બાઇબલમાંથી શીખો
ન્યાયના દિવસે શું થશે?
આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિશે તમારી સાથે વાત કરવાનું ગમશે.
૧. ન્યાયનો દિવસ શું છે?
બાજુના ચિત્ર પ્રમાણે, આજે ઘણા લોકો માને છે કે ન્યાયના દિવસે અબજો લોકોને ઈશ્વરના સિંહાસન આગળ લાવવામાં આવશે. ઈશ્વર તેઓના કર્મો પ્રમાણે ન્યાય કરશે. ન્યાયી લોકોને સ્વર્ગમાં જીવન મળશે અને દુષ્ટ લોકો નર્કમાં જશે. પરંતુ બાઇબલ એવું શીખવતું નથી. એ શીખવે છે કે ન્યાયના દિવસે લોકોને અન્યાયના પંજામાંથી આઝાદ કરવામાં આવશે. (ગીતશાસ્ત્ર ૯૬:૧૩) મનુષ્ય માટે ફરીથી ઇન્સાફ લાવવા ઈશ્વરે ઈસુને ન્યાયાધીશ બનાવ્યા છે.—યશાયા ૧૧:૧-૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧ વાંચો.
૨. કેવી રીતે ન્યાયનો દિવસ ફરીથી ઇન્સાફ સ્થાપશે?
પ્રથમ પુરુષ આદમે જાણીજોઈને ઈશ્વર સામે બળવો કર્યો. આમ તેણે સર્વ મનુષ્યોને પાપ, દુ:ખ અને મોતના ગુલામ બનાવી દીધા. (રોમનો ૫:૧૨) એ અન્યાય દૂર કરવા માટે ઈસુ ગુજરી ગયેલા અબજો લોકોને જીવતા કરશે. બાઇબલનું પ્રકટીકરણનું પુસ્તક બતાવે છે કે ઈસુ પોતાના હજાર વર્ષના રાજ્ય દરમિયાન એમ કરશે.—પ્રકટીકરણ ૨૦:૪, ૧૧, ૧૨ વાંચો.
મરણમાંથી જીવતા કરવામાં આવેલા લોકોનો ન્યાય પહેલાંનાં પાપોને આધારે નહિ થાય. પણ પ્રકટીકરણના ૨૦માં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે, યહોવા ઈશ્વરના બીજા નિયમો જણાવતાં “પુસ્તકો” ઊઘાડવામાં આવશે. એનાં આધારે લોકો જેવા કામો કરશે એ પ્રમાણે તેઓનો ન્યાય થશે. (રોમનો ૬:૭) ઈશ્વરભક્ત પાઊલે કહ્યું તેમ, ‘ન્યાયીઓ તથા અન્યાયીઓને’ જીવતા કરવામાં આવશે. ઈશ્વરને ઓળખવાનો તેઓને સુંદર મોકો મળશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ વાંચો.
૩. ન્યાયનો દિવસ શું સિદ્ધ કરશે?
જેઓ યહોવા ઈશ્વરને ઓળખ્યા વગર મરણ પામ્યા હતા, તેઓને ઈશ્વરને ઓળખવાની, જીવનમાં સુધારો કરવાની અને ભલું કરવાની તક મળશે. તેઓ જો એમ કરશે તો “જીવનનું ઉત્થાન” પામશે, એટલે કે હંમેશ માટેનું જીવન પામશે. સજીવન કરાયેલા બધા જ લોકો યહોવા ઈશ્વરને ઓળખવા તૈયાર નહિ થાય. એટલે તેઓ માટે એ જીવન “દંડનું ઉત્થાન” ગણાશે.—યોહાન ૫:૨૮, ૨૯; યશાયા ૨૬:૧૦; ૬૫:૨૦ વાંચો.
હજાર વર્ષ લાંબા ન્યાયના દિવસના અંત સુધીમાં, યહોવા ઈશ્વર આજ્ઞા પાળનારા સર્વ મનુષ્યોને, પ્રથમ પુરુષ આદમની જેમ સંપૂર્ણ બનાવશે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૮) આજ્ઞા પાળનારા સર્વ મનુષ્ય માટે એ કેટલો સુંદર લહાવો! હજાર વર્ષ માટે બંદીખાનામાં પૂરવામાં આવેલા શેતાનને, આખરી કસોટી વખતે યહોવા ઈશ્વર છોડશે. શેતાન ફરીથી લોકોને યહોવાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે. પણ જેઓ શેતાનની ચાલમાં ફસાશે નહિ, તેઓને ધરતી પર કાયમ માટેનું જીવન મળશે.—યશાયા ૨૫:૮; પ્રકટીકરણ ૨૦:૭-૯ વાંચો.
૪. ન્યાયના બીજા એક દિવસથી મનુષ્યને કેવી રીતે ફાયદો થશે?
આજની દુષ્ટ દુનિયાનો અંત લાવનારા બનાવોને પણ બાઇબલ ‘ન્યાયકાળનો દિવસ’ કહે છે. જેમ નુહના દિવસમાં જળપ્રલય દ્વારા દુષ્ટ લોકોનો નાશ થયો હતો, તેમ આ ન્યાયના દિવસે પણ એવા લોકોનો ઝડપથી નાશ થશે. ખુશીની વાત છે કે આવી રહેલા વિનાશથી ‘અધર્મી માણસોનો’ નાશ થશે અને પછી પૃથ્વી પર ફક્ત ‘ન્યાયી’ લોકો જ રહેશે.—૨ પીતર ૩:૬, ૭, ૧૩ વાંચો. (w12-E 09/01)