ઈશ્વરના ભક્તો બાઇબલને માન આપશે
ઈશ્વરના ભક્તો બાઇબલને માન આપશે
ઈસુએ બીજાઓને શીખવ્યું કે બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. એ વિચારો વ્યક્તિ દિલમાં ઉતારશે તો, ઘણો ફાયદો થશે. ઈસુએ પોતે પણ એમ જ કર્યું હતું. ઈસુએ શેતાનની લાલચોનો નકાર કર્યો એના પરથી એ જોવા મળે છે. (માત્થી ૪:૪-૧૧) દાખલા તરીકે, જ્યારે શેતાને ઈસુને પથ્થરને રોટલી બનાવવા કહ્યું, ત્યારે તેમણે શું કર્યું? ઈસુએ એ લાલચનો સાફ ઇન્કાર કર્યો. તેમણે પુનર્નિયમ ૮:૩ માંના ઈશ્વરના વિચારો શેતાનને જણાવ્યા. પછી જ્યારે શેતાને ઈસુને કહ્યું કે જો ‘તું એક વાર પગે પડીને મારી ભક્તિ કરે, તો બધાં રાજ્યો હું તને આપીશ.’ પણ ઈસુ જાણતા હતા કે ઈશ્વર સિવાય બીજા કોઈની પણ ભક્તિ કરવી ખોટી છે. એટલે શેતાનને ઉત્તર આપવા પુનર્નિયમ ૬:૧૩ માંના ઈશ્વરના વિચારો જણાવ્યા.
આ બતાવે છે કે ઈસુ ઈશ્વરના દીકરા હતા તોપણ તેમણે હર વખતે શાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેમણે લોકોને શીખવવા શાસ્ત્રનો ઉપયોગ કર્યો. રીત-રિવાજો પાળવા કે નહિ, એ માટે ઈસુએ લોકોને જણાવ્યું કે ઈશ્વરના નિયમો એના વિષે શું કહે છે. (યોહાન ૭:૧૬-૧૮) તેમ છતાં, ઈસુના સમયના ઘણા ધર્મગુરુઓએ શાસ્ત્રને મહત્ત્વ આપ્યું નહિ. તેઓએ ઈશ્વરના વિચારોને બદલે રીત-રિવાજોને વધારે મહત્ત્વ આપ્યું. એટલે ઈસુએ એવા ધર્મગુરુઓને સાફ જણાવ્યું કે “તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. ઓ ઢોંગીઓ, યશાયાહે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે, કે આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમકે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.”—માત્થી ૧૫:૬-૯.
દુનિયા ફરતે ઘણા ધર્મના લોકો દાવો કરે છે કે તેઓ બાઇબલને માન આપે છે. પણ અમુક રીત-રિવાજોથી ઈશ્વરના નિયમો તૂટતા હોય ત્યારે, આવા ધર્મો શું કરે છે? શું તેઓ માણસોના રીત-રિવાજોને બદલે બાઇબલના નિયમો પાળે છે? નીચેના અમુક વિષયો પર વિચાર કરો.
વિષય: ધાર્મિક ખિતાબો.
બાઇબલ શીખવે છે: ઈસુના સમયના ધર્મગુરુઓને મોટા મોટા ખિતાબો અને માન-મોભો જોઈતા હતા. એવા લોકોને ઈસુએ કહ્યું: “ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે, રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ‘ગુરુજી, ગુરુજી’ કહે એવું તેઓ ઇચ્છે છે. પણ તમે પોતાને ‘ગુરુજી’ કહેવડાવશો નહિ, કારણ, તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને ‘પિતા’ કહેશો નહિ, કારણ, તમારે એક જ પિતા છે અને તે પરમપિતા.”—માથ્થી ૨૩:૧-૧૦, સંપૂર્ણ.
પ્રશ્ન: કયા ધર્મમાં આગેવાનો સમાજમાં મોટું નામ અને માન-મોભો ચાહતા નથી?
વિષય: મૂર્તિપૂજા.
બાઇબલ શીખવે છે: “તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર.”—નિર્ગમન ૨૦:૪, ૫.
પ્રેરિત યોહાને ભક્તોને લખ્યું: “મૂર્તિઓથી દૂર રહો.”—૧ યોહાન ૫:૨૧.
પ્રશ્ન: કયો ધર્મ મૂર્તિપૂજા ન કરવા વિષે શીખવે છે?
ઈશ્વરને પસંદ પડે એવો ધર્મ શોધો
આજે દુનિયામાં હજારો ધર્મો છે. પણ તમે ઈશ્વર તરફ લઈ જતો ધર્મ શોધી શકો છો, જે હંમેશ માટેના જીવન તરફ દોરી જાય છે. આપણે જોઈ ગયા કે કઈ રીતે પારખી શકીએ કે ઈશ્વર કયા “ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.” (યાકૂબ ૧:૨૭, કોમન લેંગ્વેજ) અત્યાર સુધીમાં જે લેખો જોઈ ગયા, એમાંની શાસ્ત્રની કલમો આપણને ઈશ્વર તરફ લઈ જતા ધર્મ સુધી પહોંચવા મદદ કરશે.
જો તમને વધારે મદદની જરૂર પડે, તો યહોવાહના સાક્ષીઓ ખુશીથી એ મદદ આપશે. જ્યારે તેઓ તમારે સાથે ચર્ચા કરે, ત્યારે પહેલી સદીના બેરીઆના લોકોનો વિચાર કરો. પ્રેરિત પાઊલે ઈશ્વરનો સંદેશો જણાવ્યો ત્યારે, તેઓએ “એ વાતો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન” કર્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧) જો તમે પણ ઈશ્વરે આપેલા બાઇબલને માન આપતા હોવ, તો એનો ધ્યાનથી અભ્યાસ કરો. એમાં તમે પણ હંમેશ માટેના જીવનનો રસ્તો શોધી શકશો. (w09 8/1)
[પાન ૮ પર બ્લર્બ]
શું આજે એવો કોઈ ધર્મ છે જે લોકોને બાઇબલમાંથી સત્ય શીખવા ઉત્તેજન આપે છે?