બાઇબલ જીવન સુધારે છે
“મારું વર્તન અસંસ્કારી હતું”
-
જન્મ: ૧૯૬૦
-
દેશ: ફિનલૅન્ડ
-
પહેલાં કેવા હતા: હેવી-મેટલ મ્યુઝિશિયન
મારો ભૂતકાળ:
હું તુર્કુ શહેરમાં મધ્યમ વર્ગના લોકોના વિસ્તારમાં મોટો થયો હતો, જે દરિયાઈ બંદર પણ છે. મારા પિતા બૉક્સિંગ ચૅમ્પિયન હતા. હું તથા મારો નાનો ભાઈ પણ બૉક્સિંગ કરતા હતા. સ્કૂલમાં લડવા માટે મને વારંવાર ઉશ્કેરવામાં આવતો અને હું પણ મુક્કાબાજી કરતા કદી અચકાતો નહિ. તરુણ ઉંમરે, હું ગુંડા ટોળીમાં ભળી ગયો, જેને લીધે વધારે મારફાડમાં આવી પડતો. હું હેવી-મેટલ મ્યુઝિકમાં પણ રસ લેવા લાગ્યો અને રોકસ્ટાર બનવાના સપનાં જોવા લાગ્યો.
મેં કેટલાક ડ્રમ્સ ખરીદ્યા, બૅન્ડ બનાવ્યું અને થોડા જ સમયમાં બૅન્ડનો મુખ્ય ગાયક બની ગયો. મને સ્ટેજ પર બેકાબૂ બની જવાનું ગમતું. અમારું બૅન્ડ ધમાલ મચાવી દેતું અને અમારો દેખાવ લઘરવઘર હતો, એટલે ધીમે ધીમે અમે જાણીતા થવા લાગ્યા. અમે મોટા કોન્સર્ટ કરવા લાગ્યા અને થોડા રેકોર્ડિંગ પણ બહાર પાડ્યા. એમાંનું છેલ્લું ઘણાને પસંદ પડ્યું. ૧૯૮૦ના દાયકાના અંતમાં અમે બૅન્ડને વધારે જાણીતું બનાવવા અમેરિકા ગયા. અમે ન્યૂ યૉર્ક અને લોસ એન્જલસમાં કેટલાંક કોન્સર્ટ કર્યા, અને ફિનલૅન્ડ પાછા ફરતા પહેલાં મ્યુઝિકની દુનિયા સાથે સંકળાયેલા અમુક સાથે સારા સંબંધો પણ બનાવ્યા.
બૅન્ડમાં મને ખૂબ મજા આવતી તોપણ મારા જીવનનો હેતુ જાણવા હું તલસતો હતો. મ્યુઝિકની દુનિયામાં સખત હરીફાઈને લીધે નિરાશ થયો હતો અને મારી બેફિકરી જિંદગીથી કંટાળ્યો હતો. મને લાગતું કે હું ખરાબ વ્યક્તિ છું અને નર્કમાં રિબાવાનો મને બહુ ડર લાગતો. કેટલાક જવાબો શોધવા મેં બધા પ્રકારના ધાર્મિક પુસ્તકો ફેંદી નાંખ્યા. મને કાયમ એવું થતું કે હું ઈશ્વરને કદી ખુશ નહિ કરી શકું, તોપણ મદદ માટે હું વારંવાર તેમને પ્રાર્થના કરતો.
બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
જીવન ગુજારવા માટે હું પોસ્ટ ઑફિસમાં કામ કરતો. એક દિવસ મને ખબર પડી કે મારી સાથે કામ કરનાર એક ભાઈ યહોવાનો સાક્ષી છે. મેં તેના પર સવાલોનો મારો ચલાવ્યો. તેણે ગળે ઊતરી જાય એ રીતે બાઇબલમાંથી જવાબો આપ્યાં. એટલે મને રસ જાગ્યો અને તેની પાસેથી બાઇબલમાંથી શીખવાની હા પાડી. અભ્યાસ શરૂ કર્યે થોડાં અઠવાડિયાં જ થયા હશે ત્યાં મારા બૅન્ડને મ્યુઝિક આલ્બમ બનાવવાની આકર્ષક ઑફર મળી. એ આલ્બમ
અમેરિકામાં પણ બહાર પડવાની શક્યતા હતી. મને થયું કે આખી જિંદગી જેની રાહ જોઈ હતી એ તક આવી પહોંચી છે.મને બાઇબલમાંથી શીખવનાર ભાઈને મેં જણાવ્યું કે મારે બસ આ છેલ્લું આલ્બમ કરવું છે; અને પછી હું જીવનમાં બાઇબલ સિદ્ધાંતો તન-મનથી લાગુ પાડીશ. પોતે શું વિચારે છે એ વિશે ભાઈએ કંઈ જણાવ્યું નહિ. તેમણે મને માથ્થી ૬:૨૪માં ઈસુએ જે કહ્યું હતું એ વાંચવા કહ્યું. એમાં લખ્યું છે: ‘કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ.’ ઈસુના એ શબ્દોનો અર્થ સમજ્યો ત્યારે હું દંગ રહી ગયો. થોડા દિવસો પછી, એ ભાઈનો દંગ થવાનો વારો આવ્યો! મેં તેમને જણાવ્યું કે ઈસુને પગલે ચાલવા માંગતો હોવાથી મેં બૅન્ડ છોડી દીધું છે!
બાઇબલ મારા માટે અરીસા જેવું હતું, જે મારી ખામીઓ બતાવતું હતું. (યાકૂબ ૧:૨૨-૨૫) હું જોઈ શક્યો કે મારું વર્તન અસંસ્કારી હતું: હું ઘમંડી હતો, મહત્ત્વાકાંક્ષાનો ભૂખ્યો હતો, ગાળાગાળી ને મારા-મારી કરતો, ધૂમ્રપાન કરતો તથા બેફામ દારૂ પીતો. જ્યારે મને ખ્યાલ આવ્યો કે મારું જીવન બાઇબલ સિદ્ધાંતોથી કેટલું અલગ છે, ત્યારે એ જાણીને હું ખૂબ હતાશ થઈ ગયો. તોપણ, હું જીવનમાં જરૂરી બદલાવ કરવા તૈયાર હતો.—એફેસી ૪:૨૨-૨૪.
“આપણા સ્વર્ગમાંના ઈશ્વરપિતા દયાળુ છે. જે લોકો ભૂલોનો પસ્તાવો કરે છે, તેઓના ઘા પર મલમ લગાવવા તે આતુર છે”
શરૂઆતમાં તો, અગાઉ કરેલી ભૂલોને લીધે હું પશ્ચાત્તાપમાં ડૂબી ગયો. પણ બાઇબલમાંથી શીખવતા ભાઈએ મને એમાંથી બહાર આવવા ખૂબ જ મદદ કરી. તેમણે મને યશાયા ૧:૧૮માં બાઇબલ જે જણાવે છે એ બતાવ્યું: “તમારાં પાપ જોકે લાલ વસ્ત્રના જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે.” આ અને બીજી બાઇબલ કલમોથી મને ખાતરી થઈ કે આપણા સ્વર્ગમાંના ઈશ્વરપિતા દયાળુ છે. જે લોકો ભૂલોનો પસ્તાવો કરે છે, તેઓના ઘા પર મલમ લગાવવા તે આતુર છે.
યહોવાને ઓળખવા લાગ્યો તેમ, હું તેમને વધારે ચાહવા લાગ્યો. એટલે મેં તેમની સેવામાં મારું જીવન આપી દેવાનું નક્કી કર્યું. (ગીતશાસ્ત્ર ૪૦:૮) ૧૯૯૨માં સેન્ટ પીટ્સબર્ગ, રશિયામાં યહોવાના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં મેં બાપ્તિસ્મા લીધું.
મને કઈ રીતે ફાયદો થયો:
યહોવાના ભક્તોમાં મેં ઘણા સારા મિત્રો બનાવ્યા છે. સમયે સમયે, અમે ભેગાં થઈને સારું સંગીત વગાડીએ છીએ અને ઈશ્વર તરફથી મળેલી એ ભેટનો આનંદ માણીએ છીએ. (યાકૂબ ૧:૧૭) મારી વહાલી પત્ની ક્રિસ્ટીના સાથે થયેલા લગ્નને હું મોટો આશીર્વાદ ગણું છું. તેને જીવનના સુખ-દુઃખ અને દિલની લાગણીઓમાં મેં સહભાગી બનાવી છે.
હું યહોવાનો સાક્ષી ન બન્યો હોત તો આજે કદાચ જીવતો ન હોત. ભૂતકાળમાં હું વારંવાર મુશ્કેલીઓમાં આવી પડતો હતો. હવે, હું જીવનનો ખરો હેતુ સમજું છું અને મારા જીવનની ગાડી પાટા પર આવી છે. (w13-E 04/01)