સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે તૈયાર રહો

તમે તૈયાર રહો

તમે તૈયાર રહો

“એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.”​—માથ. ૨૪:૪૪.

૧, ૨. (ક) બાઇબલમાં જણાવેલ હુમલો કઈ રીતે વાઘના હુમલા સાથે સરખાવી શકાય? (ખ) દુનિયાના નાશમાંથી બચવા શું કરવું જોઈએ?

 એક રિંગ માસ્ટર ઘણા વર્ષોથી વાઘનો ખેલ બતાવતો હતો. તે કહે છે, ‘જ્યારે કોઈ હિંસક પ્રાણી તમારામાં ભરોસો મૂકે ત્યારે તમને કોઈ ખાસ ભેટ મળી હોય એવું લાગે છે.’ પણ ઑક્ટોબર ૩, ૨૦૦૩ના રોજ તેનો એ ભરોસો તૂટી ગયો. ૧૭૨ કિલોના સફેદ વાઘે કોઈ કારણ વગર જ તેના પર હુમલો કર્યો. એ હુમલો અણધાર્યો હતો, એટલે માલિક જરા પણ તૈયાર ન હતો.

બાઇબલમાં પણ એક હિંસક પ્રાણીના એટલે કે ‘શ્વાપદના’ હુમલા વિષે જણાવેલું છે. આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ. (પ્રકટીકરણ ૧૭:૧૫-૧૮ વાંચો.) બાઇબલ જણાવે છે કે એક સ્ત્રી એ શ્વાપદને પાળતું બનાવી દે છે. એ કિરમજી રંગનું શ્વાપદ યુનાઈટેડ નેશન્સને દર્શાવે છે. તેને “દશ શિંગડાં” છે, જે રાજકીય સત્તાઓને દર્શાવે છે. યુનાઈટેડ નેશન્સ અને રાજકીય સત્તા ભેગા મળીને એ સ્ત્રી પર હુમલો કરશે અને તેને મારી નાખશે. બાઇબલ એ સ્ત્રીને વેશ્યા સાથે સરખાવે છે. એ સ્ત્રી મહાન બાબેલોન એટલે કે સર્વ જૂઠા ધર્મોને દર્શાવે છે. પણ શ્વાપદ સ્ત્રી પર હુમલો ક્યારે કરશે? આપણે એનો ચોક્કસ સમય જાણતા નથી. (માથ. ૨૪:૩૬) પણ એ જાણીએ છીએ કે એ અચાનક અને જલદી જ થશે. (માથ. ૨૪:૪૪; ૧ કોરીં. ૭:૨૯) પછી ઈસુ શેતાનની દુનિયાનો નાશ કરવા આવશે અને આપણને બચાવશે. તેથી એ ખૂબ જરૂરી છે કે આપણે તૈયાર રહીએ. (લુક ૨૧:૨૮) તૈયાર રહેવા ક્યાંથી મદદ મળી શકે? વિશ્વાસુ ભક્તોના દાખલામાંથી. તેઓ હંમેશાં તૈયાર રહ્યા અને ઈશ્વરના વચનો પૂરા થતા જોઈ શક્યા. ચાલો આપણે તેઓના દાખલામાંથી શીખીએ.

નુહની જેમ તૈયાર રહો

૩. ઈશ્વરની ભક્તિ કરવા નુહે શું સહન કરવું પડ્યું?

નુહના સમયમાં યહોવાહની વિરુદ્ધ ગયેલા અમુક દુષ્ટ દૂતોએ માણસોનું રૂપ લઈને સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા. આ સંબંધોને લીધે જે બાળકો થયા એ “મહાવીર” હતા. તેઓ લોકોને સતાવતા હતા. (ઉત. ૬:૪) તેઓ જ્યાં પણ જતાં ત્યાં હિંસા અને અંધાધૂંધી ફેલાવતા. એના લીધે ચારે બાજુ દુષ્ટતા ફેલાઈ હતી. માણસોના સંસ્કારો સાવ બગડી ગયા હતા. તેઓ પણ આ રાક્ષસોની જેમ વર્તવા લાગ્યા. જરા વિચાર કરો કે નુહે કેટલું સહન કરવું પડ્યું. દુષ્ટતાને લીધે યહોવાહે એનો અંત લાવવાનો એક સમય નક્કી કર્યો. નુહ એ માટે તૈયાર રહ્યા એટલે ઈશ્વરના વચનો પૂરાં થતાં જોઈ શક્યા.​—ઉત્પત્તિ ૬:૩, ૫, ૧૧, ૧૨ વાંચો. *

૪, ૫. કઈ રીતે આપણો સમય નુહના સમય જેવો છે?

ઈસુએ ભાખ્યું હતું કે નુહના દિવસોની જેમ જ આપણા સમયમાં પણ બનશે. (માથ. ૨૪:૩૭) દાખલા તરીકે આપણે પણ દુષ્ટ દૂતોની અસર જોઈ શકીએ છીએ. (પ્રકટી. ૧૨:૭-૯, ૧૨) નુહના સમયમાં તેઓ મનુષ્યનું રૂપ લઈ શકતા, પણ ઈશ્વર હવે તેઓને એમ કરતા રોકે છે. તેમ છતાં તેઓ નાના-મોટા સર્વને વશમાં કરવા પ્રયત્ન કરે છે. આ દુષ્ટ દૂતો હવસખોર છે. તેઓ પાપી કામ કરવા લોકોને ઉશ્કેરે છે. લોકો જ્યારે એમાં ફસાય છે, ત્યારે એ જોઈને તેઓને મઝા આવે છે.​—એફે. ૬:૧૧, ૧૨.

બાઇબલમાં શેતાનને “મનુષ્યઘાતક” તરીકે ઓળખાવ્યો છે, જે ‘મરણ પર સત્તા ધરાવે’ છે. (યોહા. ૮:૪૪; હેબ્રી ૨:૧૪) એનો અર્થ એ નથી કે તે સીધેસીધી રીતે લોકોને મારી નાખી શકે. પણ તે લોકોના મનમાં હિંસા અને મારા-મારીના વિચારો ઘૂસાડવા પ્રયત્ન કરે છે. એમ કરવા તે લોકોને છેતરે છે અથવા લલચાવે છે. દાખલા તરીકે અમેરિકામાં જન્મેલા દર ૧૪૨ લોકોમાંથી કોઈ એકનું ખૂન થઈ જાય છે. આજે આ દુનિયા નુહના સમય કરતાં વધારે હિંસક બની ગઈ છે, તો શું યહોવાહ એની નોંધ નહિ લે? હા, ચોક્કસ લેશે!

૬, ૭. ઈશ્વરનો ડર રાખીને ચાલવા નુહ અને તેમના કુટુંબે શું કર્યું?

સમય જતાં ઈશ્વરે નુહને જણાવ્યું કે તે જળપ્રલય દ્વારા પૃથ્વીના સર્વ જીવોનો નાશ કરશે. (ઉત. ૬:૧૩, ૧૭) એમાંથી બચવા યહોવાહે નુહને એક વહાણ બાંધવા કહ્યું. એ વહાણ એક મોટી પેટી જેવું બનાવવાનું હતું. નુહ અને તેમનું કુટુંબ એ વહાણ બાંધવા લાગી ગયા. યહોવાહની આજ્ઞા પાળવા અને ન્યાયના દિવસે તૈયાર રહેવા તેઓને ક્યાંથી મદદ મળી?

તેઓને ઈશ્વરમાં ખૂબ જ ભરોસો હતો. તેઓ ઈશ્વરનો ડર રાખીને ચાલ્યા એટલે ઈશ્વરની બધી જ આજ્ઞાઓ પાળી શક્યા. (ઉત. ૬:૨૨; હેબ્રી ૧૧:૭) કુટુંબના શિર તરીકે નુહે હંમેશાં ઈશ્વરની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકી. તે દુનિયામાં ચાલી રહેલી ખરાબ બાબતોથી દૂર રહ્યા. (ઉત. ૬:૯) કુટુંબનું પણ બંડખોર અને હિંસક વલણથી રક્ષણ કર્યું. તેઓ રોજ-બ-રોજના કામમાં ડૂબી જવાને બદલે ઈશ્વરે સોંપેલા કામમાં મચ્યા રહ્યા.​—ઉત્પત્તિ ૬:૧૪, ૧૮ વાંચો.

નુહ અને તેમનું કુટુંબ તૈયાર રહ્યું

૮. શું બતાવે છે કે નુહની જેમ તેમના કુટુંબે પણ ઈશ્વરનું કહ્યું કર્યું?

બાઇબલમાંથી આપણને કુટુંબના શિર નુહ વિષે ઘણું જાણવા મળે છે. તેમની પત્ની, દીકરાઓ તેમ જ તેઓની પત્નીઓ પણ યહોવાહના ભક્તો હતા. હઝકીએલના પુસ્તકમાં એની સાબિતી મળે છે. હઝકીએલે કહ્યું હતું કે જો તેમના જમાનામાં નુહ અને તેમનું કુટુંબ જીવ્યા હોત, તો પિતાની શ્રદ્ધાને લીધે બાળકો બચવાની આશા રાખી શક્યા ના હોત. એનું કારણ એ હતું કે નુહના બાળકો મોટા હતા, અને પોતે નક્કી કરી શકતા હતા કે ઈશ્વરને ભજશે કે નહિ. કેટલું સારું કે તેઓએ પોતે ઈશ્વર માટેનો પ્રેમ સાબિત કર્યો. (હઝકી. ૧૪:૧૯, ૨૦) કુટુંબે નુહનું માર્ગદર્શન સ્વીકાર્યું, અને યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખી. તેઓ દુનિયાની અસરમાં આવી ગયા નહિ, પણ ઈશ્વરે સોંપેલા કામમાં જ લાગુ રહ્યા.

૯. આજે કુટુંબમાં ઘણા શિર કઈ રીતે નુહને અનુસરે છે?

યહોવાહના સાક્ષીઓના કુટુંબમાં ઘણા શિર નુહને અનુસરે છે. તેઓ કુટુંબને રોટી, કપડાં, મકાન અને બાળકોના ભણતરની જરૂરિયાતો પૂરી પાડે છે. એ ઉપરાંત તેઓ કુટુંબને ઈશ્વર સાથે સારો સંબંધ બાંધવા પણ મદદ કરે છે. આ રીતે તેઓ યહોવાહના દિવસ માટે તૈયાર રહે છે.

૧૦, ૧૧. (ક) વહાણમાં બચી જવાને લીધે નુહ અને તેમના કુટુંબને કેવું લાગ્યું હશે? (ખ) આપણે કયા સવાલ પર વિચાર કરવો જોઈએ?

૧૦ નુહ અને તેમના કુટુંબે ભેગા મળીને આશરે પચાસ વર્ષ સુધી વહાણ બાંધ્યું. એ બાંધવા તેઓએ સખત મહેનત કરી. વહાણ એ રીત બનાવ્યું જેથી પાણી એમાં ઘૂસી ન જાય. તેઓએ એમાં પૂરતો ખોરાક ભેગો કર્યો, અને પ્રાણીઓને અંદર લઈ ગયા. ઈ.સ. પૂર્વે ૨૩૭૦ના બીજા મહિનાના ૧૭મા દિવસે તેઓ વહાણની અંદર ગયા. ત્યાર પછી યહોવાહે વહાણનો દરવાજો બંધ કર્યો. એ વખતે પૃથ્વી ફરતે પાણીનું આવરણ હતું, એ તૂટી ગયું અને ધોધની જેમ વરસાદ પૃથ્વી પર તૂટી પડ્યો. (ઉત. ૭:૧૧, ૧૬) વહાણની બહારના લોકો ડૂબીને મરી ગયા. નુહ અને તેમના કુટુંબે બચવા માટે જરૂર ઈશ્વરનો ઘણો આભાર માન્યો હશે. તેઓએ એમ પણ વિચાર્યું હશે કે ‘કેટલું સારુ કે અમે ઈશ્વરની સાથે ચાલ્યા, અને તૈયાર રહ્યા.’ (ઉત. ૬:૯) નજીકમાં યહોવાહ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. કલ્પના કરો કે તમે એમાંથી બચી ગયા છો. શું તમે પણ નુહના કુટુંબની જેમ દિલથી યહોવાહનો આભાર નહિ માનો!

૧૧ ઈશ્વર જરૂર શેતાનની દુનિયાનો અંત લાવશે. તેમને પોતાનું વચન પૂરું કરતા કોઈ રોકી શકતું નથી. ‘શું મને પૂરી ખાતરી છે કે યહોવાહના દરેકે દરેક વચનો એના યોગ્ય સમયે પૂરા થશે?’ જો એમ હોય તો ‘યહોવાહના દિવસને’ મનમાં રાખીને તૈયાર રહો.​—૨ પીત. ૩:૧૨.

મુસા તૈયાર રહ્યા

૧૨. ઇજિપ્તમાં મુસાનું જીવન કેવું હતું?

૧૨ ચાલો મુસાનો દાખલો લઈએ. મનુષ્યની નજરે તેમની પાસે બધું હતું. ઇજિપ્તના રાજાની દીકરીએ મુસાને દત્તક લીધા હતા, એટલે તેમની પાસે મોટી પદવી હતી. ખાવા-પીવાની કોઈ કમી ન હતી. એશઆરામનું જીવન હતું. તેમને સૌથી સારું શિક્ષણ મળ્યું હતું. (પ્રેરિતોના કૃત્યો ૭:૨૦-૨૨ વાંચો.) તેમને કદાચ રાજા પાસેથી ઘણો વારસો પણ મળવાનો હતો.

૧૩. યહોવાહની ભક્તિથી ફંટાઈ ન જવાય એ માટે મુસાએ શું કર્યું?

૧૩ બની શકે કે મુસા નાના હતા ત્યારે તેમના માબાપ તરફથી સારું શિક્ષણ મળ્યું હશે. એટલે તે સમજ્યા હશે કે મૂર્તિપૂજાથી દૂર રહેવું જોઈએ. (નિર્ગ. ૩૨:૮) જોકે ઇજિપ્તના ઉચ્ચ શિક્ષણ અને રાજમહેલની જાહોજલાલીથી તે યહોવાહની ભક્તિથી ફંટાઈ ના ગયા. તેમના બાપદાદાઓને ઈશ્વરે જે વચન આપ્યું હતું એના પર તેમણે ઘણું મનન કર્યું હશે. તેમ જ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તે ઉત્સાહ બતાવ્યો હશે. એટલે તેમણે ઈસ્રાએલી પ્રજાને કહ્યું ‘યહોવાહે, એટલે ઈબ્રાહીમના ઈશ્વરે તથા ઈસ્હાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે.’​—નિર્ગમન ૩:૧૫-૧૭ વાંચો.

૧૪. કઈ રીતે મુસાના વિશ્વાસ અને હિંમતની કસોટી થઈ?

૧૪ મુસાના મને ઇજિપ્તના દેવ-દેવીઓ તો સાવ નિર્જીવ હતા. જ્યારે કે યહોવાહ એક જીવંત ઈશ્વર હતા. એટલે મુસા એ રીતે જીવ્યા જાણે તે ‘અદૃશ્યને જોતા હોય.’ મુસાને ભરોસો હતો કે યહોવાહ પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવશે. પણ તે જાણતા ન હતા કે ક્યારે. (હેબ્રી ૧૧:૨૪, ૨૫, ૨૭) તે પોતાના લોકોને આઝાદ જોવા ઉત્સુક હતા. એક દિવસ તે ઈસ્રાએલી ગુલામ પર અત્યાચાર થતા જુએ છે, ત્યારે તેને બચાવે છે. (નિર્ગ. ૨:૧૧, ૧૨) પણ લોકોને આઝાદ કરવાનો યહોવાહનો સમય હજી આવ્યો ન હતો. એટલે તેમને પોતાનું જીવન બચાવવા બીજા દેશમાં ભાગી જવું પડ્યું. એશઆરામનું જીવન છોડીને અરણ્યમાં રહેવું મુસા માટે ઘણું જ અઘરું હતું. તેમ છતાં, યહોવાહ તરફથી મળતું માર્ગદર્શન મુસાએ સ્વીકાર્યું. તે મિદ્યાનમાં ૪૦ વર્ષ રહ્યા. પછી ઈસ્રાએલી લોકોને છોડાવવા યહોવાહ તેમને પાછા ઇજિપ્ત જવા કહ્યું. ઈશ્વરના કહ્યા પ્રમાણે એ કામ કરવાનો મુસા માટે સમય આવી ગયો હતો. (નિર્ગ. ૩:૨, ૭, ૮, ૧૦) મુસા ‘સર્વ લોક કરતાં નમ્ર હતા,’ એટલે ઇજિપ્તના રાજા સામે ઊભા રહેવા તેમને વિશ્વાસ અને હિંમતની જરૂર હતી. (ગણ. ૧૨:૩) તેમને એક વાર નહિ પણ અનેક વાર રાજાની સામે જવાનું હતું. અરે તે એ પણ જાણતા ન હતા કે કેટલી વાર આફતો વિષે ચેતવણી આપવી પડશે.

૧૫. ઘણી વાર નિરાશાનો સામનો કરવો પડ્યો છતાં મુસાએ શું કર્યું?

૧૫ ઈસ્રાએલીઓને આઝાદી મળી એ પછીના ચાળીસ વર્ષો દરમિયાન (ઈ.સ. પૂર્વે ૧૫૧૩થી ઈ.સ. પૂર્વે ૧૪૭૩) મુસાને ઘણી વાર નિરાશાનો સામનો કરવો પડ્યો. તેમ છતાં તેમણે હંમેશાં ઈશ્વરને મહિમા આપવાની તક શોધી. સાથી ઈસ્રાએલીઓને પણ એમ જ કરવાનું ઉત્તેજન આપ્યું. (પુન. ૩૧:૧-૮) તેમણે શા માટે એમ કર્યું? મુસા માટે યહોવાહના નામને મહિમા આપવો સૌથી મહત્ત્વનું હતું. તેમને મન ફક્ત યહોવાહ જ વિશ્વના રાજા હતા. (નિર્ગ. ૩૨:૧૦-૧૩; ગણ. ૧૪:૧૧-૧૬) ભલે આપણા જીવનમાં ઉતાર-ચઢાવ આવે હંમેશાં ઈશ્વરને જ વિશ્વના માલિક તરીકે ગણીએ. પૂરી ખાતરી રાખીએ કે તેમના સર્વ કાર્યો ન્યાયી છે. તે આપણા ભલા માટે જ કાર્ય કરે છે. (યશા. ૫૫:૮-૧૧; યિર્મે. ૧૦:૨૩) શું તમને પણ એવું લાગે છે?

જાગતા રહો!

૧૬, ૧૭. શા માટે માર્ક ૧૩:૩૫-૩૭ની કલમો પર વિચાર કરવો જોઈએ?

૧૬ “સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.” (માર્ક ૧૩:૩૩) ઈસુએ દુનિયાના અંતના સમય વિષે જણાવતી વખતે એ ચેતવણી આપી હતી. તેમની ભવિષ્યવાણીના છેલ્લા શબ્દો પર વિચાર કરો જે માર્કના પુસ્તકમાં લખેલા છે: “તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો ધણી ક્યારે આવશે, સાંજે, કે મધરાતે, કે મરઘો બોલતી વખતે, કે સવારે; રખેને તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.”​—માર્ક ૧૩:૩૫-૩૭.

૧૭ ઈસુએ જે કહ્યું એ ખરેખર વિચારવા જેવું છે. તેમણે રાતના ચાર અલગ અલગ સમયગાળા વિષે વાત કરી. છેલ્લા સમય ગાળામાં જાગતા રહેવું ખૂબ જ અઘરું છે, કેમ કે એ લગભગ ત્રણ વાગ્યાથી લઈને સૂર્ય ઊગે ત્યાં સુધીનો હોય છે. સૈનિકો હુમલો કરવા આ સમયગાળાને સૌથી સારો ગણતા. એ સમયે તેઓ માટે દુશ્મનોને ‘ઊંઘતા’ ઝડપી લેવાની વધારે તક હતી. આજે પણ લોકો જાણે એક રીતે ઊંઘે છે. તેઓ ઈશ્વરના રાજ્યના સંદેશામાં જરાય રસ બતાવતા નથી. પણ આપણે ઈશ્વરની ભક્તિમાં જાગતા રહેવા સખત મહેનત કરવી જોઈએ. દુનિયાનો અંત અને આપણો બચાવ પાસે હોવાથી ‘સાવધાન’ અને ‘જાગતા’ રહેવું ખૂબ જ જરૂરી છે.

૧૮. આપણી પાસે કેવી તક રહેલી છે?

૧૮ શરૂઆતમાં જણાવેલા વાઘના હુમલાથી રિંગ માસ્ટર બચી ગયો. પણ બાઇબલ પ્રમાણે જૂઠ્ઠા ધર્મો અને દુષ્ટ દુનિયા નહિ બચે. (પ્રકટી. ૧૮:૪-૮) તેથી ચાલો આપણે બધા જ નુહના કુટુંબની જેમ કરીએ. યહોવાહના મહાન દિવસને માટે તૈયાર રહેવા બનતું બધું જ કરીએ. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં ધર્મ ગુરુઓ ઈશ્વર વિષે ખોટું શિક્ષણ આપે છે. તો લાખો લોકો ઈશ્વરમાં ભરોસો મૂકતા નથી. જ્યારે કે ઘણા તો ઈશ્વર છે જ નહિ એવું માને છે. આવું વિચારતા લોકો ઈશ્વરની નિંદા કરે છે. પણ આપણે એવા લોકોની અસરથી દૂર રહીએ. ચાલો આપણે લેખમાં જોઈ ગયેલા દાખલાઓને અનુસરીએ. યહોવાહને માન આપીએ કે તે જ ખરા ‘ઈશ્વર’ છે. તે જ ‘પરાક્રમી પરમેશ્વર’ છે. તેમનો મહિમા કરવાની તક શોધતા રહીએ.​—પુન. ૧૦:૧૭. (w11-E 03/15)

[ફુટનોટ]

^ ઉત્પત્તિ ૬:૩માં જણાવેલા ‘એકસોને વીસ વર્ષ’ વિષે સમજણ મેળવવા ધ વૉચટાવર ડિસેમ્બર ૧૫, ૨૦૧૦ પાન ૩૦ જુઓ.

શું તમને યાદ છે?

• નુહે શા માટે પોતાના કુટુંબની શ્રદ્ધા જાળવી રાખવા ખૂબ મહેનત કરી?

• કઈ રીતે આપણો સમય નુહના સમય જેવો જ છે?

• ઘણી વાર નિરાશાનો સામનો કરવો પડ્યો છતાં, મુસાએ કેમ ઈશ્વરના વચનો પર ધ્યાન આપ્યું?

• બાઇબલની કઈ ભવિષ્યવાણી તમને જાગતા રહેવા મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્ર]

નુહ અને તેમનું કુટુંબ હંમેશાં ઈશ્વરના કામમાં લાગુ રહ્યું

[પાન ૨૬ પર ચિત્ર]

ઈશ્વરના વચનો પર મનન કરવાથી મુસા હંમેશાં તૈયાર રહી શક્યા