સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેમની શ્રદ્ધાને અનુસરો | હાબેલ

‘મરણ પામ્યા હોવા છતાં પણ તે હજી બોલે છે’

‘મરણ પામ્યા હોવા છતાં પણ તે હજી બોલે છે’

કલ્પના કરો કે ભર બપોરનો સમય છે. હળવો પવન વાઈ રહ્યો છે. હાબેલ ટેકરીઓ પર પોતાનાં ઘેટાં ચરતાં જુએ છે. તેમની નજર થોડી દૂર પડે છે, ત્યાં તેમને કંઈ ચળકતું દેખાય છે. તે તરત જ સમજી જાય છે કે એ સળગતી તરવાર છે. એ હંમેશાં ફર્યા કરે છે જેથી કોઈ પણ એદનબાગમાં જઈ ના શકે. તેમના માતાપિતા પહેલાં એ બાગમાં રહેતાં હતાં. પરંતુ, તેઓ કે તેઓનાં બાળકો હવે એમાં પાછા જઈ શકતાં નથી. પછી હાબેલ ઉપર નજર કરે છે અને ઉત્પન્‍નકર્તાનો વિચાર કરે છે. તે વિચારે છે કે મનુષ્યો અને ઈશ્વર વચ્ચે પડેલી તીરાડ શું કદી પૂરાશે? હાબેલ તો એટલું જ ચાહતા હતા કે એ પૂરાઈ જાય.

હાબેલ આજે આપણી સાથે વાત કરે છે. પણ તમને થશે કે એવું કઈ રીતે શક્ય છે? તે તો આદમના બીજા નંબરના દીકરા હતા અને ઘણાં વર્ષો પહેલાં મરણ પામ્યા હતા. તેમના અવશેષોને ધૂળમાં મળ્યે પણ આશરે ૬૦૦૦ વર્ષ થઈ ગયાં. વધુમાં, બાઇબલ શીખવે છે કે ગુજરી ગયેલાનું “સ્મરણ લોપ થયું છે.” (સભાશિક્ષક ૯:૫, ૧૦) તેમ જ, હાબેલે કહેલો એક પણ શબ્દ બાઇબલમાં નોંધાયો નથી. તો પછી, તે કઈ રીતે આપણી સાથે વાત કરે છે?

પ્રેરિત પાઊલે ઈશ્વરથી પ્રેરાઈને હાબેલ વિશે લખ્યું: ‘મરણ પામ્યા હોવા છતાં પણ તે હજી બોલે છે.’ (હિબ્રૂ ૧૧:૪) હાબેલ શાના દ્વારા બોલે છે? પોતાની શ્રદ્ધા દ્વારા. એ સુંદર ગુણ કેળવનાર તે પહેલા વ્યક્તિ હતા. તેમણે જોરદાર શ્રદ્ધા બતાવીને આપણી માટે જીવંત દાખલો બેસાડ્યો છે. તેમનો દાખલો આપણે અલગ અલગ સંજોગોમાં લાગુ પાડી શકીએ છીએ. જો આપણે તેમની શ્રદ્ધામાંથી શીખીએ અને તેમને અનુસરીએ, તો હાબેલનો અહેવાલ જાણે આપણી સાથે વાત કરે છે.

જોકે, બાઇબલમાં હાબેલ વિશે બહુ થોડું જણાવ્યું છે. તો પછી, આપણે હાબેલ અને તેમની શ્રદ્ધામાંથી શું શીખી શકીએ? ચાલો જોઈએ.

તેમનો ઉછેર થયો ત્યારે ખૂબ ઓછા લોકો હતા

મનુષ્યને બનાવ્યા એના થોડા જ સમય પછી હાબેલનો જન્મ થયો હતો. ઈસુએ જણાવ્યું કે ‘જગતના આરંભʼના સમયમાં હાબેલ જીવતા હતા. (લુક ૧૧:૫૦, ૫૧) અહીં જગત દ્વારા ઈસુ એવા લોકોને દર્શાવે છે જેઓને પાપમાંથી છૂટવાની આશા હતી. ખરું કે, હાબેલ મનુષ્યની શરૂઆતની ચોથી વ્યક્તિ હતા. પણ બની શકે કે ઈશ્વરે તેમને પાપમાંથી છોડાવવા માટે પહેલી વ્યક્તિ ગણ્યા. a આ બતાવે છે કે હાબેલ માટે સારો દાખલો બેસાડે એવું કોઈ માણસ ન હતું.

ખરું કે, શરૂઆતમાં મનુષ્યો બહુ ઓછા હતા, છતાં તેઓએ ઘણા દુઃખદ સંજોગો અનુભવ્યા હતા. હાબેલના માતા-પિતા આદમ અને હવા દેખાવે સુંદર અને સ્ફૂર્તિલા હતાં. તેઓ સંપૂર્ણ હતા અને તેઓ આગળ હંમેશ માટેનું જીવન હતું. પરંતુ, તેઓએ જીવનમાં બહુ મોટી ભૂલ કરી હતી. યહોવા ઈશ્વરની વિરુદ્ધ ગયા એટલે તેઓને સુંદર એદન બાગ છોડવો પડ્યો. તેઓએ પોતાની ઇચ્છાઓને વધારે મહત્ત્વ આપ્યું. અરે, પોતાના વંશજોની પણ ચિંતા ન કરી. આમ, તેઓમાં પાપ અને મરણ આવ્યાં. તેમ જ, હંમેશ માટેનું જીવન તેઓએ ગુમાવ્યું.—ઉત્પત્તિ ૨:૧૫–૩:૨૪.

એદન બાગની બહારનું જીવન આદમ અને હવા માટે ખૂબ મુશ્કેલ હતું. તેઓએ પ્રથમ જન્મેલાં બાળકનું નામ કાઈન પાડ્યું. એનો મૂળ ભાષામાં અર્થ થાય, ‘કંઈ મળ્યું.’ એટલે જ હવાએ કહ્યું: “યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે.” આ શબ્દો બતાવે છે કે કદાચ તેના મનમાં એદન બાગમાં આપેલું યહોવાનું વચન હતું. એમાં યહોવાએ ભાખ્યું હતું કે એક સ્ત્રી “સંતાન” પેદા કરશે, જે આદમ-હવાને ખોટે માર્ગે દોરનાર દુષ્ટનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧૫; ૪:૧) શું હવાને એવું લાગ્યું કે પોતે એ સ્ત્રી છે અને કાઈન વચન આપેલું “સંતાન” છે?

જો તેને એમ લાગ્યું હોય, તો દુઃખની વાત છે કે તે ખોટી હતી. વધુમાં, આદમ-હવાએ કદાચ કાઈનને નાનપણથી ‘વચનનું સંતાન’ કહી તેનામાં ઘમંડ જગાડ્યો હશે. સમય જતાં, હવાને બીજો દીકરો થયો. પણ તેના વિશે ઊંચી આશા રાખવામાં આવી હોય એવું બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી. તેઓએ તેનું નામ હાબેલ પાડ્યું. એનો મૂળ ભાષામાં અર્થ થાય, ‘બહાર કાઢવું’ કે ‘વ્યર્થ.’ (ઉત્પત્તિ ૪:૨) આવું નામ રાખીને શું તેઓએ એમ બતાવ્યું કે તેના પર કોઈ આશા નથી? શું તેઓએ હાબેલ કરતાં કાઈનમાં વધારે ભરોસો મૂક્યો? એ વિશે આપણે ખાતરીથી કંઈ ના કહી શકીએ.

ગમે તે કારણ હોય આજના માતાપિતા પ્રથમ માબાપ પાસેથી ઘણું શીખી શકે છે. શું તમારા શબ્દો અને કાર્યોથી તમે બાળકોમાં અભિમાન અને સ્વાર્થી વલણ જગાડો છો? કે પછી યહોવાને પ્રેમ કરવાનું અને તેમની સાથે દોસ્તી બાંધવાનું શીખવો છો? દુઃખની વાત છે કે પ્રથમ માતાપિતા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયાં. જોકે, તેઓના બાળકો પાસે આશા હતી.

હાબેલે કઈ રીતે ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી?

આદમે કદાચ બંને બાળકોને ઉછેરતી વખતે કામ-કાજ શીખવ્યું હશે, જેથી તેઓ પોતાના કુટુંબની કાળજી રાખી શકે. કાઈન ખેડૂત અને હાબેલ ઘેટાંપાળક બન્યા.

જોકે, હાબેલે ઘેટાંપાલન કરતાં કંઈ વધારે મહત્ત્વનું કર્યું હતું. વર્ષો પસાર થતાં ગયાં તેમ તેમણે ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી, જે વિશે વર્ષો પછી પાઊલે લખ્યું હતું. જરા વિચાર કરો, હાબેલ પાસે અનુસરવા કોઈ મનુષ્યનો સારો દાખલો ન હતો. તો પછી, તેમણે કઈ રીતે યહોવા ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી. ચાલો ત્રણ બાબતો જોઈએ જેની મદદથી હાબેલ અડગ શ્રદ્ધા કેળવી શક્યા.

યહોવાએ કરેલું સર્જન.

યહોવાએ જમીનને શાપ આપ્યો હતો. એના લીધે કાટા-ઝાંખરા ઉગી નીકળ્યાં હતાં જે ખેતી કરવામાં અડચણ લાવતાં હતાં. તેમ છતાં, ધરતી ઘણું અનાજ પેદા કરતી જેના પર હાબેલનું કુટુંબ ટકી શકે. જ્યારે કે પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓ પર કોઈ શાપ ન હતો. તેમ જ પહાડો, સરોવરો, નદીઓ, સમુદ્રો, આકાશ, વાદળો, સૂરજ, ચંદ્ર કે તારાઓ પર કોઈ શાપ ન હતો. હાબેલ જ્યાં પણ નજર કરતા ત્યાં ઈશ્વરે કરેલું સર્જન જોઈ શકતા. એમાં તેમને ઈશ્વરનો પ્રેમ, ભલાઈ અને જ્ઞાન જોવાં મળતાં હતાં. (રોમનો ૧:૨૦) એવી બાબતો પર મનન કરવાથી તેમની શ્રદ્ધા મજબૂત થઈ.

હાબેલે ચોક્કસ યહોવાનો વિચાર કર્યો હશે. કલ્પના કરો કે તે પોતાના ઘેટાંઓને ચરાવી રહ્યા છે. ઘેટાંપાળક તરીકે તે ઘણું ચાલ્યા હશે. તેમણે એ ઘેટાંઓને પહાડો, ખીણો અને નદીઓ પાર કરાવી હશે, જેથી ઘેટાંઓને લીલું ઘાસ, પાણી અને આરામ માટે સારી જગ્યા મળી રહે. ઈશ્વરે બનાવેલાં બધા પ્રાણીઓમાંથી ઘેટાં સાવ લાચાર લાગતાં હોય છે. એમને જાણે એ રીતે બનાવામાં આવ્યાં છે કે માણસો દોરે અને એમનું રક્ષણ કરે. શું હાબેલ જોઈ શક્યા કે તેમને પણ ઈશ્વરના માર્ગદર્શન, રક્ષણ અને સંભાળની જરૂર છે? એમાં શંકા નથી કે તેમણે પોતાની પ્રાર્થનામાં એવા વિચારો વ્યક્ત કર્યા હશે. પરિણામે તેમની શ્રદ્ધા પણ વધી હશે.

યહોવાએ કરેલું સર્જન જોઈ હાબેલને તેમનામાં શ્રદ્ધા રાખવાનું નક્કર કારણ મળ્યું

યહોવાના વચનો.

એદન બાગમાંથી કેમ નીકળવું પડ્યું એ આદમ-હવાએ પોતાના દીકરાઓને જણાવ્યું હશે. એટલે હાબેલ પાસે મનન કરવા ઘણી બાબતો હતી.

યહોવાએ જમીનને શાપ આપ્યો હતો. જમીન પર ઊગેલાં કાંટા-ઝાંખરા જોઈ હાબેલ શાપની અસર સાફ જોઈ શકતા હતા. યહોવાએ એ પણ જણાવ્યું હતું કે બાળકને જન્મ આપતી વખતે હવાએ ઘણું દુઃખ સહેવું પડશે. હાબેલે પોતાના ભાઈબહેનનો જન્મ થયો ત્યારે, યહોવાના એ શબ્દો પૂરા થતા ચોક્કસ જોયા હશે. યહોવાએ અગાઉથી જણાવ્યું હતું કે હવાને પોતાના પતિના પ્રેમ અને ધ્યાનની ખૂબ જરૂર પડશે. તેમ જ, તેનો પતિ આદમ તેના પર અધિકાર જમાવશે. હાબેલ એ પણ માતા-પિતા વચ્ચે જોઈ શક્યા હશે. હાબેલ જોઈ શક્યા કે દરેક બાબતમાં યહોવાનું વચન ભરોસાપાત્ર છે. આમ, યહોવાએ આપેલા વચનના “સંતાન”માં શ્રદ્ધા રાખવાનું હાબેલ પાસે નક્કર કારણ હતું. એ વચનનું “સંતાન” એદન બાગમાં શરૂ થયેલી બધી ખરાબ બાબતો એક દિવસે સુધારી નાખશે.—ઉત્પત્તિ ૩:૧૫-૧૯.

યહોવાના સેવકો.

મનુષ્યોમાંથી તો હાબેલ માટે કોઈએ સારો દાખલો બેસાડ્યો ન હતો. પરંતુ, પૃથ્વી પર અનુસરવા એ સમયે સ્વર્ગદૂતો હતા. આદમ અને હવાને એદન બાગમાંથી બહાર કાઢ્યાં પછી યહોવાએ ગોઠવણ કરી કે કોઈ પણ મનુષ્ય એ બાગમાં ન જાય. એટલે યહોવાએ કરુબો મૂક્યા જે સ્વર્ગદૂતોમાં ઊંચા પદે હતા. તેમ જ, સળગતી તરવાર રાખી જે સતત ફર્યા કરતી હતી.—ઉત્પત્તિ ૩:૨૪.

હાબેલ નાના હતા ત્યારે તેમણે એ કરુબો જોયા હશે. તેઓએ મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું હોવાથી તેઓની શક્તિનો હાબેલ અંદાજ લગાવી શક્યા હશે. તેમ જ, “તરવાર” જે સતત ફરતી અને સળગતી રહેતી એ જોઈને પણ તે નવાઈ પામ્યા હશે. હાબેલ મોટા થતા ગયા તેમ તેમણે એ કરૂબોને પોતાની જગ્યાએ ઊભેલા જોયા હશે. તેઓ કંટાળીને આઘા-પાછા થયા હોય એવું તેમણે કદી જોયું નહિ હોય. દિવસો, મહિનાઓ, વર્ષો અને દાયકાઓ સુધી એ શક્તિશાળી કરુબો પોતાની નિયત જગ્યાએ ઊભા રહ્યા હતા. હાબેલ જોઈ શક્યા કે એ કરુબો યહોવાને વિશ્વાસુ રહ્યા અને તેમની આજ્ઞા પાળી. જ્યારે કે, હાબેલના કુટુંબીજનો એમ કરવામાં નિષ્ફળ ગયા હતા. ચોક્કસ કરુબોના દાખલાથી હાબેલની શ્રદ્ધા મજબૂત થઈ હશે.

હાબેલ પોતાના જીવન દરમિયાન જોઈ શક્યા કે કરુબો યહોવાને વિશ્વાસુ રહ્યા અને તેમની આજ્ઞા પાળી

યહોવાએ કરેલું સર્જન, તેમના વચનો અને તેમના સેવકોના દાખલા પર મનન કરવાથી હાબેલની શ્રદ્ધા મજબૂત થઈ હતી. આપણે પણ હાબેલના દાખલામાંથી ઘણું શીખી શકીએ છીએ. ખાસ કરીને, યુવાનો ખાતરી રાખી શકે કે તેઓ યહોવામાં ખરી શ્રદ્ધા કેળવી શકે છે. પછી ભલેને પોતાના કુટુંબીજનો એમ ન કરતા હોય. ઈશ્વરે કરેલા સર્જનને નિહાળવાથી, બાઇબલ વાંચવાથી અને ઘણા વિશ્વાસુ મનુષ્યોના દાખલાને અનુસરવાથી આજે આપણે પણ અડગ શ્રદ્ધા કેળવી શકીએ છીએ.

હાબેલનું બલિદાન કેમ સારું હતું?

હાબેલની શ્રદ્ધા યહોવામાં વધતી ગઈ તેમ, તે એને કાર્યોમાં બતાવવા માંગતા હતા. પરંતુ એક સામાન્ય મનુષ્ય, વિશ્વના બનાવનારને શું આપી શકે? જોકે, ઈશ્વરને મનુષ્યની ભેટ કે મદદની જરૂર નથી. સમય જતાં, હાબેલ સમજી શક્યા કે ઈશ્વરને ખુશ કરી શકાય છે. જો તે સારાં ઇરાદાથી સૌથી સારી વસ્તુ આપે, તો યહોવા ઈશ્વર ખુશ થશે.

તેથી ઈશ્વરને અર્પણ ચઢાવવાનો હાબેલે વિચાર કર્યો. તેમણે પ્રથમ જન્મેલાં ઘેટાંમાંથી સૌથી સારાં ઘેટાં પસંદ કર્યાં. એ ઘેટાંઓના સારાં લાગતા ભાગોનું અર્પણ ચઢાવવા તેમણે તૈયારી કરી. કાઈનને પણ ઈશ્વરના આશીર્વાદો અને કૃપા જોઈતાં હતાં. તેથી તેણે પણ પોતાની ઊપજમાંથી અર્પણ ચઢાવવાની તૈયારી કરી. પરંતુ, તેના ઇરાદા હાબેલ જેવા ન હતા. એ તફાવત બંને ભાઈઓએ ઈશ્વરને ચઢાવેલાં અર્પણોમાં દેખાઈ આવ્યો.

હાબેલે પૂરી શ્રદ્ધાથી અર્પણ ચઢાવ્યું; કાઈને એમ ન કર્યું

આદમના બંને દીકરાઓએ વેદી પર અગ્‍નિથી અર્પણ ચઢાવ્યું. કરુબો જોઈ શકે એ રીતે કદાચ તેઓએ અર્પણ ચઢાવ્યું હશે, કેમ કે એ સમયે પૃથ્વી પર ફક્ત કરુબો જ યહોવાને દર્શાવતા હતા. પછી, “યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં.” (ઉત્પત્તિ ૪:૪) યહોવાએ કઈ રીતે અર્પણ માન્ય કર્યું એ વિશે અહેવાલ કંઈ જણાવતો નથી. પરંતુ, સવાલ થાય કે તેમણે હાબેલનું અર્પણ કેમ પસંદ કર્યું?

શું એ અર્પણ પ્રાણીનું હતું એટલે? હાબેલે જીવંત પ્રાણીનું કિંમતી લોહી વહેવડાવ્યું. શું હાબેલ જાણતા હતા કે એવું બલિદાન મૂલ્યવાન છે? હાબેલ થઈ ગયા એની ઘણી સદીઓ પછી ઈશ્વરે ખોડખાંપણ વગરના હલવાનનું બલિદાન ચઢાવવા જણાવ્યું. એ તેમના સંપૂર્ણ દીકરાના બલિદાનને રજૂ કરતું હતું. દીકરાને “ઈશ્વરનું હલવાન” કહેવાય છે, જેનું નિર્દોષ લોહી વહેવડાવવામાં આવ્યું. (યોહાન ૧:૨૯; નિર્ગમન ૧૨:૫-૭) પણ લાગે છે કે એ બધું હાબેલના જ્ઞાન અને સમજણની બહારની વાત હતી.

જોકે, એક વાત ખાતરીથી કહી શકીએ કે હાબેલ પાસે જે સૌથી સારું હતું એ તેમણે અર્પણ કર્યું. એ અર્પણ માન્ય કરવાની સાથે સાથે હાબેલ પર યહોવા પ્રસન્‍ન હતા. કેમ કે, હાબેલને યહોવા માટે પ્રેમ હતો અને પૂરી શ્રદ્ધાથી અર્પણ ચઢાવ્યું હતું.

કાઈનનો કિસ્સો જુદો હતો. યહોવાએ “કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યાં નહિ.” (ઉત્પત્તિ ૪:૫) કાઈને ચઢાવેલા જમીનની ઊપજના અર્પણમાં કંઈ ખોટું ન હતું. કેમ કે, પછીથી એવાં અર્પણોનો સમાવેશ યહોવાએ આપેલા નિયમોમાં થયો હતો. (લેવીય ૬:૧૪, ૧૫) બાઇબલ કહે છે કે, કાઈનના “કામ ભૂંડાં હતાં.” (૧ યોહાન ૩:૧૨) આજે મોટા ભાગના લોકો કરે છે તેમ, કાઈને પણ ઈશ્વરની ભક્તિ કરવાનો ઢોંગ કર્યો હતો. તેને યહોવા માટે ખરી શ્રદ્ધા કે પ્રેમ ન હતો, એ તેના કાર્યમાં સાફ દેખાઈ આવ્યું.

ઈશ્વરની કૃપા મેળવી નથી એ જોઈ શું કાઈને હાબેલ પાસેથી કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો? ના. એના બદલે કાઈને પોતાના ભાઈને નફરત કરી. યહોવાએ જોયું કે કાઈનના મનમાં શું ચાલી રહ્યું છે, એટલે તેમણે તેને શાંતિથી સમજાવ્યો. તેને ચેતવ્યો કે જો તે એમ વિચાર્યા કરશે, તો પાપ કરવા તરફ દોરાશે. તેમણે કાઈનને ખાતરી અપાવી કે જો તે સુધરશે તો “માન્ય” થશે.—ઉત્પત્તિ ૪:૬, ૭.

કાઈને ઈશ્વરની ચેતવણી ધ્યાનમાં લીધી નહિ. કાઈને નાના ભાઈને પોતાની સાથે ખેતરમાં ચાલવા બોલાવ્યો, ત્યાં તેણે અચાનક હુમલો કરીને હાબેલને મારી નાખ્યો. (ઉત્પત્તિ ૪:૮) એક રીતે જોતા, ધાર્મિક સતાવણીનો સૌથી પહેલો ભોગ હાબેલ બન્યા હતા. પ્રથમ શહીદ. તે મરણ પામ્યા પરંતુ તેમનો કિસ્સો ત્યાં જ ખતમ થયો નહિ.

હાબેલનું લોહી જાણે યહોવા પાસે સાચા ન્યાયની માંગ કરતું હતું. યહોવાએ ન્યાય કર્યો અને દુષ્ટ કાઈનને પોતાના ગુનાની સજા કરી. (ઉત્પત્તિ ૪:૯-૧૨) એ ઉપરાંત, હાબેલની શ્રદ્ધા હજી પણ આપણી સાથે વાત કરે છે. હાબેલ જેટલું જીવ્યા એ તેમના સમય ગાળા પ્રમાણે ટૂંકું કહેવાય. પરંતુ તેમણે પોતાના જીવનથી ઈશ્વરને ખુશ કર્યા. તે મરણ પામ્યા ત્યારે જાણતા હતા કે પોતાને યહોવા માટે પ્રેમ છે અને યહોવા તેમના પર ખુશ છે. (હિબ્રૂ ૧૧:૪) આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા કદી હાબેલને ભૂલશે નહિ. અને સુંદર પૃથ્વી પર તેમને ફરી જીવતા કરશે. (યોહાન ૫:૨૮, ૨૯) શું તમે તેમને ત્યાં મળવા ચાહો છો? જો તમે પણ હાબેલનું કહેવું સાંભળશો અને શ્રદ્ધા રાખવામાં તેમનો સુંદર દાખલો અનુસરશો, તો તમે તેમને ચોક્કસ મળશો. (w13-E 01/01)

a ‘જગતનો આરંભ’ એ શબ્દો બતાવે છે કે ત્યારથી મનુષ્યના વંશની શરૂઆત થઈ હતી. એટલે ઈસુ શરૂઆતના મનુષ્યોના બાળકોની વાત કરતા હતા. તો પછી, તેમણે કેમ પ્રથમ જન્મેલાં બાળક કાઈનને નહિ પણ હાબેલને ‘જગતના આરંભ’ સાથે જોડ્યા. કાઈનના નિર્ણયો અને કામો તેને યહોવાની વિરુદ્ધ લઈ ગયાં. આદમ-હવાની જેમ કાઈનને પણ સજીવન થવાનો અને પાપમાંથી છૂટવાનો મોકો નહિ મળે.