશે.’ (૧ તીમો. ૩:૪, ૫) બહેન ડૅબી અને તેમના પતિ પ્રનાસના સારા દાખલાની તેઓના કુટુંબ પર કેવી અસર પડી? ભાઈ પ્રનાસ જણાવે છે કે તેમનાં બાળકો સંમેલનોમાં મદદ આપવા હંમેશાં તૈયાર રહે છે. તેઓ ભાઈ-બહેનો સાથે સમય વિતાવે છે. તેઓએ એ ભાઈ-બહેનોમાંથી જ પોતાનાં મિત્રો બનાવ્યાં છે અને ઘણાં ખુશ છે. તેઓનું આખું કુટુંબ પૂરા સમયની સેવા કરે છે. જ્યારે તમે નમ્ર અને નિઃસ્વાર્થ વલણ બતાવો છો ત્યારે તમે બાળકોમાં બીજાઓને મદદ કરવાની ઇચ્છા પેદા કરો છો.

સમજશક્તિ વાપરો

૧૦. અમુક લોકો ઈસુને શોધતાં શોધતાં આવ્યા ત્યારે, ઈસુએ કઈ રીતે પોતાની સમજશક્તિ વાપરી?

૧૦ ઈસુ દરેક બાબતમાં સમજશક્તિનો ઉપયોગ કરતા. લોકો શું કરે છે એના પર ધ્યાન આપવાની સાથે સાથે, ઈસુ એ પણ સમજી શકતા કે લોકો શા માટે એવું કરે છે. લોકોના દિલમાં શું છે એ તે જાણી શકતા. દાખલા તરીકે, એક વાર ગાલીલમાં અમુક લોકો તેમને શોધતાં શોધતાં આવ્યા. (યોહા. ૬:૨૨-૨૪) ઈસુને ખ્યાલ આવી ગયો કે એ લોકો શા માટે તેમને શોધતા હતા. એ લોકો ઈસુ પાસેથી શીખવાના હેતુથી નહિ, પણ ખોરાક મેળવવાના ઇરાદાથી આવ્યા હતા. (યોહા. ૨:૨૫) ઈસુ જાણતા હતા કે તેઓના વલણમાં શું ખોટું હતું. એટલે, તેમણે ધીરજથી તેઓને સુધાર્યા અને તેઓએ કેવા ફેરફારો કરવાની જરૂર છે એ સમજાવ્યું.—યોહાન ૬:૨૫-૨૭ વાંચો.

પ્રચાર કામની મજા માણવામાં તમારાં બાળકોને મદદ કરો (ફકરો ૧૧ જુઓ)

૧૧. (ક) પ્રચારકાર્ય વિશે તમારાં બાળકોનાં દિલમાં શું છે, એ કઈ રીતે જાણી શકો? (ખ) બાળકો પ્રચારમાં મજા માણી શકે એ માટે તમે શું કરી શકો?

૧૧ ખરું કે, આપણે વ્યક્તિનું દિલ વાંચી શકતા નથી. પરંતુ, આપણે પોતાની સમજણનો ઉપયોગ જરૂર કરી શકીએ છીએ. દાખલા તરીકે, ખુશખબર ફેલાવવા વિશે તમારાં બાળકોના દિલમાં શું છે, એ સમજવાની કોશિશ કરો. તમે આ સવાલો પર વિચાર કરી શકો: ‘શું મારાં બાળકોને ખુશખબર ફેલાવવાના કામમાં ખરેખર મજા આવે છે? કે પછી, ચા-નાસ્તો કરવા થોડી વાર પ્રચાર બંધ કરીએ ત્યારે વધારે મજા આવે છે?’ જો તમને લાગે કે તેઓને પ્રચાર કામમાં મજા નથી આવતી, તો તેઓને એમાં મજા આવે માટે નાના નાના ધ્યેયો આપો. એમ કરવાથી બાળકોને લાગશે કે તેઓ પણ એ મહત્ત્વના કામનો ભાગ છે.

૧૨. (ક) ઈસુએ પોતાના શિષ્યોને શાના વિશે ચેતવ્યા? (ખ) એ ચેતવણી શિષ્યો માટે કેમ ખૂબ જરૂરી હતી?

૧૨ ઈસુએ બીજી કઈ રીતે પોતાની સમજશક્તિ બતાવી? તે જાણતા હતા કે એક નાની ભૂલ પણ મોટા પાપ તરફ લઈ જઈ શકે. તેથી, તેમણે પોતાના શિષ્યોને એ વિશે ચેતવ્યા. દાખલા તરીકે, શિષ્યોને ખબર હતી કે જાતીય અનૈતિકતા ખોટી છે. છતાં, ઈસુએ તેઓને એવાં કામ વિશે સાવધ કર્યા જે અનૈતિકતા તરફ દોરી જઈ શકે. ઈસુએ તેઓને કહ્યું: ‘સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો એને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે.’ (માથ. ૫:૨૭-૨૯) ઈસુના શિષ્યો એવા રોમન લોકો વચ્ચે રહેતા હતા, જેઓ અશ્લીલ દૃશ્યો અને ગંદી ભાષાથી ભરેલાં નાટકો જોતા. એટલે, એનાથી દૂર રહેવા વિશે ઈસુએ શિષ્યોને પ્રેમથી ચેતવ્યા. કેમ કે, ઈસુ ચાહતા ન હતા કે તેઓ અનૈતિક કામોમાં ફસાઈ જાય.

૧૩, ૧૪. ખરાબ મનોરંજનથી દૂર રહેવામાં તમે બાળકોને કઈ રીતે મદદ કરી શકો?

૧૩ માતાપિતાઓ, તમે પણ પોતાની સમજશક્તિ વાપરીને પોતાનાં બાળકોનું રક્ષણ કરી શકો છો. આમ, બાળકો એવું કંઈ પણ કરવાથી દૂર રહી શકશે, જેનાથી યહોવા નાખુશ થાય છે. આજે, પોર્નોગ્રાફી અને બીજી અશ્લીલ માહિતી જોવાની જાળમાં નાનાં બાળકો પણ ફસાઈ રહ્યાં છે. એ કેટલાં દુઃખની વાત છે! તમારે બાળકોને જણાવવું જ જોઈએ કે એવાં ગંદાં દૃશ્યો જોવાં ખોટું છે. તેઓનું રક્ષણ કરવા તમે બીજું પણ કંઈક કરી શકો છો. આ સવાલો પર વિચાર કરો: “શું મારાં બાળકો જાણે છે કે પોર્નોગ્રાફી જોવી શા માટે જોખમી છે? તેઓ કયા કારણને લીધે પોર્નોગ્રાફી જોવા માટે લલચાઈ શકે? શું મારો સ્વભાવ એવો છે કે બાળકો મારી પાસે સહેલાઈથી આવીને કોઈ પણ વિષય પર વાત કરી શકે?” ભલે, તમારાં બાળકો હજી નાનાં હોય તોપણ તમે તેઓને આમ જણાવી શકો: “બેટા, ક્યારેય ઇન્ટરનેટ પર તું ગંદા દૃશ્યો જોવાં લલચાય તો, એનાથી દૂર રહેવા તરત મારી પાસે આવીને મદદ માંગજે. જરાય અચકાતો કે ગભરાતો નહિ, હું તને ચોક્કસ મદદ કરીશ!”

૧૪ મનોરંજનની પસંદગી કરવામાં પણ તમે બાળકો માટે સારું ઉદાહરણ બેસાડી શકો છો. આપણે અગાઉ ભાઈ પ્રનાસ વિશે જોઈ ગયા. તે જણાવે છે: ‘ઘણા વિષયો છે જેના પર તમે તમારાં બાળકોને ઘણું બધું કહી શકો. પરંતુ, તમારાં બાળકો એ જ કરશે, જે તમને કરતાં જુએ છે.’ જો તમે સંગીત, પુસ્તકો, ફિલ્મો અને બીજાં મનોરંજનની પસંદગી હંમેશાં સમજી-વિચારીને કરશો, તો તમારાં બાળકો પણ એવું જ કરવાનું શીખશે.—રોમ. ૨:૨૧-૨૪.

યહોવા તમને પણ મદદ કરશે

૧૫, ૧૬. (ક) બાળકોને તાલીમ આપવામાં યહોવા મદદ કરશે, એની શા માટે પૂરી ખાતરી રાખી શકીએ? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૫ માનોઆહે પોતાના બાળકના સારા ઉછેર માટે ઈશ્વર યહોવા પાસે મદદ માંગી ત્યારે, “ઈશ્વરે માનોઆહની વિનંતી સાંભળી.” (ન્યા. ૧૩:૯) એવી જ રીતે, યહોવા તમારી પ્રાર્થના પણ સાંભળશે અને બાળકોને તાલીમ આપવા તમને મદદ કરશે. બાળકો જોડે પ્રેમ અને નમ્રતાથી વર્તવામાં અને સમજશક્તિથી કામ લેવામાં યહોવા તમને સહાય કરશે.

૧૬ તમારાં બાળકો તરુણ થશે ત્યારે પણ તેઓને તાલીમ આપવામાં યહોવા ચોક્કસ તમને સાથ આપશે. આવતા લેખમાં આપણે ફરી એક વાર ઈસુના પ્રેમની, નમ્રતાની અને સમજશક્તિની ચર્ચા કરીશું. એમાંથી શીખીશું કે કઈ રીતે આપણે તરુણ બાળકોને તાલીમ આપી શકીએ.

^ ફકરો. 5 બાઇબલ પ્રમાણે શિસ્ત આપવામાં માર્ગદર્શન, તાલીમ, સુધારો અને કોઈક વાર સજા કરવાનો પણ સમાવેશ થાય છે. માતાપિતાએ માયાળુ રીતે શિસ્ત આપવી જોઈએ. તેઓએ બાળકોને કદી પણ ગુસ્સામાં આવીને શિસ્ત આપવી જોઈએ નહિ.

^ ફકરો. 7 ‘ઈસુના સમયમાં બાળકો પોતાના પિતાને “અબ્બા” કહેતાં. એ શબ્દમાં પ્રેમ અને માનની લાગણી સમાયેલી છે.’—ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાઇક્લોપીડિયા.