સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટીનેજરને જવાબદાર બનવા મદદ કરો

ટીનેજરને જવાબદાર બનવા મદદ કરો

કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ

ટીનેજરને જવાબદાર બનવા મદદ કરો

“મારા બાળકો પહેલા મારું ધ્યાનથી સાંભળતા. હું જે કંઈ કામ સોંપું એ તરત જ કરતા. હવે ટીનેજર બન્યા પછી તેઓ મારું સાંભળતા નથી. ખરું કે મેં બીજા ઘરોમાં બાળકોનું આવું વર્તન જોયું હતું. પણ મારા બાળકો યુવાન થઈને આવું વર્તન કરશે એ મેં ક્યારેય વિચાર્યું ન હતું. દાખલા તરીકે, પહેલા તેઓ બાઇબલ સ્ટડીમાં શાંતિથી બેસતા. પણ હવે તેઓને બાઇબલ સ્ટડી કરવી ગમતી નથી.”—રાજેશ. *

શુંતમારા પણ યુવાન બાળકો છે? તેઓના સ્વભાવમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે? જોકે અમુક ફેરફાર સારા હશે. અમુક ફેરફારથી ચિંતા થઈ શકે છે. કદાચ તમને પણ નીચે આપેલા ફેરફાર તમારા બાળકોમાં જોવા મળે.

તમારો દીકરો નાનો હતો ત્યારે તમારી પાસે જ રહેતો હતો. પણ મોટા થયા પછી તેને બધું પોતાની રીતે કરવું છે.

તમારી દીકરી નાની હતી ત્યારે તમને આવીને બધું જ કહેતી. પણ મોટી થયા પછી પોતાના ફ્રેન્ડ્‌સ સાથે જ વાત કરે છે. તમને જરાય ગણકારતી નથી.

જો બાળક તમારું સાંભળે નહિ તો એવું ન માનશો કે તે બંડખોર છે. પણ એ ટીનેજરની નિશાની છે.

ટીનેજર માટે મહત્ત્વનો સમય

બાળક જન્મે છે ત્યારથી તેના જીવનમાં ઘણું બધું પહેલી વાર બને છે. જેમ કે, તે પહેલી વાર પા-પા પગલી કરે છે. પહેલો શબ્દ બોલે છે. સ્કૂલનો પહેલો દિવસ. બાળક આ બધું કરે છે ત્યારે એ જોઈને માબાપને ઘણો ગર્વ થાય છે.

પણ બાળક ટીનેજર બને છે ત્યારે માબાપને ગર્વ થતો નથી. કેમ કે, બાળક નાનું હોય ત્યારે બધું સાંભળે. ટીનેજર બન્યા પછી તે માબાપની સામે થાય છે. પરંતુ, ચિંતા ન કરો. બાળકના જીવનમાં આ સમય બહું મહત્ત્વનો છે. એ વિષે ચાલો આગળ જોઈએ.

બાઇબલ જણાવે છે કે ‘માણસ પોતાનાં માબાપને છોડશે.’ (ઉત્પત્તિ ૨:૨૪) અમુક દેશોમાં બાળકો વીસેક વર્ષના થાય એટલે માબાપથી અલગ રહેવા જાય છે. જ્યારે કે અમુક દેશોમાં બાળકો માબાપ સાથે જ રહે છે. ગમે તે હોય બાળકને જવાબદાર બનાવવાની ફરજ માબાપની છે. બાળક જવાબદાર બનશે ત્યારે તે પણ ઈશ્વરભક્તની જેમ આ શબ્દો કહેશે: “જ્યારે હું બાળક હતો, ત્યારે બાળકની પેઠે બોલતો હતો, બાળકની પેઠે વિચારતો હતો, બાળકની પેઠે સમજતો હતો; પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે.”—૧ કોરીંથી ૧૩:૧૧.

તમારું બાળક પણ ટીનેજમાં ધીમે ધીમે કામ કરતા શીખશે. જાતે નિર્ણય લેતા શીખશે. છેવટે તે જવાબદાર બનશે.

પણ કદાચ તમને થશે કે ‘મારો દીકરો હજી બાળક જ છે તો, કેવી રીતે તે જવાબદાર બની શકે.’ અરે તમે વિચારશો:

“મારો દીકરો પોતાનો રૂમ સાફ નથી રાખતો તો, કેવી રીતે જવાબદાર બની શકે.”

“મારી દીકરી નક્કી કરેલા સમયે ઘરે પાછી આવતી નથી તો, તે કેવી રીતે નોકરી પર સમયસર પહોંચશે.”

જો તમને આવી ચિંતા હોય તો યાદ રાખો કે તેઓ રાતોરાત જવાબદાર નહિ બને. તેઓને જવાબદાર બનવા થોડો સમય લાગશે. ખરું કે તમને હમણાં એવું લાગે છે કે “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.”—નીતિવચનો ૨૨:૧૫.

પણ તમે બાળકને યોગ્ય માર્ગદર્શન આપશો તો, તે ચોક્કસ જવાબદાર વ્યક્તિ બનશે. અને ‘તેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવા કેળવાએલી થશે.’—હેબ્રી ૫:૧૪.

સફળતાની ચાવી

ટીનેજરને જવાબદાર બનાવવા તેઓને પોતાની સમજશક્તિનો ઉપયોગ કરવાનું શીખવો. (રૂમી ૧૨:૧, ૨) આમ તેઓ સારા નિર્ણય લઈ શકશે. * નીચે આપેલા બાઇબલ સિદ્ધાંતોની મદદથી ટીનેજરને જવાબદાર બનવા મદદ કરી શકશો.

બાઇબલ જણાવે છે કે “તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો.” (એફેસી ૫:૧૫) ધારો કે તમારો યુવાન છોકરો પૂછે છે કે તેને મોડે સુધી બહાર રહેવું છે. તમે તેને તરત જ ના પાડી દો છો. તે તરત જ સામો જવાબ આપે છે કે ‘તમે મને નાના બાળક જેવો ગણો છો!’ કદાચ તમને બોલવાનું મન થાય કે ‘હા તું બાળક જ છે.’ પણ એમ કહેતા પહેલાં જરા વિચાર કરો કે તે કેમ છૂટ માંગે છે. મોટાભાગે બાળકો છૂટ માંગે એના બે કારણ હોય છે. એક તો, યુવાનીની શરૂઆતમાં તેઓ જરૂર કરતાં વધારે છૂટ માંગતા હોય છે. બીજું, અમુક માબાપ જરૂર કરતાં વધારે પાબંધી મૂકતા હોય છે. એટલે ટીનેજર વધારે છૂટ માંગે ત્યારે વિચાર કરો.

આમ કરી જુઓ: એક કે બે બાબતોનો વિચાર કરો જેમાં યુવાન વધારે છૂટ માંગે છે. પછી તેને સમજાવો કે એ બાબતો સારી રીતે નિભાવશે તો, તેને બીજી પણ વધારે છૂટ મળશે. જો તે નહિ નિભાવે તો, છૂટ મેળવવા જવાબદાર નથી.—માત્થી ૨૫:૨૧.

બાઇબલ જણાવે છે કે “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.(કોલોસી ૩:૨૧) અમુક માબાપો યુવાનોની દરેક બાબતો પર નજર રાખે છે. દાખલા તરીકે, બાળકોના મિત્ર માબાપ પસંદ કરે. બાળક ફોન પર શું વાત કરે છે એ પણ સાંભળે. આમ યુવાનો પર નજર રાખીને માબાપને લાગે છે કે તેઓ સીધા રસ્તે ચાલશે. પણ એનાથી સાવ ઊંધું બને છે. જેમ કે, કદાચ યુવાન મોડા સુધી બહાર રખડશે. તમે જે મિત્રની ના પાડશો તેની સાથે જ વધારે સંગત રાખશે. તમારી જાણ વગર ફોન પર ફ્રેન્ડ સાથે વાત કરશે. આ બતાવે છે કે તમે યુવાનને મુટ્ઠીમાં રાખવાની કોશિશ કરશો તેમ, તે તમારા હાથમાંથી છટકી જશે. તેથી ટીનેજરને ધીમે ધીમે છૂટ આપશો તો, તેઓ સારા નિર્ણયો લેતા શીખશે.

આમ કરી જુઓ: યુવાનને કોઈ નિર્ણય લેવા કહો ત્યારે પૂછો કે ‘આ નિર્ણય લેવાથી તારા જીવન પર કેવી અસર પડશે.’ દાખલા તરીકે, ‘તારા ફ્રેન્ડ ખરાબ છે’ એ કહેવાને બદલે આમ કહી શકો: ‘જો તારો કોઈ ફ્રેન્ડ ખરાબ કામ કરતા પકડાઈ તો, તું શું કરીશ?’ યુવાન જે જવાબ આપે એના આધારે તેને સમજાવો કે તેણે જે ફ્રેન્ડ્‌સ પસંદ કર્યા છે એનાથી તેને કેવું નુકસાન થઈ શકે.—નીતિવચનો ૧૧:૧૭, ૨૨; ૨૦:૧૧.

બાઇબલ જણાવે છે “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) અહીંયા શિક્ષણ શબ્દનો અર્થ એવો નથી કે બસ બાળકને બધું શીખવ્યા કરીએ. એના બદલે કોઈ કામ કરવા યુવાનને દિલથી ઇચ્છા થાય એ રીતે શીખવીએ. આ બહું જ મહત્ત્વનું છે. એક પિતા જણાવે છે, ‘બાળક મોટું થતું જાય તેમ તેને કારણો આપીને શીખવવું જોઈએ.’—૨ તીમોથી ૩:૧૪.

આમ કરી જુઓ: કોઈ પણ બાબતમાં યુવાન વધારે છૂટ માંગે છે ત્યારે તેને સીધું ના પાડવાને બદલે તે કેમ છૂટ માંગે છે એનું કારણ જાણો. છોકરાઓ ઘણી વાર જાણતા નથી કે શું કામ છૂટ જોઈએ છીએ. એટલે તમે તેઓને કહી શકો કે તે માબાપનો ભાગ ભજવે. અને તમે એક યુવાન તરીકે તેની પાસે છૂટની માંગણી કરી રહ્યા છો. તે જે પણ જવાબ તમને આપે એની સાથે કારણો પણ આપે. કારણ આપવા તે ચાહે તો રિસર્ચ કરી શકે. અને પછી એક વીકની અંદર આ વિષે વાત કરો. એમ કરવાથી યુવાન પોતે જોઈ શકશે કે એ છૂટ યોગ્ય છે કે નહિ.

બાઇબલ જણાવે છે કે ‘જેવું વાવીશું એવું જ લણીશું.’ (ગલાતી ૬:૭) નાના બાળકને શિસ્ત આપવા તેને શિક્ષા કરી શકો. જેમ કે તેને રૂમમાં પૂરી શકો. અથવા તેને ગમતી વસ્તુઓ ન આપીને. પણ ટીનેજરને ઠપકો આપવાને બદલે તેને સમજાવો કે શા માટે એ ખોટું હતું.—નીતિવચનો ૬:૨૭.

આમ કરી જુઓ: જો તેના માથે કોઈ દેવું હોય તો એને ભરશો નહિ. જો તે સ્કૂલમાં ફેલ થઈ જાય તો ટીચર સામે તેની તરફદારી કરશો નહિ. આ રીતે યુવાન પોતે જોઈ શકશે કે જેવું તે કરશે એવું જ તે ભોગવશે. અને તેના અનુભવમાંથી જે શીખશે એ તેને લાંબો સમય યાદ રહેશે.

માતા-પિતા તરીકે તમને લાગશે કે બાળકની યુવાની સહેલાઈથી નીકળી જશે. પણ એ ભાગ્યે બનતું હોય છે. આપણને બધાને ખબર છે કે બાળકોના જીવનમાં તકલીફો આવશે. પણ ‘બાળકને જે માર્ગમાં ચાલવું જોઈએ એમાં ચાલવાનું શિક્ષણ આપવાનો’ લહાવો માબાપ પાસે છે. (નીતિવચનો ૨૨:૬) બાઇબલ સિદ્ધાંતોની મદદથી તમે યુવાનને સારી રીતે ઉછેરી શકો છો. (w09 5/1)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલાયું છે.

^ આ લેખમાં છોકરાઓની વાત થાય છે. એ છોકરીઓને પણ લાગું પડે છે.

તમે પોતાને પૂછો. . .

મારું સંતાન જવાબદાર બને એ માટે નીચેની બાબતો કરી શકશે?

▪ યહોવાહની ભક્તિમાં લાગુ રહી શકશે

▪ સારી પસંદગી ને નિર્ણય લઈ શકશે

▪ બીજાઓને માન આપીને વાત કરી શકશે

▪ પોતાની સંભાળ રાખી શકશે

▪ પૈસાનો સારો ઉપયોગ કરી શકશે

▪ ઘરને સાફ-સૂથરું રાખી શકશે

▪ કોઈ પણ કામ કરવામાં પહેલ કરી શકશે

[પાન ૧૨ પર ચિત્રનું મથાળું]

જો તમારો યુવાન જવાબદાર છે એવું બતાવે તો શું તમે તેને થોડી વધારે છૂટ આપી શકો?