સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરીબી દૂર કરવાના પ્રયાસો

ગરીબી દૂર કરવાના પ્રયાસો

ગરીબી દૂર કરવાના પ્રયાસો

ઘણાં ગરીબ લોકો અમીર બન્યાં છે. પણ આખી દુનિયાની ગરીબી દૂર કરવાના મનુષ્યના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. શા માટે? કેમ કે મોટા ભાગના અમીરોને પોતાની પદવી અને મિલકતની જ પડી છે. પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાને ઈશ્વરપ્રેરણાથી લખ્યું: ‘જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓ પાસે બળ હતું.’—સભાશિક્ષક ૪:૧.

જે લોકો પાસે પદવી અને તાકાત છે, શું તેઓ ગરીબી દૂર કરી શકે છે? સુલેમાને કહ્યું, “સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. વાંકું હોય તે સીધું કરી શકાતું નથી.” (સભાશિક્ષક ૧:૧૪, ૧૫) ચાલો અમુક દાખલાઓ જોઈએ, જેમાં માણસોના ગરીબી દૂર કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

સમૃદ્ધિની ખાલી વાતો

૧૯મી સદીમાં અમુક દેશોએ અનેક જાતના ઉદ્યોગ સ્થાપ્યા હતા. એક દેશ બીજા દેશ સાથે ઘણો વેપાર-ધંધો કરતાં હતાં. એમાંથી અમુક દેશો ખૂબ અમીર બની ગયા. એ સમયે કેટલાક વગદાર માણસોએ ગરીબી દૂર કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા. પણ શું પૃથ્વીની સંપત્તિને દુનિયાના બધા લોકો વચ્ચે એકસરખી રીતે વહેંચી શકાય?

અમુક વર્ષો પહેલાં કેટલાક લોકોએ વિચાર્યું કે, સમાજવાદ કે સામ્યવાદથી આખી દુનિયામાંથી ભેદભાવ દૂર કરી શકાશે. તેઓ માનતા હતા કે દેશની સંપત્તિને દરેક નાગરિકો વચ્ચે એકસરખી રીતે વહેંચવી જોઈએ. પણ અમીર લોકો આ વિચાર સાથે જરાય સહમત ન હતા. પણ ‘બધા પોતાની ક્ષમતા પ્રમાણે આપે અને જરૂરિયાત પ્રમાણે મેળવે,’ એ સૂત્રને લાખો લોકો સ્વીકારવા લાગ્યા. ઘણાંએ આશા રાખી કે બધા દેશો સામ્યવાદ સ્વીકારે તો ધરતી પર સુખ-શાંતિ આવશે. કેટલાક અમીર દેશોએ સામ્યવાદનો અમુક હદે સ્વીકાર કર્યો છે. તેઓએ નાગરિકોને ‘ઘોડિયાથી કબર સુધી’ બધી સગવડો પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ દાવો કરે છે કે પોતાના દેશમાંથી ગરીબી હટાવી દીધી છે.

પણ, સામ્યવાદ ક્યારેય સ્વાર્થ વગરનો સમાજ બનાવી શક્યું નથી. નાગરિકો પોતાને માટે નહિ પણ સમાજના લાભ માટે કામ કરે એ તો સ્વપ્ન જ રહ્યું! અમુક અમીર લોકોને ગરીબોને મદદ કરવાનું જરાય ગમતું નથી. તેઓ એમ માને છે ગરીબોને મદદ કરીશું તો તેઓ આળસુ બની જશે. બાઇબલના આ શબ્દો સાચા પડ્યા છે: ‘જે સારૂં જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ પૃથ્વી પર એક પણ નથી. ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરૂં; પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.’—સભાશિક્ષક ૭:૨૦, ૨૯.

ગરીબી દૂર કરવાનો બીજો પ્રયાસ, અમેરિકાનું સપનું તરીકે ઓળખાય છે. એમાં લોકો માનતા કે જેઓ મહેનત કરશે તેઓ અમીર બનશે. ઘણાં દેશોએ આ નીતિ અપનાવી હતી. તેઓએ લોકશાહી સરકારની સ્થાપના કરી અને લોકો છૂટથી વેપાર-ધંધો કરી શકે એવી વ્યવસ્થા કરી. આ નીતિ અપનાવીને અમેરિકા ખૂબ અમીર રાષ્ટ્ર બની ગયું. પણ બીજા દેશો માટે એ શક્ય બન્યું નહિ. અમેરિકાની સમૃદ્ધિ માટે રાજનીતિ સિવાય પણ બીજા બે કારણો હતાં. એક તો એ દેશ વિશાળ કુદરતી સંપત્તિ ધરાવતો હતો. બીજું કે તેઓ સહેલાઈથી બીજા દેશો સાથે વેપાર-ધંધો કરી શકતા હતા. દુનિયાની હરીફાઈવાળી વેપાર વ્યવસ્થાને લીધે અમુક દેશો અમીર બની ગયા જ્યારે કે બીજા દેશો ગરીબ રહી ગયા. શું અમીર દેશોને ઉત્તેજન આપી શકાય, જેથી તેઓ બીજા દેશોને ગરીબી દૂર કરવા મદદ કરી શકે?

શું માર્શલ પ્લાનથી ગરીબી નાબૂદ થઈ?

બીજા વિશ્વયુદ્ધ પછી, યુરોપ સાવ લાચાર થઈ ગયું. લોકો ભૂખે મરશે એવો ડર પેદા થવા લાગ્યો. વળી, યુરોપમાં વધતા સમાજવાદની અમેરિકાને ચિંતા હતી. એટલે જે દેશોએ અમેરિકાની નીતિ સ્વીકારી તેઓને અમેરિકાએ પૈસે-ટકે ઘણી મદદ કરી. ચાર વર્ષ સુધી મદદ કરી જેથી એ દેશોના ખેતી અને ઉદ્યોગ પાછા બેઠા થઈ શક્યા. આ યોજનાને માર્શલ પ્લાન તરીકે ઓળખવામાં આવ્યો. ઘણાંને લાગ્યું કે આ યોજના સફળ પુરવાર થઈ છે. આમ, પશ્ચિમ યુરોપના અનેક દેશો સુધી અમેરિકાની પહોંચ વધી અને ગરીબી ભાગ્યે જ દેખાવા લાગી. શું એનાથી આખી દુનિયાની ગરીબી ખતમ થઈ?

માર્શલ પ્લાનની સફળતાને લીધે અમેરિકાએ યુરોપ સિવાયના ગરીબ દેશોને મદદ કરવાનું શરૂ કર્યું. તેઓને ખેતી, આરોગ્ય, શિક્ષણ અને વાહન-વ્યવહાર ક્ષેત્રે મદદ કરી. એ મદદ પૂરી પાડવા પાછળ અમેરિકાએ પોતાનો સ્વાર્થ હોવાનું કબૂલ્યું. અમેરિકાની જેમ બીજા સમૃદ્ધ દેશોએ પણ અમુક દેશોને સહાય કરીને પોતાની વગ વધારવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન થયાને આજે ૬૦ વર્ષ વીતી ગયા છે. તેઓએ માર્શલ પ્લાન કરતાં વધારે નાણા ખર્ચ્યા, પણ ધાર્યું પરિણામ આવ્યું નહિ. જોકે અમુક ગરીબ દેશો અમીર બન્યા છે. જેમ કે, પૂર્વ એશિયાના કેટલાંક દેશો. જોકે આવી સહાયને લીધે ભલે અમુક દેશોમાં બાળકોનો મરણ દર ઘટ્યો છે અને ભણતરનું પ્રમાણ વધ્યું છે, છતાં એવા દેશો હજી ગરીબી રેખાની નીચે જીવે છે.

વિદેશી સહાયથી કેમ ગરીબી દૂર થતી નથી?

સહાય આપવાથી એ સાબિત થયું છે કે અમીર દેશ યુદ્ધ પછી પાછો બેઠો થઈ શકે છે, જ્યારે કે ગરીબ દેશ માટે એ અઘરું છે. દાખલા તરીકે, યુરોપમાં વેપાર-ધંધો અને વાહનવ્યવહાર તો હતા, એટલે યુદ્ધ પછી તેઓને ફક્ત આર્થિક સહાયની જરૂર પડી. જ્યારે કે ગરીબ દેશોને ભલે રસ્તા, સ્કૂલ અને દવાખાના બનાવવા સહાય મળી, તેઓ હજી ગરીબીમાં જ સબડતા હતાં. એનું એક કારણ એ હતું કે એ દેશો પાસે કુદરતી ભંડાર ન હતો. તેઓ પાસે બહુ કોઈ ઉદ્યોગ-ધંધા ન હતાં અને એવા માર્ગો ન હતાં જેનાથી બીજા દેશો સાથે સહેલાઈથી વેપાર કરી શકે.

ગરીબી એટલી જટિલ સમસ્યા છે કે એને સહેલાઈથી દૂર કરી શકાતી નથી. દાખલા તરીકે, બીમારીને કારણે લોકો ગરીબ બને છે, અને ગરીબીને કારણે બીમાર પડે છે. જો બાળકોને પૂરતું પોષણ ન મળે તો તેઓનો સારો વિકાસ થતો નથી. પરિણામે તેઓ મોટા થઈને પોતાના કુટુંબની સારી સંભાળ રાખી શકતા નથી. જ્યારે કે બીજી તરફ અમીર દેશો પોતાનું વધારાનું અનાજ ‘સહાયʼના નામે ગરીબ દેશોને આપે છે, ત્યારે એ દેશોના ખેડૂતો અને વેપારીઓ બેકાર બની જાય છે. પરિણામે, એ દેશોમાં ગરીબી વધે છે. જો અમીર દેશો પૈસાથી સહાય કરે તો એમાંથી બીજી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. જેમ કે, ગરીબ દેશને મળેલી સહાયમાંથી ચોરી કરી લેવામાં આવે, જેના લીધે ભ્રષ્ટાચાર વધે છે. ભ્રષ્ટાચાર વધવાથી ગરીબી વધે છે. ટૂંકમાં, વિદેશી સહાયથી ગરીબીના મૂળ ઉખેડી શકાતા નથી.

ગરીબીનું મૂળ કારણ

ગરીબી વધવાનું કારણ એ છે કે સરકારો અને માણસો પોતાના ખિસ્સા ભરવામાં જ પડ્યા છે. જેમ કે, અમીર દેશોની સરકારો પોતાના મતદારોને રાજી રાખવા પ્રયત્ન કરે છે, એટલે ગરીબ દેશોને મદદ કરવા બહુ ધ્યાન નથી આપતા. ગરીબ દેશોના સસ્તા પાકને પોતાના દેશમાં વેચવાની રજા નથી આપતા. આમ, પોતાના ખેડૂતોને બેકાર બની જતા રોકે છે. ઉપરાંત, પોતાના દેશના ખેડૂતોને સબસીડી આપે છે, જેથી તેઓ ગરીબ દેશો કરતાં સસ્તામાં પાક વેચી શકે.

સરકાર અને માણસો ફક્ત પોતાનો જ વિચાર કરે છે, જે ગરીબીનું મૂળ કારણ છે. બાઇબલમાં રાજા સુલેમાને સાચું જ કહ્યું હતું: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.

શું ગરીબી દૂર થાય એવી આશા રાખી શકાય? શું કોઈ પણ સરકાર માણસોનો સ્વભાવ બદલી શકે? (w11-E 06/01)

[પાન ૬ પર બૉક્સ]

ગરીબીને કાબૂમાં રાખવાના ઈશ્વરના નિયમો

યહોવાહ પરમેશ્વરે પ્રાચીન ઈસ્રાએલને નિયમો આપ્યા હતા, જે પાળવાથી તેઓ ગરીબીથી દૂર રહી શકતા. નિયમ પ્રમાણે યાજકોના લેવી કુળ સિવાય, બધા કુટુંબોને વારસામાં જમીન મળતી. કોઈ કારણસર તેઓએ જમીન વેચવી પડતી, તોપણ મૂળ માલિક હોવાથી જમીન સાવ ગુમાવી દેતા નહિ. ઈસ્રાએલમાં દર પચાસમે વર્ષે, એ જમીન મૂળ માલિકને પાછી મળતી. (લેવીય ૨૫:૧૦, ૨૩) બીમારી, આફતો કે કામમાં આળસ બતાવવાને લીધે વ્યક્તિએ પોતાની જમીન વેચી દીધી હોય તો, પચાસમા (જુબિલી) વર્ષે કિંમત ચૂકવ્યા વિના તેને એ પાછી મળતી. આમ, કોઈ પણ કુટુંબને હંમેશાં ગરીબી સહેવી પડતી નહિ.

બીજી પણ એક ગોઠવણ હતી. આ ગોઠવણ એવી વ્યક્તિ માટે હતી જે તંગીને લીધે પોતાને ગુલામ તરીકે વેચી દઈ શકતી. આવી વ્યક્તિને પોતાની વેચાણ કિંમત તરત જ મળતી, જેથી તે પોતાનું દેવું ચૂકવી શકે. જો તે સાત વર્ષની અંદર એ કિંમત ચૂકવી ન શકે, તો સાતમા વર્ષે તેને મુક્ત કરવામાં આવતો. માલિક તેને બિયારણ અને ઢોર-ઢાંક આપતા જેથી તે ફરીથી ખેતી કરી શકે. નિયમમાં એવી પણ ગોઠવણ હતી કે જો ગરીબ ઈસ્રાએલી અમીર ઈસ્રાએલી પાસેથી પૈસા ઉધાર લે તો વ્યાજ ન લેવું. ઉપરાંત, એમાં જણાવ્યું હતું કે કાપણી વખતે ખેતરની કોરને રહેવા દેવાની હતી. જેથી ગરીબો, ભીખ માગવાને બદલે એમાંથી ખોરાક મેળવી શકે.—પુનર્નિયમ ૧૫:૧-૧૪; લેવીય ૨૩:૨૨.

પણ ઇતિહાસ બતાવે છે કે અમુક ઈસ્રાએલીઓ ગરીબીમાં ફસાઈ ગયા. કેવી રીતે આમ બન્યું? ઈસ્રાએલીઓએ એ નિયમો પાળ્યા નહિ, એટલે અમુક લોકો જમીનદાર બન્યા જ્યારે કે અમુક જમીન વગરના થઈ ગયા. અમુક અમીર ઈસ્રાએલીઓએ સ્વાર્થના લીધે ઈશ્વરના નિયમોને નેવે મૂકી દીધા. આ બધાં કારણોને લીધે અમુક ઈસ્રાએલીઓ ગરીબીમાં આવી પડ્યા.—માત્થી ૨૨:૩૭-૪૦.