સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાનો મહિમા બતાવો છો?

શું તમે યહોવાનો મહિમા બતાવો છો?

શું તમે યહોવાનો મહિમા બતાવો છો?

‘આપણે સર્વ પ્રભુના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ.’—૨ કોરીં. ૩:૧૮, કોમન લેંગ્વેજ.

તમે જવાબમાં શું કહેશો?

પાપી હોવા છતાં કેવી રીતે યહોવાને મહિમા આપી શકીએ?

પ્રાર્થના અને સભાઓ કઈ રીતે ઈશ્વરનો મહિમા બતાવવા મદદ કરે છે?

યહોવાને મહિમા આપતા રહેવા આપણને શું મદદ કરી શકે?

૧, ૨. ઈશ્વરના ગુણો બતાવવું આપણા માટે કેમ શક્ય છે?

 આપણે દરેક જણ કોઈને કોઈ રીતે પોતાના માબાપ સાથે મળતા આવીએ છીએ. કદાચ તમે પણ કોઈને આમ કહ્યું હશે: ‘તું અસલ તારા પપ્પા જેવો દેખાય છે.’ અથવા કોઈ છોકરીને જોઈને તમે કહ્યું હશે કે ‘તને જોઈને તો મને તારી મમ્મી યાદ આવી જાય છે.’ ખરી વાત છે કે બાળકો માતા-પિતા જેવું જ કરતા હોય છે. આપણા વિષે શું? શું આપણે યહોવા પિતાનું અનુકરણ કરી શકીએ? ખરું કે આપણે યહોવાને જોયા નથી, પરંતુ સૃષ્ટિ જોઈને તેમને ઓળખી શકીએ છીએ. તેમ જ, બાઇબલનો અભ્યાસ અને મનન કરવાથી આપણે તેમના ગુણો પારખી શકીએ. ખાસ કરીને, ઈસુના વાણી-વર્તનમાં જાણે યહોવાને જોઈ શકીએ છીએ. (યોહા. ૧:૧૮; રોમ. ૧:૨૦) એટલે કહી શકાય કે યહોવાનો ગૌરવ કે મહિમા બતાવવો આપણા માટે શક્ય છે.

આદમ અને હવાને બનાવ્યા એ પહેલાંથી ઈશ્વરને વિશ્વાસ હતો કે માણસો તેમની ઇચ્છા પ્રમાણે જીવશે. તેમ જ, તેમના જેવા ગુણો બતાવશે અને તેમને મહિમા આપશે. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭ વાંચો.) જો આપણે ભક્તિભાવ બતાવવા ચાહતા હોઈએ, તો આપણા સરજનહાર યહોવાના ગુણો બતાવવા જ જોઈએ. ભલે આપણે ગમે તે જાતિ કે સમાજના હોઈએ અથવા ઓછું કે વધારે ભણેલા હોઈએ, ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાનો આપણી પાસે અજોડ લહાવો છે. એનું કારણ કે “ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે. તેમની બીક રાખનાર અને સુકૃત્ય કરનાર તેમને સ્વીકાર્ય છે.”—પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

૩. યહોવાની ભક્તિ કરવાથી આપણને કેવો અનુભવ થાય છે?

સ્વર્ગમાં જવા માટે પસંદ થયેલા ખ્રિસ્તીઓ યહોવાનો મહિમા બતાવે છે. એટલે જ પ્રેરિત પાઊલે લખ્યું કે ‘આપણે સર્વ ખુલ્લા ચહેરે, ઈશ્વરના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ. એ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે.’ (૨ કોરીં. ૩:૧૮, કોમન લેંગ્વેજ) જ્યારે મુસા સિનાઈ પર્વત પરથી દસ આજ્ઞાઓની પાટીઓ લઈને નીચે આવ્યા, ત્યારે તેમનો ચહેરો પ્રકાશતો હતો. એનું કારણ કે યહોવાએ તેમની સાથે વાત કરી હતી. (નિર્ગ. ૩૪:૨૯, ૩૦) જોકે, આપણામાંથી કોઈને એવો અનુભવ થયો નથી, જેનાથી આપણો ચહેરો પ્રકાશથી ઝળહળી ઊઠે. પરંતુ, જ્યારે આપણે બીજાઓને યહોવા વિષે, તેમના ગુણો વિષે અને માણસો માટેના તેમના સુંદર હેતુ વિષે જણાવીએ છીએ, ત્યારે આપણો ચહેરો આનંદથી ઝળહળી ઊઠે છે. એક અરીસાની જેમ અભિષિક્ત જનો અને ધરતી પર જીવવાની આશા રાખનારા ભક્તો યહોવાનો મહિમા પોતાના જીવનથી અને પ્રચાર કરીને બતાવે છે. (૨ કોરીં. ૪:૧) શું તમે યહોવાનો મહિમા પોતાના વર્તનથી અને નિયમિત રીતે પ્રચારમાં ભાગ લઈને બતાવો છો?

આપણે યહોવાનો મહિમા પ્રગટ કરવા ચાહીએ છીએ

૪, ૫. (ક) પાઊલની જેમ આપણને કઈ મુશ્કેલી નડે છે? (ખ) પાપની આપણા પર કેવી અસર થઈ છે?

યહોવાના ભક્તો તરીકે આપણે પોતાના દરેક કામથી તેમને માન અને મહિમા આપવા ચાહીએ છીએ. જોકે, ઘણી વાર આપણે જે કરવા ચાહીએ છીએ, એમ કરતા નથી. પાઊલને પણ એવી જ મુશ્કેલી નડી હતી. (રોમનો ૭:૨૧-૨૫ વાંચો.) શા માટે આપણને એ મુશ્કેલી નડે છે એનું કારણ આપતા પાઊલ કહે છે કે “સઘળાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.” (રોમ. ૩:૨૩) પ્રથમ પુરુષ આદમે પાપ કર્યું એટલે, બધા મનુષ્યો પાપના ગુલામ થયા. પાપ જાણે એક ક્રૂર રાજાની માફક બધા મનુષ્યો પર રાજ કરે છે.—રોમ. ૫:૧૨; ૬:૧૨.

પાપ એટલે શું? યહોવાના સ્વભાવ, કાર્યો, ધોરણો અને ઇચ્છાઓ વિરુદ્ધ જે કંઈ હોય તે પાપ છે. પાપને કારણે એક વ્યક્તિનો યહોવા સાથેનો સંબંધ બગડી જાય છે. આપણે જાણે-અજાણે પાપ કરી બેસીએ છીએ. (ગણ. ૧૫:૨૭-૩૧) પાપને સમજવા ચાલો એક દાખલો લઈએ. એક વ્યક્તિ નિશાન પર તીર મારવા જાય છે, પણ કંઈક એવું છે જેના કારણે તે નિશાન ચૂકી જાય છે. પાપ પણ એવું કંઈક છે, જેના લીધે આપણે યહોવાનો મહિમા બતાવતા ચૂકી જઈએ છીએ. મનુષ્યોમાં પાપે ઊંડા મૂળ નાખ્યા છે. એટલે યહોવા અને મનુષ્યો વચ્ચે જાણે ખાઈ પડી ગઈ છે. (ગીત. ૫૧:૫; યશા. ૫૯:૨; કોલો. ૧:૨૧) તેથી, મોટા ભાગના લોકો યહોવાથી બહુ દૂર છે. એના લીધે તેઓ યહોવાનો મહિમા પ્રગટ કરવાની અમૂલ્ય તક ચૂકી જાય છે. એમાં કોઈ જ શંકા નથી કે પાપ એવો એક રોગ છે, જેનાથી મનુષ્યો પીડાઈ રહ્યા છે.

૬. પાપી હોવા છતાં આપણે કેવી રીતે યહોવાનો મહિમા બતાવી શકીએ?

ભલે આપણમાં પાપ છે, પણ યહોવાએ સાબિત કરી આપ્યું છે કે તે “આશા” આપનારા ઈશ્વર છે. (રોમ. ૧૫:૧૩) તેમણે આપણને એવો માર્ગ બતાવ્યો છે જેનાથી પાપનો જડમૂળથી નાશ થઈ શકે છે. એ માર્ગ ઈસુ ખ્રિસ્ત છે. તેમણે પોતાનું જીવન આપ્યું જેથી આપણે પાપની ગુલામીમાંથી મુક્ત થઈ શકીએ. ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકવાથી આપણે ‘પાપની ગુલામીʼમાંથી આઝાદ થઈએ છીએ. એના લીધે આપણે યહોવા સાથે સંબંધ બાંધી શકીએ છીએ અને તેમનો મહિમા બતાવવા લાયક બનીએ છીએ. (રોમ. ૫:૧૯; ૬:૬; યોહા. ૩:૧૬) એ સંબંધને જાળવી રાખીશું, તો હાલમાં યહોવાના આશીર્વાદ મેળવીશું. તેમ જ, ભવિષ્યમાં એવું કાયમી જીવન મળશે જેમાં કોઈ ખામી-ખરાબી નહિ હોય. ખરું કે હાલમાં તો આપણે પાપી છીએ, તોપણ યહોવા માને છે કે આપણે તેમનો મહિમા પ્રગટ કરી શકીએ છીએ. એ કેટલું મોટું સન્માન કહેવાય!

યહોવાનો મહિમા પ્રગટ કરીએ

૭. યહોવાનો મહિમા બતાવવા આપણે શું સ્વીકારવું જોઈએ?

આપણા બધામાં પાપી ઇચ્છાઓ છે. એટલે જો આપણે યહોવાનો મહિમા સારી રીતે બતાવવા ચાહતા હોઈએ, તો પહેલાં પોતાની પાપી ઇચ્છા પારખવી જોઈએ. (૨ કાળ. ૬:૩૬) પછી, એને કાબૂમાં કરવી જોઈએ. એમ કરવાથી આપણે યહોવાનો મહિમા બતાવી શકીશું. દાખલા તરીકે, જો આપણને જાતીયતા બતાવતા ગંદા ચિત્રો અને દૃશ્યો જોવાની ખોટી આદત પડી ગઈ હોય, તો સ્વીકારવું જોઈએ કે આપણે પાપ કરીએ છીએ. તેમ જ, આપણને વડીલો પાસેથી યહોવાની મદદની જરૂર છે. પછી, એ મદદ મેળવવા પગલાં ભરવા જોઈએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) આ પહેલું પગલું ભર્યાં પછી જ તમે એવું જીવન જીવી શકશો, જેનાથી યહોવાને મહિમા મળે. યહોવાના ભક્તો તરીકે આપણે પોતાને પૂછવું જોઈએ કે ‘શું હું તેમના ઊંચા ધોરણો પ્રમાણે જીવું છું?’ (નીતિ. ૨૮:૧૮; ૧ કોરીં. ૧૦:૧૨) ભલે આપણામાં ગમે તેવી પાપી ઇચ્છા હોય, આપણે એની સામે લડતા રહેવું જોઈએ, જેથી યહોવાનો મહિમા બતાવી શકીએ.

૮. આપણે પાપી છીએ તોપણ શું કરવું જોઈએ?

ધરતી પર ઈસુ જ એવા એક મનુષ્ય જીવી ગયા, જેમનામાં તન-મનથી કોઈ ખામી-ખરાબી નહોતી. એટલે જ તે પૂરી રીતે ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવ્યા અને તેમનો મહિમા બતાવ્યો. જોકે, આપણે ઈસુ જેવા સંપૂર્ણ નથી. તેમ છતાં, આપણે તેમને અનુસરવા સખત પ્રયાસો કરવા જોઈએ. (૧ પીત. ૨:૨૧) યહોવા ફક્ત એટલું જ જોતાં નથી કે આપણે તેમનો મહિમા બતાવવા કેટલી પ્રગતિ કરી છે, પણ તે એ પણ જુએ છે કે એ માટે કેટલા પ્રયાસો કરીએ છીએ. આપણા પ્રયાસો જોઈને તે આશીર્વાદ પણ આપે છે.

૯. ઈશ્વરનો મહિમા બહેતર રીતે બતાવવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે?

બાઇબલ દ્વારા આપણે પોતાના જીવનમાં સુધારા કરી શકીએ છીએ. એટલે, બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો અને એમાં લખેલી બાબતો પર વિચાર કરવો બહુ જરૂરી છે. (ગીત. ૧:૧-૩) દરરોજ બાઇબલ વાંચવાથી આપણા જીવનમાં ફેરફારો કરવા મદદ મળશે. (યાકૂબ ૧:૨૨-૨૫ વાંચો.) બાઇબલનું જ્ઞાન આપણા વિશ્વાસનો પાયો છે. એ જ્ઞાન આપણને પાપથી દૂર રહેવા અને યહોવાને ખુશી આપતું જીવન જીવવા માટે મક્કમ બનાવશે.—ગીત. ૧૧૯:૧૧, ૪૭, ૪૮.

૧૦. યહોવાની ભક્તિ બહેતર રીતે કરવા પ્રાર્થના કેવી રીતે મદદ કરે છે?

૧૦ ઈશ્વરનો મહિમા બતાવવા આપણે ‘પ્રાર્થના કરવામાં પણ લાગુ રહેવું’ જોઈએ. (રોમ. ૧૨:૧૨) આપણે કરેલી ભક્તિ યહોવાને ગમે એ રીતે કરવા આપણે પ્રાર્થના કરી શકીએ છીએ, અને કરવી જ જોઈએ! આપણે પ્રાર્થનામાં યહોવાની શક્તિ માંગવી જોઈએ, જેથી આપણો વિશ્વાસ મજબૂત થાય, સતાવણીઓનો સામનો કરી શકીએ અને લોકોને ‘સત્યનાં વચનો’ સારી રીતે શીખવી શકીએ. (૨ તીમો. ૨:૧૫; માથ. ૬:૧૩; લુક ૧૧:૧૩; ૧૭:૫) જેમ એક બાળક પોતાના પિતા પર નભે છે, તેમ આપણને પણ યહોવાની જરૂર પડે છે. જો આપણે યહોવાની ભક્તિ બહેતર રીતે કરવા શક્તિ માંગીશું, તો ખાતરી રાખી શકીએ કે તે જરૂર આપશે. એવું કદી પણ ન વિચારીએ કે આપણી પ્રાર્થનાઓ તેમને હેરાન કરશે. ચાલો, આપણે પ્રાર્થનાથી તેમના ગુણગાન કરીએ અને તેમનો આભાર માનીએ. ખાસ તો કસોટી વખતે તેમનું માર્ગદર્શન માંગીએ. તેમ જ, આપણી ભક્તિથી તેમના નામને મહિમા મળે એ માટે પણ મદદ માંગીએ.—ગીત. ૮૬:૧૨; યાકૂ. ૧:૫-૭.

૧૧. કઈ રીતે સભાઓ આપણને યહોવાનો મહિમા બતાવવા મદદ કરે છે?

૧૧ ઈશ્વરે પોતાના કીમતી ઘેટાંની સંભાળ રાખવાની જવાબદારી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને સોંપી છે. (માથ. ૨૪:૪૫-૪૭; ગીત. ૧૦૦:૩) સાથી ભક્તો કેવી રીતે યહોવાનો મહિમા બતાવે છે, એમાં તેઓ ઘણો રસ લે છે. દાખલા તરીકે, એક ટેઇલર આપણા કપડાંને સરખી રીતે ફીટ કરી આપે છે, જેથી આપણે સારા દેખાઈએ. એવી જ રીતે, ચાકર વર્ગ પણ સભાઓ દ્વારા આપણા સ્વભાવને સરખો કરે છે, જેથી આપણે યહોવા આગળ સારા દેખાઈએ. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) તેથી, સભા માટે સમયસર આવીએ. જો આપણે નિયમિત રીતે મોડા આવતા હોઈએ, તો યહોવા પાસેથી મળતા સુધારા-વધારાને અમુક હદે ગુમાવી દઈએ છીએ.

ચાલો ઈશ્વરને અનુસરીએ

૧૨. આપણે કેવી રીતે ઈશ્વરનું અનુકરણ કરી શકીએ?

૧૨ જો આપણે યહોવાનો મહિમા બતાવવા ચાહતા હોઈએ, તો “ઈશ્વરનું અનુકરણ કરનારાં” થવું જ પડશે. (એફે. ૫:૧) એમ કરવાની એક રીતે છે કે આપણે યહોવા જેવું વિચારીએ. પણ જો આપણે ઈશ્વરના માર્ગદર્શનને બાજુ પર મૂકીને પોતાની રીતે જીવવા લાગીશું, તો તેમનું અપમાન થશે. વધુમાં, પોતાનું જ નુકસાન કરીશું. એટલે, યહોવા જેને નફરત કરે છે એને નફરત કરીએ અને યહોવા જેને ચાહે છે એને ચાહીએ. (ગીત. ૯૭:૧૦) એમ કરવું મહત્ત્વનું છે, કેમ કે આપણે શેતાનની દુષ્ટ દુનિયાથી ઘેરાયેલા છીએ. (૧ યોહા. ૫:૧૯) આપણામાં કોઈ શંકા ન હોવી જોઈએ કે ઈશ્વરને મહિમા આપવો, એ જ જીવનની સૌથી સારી રીત છે.—૧ કોરીંથી ૧૦:૩૧ વાંચો.

૧૩. કેમ પાપને નફરત કરવી જ જોઈએ? પાપથી દૂર રહેવા શું કરવું જોઈએ?

૧૩ યહોવાની જેમ આપણે પણ પાપને નફરત કરવી જોઈએ. જો આપણે પાપને નફરત કરીશું, તો બૂરી બાબતોથી દૂર રહેવા પૂરી તાકાત લગાવીશું. દાખલા તરીકે, આપણે એવા વ્યક્તિઓથી દૂર રહીશું, જેઓ સત્યમાં ભેળસેળ કરે છે કે એની વિરુદ્ધ બોલે છે. (પુન. ૧૩:૬-૯) તેઓની સંગત કરવાનું પાપ કરીશું તો આપણે યહોવાને મહિમા આપવા લાયક નહિ રહીએ. તેથી, ચાલો જૂઠા શિક્ષણને ફેલાવનારા લોકોથી દૂર રહીએ. અરે, પોતાને યહોવાના ભક્ત કહીને તેમનું અપમાન કરનારાઓથી પણ દૂર રહીએ. પછી ભલે તે વ્યક્તિ કુટુંબમાંથી કેમ ન હોય! (૧ કોરીં. ૫:૧૧) ખોટું શીખવતા લોકો કે યહોવાની સંસ્થા વિરુદ્ધ બોલતા લોકોને ખોટા સાબિત કરવાનો કોઈ ફાયદો નથી. હકીકતમાં, એવા લોકોનું સાહિત્ય કે ઇંટરનેટમાં મૂકેલી માહિતી પર એક નજર પણ કરવી ન જોઈએ. નહિતર યહોવા સાથેનો આપણો સંબંધ જોખમાશે.—યશાયા ૫:૨૦; માત્થી ૭:૬ વાંચો.

૧૪. ઈશ્વરને અનુસરવાની સૌથી ઉત્તમ રીત કઈ છે? શા માટે?

૧૪ ઈશ્વરને અનુસરવાની સૌથી ઉત્તમ રીત છે કે આપણે પ્રેમ બતાવીએ. હા, તેમની જેમ આપણે પણ પ્રેમાળ બનવું જોઈએ. (૧ યોહા. ૪:૧૬-૧૯) ભાઈ-બહેનોને બતાવેલો પ્રેમ પુરાવો આપે છે કે આપણે ઈસુના શિષ્યો અને યહોવાના ભક્તો છીએ. (યોહા. ૧૩:૩૪, ૩૫) જોકે, આપણને વારસામાં મળેલી પાપી હાલત ઘણી વાર આડે આવી જાય છે. પરંતુ, આપણે એને એક બાજુએ ખસેડી દેવી જોઈએ. એમ કરીને આપણે હરવખત સાબિત કરીશું કે આપણે પ્રેમાળ સ્વભાવના છીએ. પ્રેમ અને બીજા સારા ગુણો કેળવવાથી આપણે કઠોર નહિ બનીએ અને પાપ નહિ કરીએ.—૨ પીત. ૧:૫-૭.

૧૫. જો આપણે બીજાઓને પ્રેમ કરીશું, તો તેઓ સાથે કેવી રીતે વર્તીશું?

૧૫ પ્રેમ આપણને બીજાઓનું સારું કરવા પ્રેરે છે. (રોમ. ૧૩:૮-૧૦) દાખલા તરીકે, પ્રેમને લીધે જીવનસાથી બેવફાઈ નહિ કરે. જો વડીલોને પ્રેમ કરીશું અને તેઓના કામને માન આપીશું, તો તેઓને આધીન રહી શકીશું. પોતાના માબાપને પ્રેમ કરનારા અને આધીન રહેનારા બાળકો તેઓ વિષે કંઈ ખોટું નહિ બોલે. જો આપણે બીજાઓને પણ પ્રેમ કરતા હોઈશું, તો તેઓને નીચા નહિ ગણીએ અને આપણા શબ્દોથી તેઓનું અપમાન નહિ કરીએ. (યાકૂ. ૩:૯) મંડળના વડીલોએ પણ ભાઈ-બહેનો સાથે પ્રેમાળ રીતે વર્તવું જોઈએ.—પ્રે.કૃ. ૨૦:૨૮, ૨૯.

૧૬. પ્રેમ કઈ રીતે પ્રચારમાં મદદ કરે છે?

૧૬ આપણો પ્રેમાળ સ્વભાવ પ્રચારમાં પણ દેખાઈ આવવો જોઈએ. જો પ્રચારમાં કોઈ આપણું ન સાંભળે કે રસ ન બતાવે, તો યહોવા પરના ઊંડા પ્રેમને લીધે નિરાશ નહિ થઈએ. આપણે ખુશખબરનો પ્રચાર કરવામાં મંડ્યા રહીશું. પ્રેમને કારણે આપણે પ્રચાર કરવા માટે સારી તૈયારી કરીશું અને કુશળ શિક્ષક બનવા પ્રયાસ કરીશું. જો આપણે સાચે જ યહોવાને અને લોકોને ચાહતા હોઈશું, તો રાજ્યનો પ્રચાર ફરજથી નહિ પણ પ્રેમથી કરીશું. એને એક મોટો લહાવો ગણીશું અને ખુશી ખુશી કામ કરીશું.—માથ. ૧૦:૭.

યહોવાનો મહિમા બતાવતા રહીએ

૧૭. આપણે સમજીએ છીએ કે પાપને લીધે ઈશ્વરનો મહિમા બરાબર રીતે બતાવી શકતા નથી, આ જાણીને શું કરવું જોઈએ?

૧૭ મોટા ભાગના લોકો પાપની ગંભીરતાને સમજતા નથી. પણ, આપણે એની ગંભીરતા જાણીએ છીએ. એટલે, પોતાની પાપી ઇચ્છાઓ સામે લડતા રહેવું જોઈએ. એ માટે પહેલા સ્વીકારીએ કે આપણામાં પાપી ઇચ્છાઓ છે. આ હકીકત જાણવાથી પોતાના અંતઃકરણને સારી રીતે કેળવી શકીશું. પરિણામે, જ્યારે પાપ કરવાની ઇચ્છા જાગે, ત્યારે આપણું અંતર એની સામે પગલા ભરવા મદદ કરશે. (રોમ. ૭:૨૨, ૨૩) ખરું કે આપણામાં નબળાઈઓ તો છે જ, પણ ઈશ્વર આપણને કોઈ પણ સંજોગોમાં, જે સાચું છે એ કરવા માટે તાકાત આપશે.—૨ કોરીં. ૧૨:૧૦.

૧૮, ૧૯. (ક) શાના વડે આપણે દુષ્ટ દૂતો સામે લડી શકીએ છીએ? (ખ) આપણો નિર્ણય શું હોવો જોઈએ?

૧૮ જો આપણે યહોવાને મહિમા આપવા ચાહતા હોઈશું, તો આપણે ખરાબ દૂતો સામે પણ લડવું પડશે. ઈશ્વરે આપેલા હથિયારો વડે આપણે એમ કરી શકીએ છીએ. (એફે. ૬:૧૧-૧૩) જે મહિમા ફક્ત યહોવાને જ મળવો જોઈએ એ શેતાન છીનવી લેવા સતત પ્રયત્નો કરે છે. વળી, તે યહોવા સાથેનો આપણો સંબંધ તોડી નાખવા પણ સતત પ્રયત્નો કરે છે. પણ, જ્યારે આપણા જેવા લાખો સ્ત્રી-પુરુષો અને બાળકો યહોવાને મહિમા આપે છે, ત્યારે શેતાનની મોટી હાર થાય છે! તેથી, ચાલો સ્વર્ગના દૂતોની જેમ આપણે પણ યહોવાનો મહિમા સદા ગાતા રહીએ: ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યાં, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં અને ઉત્પન્‍ન થયાં.’—પ્રકટી. ૪:૧૧.

૧૯ ચાલો પાક્કો નિર્ણય કરીએ કે ભલે ગમે તે થાય, આપણે યહોવાને મહિમા આપતા રહીશું! જ્યારે યહોવા જુએ છે કે ઘણા વિશ્વાસુ ભક્તો તેમને અનુસરે છે અને તેમનો મહિમા બતાવે છે, ત્યારે તે જરૂર ખુશ થાય છે. (નીતિ. ૨૭:૧૧) આપણને પણ દાઊદ જેવી જ લાગણી થતી હશે, જેમણે ગાયું હતું: ‘હે પ્રભુ મારા ઈશ્વર, હું મારા ખરા હૃદયથી તમારી ઉપકારસ્તુતિ કરીશ. હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ.’ (ગીત. ૮૬:૧૨) આપણે એ દિવસની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે યહોવાને પૂરેપૂરી રીતે મહિમા આપી શકીએ અને સદા તેમની સ્તુતિ કરી શકીએ! વિશ્વાસુ ભક્તો ચોક્કસ એ આનંદનો અનુભવ કરશે. શું તમે યહોવાને કાયમ મહિમા આપતા રહેવાનું મનમાં રાખીને, અત્યારે તેમનો મહિમા બતાવો છો? (w12-E 05/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્રો]

શું તમે આ રીતે યહોવાનો મહિમા બતાવી રહ્યા છો?